દેશની પ્રથમ એલજિબિટી હૉસ્પિટલ રાજપીપળામાં બનશે

લેસ્બિયન, ગે, બાયોસેક્સુઅલ અને ટ્રાન્સજેન્ડર વ્યક્તિ

પ્રારંભ -હેતલ રાવ
hetalrao.abhiyaan@gmail.com

લેસ્બિયન, ગે, બાયોસેક્સુઅલ અને ટ્રાન્સજેન્ડર વ્યક્તિનો સ્વીકાર સમાજ હજુ પણ કરતો નથી. સમયની સાથે કોર્ટે તો આવી વ્યક્તિને પોતાની મરજીથી જિંદગી વ્યતીત કરવાની છૂટ આપી, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમની સાથે આજે પણ અન્યાય થાય છે. તેમાં પણ ખાસ કરીને જ્યારે કોઈ બીમારીથી પીડાતા હોય ત્યારે હોસ્પિટલમાં સારવાર લેવા જવંુ તેમની માટે જટિલ બને છે, પરંતુ હવે ગુજરાતમાં એલજિબિટી હૉસ્પિટલ શરૃ થવા જઈ રહી છે…

 

બીમારી નાની હોય કે મોટી, પરંતુ તેની સારવાર યોગ્ય સમયે ન મળે તો ચોક્કસથી તે વધુ જટિલ બની શકે છે. સામાન્ય વ્યક્તિને ખાંસી કે શરદી થાય તો તે દવા લે છે. તેનાથી પણ જો ફેર ન પડે તો ડૉક્ટરની મુલાકાત લે છે. ડૉક્ટરની સલાહ પ્રમાણે સારવાર લઈને સાજા થઈ જાય છે. આ બધું સામાન્ય વ્યક્તિ માટે સરળ છે, પરંતુ જ્યારે કોઈ હૉસ્પિટલમાં ગે, લેસ્બિયન કે ટ્રાન્સજેન્ડર સારવાર માટે જાય છે ત્યારે ડૉક્ટર તો સારવાર કરે છે, પરંતુ તેમની આજુબાજુ ગોઠવાયેલો સ્ટાફ જાણે કે કોઈ અલગ જ પ્રાણી પૃથ્વી પર આવી ગયું હોય તે રીતે તેમની સાથે વર્તન કરે છે. તેમાં પણ જ્યારે બીમારી કોઈ મોટી હોય તો અનેક વાતો પણ સાંભળવી પડતી હોય છે. છતાં મરજી કે મજબૂરીએ આવી વ્યક્તિઓ સામાન્ય હૉસ્પિટલમાં સારવાર લેતાં જ હોય છે, કારણ કે આપણા ત્યાં એવી કોઈ હૉસ્પિટલ નથી જ્યાં આ સમુદાયના લોકોે સહેલાઈથી અને કોઈ ક્ષોભ વગર સારવાર લઈ શકે. જોકે હવે એલજિબિટી (લેસ્બિયન, ગે, બાયોસેક્સુઅલ, ટ્રાન્સજેન્ડર) સમુદાય માટે પણ હૉસ્પિટલ બનવા જઈ રહી છે.

આ હૉસ્પિટલની સ્થાપના દુનિયાભરમાં એલજિબિટી સમુદાયના ચર્ચિત નામ માનવેન્દ્રસિંહ ગોહિલ કરવાના છે. જે સૌ પ્રથમ રાજપીપળામાં સ્થાપિત થશે. ત્યાં શરૃ થયા પછી આવી હૉસ્પિટલ સમગ્ર દેશમાં શરૃ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ દેશની પ્રથમ હૉસ્પિટલ હશે. આ મેડિકલ સેન્ટરનું નામ એલજિબિટી એચઆઈવી હેલ્થ કૅર એન્ડ કમ્યુનિટી સેન્ટર રાખવામાં આવશે. જેમાં એલજિબિટી સમુદાયની સહેલાઈથી સારવાર થઈ શકશે. આ સેન્ટર હાલમાં ડિઝાઇનના સ્તર પર છે. ઉપરાંત તેની માટે ફંડ લેવાની પણ જોગવાઈ કરવામાં આવશે. એટલંુ જ નહીં, પરંતુ આ સેન્ટર માટે અમેરિકા, ઓસ્ટેલિયા, જેવા અન્ય દેશોની એલજિબિટી હૉસ્પિટલો સાથે કરાર પણ કરવામાં આવશે.

આ વિશે વાત કરતા રાજપીપળાના પ્રિન્સ માનવેન્દ્રસિંહે કહે છે, ‘અમારા સમુદાય માટે આ રીતની હૉસ્પિટલ શરૃ કરવાનું આયોજન છે. જે માટે કામગીરી હાથ ધરાઈ છે. એકાદ વર્ષમાં આ હૉસ્પિટલ કાર્યરત થઈ જશે. આજે પણ ઘણી જગ્યાએ અમારા સમુદાયને ગુનેગારની નજરે જોવામાં આવે છે, પરંતુ તે યોગ્ય નથી. તેવા સમયે અમારા સમુદાયના લોકોને યોગ્ય અને સસ્તી સારવાર મળે તે જરૃરી છે. અનેક શારીરિક, માનસિક અને અંગત રોગોની સારવાર અહીં મળશે. આ હૉસ્પિટલમાં એલજિબિટી સમુદાયના લોકોને સારી સારવારની સાથે આતિથ્યપણાનો પણ અહેસાસ થશે. સૌ પ્રથમ મારા ત્યાં આ હૉસ્પિટલ શરૃ થશે જેના ફન્ડિંગ માટેનું કામ ચાલી રહ્યું છે. સરકાર પણ અમને મદદ કરતી આવી છે તો તેમને પણ વાત કરીશું. રાજપીપળામાં હૉસ્પિટલ શરૃ થશે. બાદમાં વડોદરા, સુરત અને અમદાવાદમાં પણ આવી હૉસ્પિટલ શરૃ કરવામાં આવશે.’ વધુમાં પ્રિન્સે જણાવ્યું કે, ‘અમારા સમુદાય માટેની આ હૉસ્પિટલમાં જનરલ લોકો પણ આવીને સારવારનો લાભ લઈ શકશે. જે અમને સ્વીકારે છે તે બધા માટે આ હૉસ્પિટલના દ્વાર ખુલ્લા રહેશે.’

