રિયાલિટી શૉની શર્મનાક રિયાલિટી

બાળકીને હોઠ પર કિસ કરતો જોવા મળે છે.

– ગરિમા રાવ
hetalrao.abhiyaan@gmail.com

જ્યારે કોઈ બાળક ટેલિવિઝન પર રિયાલિટી શૉનો હિસ્સો બને છે ત્યારે પરિવાર સહિત તે શહેરના લોકો પણ ગર્વ અનુભવે છે, પરંતુ ખરેખર રિયાલિટી શૉની જે રિયાલિટી ટીવી પર જોવા મળે છે તેવી હોય છે ખરી! કુમળા બાળકને તો એ પણ ખબર નથી હોતી કે જેને તે પોતાના ગુરુ માને છે તે જજની નિયત કેટલી ખરાબ છે, આ વાતની પુષ્ટી કરે છે ગાયક પાપોને કરેલી અઘટિત હરકત.

દમ લગા કે હૈસાનું મોહ..મોહ કે ધાગે અને સુલતાન ફિલ્મનું બુલયા જેવા ગીત ગાઈને રાતોરાત પ્રસિદ્ધિ મેળવનાર પાપોનનું નામ આજે બોલિવૂડમાં ટોપના સિંગરોમાં લેવાય છે. કદાચ આ જ કારણોસર તેને એન્ડ ટીવી પર આવી રહેલા ‘ધ વોઇસ ઓફ ઇન્ડિયા કિડ્સ-ટુ’નો જજ બનાવવામાં આવ્યો હતો, પરંતુ તે ગરિમાને પાપોન સાચવી શક્યો નહીં માટે જજમાંથી તેને બરખાસ્ત કરવામાં આવ્યો છે. જોકે પાપોનનું કહેવું છે કે તેણે જાતે જ જજની ખુરશી છોડી છે. વાત જે હોય પણ અત્યારે પાપોન પોતાની જાતને સાચી સાબિત કરવા માટે પ્રયાસ કરી રહ્યો છે.

આ વાતની શરૃઆત કંઈક આ રીતે થઈ હતી. થોડા દિવસ પહેલાં પાપોને ‘વોઇસ ઓફ ઇન્ડિયા’ના બાળકો સાથે હોળી એન્જોય કરી રહેલો એક વીડિયો યુ-ટ્યૂબ પર અપલોડ કર્યો જેમાં તે એક બાળકીને હોઠ પર કિસ કરતો જોવા મળે છે. આ વાત પાપોન માટે નાની હશે, પરંતુ યુ-ટ્યૂબ પર વીડિયો જોનારી સુપ્રીમ કોર્ટની મહિલા વકીલે તેના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે. એટલંુ જ નહીં, પરંતુ અન્ય લોકોએ પણ આ એક શર્મનાક વાત છે અને સેકસુઅલ હેરેસમેન્ટ છે તેમ કહી સખત વિરોધ કર્યો છે. જેના કારણે પાપોને જજની ખુરશી છોડી અનેે પોતાનો પક્ષ રાખતા ટ્વિટ કર્યું કે, હું મારી પ્રોફેશનલ જવાબદારી પૂર્ણ કરવા માટે સક્ષમ નથી. મને કાયદો વ્યવસ્થા પર પૂરો વિશ્વાસ છે. આ આખો મુદ્દો પૂર્ણ થયા પછી જ હું પાછો ફરીશ. જ્યારે બીજી બાજુ જે બાળકી સાથે આ ઘટના બની તેનું કહેવું છે કે પાપોન સર નિર્દોષ છે અને જે રીતે મારા પપ્પા મને વ્હાલ કરે તે રીતે જ તે મને વ્હાલ કરે છે. સરે કશું જ ખોટું કર્યું નથી.

આ વિશે એન્ડ ટીવીના અધિકારી કહે છે, ‘અમે પ્રતિયોગિતાની સુરક્ષાનું પૂરું ધ્યાન રાખીએ છીએ. હંમેશાંથી એનસીપીસીઆરની ગાઇડલાઇન પ્રમાણે જ ચાલીએ છીએ. અમે એક જવાબદાર ચેનલના ભાગ રૃપે એ દરેક વ્યક્તિને સહયોગ આપીશું જે આ ઘટનાથી પ્રભાવિત થયા છે.’

