સિંહ કેટલા સલામત? શું માત્ર સરકારના ભરોસે સિંહને બચાવી શકાશે?

સિંહને ગીરનું જંગલ ટૂંકું પડતું ગયું

વન્યસૃષ્ટિ – દેવેન્દ્ર જાની
devendrajani.abhiyaan@gmail.com

સમગ્ર એશિયામાં સિંહનું સરનામંુ માત્ર ગીરમાં જ બચ્યું છે. ગીરમાં સિંહને પ્રાકૃતિક વાતાવરણ તો અનુકૂળ આવ્યું છે, પણ ગીરના સ્થાનિક લોકોએ સિંહને પરિવારની જેમ પ્રેમ કર્યો છે. પરિણામે સિંહ સચવાયા છે. છેલ્લાં બે વર્ષમાં ૧૮૪ સિંહનાં મોત થયાંનું સરકારે જાહેર કર્યા બાદ ફરી એક વાર સિંહની સલામતીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

ગુજરાત સરકારે વિધાનસભામાં છેલ્લાં બે વર્ષમાં ૧૮૪ સિંહોનાં મૃત્યુ થયાનો આંકડો જાહેર કર્યો છે. વર્ષ ર૦૧૬માં ૧૦૪ અને વર્ષ ર૦૧૭માં ૮૦ સિંહોનાં મોત થયાનું સરકારે જાહેર કર્યું છે તે આંકડા સિંહોની સલામતીને લઈને ચિંતા ઉપજાવે છે, કારણ કે છેલ્લાં કેટલાંય વર્ષોના આંકડાઓ જોઈએ તો એક વર્ષમાં આટલી મોટી સંખ્યામાં સિંહનાં મોત થયાં નથી. એશિયામાં એક માત્ર ગીર હવે સિંહનું રહેઠાણ બચ્યું છે અને ગુજરાત એ ગૌરવ લઈ શકે છે કે સિંહને માત્ર સાચવ્યા નથી, પણ તેનું સંવર્ધન કર્યું છે. ગીરમાં સિંહોની સંખ્યા સતત વધતી જાય છે જંગલ એરિયા ઘટી રહ્યો છે એટલે સિંહ જંગલ એરિયાની બહાર રેવન્યુ વિસ્તારમાં નીકળી રહ્યા છે. સવાલ એ છે કે માત્ર સરકારી તંત્રના ભરોસે સિંહ બચી શકશે?

જંગલ એરિયામાંથી સિંહ જે બહાર આવી રહ્યા છે તેને માટે ખોરાક અને હુમલાઓ સહિતનો ખતરો ઊભો થયો છે. છેલ્લાં બે વર્ષમાં ૧૮૪ સિંહનાં મોત થયાં તેમાં ૩ર મોત અકુદરતી થયાં છે તે ખરેખર ચિંતાનો વિષય છે. ગીરના જંગલમાં માલધારીઓના નેસ ઘટી રહ્યા છે. માલધારીઓ સિંહને પરિવારના સદસ્ય જેવો પ્રેમ કરતા હોય છે. ગીરમાં સિંહ સચવાયા હોય તો તેમાં માલધારીઓનો સિંહપ્રેમ એ મહત્ત્વનું કારણ છે, પણ છેલ્લા કેટલાક સમયથી જંગલમાંથી નેસ હટાવવામાં આવી રહ્યા છે. હાલ માત્ર પ૪ જેટલા જ નેસ બચ્યા છે. બીજી બાજુ સાવરકુંડલા જેવા શહેરી વિસ્તારની સોસાયટીઓથી માંડી ઘોઘા સુધી સિંહ રેવન્યુ વિસ્તાર સુધી પહોંચી રહ્યા છે. સિંહના અભ્યાસુઓ કહે છે, સિંહ રોડ પર નીકળી જાય છે ત્યારે વાહનોની હડફેટે કે રેલવે ટ્રેક પર આવી જવાથી તેના જાન પર ખતરો ઊભો થાય છે. સિંહ દર્શનના નામે ખલેલ પહોંચાડવામાં આવી રહી છે. સિંહનાં ટોળાંની પાછળ વાહનો દોડાવવામાં આવે છે.

