ભૂતકાળમાં પુરાઇ ના જશો…

જે ઘરમાં એક વાર સુખી થયા હોઈએ તેની યાદ સતાવે છે

પંચામૃત – ભૂપત વડોદરિયા
abhaiyaan@sambhaav.com

એક મિત્ર લખે છેઃ ‘જે ઘરમાં એક વાર સુખી થયા હોઈએ તેની યાદ સતાવે છે. જે મિત્રની સાથે એક વાર મન ભરીને ગમ્મત કરી હતી તે મિત્રનો વિયોગ સતાવે છે. ઘણાંબધાં ગામ જોયાં અને ઘણીબધી નદીઓનાં પાણી પીધાં. વતનની નદીમાં ખોબે-ખોબે પીધેલાં પાણીનો સ્વાદ ફરી ક્યાંય મળ્યો નહીં! વધુ ને વધુ રૃપાળી જિંદગીની આશામાં આગળ ધકેલાતો રહ્યો છું, પણ જેમ આગળ જાઉ છું તેમ ખાતરી થતી જાય છે કે મારી જિંદગીમાં જે કંઈ શ્રેષ્ઠ હતું તે બધું પાછળ રહી ગયું છે-વીતી ગયું છે-ભૂતકાળમાં પડ્યું છે. ભૂતકાળનાં મીઠા સ્મરણો અને ભવિષ્યની આશાઓની વચ્ચે જાણે ખેંચતાણ ચાલે છે. ઘડીક પાછળ ધકેલાઈ જાઉં છું અને ઘડીક આગળ ફેંકાઈ જાઉં છું.’

આવી લાગણી થવી સ્વાભાવિક છે, પણ આવી લાગણીને તાબે થવાનું બરાબર નથી. એકાંતની બેઠકની જેમ ભૂતકાળમાં ઘડીક વાર જઈને બેસવું તે સારું છે, પણ ત્યાં જ પુરાઈ રહેવું તે ખોટું છે. જે આજની ક્ષણ છે અને આજની જે ક્ષણ તદ્દન સામાન્ય અને ખાસ દમ વગરની લાગે છે તે ક્ષણ વીતી જશે એટલે અમુક સમય પછી જૂના સંઘરી રાખેલા સિક્કાની જેમ કીમતી લાગશે. ગઈ કાલના સિક્કામાં અને આજના સિક્કામાં કંઈ ખાસ ફરક નથી અને છતાં ઘણો મોટો ફરક છે. માણસ ભૂતકાળને વાગોળે છે ત્યારે તેને તેમાં કંઈક વિશિષ્ટ સ્વાદનો અનુભવ થાય છે. માણસ વીતી ગયેલા દુઃખને યાદ કરે છે ત્યારે તેને એમાંથી મીઠાશ મળે છે. ભૂતકાળ એક જાદુગર છે અને તે આપણાથી દૂર ને દૂર ચાલી ગયેલી, વીતી ગયેલી પળો ઉપર નવાં-નવાં રંગીન ફાનસ ગોઠવ્યા કરે છે.

આખી જિંદગીની ગડમથલ પછી એક માણસ એક સુંદર મકાન બનાવે છે. પછી આ મકાનમાં પોતાના ખાસ સજાવેલા શયનખંડમાં ઊંઘની તકલીફની ફરિયાદ કરે છે. તેને થાય છે કે એક વાર એક ફાટેલીતૂટેલી અને કઠણ પથારીમાં જેવી ઊંઘ આવતી હતી તેવી ઊંઘ અહીં આવતી નથી. તેને લાગે છે કે એ પોતાની ઊંઘ જૂના ઘરમાં ભૂલીને આવ્યો છે!
બીજા કોઈને વળી લાગે છે કે પોતે પોતાની શાંતિ જૂના ઘરમાં કે અગાઉના કોઈ મહોલ્લામાં મૂકીને આવ્યો છે. કોઈને લાગે છે કે પોતે ઘણીબધી તનતોડ મહેનત કરીને ‘સુખી’ થયો પણ પોતાની તબિયત કોઈક જૂના સરનામા પર રોકાઈ ગઈ છે!
માણસની ઊંઘ, માણસની શાંતિ, માણસની તબિયત માણસની સાથે જ રહે છે. વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનનો સાપેક્ષતાનો સિદ્ધાંત અહીં પણ સાચો છે. સુખ અને શાંતિ, આનંદ અને ઉમંગ- તેનું સરનામું માત્ર સ્થળ દર્શાવીએ તો અધૂરું રહે છે.

