દુનિયામાં જેમની નોંધ જ ન લેવાતી હોય એવા સારા માણસોની સંખ્યા વધુ છે…

ભારતીય પ્રજાની વચ્ચે રહીને આજે પણ ભૂખે મરવાનું મુશ્કેલ છે,

હૃદયકુંજ – દિલીપ ભટ્ટ
bhattdilip2000@gmail.com

સારા માણસ હોવું એ કાંઈ સહેલું તો નથી છતાં આ પૃથ્વી પરના માનવ જીવનની એ એક સદાકાળની લાક્ષણિક્તા રહી છે કે ચાલાક અને ચોર લોકોની તુલનામાં સારા માણસોની સંખ્યા સદાય વધુ રહી છે. એ અલગ વાત છે કે એમની નોંધ ન પણ લેવાતી હોય. બધી સજ્જનતાને કીર્તિના ત્રાજવે તોળવાનું યોગ્ય નથી. એવા લોકોની સંખ્યા બહુ મોટી અને દરેક ક્ષેત્રમાં છે કે જેઓના જ વ્યક્તિગત અપાર પ્રયત્નોથી આપણી આજની જિંદગી રળિયામણી બની છે. કોઈનું અવસાન થાય ત્યારે પરિવારને આઘાત હોય છે, પરંતુ શું સમાજ પણ આઘાત અનુભવે છે? હંમેશાં તો નહીં. કેટલા બધા લોકો એવા છે જેમનું પ્રદાન આ સમાજના ચોપડે જ ચડ્યું હોતું નથી અને આમ પણ મૃત્યુ પામેલા માણસ માટે જેમને ખબર પડે તે તમામ એક સ્વરે કહે કે – સારા માણસ હતા હો…. એવું મરણોત્તર પ્રમાણપત્ર મેળવવું પણ જિંદગીનો સામાન્ય ઉપક્રમ તો નથી. આપણા ગમન પછી જેઓ આપણે માટે સુવચનો ઉચ્ચારે તેઓને તેમ કહેવું સહેલું લાગે એવી જિંદગી મૃતકે પસાર કરી હોવી જોઈએ અને સ્વાભાવિક છે કે એ ઊંચાઈએ પહોંચવા માટે મૃતકે આજીવન ઘણું જતું કર્યું હોય.

લોકપ્રિયતા એક વાત છે અને બહુ મર્યાદિત કાર્યક્ષેત્રમાં સારા માણસ તરીકે કામ કરવું એક અલગ દુનિયા છે. કોઈ તમારાં નાનાં-નાનાં સુખનાં અનેક બલિદાનોને કદી પણ ઓળખવાનું જ ન હોય છતાં એ બલિદાનો આપતાં રહેવાનો ક્રમ તમે અંત સુધી વ્યસનની જેમ જાળવ્યો હોય એનો આનંદ જુદો છે. આજે વિશ્વમાં જે ગ્રામસમાજ છે તેમાં હજુ આ સંખ્યા મોટી છે. હજુ પણ દાનના ફાળામાં એવું વાંચવા મળે છે કે – રામભરોસે અથવા એક સદગૃહસ્થ અથવા અનામી. એનો અર્થ છે કે દાતાએ કીર્તિની કામના પર, લોભથીય વહેલા વિજય મેળવી લીધેલો છે. આવા લોકોની દાનની રકમ નાની હોય તોય એમનું સાંસારિક મહત્ત્વ વિશેષ હોય છે. એસબીઆઈએ લઘુતમ જમા રાશિ ઓછી ધરાવતા ખાતેદારોને જે નાનો-નાનો દંડ ફટકાર્યો એનો કુલ સરવાળો સત્તર હજાર કરોડ રૃપિયા થાય છે. આના પરથી આપણને કામની વાત એટલી તો સમજાય છે કે ખરેખર સંસારમાં નાનાં કામો પણ ક્યાંક તો જમા થતાં હશે અને એનો મોટો સરવાળો આ જગતને વધુ સુંદર બનાવવામાં કામ આવતો હશે. અનામી મહાપુરુષોથી આ પૃથ્વી એટલી છલોછલ ભરી છે કે નામાંકિતો તો એમાં સાવ ઓછા અને અપવાદરૃપ લાગે. એવું પણ છે કે નામીઓથી અનામીઓ સત્કાર્યની રેસમાં બહુ આગળ છે. એક જમાનો હતો કે કેટલાં બધાં બાળકો એમનાં માતાપિતા સિવાય બીજા અજાણ્યા પાસે જ ઊછર્યા હોય.

