ભિખારીઓની ભીખની ટેવ છોડાવવાનું શક્ય બનશે?

ભીખ માગવાનું કામ છોડી શકે તેમ નથી

મુકામ મુંબઈ – લતિકા સુમન
latika.abhiyaan1@gmail.com

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે થોડા સમય પહેલાં જ ચેરિટી કમિશનર સાથે એક મિટિંગ કરી હતી અને ભિખારીઓના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. આ મિટિંગમાં પોલીસ, સામાજિક સંસ્થા, મહિલા અને બાળવિકાસના પદાધિકારીઓ અને કેટલીક મદદગાર વ્યક્તિઓ હાજર હતી. આ ચર્ચામાં નિર્ણય લેવામાં આવ્યો કે ભિખારીઓની આવડત અનુસાર તેમને તાલીમ આપવામાં આવશે અને ત્યાર બાદ નોકરી આપવામાં આવશે. તેમનું પુનર્વસન કરવામાં આવશે જેથી મહારાષ્ટ્રમાં ભિખારીઓની સંખ્યામાં ઘટાડો થાય….

મહારાષ્ટ્ર સરકાર ભિખારીઓને પ્રશિક્ષણ આપીને રોજગારી આપવા ઇચ્છે છે. જો તમને કોઈ કામ આપવામાં આવે તો શું તમે મહેનત કરીને રૃપિયા કમાવવાનું પસંદ કરશો? ‘અભિયાન’એ રસ્તા પરના એક ભિખારીને આવો પ્રશ્ન કર્યો. ભિખારીએ પોતાનું નામ કૃષ્ણા કહ્યું. કૃષ્ણા વર્ષોથી ભીખ માગવાનું કામ કરે છે. તેના પરિવારમાં કોઈ નથી. ભણવાનું છોડીને ઘરેથી ભાગી નીકળેલા કૃષ્ણાએ ‘અભિયાન’ને કહ્યું કે હવે તે મહેનત કરીને રૃપિયા કમાવવા નથી ઇચ્છતો. હવે તે ભીખ માગવાનું કામ છોડી શકે તેમ નથી. તેને હવે ભીખ માગવાની આદત પડી ગઈ છે. તે જ્યારે કામ કરવા ઇચ્છતો હતો ત્યારે કામ ન મળ્યું. રસ્તા પર કોઈએ ફૂટપાથ પર પડેલો જોઈને વડાપાંઉ ખવડાવ્યો. બસ, ત્યારથી કૃષ્ણાને મહેનત કર્યા વિના ભીખ માગીને ખાવાની આદત પડી ગઈ છે. કૃષ્ણાનું કહેવું છે કે માગીને ખાઓ તો મળી જાય છે, તો પછી મહેનત કરવાની શું જરૃર છે. હવે કોઈ પણ પ્રકારની મહેનતનું કામ કરવું મુશ્કેલ છે. જો સરકાર હવે ભિખારીઓ માટે આવી કોઈ યોજના બનાવી રહી હોય તો જેઓ નવા-નવા છે તેમને આ યોજના અંતર્ગત આવરવા જોઈએ, જેથી તેઓ કોઈની સામે હાથ ન ફેલાવે. મારા જેવા જેઓ વર્ષોથી ભીખ માગીને ખાય છે, તેમના માટે હવે સરકારની યોજના પ્રમાણે કામ કરવાનું અને રૃપિયા કમાવાનું શક્ય નથી. અમે અમારી આદત નહીં બદલી શકીએ.

શું આપણે કૃષ્ણાની વાતોને નજરઅંદાજ કરી શકીએ? હવે માગવાની આદત પડી ગઈ છે, કારણ કે આપવાવાળા પડ્યા છે. જો લોકો ભીખ આપવાનું જ બંધ કરી દે તો? આ પ્રશ્ન પર બીજા એક ભિખારીએ જવાબ આપ્યો કે તો પછી મહેનત કરીને કામ કરીને રોજીરોટી કમાવવી પડશે. એ સમયે પછી આદત બદલવી જ પડશે. જ્યાં સુધી ભીખ આપનારા લોકો છે દુનિયામાં ત્યાં સુધી ભિખારીઓ ભીખ માગતા જ રહેશે.