સ્થળ અને સમયની એક અનોખી સંગત છે. સ્થળની ફેરફારી આપણા ધ્યાનમાં તરત આવે છે. સમયનો ફેરફાર એટલો જલદી ખ્યાલમાં રહેતો નથી. જુદાં-જુદાં સ્થળ અને સમય દર્શાવતા આલ્બમ પર માત્ર ધૂળ ચઢતી નથી. જેટલી ધૂળ જમા થાય છે, તેટલી ભૂરકી છંટાય છે! એક જૂની તસવીર જોઈને માણસ અંદરથી ડોલી ઊઠે છે! કેટલું સુખ હતું, કેટલી નિરાંત હતી, કેટલી મજા હતી. આપણને એવું લાગે છે કે આપણે અમુક સ્થળે વધુ સુખી હતા અથવા એવું લાગે છે કે આપણે અમુક સમયે વધુ સુખી હતા. એનો અર્થ એવો નીકળે કે સુખશાંતિ આ કે તે સ્થળ અગર સમયની ખૂબી જ હોવી જોઈએ, પણ સ્થળ અને સમય માત્ર સાક્ષી છે. મૂળ આસામી તમે પોતે જ છો અને બીજા કોઈ પણ સાક્ષીની જુબાની કરતાં તમે તમારી પોતાની જ કેફિયત ઉપર જ વધુ મુસ્તાક રહેશો તો તમારી એકંદર રાહત ઘણી મોટી હશે!

તમે જ્યાં કામ કરો એ તમારી રાજધાની અને તમારું પોતાનું પાકું અને અફર સરનામું તમે પોતે જ. ઘરની ઉપર ‘આઉટ’ અને ‘ઇન’નું પાટિયું બદલાયા કરે, ઑફિસની ઉપર ‘આઉટ’ અને ‘ઇન’નું પાટિયું બદલાયા કરે, પણ તમારી હસ્તી પર એક જ વાર પાટિયું બદલાઈ શકે છે. પ્રાણ જ્યારે દેહ છોડીને જાય છે ત્યારે પહેલી અને છેલ્લી વાર ‘વિદાય’ જાહેર થાય છે. જ્યાં સુધી માણસ જીવતો છે ત્યાં સુધી તેનું અફર સરનામું તે પોતે જ છે. બધાં સુખ-દુઃખમાં આ એક જ સરનામું છે.

માણસે ખરેખર પોતાની અંદર જીવવાનું છે અને છતાં અંદર ને અંદર બુઝાઈ કે સંકેલાઈ જવાનું નથી. તેણે બહાર ફેલાઈ જવાનું છે – ફેલાઈ જવાનો અર્થ બધું જ ઢાંકી દેવું એવો નથી. ફેલાઈ જવું એટલે પોતાની અંદર રહીને અસંખ્ય તાર ઊંચી અટારી પર ગોઠવવા અને તમામ સંદેશા ઝીલવા. ‘ડૉ. ઝીવાગો’ની નવલકથાના સર્જક બોરીસ પાસ્તરનાક એક સમર્થ કવિ હતા. તેમણે કહ્યું છે કે, ‘ક્યારેક એક જ પળના ખ્યાલ માત્રથી હું ઝણઝણી ઊઠું છું! એક જ ક્ષણ! પ્રિયતમાની એક નજર, મારા બાળકની એક મુસ્કાન, ખિસકોલીની એક અદા, ફૂલની ઊઠતી-ઝૂકતી નજર – એક ક્ષણમાં કેટલું બધું બને છે. બધું જોઈ શકાતું નથી, ઝીલી શકાતું નથી!’

ભૂતકાળમાં સારું-માઠું જે બન્યું તે આગળના પ્રવાસમાં અત્તરની શીશી તરીકે સાથે રાખવામાં વાંધો નથી, પણ ભૂતકાળમાં પુરાઈ-દટાઈ જવાનું બરોબર નથી.
————————-.

'ડૉ. ઝીવાગો'પંચામૃતબોરીસ પાસ્તરનાકભૂપત વડોદરિયા
Comments (0)
Add Comment