બીજું, જંગલોમાં ખોરાકથી માંડી તેના જીવન માટેની દરેક જરૃરિયાતો મળી શકે છે, પણ રેવન્યુ વિસ્તારમાં એક વાર નીકળી ગયેલો સિંહ ફરી જંગલમાં જતો નથી તે સતત સંઘર્ષ કરતો રહે છે અને મોતને ભેટે છે. સ્ટેટ વાઇલ્ડ લાઈફ બોર્ડના પૂર્વ સદસ્ય રવતુભા રાયજાદા પણ માને છે કે રેવન્યુ વિસ્તારમાં સિંહ સલામત નથી તેમ હું ચોક્કસ માનું છું. સિંહની સંખ્યા વધી રહી હોવાથી જંગલમાં સિંહ વચ્ચે ટેરટરીને લઈને ઇનફાઇટ વધી રહી છે. મજબૂત સિંહો નબળા સિંહને બહાર ધકેલતા રહે છે તો કેટલાક સિંહ ખોરાકની શોધમાં રેવન્યુ એરિયામાં છેક સોસાયટીઓ સુધી આવી જાય છે. સિંહ બચાવવા હોય તો માત્ર સિંહ તરફ જ નહીં જંગલમાં જે આખી કુદરતી રીતે તેને ખોરાક મળી રહે તેને બચાવવાથી માંડી આખી સિસ્ટમને બચાવી પડશે. ગીરના જંગલની ક્ષમતા રપ૦ જેટલા સિંહને સાચવવાની છે તેની સામે ડબલ કરતાં વધુ સિંહોની વસતી થઈ ગઈ છે. સિંહ વધે છે તે સારી બાબત છે, પણ તેને સાચવવામાં અનેક સમસ્યાઓ ઊભી થઈ રહી છે. વન વિભાગમાં બીટ ગાર્ડ, ફોરેસ્ટર અને આરએફઓની જગ્યાઓ ખૂબ ખાલી પડી છે તેની અસર મોનિટરિંગ પર થાય છે.

સિંહને ગીરનું જંગલ ટૂંકું પડતું ગયું
ગીર એક સમયે સિંહના શિકાર માટે જાણીતું હતું. નવાબી શાસનમાં ગીરના જંગલોમાં સિંહોના શિકાર થતા હતા.
ધીરે-ધીરે સ્થિતિ એવી સર્જાઈ કે ગીરના જંગલોમાં સિંહની વસ્તી લુપ્ત થવાના આરે આવી ગઈ. જૂનાગઢના નવાબે સિંહને સાચવવામાં રસ લીધો અને શિકાર પર પ્રતિબંધ મુક્યો હતો. નવાબના શાસન બાદ ગુજરાત રાજ્ય અલગ થયું ત્યાર બાદ સિંહોના જતન માટેના પ્રયાસો સરકાર તરફથી વધ્યા હતા. ૧૯૬પમાં ગીર અભયારણ્યનો ૧૧પ૩ કિ.મી.નો એરિયા રક્ષિત જાહેર કરવામાં આવ્યો હતો. આમ છતાં પણ ગીરનું જંગલ સાવજને ટૂંકંુ પડ્યું અને રક્ષિત વિસ્તાર વધારવાની માગણીઓ કરવામાં આવતાં ૧૯૭પમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનો રપ૮ સ્ક્વેર કિ.મી.નો એરિયા રક્ષિત જાહેર કરવામાં આવ્યો હતો. ગીરના જંગલનું અભયારણ્ય હાલ ૧૪૧ર સ્ક્વેર કિ.મી.નો વિસ્તાર ધરાવે છે, જ્યારે જંગલ વિસ્તાર તો રર૦૦૦ કિ.મી.નો છે. સિંહની વસતી સતત વધતી રહી અને તેનું પરિણામ એ આવ્યું કે જંગલ એરિયામાંથી બહાર( રેવન્યુ એરિયા)માં સિંહનો વસવાટ વધતો ગયો. સરકારે એટલે જ ર૦૦૪માં મિતીયાળા અને ર૦૦૮માં ગિરનાર અભયારણ્ય જાહેર કર્યું હતું. રક્ષિત વિસ્તારમાં સમયાંતરે વધારો કરવામાં આવી રહ્યો છે. હાલ સિંહની વસ્તી ૬૦૦ સુધી પહોંચી છે.