આપણા સમાજ પાસે બાળકોને રમતાં-રમતાં મોટા કરી આપવાનું સ્વયમેવ વાતાવરણ હતું. હવે આ નથી એટલે દંપતીઓએ એકલાએ જ સંતાનો ઉછેરવાના દિવસો આવ્યા છે, કારણ કે દાદા અને દાદી સર્વત્ર સુલભ નથી. આને કારણે ક્યારેક બાળક જાણે કે એક પ્રોબ્લેમ હોય એ રીતની વાતો આપણને સાંભળવા મળે છે. કેટલાક મોટા થતાં જતાં બાળકોને એ ખબર પડવા લાગી છે કે આ લોકો સાલા મને પ્રોબ્લેમ ગણે છે. બાળકને આ ખબર પડી જાય પછી જે પ્રોબ્લેમ શરૃ થાય તેને ફેસ કરવાની કોઈ પેરેન્ટ્સમાં સૈદ્ધાંતિક રીતે જ તાકાત હોતી નથી, કારણ કે દરેક નવું જન્મતું બાળક આપણે કલ્પના પણ ન કરી હોય એવા અઢળક નવા મનોમન સોફ્ટવેર લઈને પૃથ્વી પર હવે અવતરે છે. હવે જન્મતાં બાળકો માટે પેરેન્ટ્સ જ એક પ્રોબ્લેમ હોય એવું હજુ સુધી તો નથી એ સારું છે, પરંતુ બહુ બધા લોકો માટે બાળક જો પ્રોબ્લેમ બનશે તો એ તો નક્કી જ છે કે બાળકોને માટે સૌથી મોટા પ્રોબ્લેમ તરીકે પેરેન્ટ્સ પ્રોજેક્ટ થશે. બહુ આઘાતજનક વાત એટલે નથી કે પશ્ચિમના દેશોમાં તો આ સ્થિતિની શરૃઆત ક્યારનીય થઈ ગઈ છે.

એ વિચારધારામાંથી પશ્ચિમના દેશો નીકળી જ ગયા છે કે આપણા હોય એ જ આપણું કલ્યાણ કરે. ત્યાં પણ કુલ ભલા લોકોની સંખ્યા આજે પણ વધુ છે અને નાગરિકતા અને જાહેર જીવનમાં તો ભલા લોકોનાં દ્રષ્ટાંતો ઠેર-ઠેર સાંભળવા મળે છે. ભારતીય સમાજે હમણાં જે પરિદ્રશ્યો દેખાય છે તે પ્રમાણે તો બહુ ગોથા ખાધા છે. તો પણ પેલો અજાણ્યો અને અનામી સજ્જન નાગરિક હજુ એના સારા કામોમાંથી પરવાર્યો નથી. ભારતીય પ્રજાની વચ્ચે રહીને આજે પણ ભૂખે મરવાનું મુશ્કેલ છે, કારણ કે આ પ્રજાના ધ્યાનમાં હોય ત્યાં સુધી તો કોઈને ભૂખ્યા રહેવા દે નહીં. કોઈ પણ પદયાત્રાએ દાણાપાણી વિના ભારત ભ્રમણ કરે તો એ ઘરથી અધિક તંદુરસ્તી પ્રાપ્ત કરીને આવે એમાં કોઈ શંકા નથી. આવું દુનિયાના બીજા દેશો માટે કહી શકાય એમ નથી. આર્થિક રીતે અવારનવાર ભાંગતું રહેતું હોવા છતાં ભારત એ ભારત છે.
————————–.

દિલીપ ભટ્ટભારતીયલોકપ્રિયતાહૃદયકુંજ
Comments (0)
Add Comment