જ્યારે બોલિવૂડમાં આ બાબતે દરેક વ્યક્તિના જુદા-જુદા વિચારો છે. કોઈ આ બનાવને શર્મનાક કહે છે તો કોઈ એમ પણ કહે છે કે લોકો આ વાતને સમજી નથી શક્યા, રવિના ટંડને ટ્વિટ કરીને આ વાતને ઘટિયા બતાવી છે અને પાપોનની ધરપકડ કરવાનું પણ કહ્યું છે. આ ઘટનાનો ભોગ બનનાર પ્રતિયોગિતાના પરિવાર પર દબાણ કરવામાં આવી રહ્યું છે કે આ આખી વાતને દબાવી દે. જે લોકો આનો બચાવ કરે છે તે શરમજનક છે.સુચિત્રા કૃષ્ણમૂર્તિએ તો પાપોનને ઉલ્લેખીને કહ્યું કે, ‘જો મારી દીકરી સાથે કોઈ આવંુ કરે તો હું તેની બરોબર ધોલાઈ કરું. જેના કારણે બીજું કોઈ આવી હરકત ન કરી શકે.’ ગોહરખાન કહે છે, ‘પિતા જેવો પ્રેમ આપવા માટે હાથ પર કિસ કરવાની જરૃર નથી. ગાલ ખેંચીને પણ પ્રેમ બતાવી શકાત. કોઈ નાબાલિક દીકરીને કિસ કરતા શરમ આવવી જોઈએ.’ જ્યારે ફરાહ ખાન કહે છે, ‘પાપોનને હું ઓળખું છું. તે ઘણો સારો માણસ છે, પરંતુ જ્યારે મેં વીડિયો જોયો તો હું હેરાન થઈ, તેનો ઇરાદો ભલે ખરાબ નથી, પરંતુ જો મારી દીકરીઓ સાથે પણ આવંુ થાય તો મને ચોક્કસથી ખરાબ લાગે. લોકોએ બીજાનાં બાળકો પર આ રીતે પ્રેમ બતાવાની કોઈ જરૃર નથી.

‘ ફિલ્મ નિર્માતા અશોક પંડિતએ નારાજગી બતાવીને કહ્યું કે, ‘છેડછાડ કર્યા પછી પણ પાપોનના હાવભાવ બિલકુલ બદલાયા નહોતા. તેનો ભડકાઉ વ્યવહાર તેની ઉદ્ધતાઈ દર્શાવે છે.’ જાણીતા ગાયક શાન કહે છે, ‘કેમેરાનો એંગલ થોડો અલગ હશે, પાપોન તે દીકરીને હોઠ પર કિસ નહીં કરતો હોય. હું પાપોનને ઘણા સમયથી જાણું છું, તે વિકૃત મનોવૃત્તિવાળો માણસ નથી.’ આવી સારી અને સુફિયાણી વાતો કર્યા પછી શાનને ભાન પડ્યું કે તે ખોટો હશે તે કારણોથી તેણે પોતાનું ટ્વિટ ડિલીટ કર્યું. કરણ ટેકર કહે છે, ‘પાપોન આ રીતની કોઈ અઘટિત હરકત ના કરે, જરૃર લોકોને સમજવામાં ભૂલ થઈ છે.’ પાપોને કરણના આખા પરિવારને એક કન્સર્ટમાં બોલાવ્યા હતા. કદાચ તે અહેસાન કરણ આજે ઉતારી રહ્યો હોય તેવું લાગે છે. સુનિધિ ચૌહાણનું કહેવું છે, ‘આ વીડિયો તેણે જોયો નથી માટે કશું કહી નહીં શકે. સાથે જ તે ઉમેરે છે કે અમે ગાયક જ્યારે કોઈનાં વખાણ કરીએ તો માત્ર બોલીને જ કરીએ છીએ.પાપોન એક સારો ગાયક છે અને તેની નિયત ચોખ્ખી હશે તો આ આખી બબાલમાંથી જરૃર તે બહાર નીકળી જશે.’ મહારાષ્ટ્ર મહિલા અઘિકારી આયોગ આ વિશે રિયાલિટી શૉના નિર્માતા સાથે વાતચીત કરશે. બાળકોની સુરક્ષા માટે કેવાં પગલાં લેવાઈ રહ્યાં છે તેની પણ જાણકારી પ્રાપ્ત કરશે.

પબ્લિસિટીની ભૂખમાં માતા-પિતા પણ બાળકોને આવા લોકોના હવાલે કરે છે. અને જ્યારે આવી કોઈ વાત બહાર આવે તો નીડર બની સામનો કરવાની જગ્યાએ પાપોન જેવા લોકોના સપોર્ટમાં આવી જાય છે. જેના કારણે આ સિલસિલો અટકતો નથી. બાળકની સુરક્ષાને લઈને ટીવી ચેનલો વિચારે તે જરૃરી છે. સાથે જ રિયાલિટી શૉમાં બાળક ભાગ લે તો માતા-પિતાએ પણ જવાબદારી નિભાવવાની હોય છે. પાપોનનો વીડિયો જોતા તો તે નિર્દોષ નથી લાગતો, પરંતુ પોતાની ચેનલને બચાવવા નિર્માતાઓ પાપોન જેવાને નિર્દોષ બનાવીને જ ઝંપશે. જે હોય તે પણ આ ઘટના રિયાલિટી શૉની વરવી વાસ્તવિક્તા રજૂ કરે છે.
————————-.

'વોઇસ ઓફ ઇન્ડિયા'ગરિમા રાવછેડછાડપાપોનરિયાલીટી શો
Comments (0)
Add Comment