માલધારીઓ અને નેસ ઘટ્યા
ગીરમાં માલધારી અને સિંહોનું એક સિક્કાની બે બાજુ જેવું છે. ગીરનાં જંગલોમાં સિંહના વસવાટની સાથે માલધારીઓના વસવાટ માટેના નેસ પણ ખૂબ જાણીતા છે. ગીરમાં સિંહની પ્રજાતિ સચવાઈ તે માટે સૌથી મહત્ત્વનું કારણ હોય તો એ છે કે ગીરના માલધારીઓનો સિંહપ્રેમ છે. વાઇલ્ડ લાઇફના જાણકારો ત્યાં સુધી કહે છે, ‘ગીરના નેસમાંથી સિંહ મારણ કરી જાય તો પણ માલધારીઓમાં સિંહ પ્રત્યે વેરભાવના જોવા મળતી નથી. જ્યારે અન્ય જંગલોમાં સ્થાનિક પ્રજાઓ બદલો લેવા મારણમાં ઝેર નાખતી હોય છે. માલધારીઓ સિંહોને પોતાના પરિવારની જેમ સાચવતા હોય છે એટલે જ ગીરમાં સિંહ બચ્યા છે. જોકે કમનસીબે ગીરમાં માલધારીઓ અને નેસની સંખ્યા ઘટી રહી છે. એક સમયે ગીરમાં ૧રપથી વધુ નેસ જોવા મળતા હતા, જ્યારે હાલ સત્તાવાર આંકડા મુજબ માત્ર પ૪ નેસ જ છે. હાલ ૬૦૦ જેટલા પરિવારોની આશરે ૪૦૦૦ જેટલી વસતી બચી છે. વન વિભાગે માલધારીઓને પેકેજ આપીને અન્ય જગ્યાએ વસાવી રહી છે.’ સાસણની બાજુમાં આવેલા ભોજદે ગામના રહીશો કહે છે, ‘માલધારીઓ ગીરમાં હોય તો પશુઓની સંખ્યા પણ વધારે હોય, પરિણામે સિંહ અને અન્ય વન્ય પ્રાણીઓને ખોરાક મળી રહેતો હતો. હવે માલધારીઓ દૂર જતા રહેતા સિંહને ખોરાક માટે જંગલની બહાર નીકળવું પડે છે. બીજંુ, ટૂરિઝમ વધ્યું છે. ગીરમાં પ્રવાસીઓની અવર-જવર વધી હોવાથી સિંહને ખલેલ પહોંચી રહી છે.

ગીરમાં નેસડા હતા તે સતત ઘટતાં રહ્યા છે. નેસ અને માલધારીઓની સંખ્યા ઘટી છે. અગાઉ ગીરનાં જંગલોમાં વન વિભાગની ટુકડીઓ ફેરણું કરતી મતલબ કે પગપાળા જંગલની અંદર ફરતા હતા. હવે વન વિભાગનાં સ્ટાફ જંગલોમાં ગાડીઓમાં ફરતો થયો છે. એટલે જંગલની અંદરની કેટલીક હકીકતોથી તેઓ અજાણ રહેતા હોય છે.