આજે મુંબઈનાં દરેક મંદિર, દરગાહ, ગુરુદ્વારા, ચર્ચા, રેલવે સ્ટેશન દરેક જગ્યાએ ભિખારીઓનો મોટી સંખ્યામાં જમાવડો જોવા મળે છે. સાથે જ તેમને દાન આપનારા કે ભીખ આપનારા લોકોની સંખ્યા પણ એટલા જ પ્રમાણમાં છે. મુંબઈ ભિક્ષુક પ્રતિબંધક કાયદા(૧૯૪૯) અનુસાર આ ભિખારીઓને સજા થઈ શકે એમ છે, પણ કાયદો હોવા છતાં તેમની સંખ્યા ઓછી થવાને બદલે સતત વધતી જ જઈ રહી છે.

સરકારની નવી યોજના બાદ ભિખારીઓની સંખ્યામાં ઘટાડો થશે ખરો, ‘અભિયાન’એ ચેરિટી કમિશનર શિવકુમાર ડિગેને પ્રશ્ન કર્યો. તો ડિગે સાહેબનું કહેવું છે કે, ‘અમારો પ્રયત્ન રહેશે કે મહારાષ્ટ્ર ભિક્ષુક-મુક્ત થઈ જાય અને આ માટે અમારા પ્રયત્નો ચાલુ છે જ. મહારાષ્ટ્ર સરકાર નવી યોજના લાવી રહી છે. આ યોજના અનુસાર ૨૦૦૦ ભિખારીઓને પ્રશિક્ષણ આપવામાં આવશે. પુરુષ ભિખારીઓને સિક્યોરિટી ગાર્ડની નોકરી અને મહિલા ભિખારીઓને લિજ્જત પાપડ જેવા ગૃહ ઉદ્યોગોમાં સામેલ કરવાની અમારી યોજના છે. આ માટે ભિખારીઓને કોઈ પ્રશિક્ષણ કેન્દ્રમાં રાખવામાં આવશે અને પ્રશિક્ષણ આપ્યા બાદ જ તેમને કામ પર મોકલવામાં આવશે. આ કામ માટે કેટલીક સામાજિક સંસ્થાઓ આગળ આવી છે. ભિખારીઓના પુનર્વસન માટે કેટલાક બિઝનસેમેન પણ આગળ આવ્યા છે.’

લાતુરના ભારતીય શિક્ષણ પ્રસારક કાર્યવાહ સંસ્થાના કાર્યવાહક નીતિન શેટ્યેએ ‘અભિયાન’ સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘અમારી સંસ્થા મહારાષ્ટ્રના છ જિલ્લાઓમાં પ્રશિક્ષણ આપવાનું કામ કરે છે. મરાઠવાડા, ઔરંગાબાદ, પરભણી, બીડ, નાંદેડ અને લાતુર જિલ્લાનો તેમાં સમાવેશ થાય છે. અમારી સંસ્થા તરફથી અમે ભિખારીઓના પુનર્વસન માટે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત પ્રશિક્ષણ આપવાનું કામ કરીએ છીએ. ઉદાહરણ તરીકે કોઈ ભિખારીનો અવાજ સારો છે તો તેને ગાવાનું પ્રશિક્ષણ આપવામાં આવશે. કોઈ સારું વાજિંત્ર વગાડી શકે એમ છે તો તેને સંગીતની તાલીમ આપવામાં આવશે. કોઈ સારો વેપારી બની શકે એમ છે, તો એ દિશામાં તાલીમ આપવામાં આવશે. આ પ્રકારે ભિખારીઓની સ્કિલ જોઈને તેમને પ્રશિક્ષણ આપવામાં આવશે.’

શેટ્યેને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તમને લાગે છે કે આ યોજનાથી ભિખારીઓની સંખ્યામાં ઘટાડો નોંધાશે? તો શેટ્યેએ જવાબ આપ્યો કે, ‘અત્યારે ભલે યોજનાને લઈને શંકા-કુશંકાઓ પ્રવર્તી રહી હોય, પણ અમારો પ્રયત્ન રહેશે કે યોજનાને સફળતા મળે અને ભિખારીની સંખ્યામાં ઘટાડો થાય. તેઓ મહેનત કરીને રોજીરોટી કમાય. આજે ભિખારીઓમાં અલગ-અલગ પ્રકારના સમૂહ છે. કોઈ મજબૂરીના કારણે ભીખ માગે છે. તો કેટલાકને ભીખ માગવા પર મજબૂર કરવામાં આવે છે. ભીખ માગવાના ધંધામાં મોટાપાયે ક્રિમિનલ લોબીનો ભાગ છે. આ લોબી માટે ભિખારીઓ કામ કરે છે અથવા તેમને કામ કરવું પડે છે. આ બધી જ વાતોનો અભ્યાસ કરીને આ યોજનાની શરૃઆત કરવામાં આવશે.