જ્યારે રાજ્યની પ્રથમ ટ્રાન્સજેન્ડર અર્પિતા કહે છે, ‘આ હૉસ્પિટલ અમારા સમુદાય માટે બેસ્ટ છે. ઘણીવાર એલજિબિટી વ્યક્તિ કોઈ ટ્રીટમેન્ટ લેવા જાય તો તેમને અનેક મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે. જે આ હૉસ્પિટલમાં નહીં થાય. ઉપરાંત ઓછા ભાવે સારી સારવાર મળી રહેશે. માટે આ એક ઉમદા વિચાર છે અને તે આવકારયદાયક છે.’
આ સમુદાયના લોકો અનેક ગુપ્ત રોગોથી પીડાતા હોય છે. તો વળી ઘણીવાર એવું પણ બને છે કે સેક્સ ચેન્જ કર્યા પછી પરિવાર અને સમાજ સ્વીકારવા તૈયાર નથી થતા. જેના કારણે અનેક માનસિક બીમારીનો સામનો કરવો પડે છે. જ્યારે સારવાર માટે હૉસ્પિટલ જવાની વાત આવે ત્યારે ફરી પાછો એ જ ડર સતાવે છે કે કોઈ શું કહેશે. આ સમુદાયના લોકો કશંુ ન કરીને પણ જાણે કોઈ ગુનો કર્યો હોય તેવી લાગણીથી પીડાતા રહેતાં હોય છે. માટે સારવાર લેવાનું ટાળતાં રહે છે. જેના કારણે ગંભીર બીમારીનો કે ડિપ્રેશનનો ભોગ બનવું પડે છે.

હું ગે છું તેમ કહેતા નીરવ (નામ બદલ્યું છે) કહે છે, ‘નાનો હતો ત્યારથી જ મને મારામાં કશું અલગ હોય તેવંુ લાગતું, જ્યારે સમજમાં આવ્યો ત્યારે સમજાયું કે હું ખરેખર શું બદલાવ ઇચ્છતો હતો. મારી આ હકીકત મમ્મીએ તો સ્વીકારી, પણ ભાઈ,બહેન પપ્પા અને કુટંુબના લોકો સ્વીકારી ન શક્યા. અંતે મારે ઘર છોડવંુ પડ્યું. જે ગુનો મેં કર્યો નહોતો તેની સજા મને મળી. જેના કારણે મેં કૉલેજ પણ છોડી દીધી અને પીજી તરીકે રહેવા લાગ્યો. મમ્મી ઘરનાથી છુપાઈને પૈસા આપતી માટે ગુજરાન ચાલી જતું, પણ આ પરિસ્થિતિના કારણે હું ડિપ્રેશનમાં આવી ગયો. ના હું ડૉક્ટર પાસે જઈ શકતો કે ના અન્ય કોઈની મદદ લઈ શક્તો. એક મિત્રના સહારે આ સમસ્યામાંંથી બહાર તો આવ્યો, પરંતુ હજુય ક્યાંક ડર લાગે છે. અમારા સમુદાય માટે આ હૉસ્પિટલ બનવા જઈ રહી છે તે સારી વાત છે. કદાચ મારા જેમ અન્યને માનસિક રીતે ત્રસ્ત નહીં થવંુ પડે.’

સમુદાય ગમે તે હોય, પરંતુ મુશ્કેલીનો સામનો તો દરેક વ્યક્તિએ કરવો જ પડતો હોય છે. ત્યારે કોઈનો સાથ સહકાર મળે તો ખરાબ સમય પણ વહી જાય છે. આ સમુદાય માટે કદાચ આપણે વધુ કશું ન કરી શકીએ, પરંતુ કમસે કમ તેમને નજરઅંદાજ કરવાનું તો છોડવું જ જોઈએ. ગમે તે વ્યક્તિને ગમે ત્યાં સારવાર લેવાનો હક છે અને આ સમુદાયના લોકો પણ સારવાર માટે આવે તો તેમને પૂરતંુ સન્માન મળવું જ જોઈએ. જોકે એલજિબિટી હૉસ્પિટલ શરૃ થતાં આ સમુદાયના મહત્ત્વના પ્રશ્નનું કાયમી નિરાકરણ આવી જશે.
—————————–.

એલજિબિટી હૉસ્પિટલગેબાયોસેક્સુઅલ અને ટ્રાન્સજેન્ડર વ્યક્તિલેસ્બિયનહેતલ રાવ.
Comments (0)
Add Comment