છેલ્લાં ૪૦ વર્ષથી ગીરનું જંગલ ખૂંદતા રમેશભાઈ રાવલ કહે છે, ‘ગીરમાં સિંહને બચાવવા સાચા અર્થમાં લોકજાગૃતિની જરૃર છે. માત્ર સરકારી પ્રયાસો પૂરતાં નથી અને સરકારને કહ્યું હતું, સિંહને જંગલમાં ઘર નહીં મળે તો તે બહાર શોધવા નીકળી જશે.’
ટૂરિઝમ વધ્યું છે તેની સામે એક નબળું પાસું એ સામે આવ્યું છે કે લાયનના કોરિડોર ખતમ થઈ રહ્યા છે. હોટલો અને રિસોર્ટ વધતાં ગયાં તેમ-તેમ સિંહનાં રહેઠાણો અને તેમના રૃટ બદલતા ગયા છે. વાઇલ્ડ લાઈફ ડિસ્ટર્બ થઈ રહ્યું છે.

એક સમયે સરકાર જ લાયન શૉ કરતી
ગીરમા થતાં લાયન શૉ હંમેશાં ચર્ચામાં રહ્યા છે. એક સમય હતો કે વન વિભાગ ખુદ લાયન શૉ કરતો હતો જ્યારે કોઈ વીવીઆઈપી ગીરની મુલાકાતે આવતા હતા ત્યારે મારણ મુકીને લાયન શૉ કરવામાં આવતા હતા. પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ ગીરની મુલાકાતે આવ્યા હતા ત્યારે સરકારી તંત્રએ જ લાયન શૉ કરી તેમને સિંહ દર્શન કરાવ્યું હતુંુ. ૧૯૮૭ સુધી ગીરમાં સરકાર ખુદ મારણ આપીને લાયન શૉ કરાવતી હતી, પણ આ મુદ્દે ખૂબ ચર્ચાઓ અને ફરિયાદો ઊઠતા અંતે સરકારે આવા લાયન શૉ પર પ્રતિબંધ મુક્યો હતો. હવે તો સિંહ દર્શન જોવા જવાની એક ફેશન થઈ પડી છે. સિંહ પર આવી હરકતોથી જોખમ વધી જાય છે.
—-.
કયા વર્ષોમાં કેટલા સિંહનાં મોત થયાં?
વર્ષ              મોત
ર૦૦૯-૧૦     ૪પ
ર૦૧૦-૧૧     ૪૪
ર૦૧૧-૧ર     ૩૭
ર૦૧ર-૧૩     ૪૮
ર૦૧૪-૧પ    પ૪
ર૦૧૬          ૧૦૪
ર૦૧૭          ૮૦
——.
કયા જિલ્લામાં કેટલા સિંહ છે?
ગીરમાં સિંહની વસ્તીની ગણતરી હાલ દર પાંચ વર્ષે કરવામાં આવે છે. અંગ્રેજોના શાસનકાળથી ગીરમાં સિંહની ગણતરી શરૃ કરવામાં આવી હતી. સોૈ પહેલાં ૧૮૮૦માં કર્નલ વોટસને ગણતરી કરાવી હતી ત્યારે માત્ર ૧ર સિંહનો જ ગીરમાં વસવાટ હોવાનું સામે આવ્યું હતું. ગુજરાત રાજ્ય અલગ થયું ત્યાર બાદ પ્રથમવાર ૧૯૬૮માં ગણતરી કરાઈ ત્યારે ૧૭૭ સિંહ હોવાનું માલૂમ પડ્યું હતું. બાદમાં સતત સિંહની સંખ્યા વધતી ગઈ. ૧૯૧૦માં ૪૧૧ સિંહ હતા તે છેલ્લે વર્ષ ૧૯૧પમાં જ્યારે ગણતરી કરાઈ ત્યારે સંખ્યા પર૩ થઈ હતી. એક સમયે માત્ર જૂનાગઢ જિલ્લામાં જ સિંહ જોવા મળતા હતા, પણ હવે ટેરેટરી મોટી થઈ છે, હાલ કયા જિલ્લામાં કેટલા સિંહ છે તે જોઈએ તો જૂનાગઢ ર૬૮, ગીર સોમનાથ ૪૪, અમરેલી ૧૭૪ અને ભાવનગર જિલ્લામાં ૩૭ સિંહનો વસવાટ છે.
———–.

એશિયાટીક લાયનદેવેન્દ્ર જાનીવન્યસૃષ્ટિસિંહોના મૃત્યુ
Comments (0)
Add Comment