એવો પણ સમાજ છે જે ભીખ માગીને જ ખાવા ઇચ્છે છે.’ આ વાતનું ઉદાહરણ આપતાં શેટ્યેએ જણાવ્યું કે, ‘વર્ષ ૨૦૧૨માં અમારી સંસ્થાએ ભટકતી વિમુક્ત જાતિનાં કેટલાંક બાળકોને દિવાળી પર અમારા ઘરે રાખવાનું નક્કી કર્યું અને એમની સાથે તહેવાર ઊજવવાનું આયોજન કર્યું. સંસ્થાના જેટલા પણ કાર્યકરો હતા એ દરેકના ઘરે બે બાળકોને રાખવામાં આવ્યાં. મારા ઘરે પણ બે બાળકો આવ્યાં. અમે દિવાળીનો તહેવાર બહુ રંચે-ચંગે મનાવ્યો. તેમના માટે નવાં કપડાં લાવ્યાં, બહાર જમવા ગયા, અમારો આખો પરિવાર એમની સાથે રહ્યો. ફટાકડા લાવ્યા અને ફોડ્યા. એમને અમારા ઘરના સભ્યની જેમ જ રાખ્યા. બે દિવસના અંતે જ્યારે મેં તેમને પૂછ્યું કે હવે તમે લોકો ભીખ માગીને નહીં ખાઓ ને, ભણવા જશો ને અને સારું ભણીને કોઈ નોકરી કરશો ને? તો એમનો જવાબ હતો કે, ના સાહેબ, ભીખ માગવી એ જ અમારું કામ છે. અમે તો ભીખ માગીને જ ગુજરાન ચલાવીશું. અમારો આખો પરિવાર એ જ કામ તો કરે છે. તેમનો જવાબ સાંભળીને મારી આંખમાં આંસુ આવી ગયા. અમે ભિખારીઓનાં બાળકોને મેઇન સ્ટ્રીમમાં લાવવા પ્રયત્ન કરીએ છીએ, પણ તેમનો ઉછેર જ એ રીતે કરવામાં આવ્યો હોય છે કે ભીખ માગવી એ જ તેમનું માઇન્ડ સેટ બની જાય છે. તેમ છતાં હું ઘણો આશાવાદી છું. ભિખારીઓના પુનર્વસન પર કામ કરું છું અને કરતો રહીશ. આ માટે સૌથી પહેલાં ભિખારીઓમાં સ્વાભિમાન જગાવવું પડશે. સ્વાભિમાની વ્યક્તિ ભીખ માગીને નહીં, પણ મહેનત કરીને ખાવાનું પસંદ કરે છે. આ કામ સરળ નથી, પણ મુશ્કેલ પણ નથી. બસ, વ્યવસ્થિત રીતે તેના પર પ્રયત્નો આદરવા પડશે.’

