કોંગ્રેસને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા સામે પગલાં લેતાં કોણ રોકે છે?

પ્રદેશ કોંગ્રેસના નેતાઓ વચ્ચે જ પક્ષ વિરોધી કામ કરનારા લોકો સામે પગલાં ભરવામાં ફાટફૂટ છે.

ગુજરાતકારણ – દેવેન્દ્ર જાની

વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા સામે હાઈકમાન્ડે કડક પગલાંની ચીમકી આપી હતી, પણ કોઈ કારણસર પગલાં લેવામાં વિલંબ થઈ રહ્યો છે. ચૂંટણી બાદ સંગઠન મજબૂત થશે, નવી નેતાગીરીનું જોમ દેખાશે તેવું લાગતું હતંુ, પણ ચિત્ર ઊલટું દેખાય છે.

વિધાનસભાની ર૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસની તમામ કેડરમાં એક જુસ્સો જોવા મળ્યો હતો અને તેના પરિણામ સ્વરૃપ કોંગ્રેસની બેઠકો વધી હતી. કોંગ્રેસનું પ્રદર્શન વિધાનસભાની ચૂંટણીમાં સારું રહ્યું છતાં તાલુકા સ્તરથી માંડીને પ્રદેશના કેટલાક નેતાઓએ પક્ષ વિરોધી કામ કર્યું એટલે કોંગ્રેસ ગુજરાતમાં સત્તાથી વંચિત રહી ગઈ. આવી ગંભીર ફરિયાદો હાઈકમાન્ડને મળી હતી. વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો બાદ તરત જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમદાવાદ આવ્યા હતા અને કાર્યકરોને સંબોધન કર્યું ત્યારે રાહુલ ગાંધીએ ખુદ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા કોઈ પણ હોય તેની સામે આકરાં પગલાં લેવાશે તેવું કહ્યું હતું. હાઈકમાન્ડ આ વખતે ખરેખર ગંભીર છે તેવી ચર્ચામાં પાર્ટીમાં એ વખતે શરૃ થઈ ગઈ હતી અને ખરેખર જો પાર્ટી પગલાં લેશે તો એક ધાક બેસશે અને પક્ષ મજબૂત થશે તેવંુ કાર્યકરો કહેતા હતા, પણ વિધાનસભાના પરિણામને ત્રણેક મહિના જેટલો સમય થઈ ગયો છતાં પક્ષ વિરોધી કામ કરનારા સામે નક્કર પગલાં લેવામાં વિલંબ થઈ રહ્યો છે.

કોંગ્રેસ હાઈકમાન્ડનું વલણ જોયા બાદ જિલ્લા સ્તરેથી અહેવાલ મંગાવીને પ્રદેશે પક્ષ વિરોધી કામ કરનારાની યાદી બનાવીને હાઈકમાન્ડને મોકલી હતી તેમાં કેટલાક પૂર્વ ધારાસભ્યો અને જિલ્લા પ્રમુખો પણ સામેલ હતા. જોકે આવી યાદી બનાવવામાં પણ કેટલાંક નામો કોઈ ચોક્કસ કારણોસર રહી ગયા છે તેવો ગણગણાટ પક્ષમાં શરૃ થયો હતો. પ્રદેશ કોંગ્રેસમાં હાલ પક્ષ વિરોધી કાર્ય કરનારા સામે પગલાં લેવાનો મુદ્દો હોટ ટોપિક બની રહ્યો છે. પક્ષ વિરોધી કામ કરનારાઓને પક્ષમાં જ કેટલાક નેતાઓ બચાવી રહ્યાની ચર્ચાઓ ચાલી રહી છે. નોટિસો પણ અમુક નેતાઓને નથી અપાઈ તેવી ફરિયાદો હાઈકમાન્ડ સુધી કરવામાં આવી છે. હાઈકમાન્ડે પ્રદેશની નેતાગીરીને આ મુદ્દે ઠપકો આપતા વધુ ૧૪ આગેવાનોને નોટિસ આપીને ખુલાસો પૂછાયો હતો. અગાઉ ર૮ જેટલા આગેવાનોને નોટિસ આપી હતી. અત્યાર સુધીમાં ગુજરાત કોંગ્રેસના માત્ર પાંચ જિલ્લા – તાલુકા સ્તરના આગેવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પ્રદેશ કોંગ્રેસના નેતાઓ વચ્ચે જ પક્ષ વિરોધી કામ કરનારા લોકો સામે પગલાં ભરવામાં ફાટફૂટ છે. કેટલાક નેતા આવા લોકોનો બચાવ કરે છે તો કેટલાક નેતાઓ કડક પગલાં ભરવામાં માને છે. આમ નેતાઓમાં એકસૂર જોવા મળતો નથી. પગલાં લેવામાં જે વિલંબ થઈ રહ્યો છે તેની પાછળનું પણ આ જ કારણ છે. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાઓ અને સંગઠન વચ્ચે સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત અને નવા જોમ સાથેની જોવા મળશે તેવું લાગતું હતું, પણ હાલ તો ઊલટું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. વિધાનસભામાં પરેશ ધાનાણીની આગેવાની હેઠળ યુવા નેતાઓ હાલ મોરચો સંભાળી રહ્યા છે, પણ તેને સિનિયર નેતાઓનું જરૃરી માર્ગદર્શન ન મળતું હોવાનું ચિત્ર ઊપસી રહ્યું છે.

ફેબ્રુઆરીમાં નગરપાલિકાની ચૂંટણીઓ આવી તેમાં પણ કોંગ્રેસમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો ન હતો. હવે રાજ્યસભાની ચૂંટણી આવી છે. ગુજરાતમાં આ વખતે કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા વધારે હોવાથી કુલ ચારમાંથી બે સીટ કોંગ્રેસના ફાળે આવશે. કોંગ્રેસમાં આંતરિક અસંતોષ પક્ષને બેઠો કરવામાં ક્યાં સુધી નડશે? આ સવાલનો જવાબ કોઈની પાસે નથી!
———————–.

અસંતુષ્ટોગુજરાત પ્રદેશ કોન્ગ્રેસગુજરાતકારણજિલ્લા પ્રમુખોદેવેન્દ્ર જાનીનારજગીપરેશ ધનાણીરાહુલ ગાંધીહાઇકમાન્ડ
Comments (0)
Add Comment