કોંકણ ડિવિઝનના મહિલા બાળ વિકાસ અધિકારી રાહુલ મોરેએ પોતાનો મત પ્રકટ કરતાં કહ્યું કે, ‘મુંબઈ ભિક્ષુક પ્રતિબંધક કાયદા અંતર્ગત પોલીસ જે ભિખારીઓને ન્યાયાલયમાં લઈ જાય છે, તેમાં પહેલીવાર પકડાયેલા ભિખારીઓને એક વર્ષ માટે, બીજી વાર પકડાયેલા ભિખારીઓને ત્રણ વર્ષ માટે અને ત્રીજી વાર પકડાયેલા ભિખારીઓને દસ વર્ષ માટે ચેમ્બુરના ભિક્ષકેરી સ્વીકાર કેન્દ્રમાં રાખવામાં આવે છે. જો તેઓ ત્યાં પણ ન સુધરે તો તેમને જેલની સજા કરવામાં આવે છે. મહારાષ્ટ્રમાં કુલ ૧૪ ભિક્ષકેરી સ્વીકાર કેન્દ્ર છે. મુંબઈમાં મહિલા અને પુરુષ માટે અલગ-અલગ સેન્ટર છે. દસ વર્ષ પહેલાં એક પ્રશિક્ષણનો પ્રયોગ કરવામાં આવ્યો હતો, જે સફળ રહ્યો હતો. તેથી સરકારની આ યોજના પણ સફળ રહેશે.’
ચેમ્બુરના પુરુષ ભિક્ષકેરી સ્વીકાર કેન્દ્રના સુપરિન્ટેન્ડેન્ટ શરદ કુરાડેએ જણાવ્યું કે, ‘અમારા સેન્ટરમાં ૮૫૦ ભિખારીઓ માટે જગ્યા છે. તેમના મેડિકલ, કપડાં, ખાન-પાન વગેરેનું ધ્યાન રાખવામાં આવે છે. અહીં કોઈ ભિખારી જાતે ન આવી શકે. પોલીસ તેને પકડીને લાવે તો જ તેને એન્ટ્રી મળે છે. જોકે, મારું માનવું છે કે, ભિખારીઓને ભીખ આપવાને બદલે પોલીસમાં કમ્પ્લેઇન આપવી જોઈએ, જેથી પોલીસ તેમને ભિક્ષકેરી સ્વીકાર કેન્દ્રમાં મોકલે, જ્યાં આ ભિખારીઓને યોગ્ય માર્ગદર્શન મળે અને તેમની સંખ્યામાં ઘટાડો થાય.’
મહિલા ભિક્ષકેરી સ્વીકાર કેન્દ્રની ભિખારી સુમને ‘અભિયાન’ સાથે વાત કરતાં કહ્યું કે, એ અલ્હાબાદથી ભાગીને અહીં આવી હતી. ઘરે પાછું નહોતું જવું. ભીખ માગીને ગુજરાન ચલાવવા લાગી. જો સરકાર તેને કશું કામ આપશે તો તે કામ કરીને રોજીરોટી કમાવવા ઇચ્છે છે. ભીખ નથી માગવી. જ્યારે સુનિતા નામની ભિખારન ટ્રેનમાં ભીખ માગતાં પકડાઈ હતી. તેને સિલાઈ કામ કરતાં આવડે છે. તેનું કહેવું છે કે જો તેને કામ મળશે તો તે ભીખ નહીં માગે.

રાહુલ મોરેનું કહેવું છે કે, ‘ભિખારીઓમાં જુદા-જુદા પ્રકાર છે. કેટલાક માનસિક ક્ષતિગ્રસ્ત છે, તો કેટલાક વિકલાંગ છે. કેટલાક બેકાર છે તો કેટલાક મજબૂર છે. કેટલાક એવા છે જેમને કામ કરવું નથી પસંદ. તેથી દાનવીરોને આહ્વાન છે કે, ભિખારીઓને દાન આપવાનું બંધ કરીને તેમના માટે જે સંસ્થાઓ કામ કરે છે તેમને દાન આપો. આ સંસ્થાઓ થકી ભિખારીઓને સ્વાભિમાનપૂર્વક જીવન જીવવાની રાહ બતાવો.’

—.
ભિખારીઓને ભીખ આપવાને બદલે પોલીસમાં કમ્પ્લેઇન આપવી જોઈએ જેથી પોલીસ તેમને ભિક્ષકેરી સ્વીકાર કેન્દ્રમાં મોકલે, જ્યાં આ ભિખારીઓને યોગ્ય માર્ગદર્શન મળે – શરદ કુરાડે, સુપરિન્ટેન્ડેન્ટ, ભિક્ષકેરી સ્વીકાર કેન્દ્ર
—.
ભિખારીઓને દાન આપવાનું બંધ કરીને તેમના માટે જે સંસ્થાઓ કામ કરે છે તેમને દાન આપો. આ સંસ્થાઓ થકી ભિખારીઓને સ્વાભિમાનપૂર્વક જીવન જીવવાની રાહ બતાવો – રાહુલ મોરે, મહિલા અને બાળ વિકાસ અધિકારી
——————————.

ગુરુદ્વારાદરગાહભિખારીઓમંદિરમહારાષ્ટ્રલતિકા સુમન
Comments (0)
Add Comment