કચ્છી ખારેકમાંથી દેશમાં પહેલી વખત ‘ડેટ વાઈન’

કચ્છમાં વર્ષોથી ખારેકનું ઉત્પાદન થાય છે,

અરબ દેશની બરહી ખારેકનું કચ્છમાં બમ્પર ઉત્પાદન થાય છે. તેની નિકાસ પણ થાય છે, પરંતુ તેની સિઝન ટૂંકી હોવાના કારણે તેના પૂરતા ભાવ મળતા નથી. તેથી ખેડૂતો તેમાંથી વધુ ટકી શકે તેવા ખાદ્યપદાર્થ બનાવવા પ્રયત્નશીલ છે ત્યારે કચ્છના એક ખેડૂત અને ઉદ્યોગપતિએ બરહી ખારેકમાંથી વાઈન બનાવવાનું સાહસ કર્યું છે. તેમણે રાજસ્થાનમાં વાઈનરી નાખી છે. દેશમાં પહેલી જ વખત ખારેકમાંથી વાઈન બનાવવાનો પ્રયોગ હાથ ધરાયો છે. દારૃબંધીવાળા ગુજરાતમાં આ વાવડ પણ હોળી પર્વે ગુજરાતીઓને માદક બનાવી શકે!….

 

કચ્છમાં વર્ષોથી ખારેકનું ઉત્પાદન થાય છે, પરંતુ પહેલાં દેશી અને છૂટીછવાઈ ખારેક ઊગતી હતી. થોડાં વર્ષોથી કચ્છી ખેડૂતો વિશ્વમાં શ્રેષ્ઠ ગણાતી બરહી ખારેકનું ઉત્પાદન લઈ રહ્યા છે. વર્ષો-વર્ષ વાવેતર વિસ્તાર વધી રહ્યો છે અને સાથે-સાથે ઉત્પાદન પણ વધે છે. કચ્છના અનેક ખેડૂતો ખારેકની નિકાસ કરે છે, પરંતુ તેની સિઝન ખૂબ જ નાની હોવાથી મોટા ભાગનું ઉત્પાદન બજારમાં એકીસાથે આવી જાય છે અને તેના કારણે તેના ભાવ ગગડી જાય છે. આથી જ ખેડૂતો ખારેકમાંથી બીજી વસ્તુઓ શોધવા તરફ વળ્યા છે. અથાણાં, સ્ટફ ડેટ્સ, મીઠાઈ, જ્યૂસ, પલ્પ, જેલી જેવા ખાદ્યપદાર્થો ઉપરાંત ખારેકમાંથી વાઈન દારૃ બનાવવાનો પ્રયોગ પણ સફળ રીતે કરાયો છે. આજે રાજસ્થાનમાં વાઈનરી ઊભી કરાઈ છે અને ટૂંક સમયમાં જ વાઈન બજારમાં આવી જશે.

કચ્છમાં ૧૮ હજારથી વધુ હેક્ટર જમીનમાં ખારેકનું વાવેતર થયું છે. તેનું વાર્ષિક ઉત્પાદન અંદાજે ૧.૭૦ લાખ ટન છે. જોકે આજથી ૧૭ વર્ષ પહેલાં એટલે કે ભૂકંપ વખતે કચ્છમાં અંદાજે ૯ હજાર હેક્ટર જમીનમાં વાવેતર હતું અને તે પણ દેશી ખારેકનું. તેનું ઉત્પાદન ૫૦ હજાર મે.ટનથી વધુ હતું, પરંતુ તે વખતે મળતી ખારેકની ગુણવત્તા નબળી હોવાના કારણે તેની નિકાસ થતી ન હતી. ત્યાર બાદ ખેડૂતોએ ટિશ્યુ કલ્ચર પદ્ધતિથી ઇઝરાયેલની બરહી ખારેકનું વાવેતર શરૃ કર્યું. આ પ્રકારની ખારેકની ગુણવત્તા ખૂબ સારી હોવાથી તેની ઇન્ડોનેશિયા, મલેશિયા, થાઇલેન્ડ અને લંડનમાં નિકાસ થાય છે. ભારતમાં દિલ્હી, મુંબઈ જેવાં મહાનગરો સુધી પણ કચ્છી ખારેક પહોંચી છે.

કચ્છમાં ખારેક જેવાં ફળોનું ખૂબ સારું ઉત્પાદન થાય છે, પરંતુ તેને સંગ્રહવાની, જાળવવાની, તેના પરિવહનની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ફળોનું ઉત્પાદન ખેડૂતોને જોઈએ તેવું વળતર આપતું નથી. તેથી જ ખેડૂતો તેના અન્ય ઉપયોગ શોધવા તરફ વળ્યા છે. ઉનાળામાં ખારેકનો પાક તૈયાર થાય છે. જો થોડા પણ વરસાદી છાંટા પડે તો ઝાડ પરની ખારેક કે ઉતારેલી ખારેકને ભારે નુકસાન થાય છે. આથી ઘણી વખતે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડે છે. સડી જતી ખારેકને પાણીના ભાવે પણ ખરીદનાર મળતા નથી. આથી તેના બીજા ઉપયોગ શોધવા જરૃરી હતા. અમુક ખેડૂતો તેનો જ્યૂસ બનાવીને વેચે છે. તો અમુક તેની જેલી બનાવે છે, પરંતુ તેમાં મોટા પાયે ખારેકની ખપત થતી ન હતી. આથી જ ગાંધીધામના સાહસિક ખેડૂત રણજિતસિંગે ખારેકમાંથી દારૃ મેળવવા પ્રયોગ શરૃ કર્યા. તેમાં સફળતા મળ્યા પછી તેમણે નાશિકમાં નિષ્ણાતો પાસે તેનું પરીક્ષણ કરાવ્યું. નિષ્ણાતોને વાઈન પસંદ આવી આથી તેમણે વાઈનરી (દારૃનું કારખાનું) નાખવાનું વિચાર્યું. તેમની પહેલાં પણ ખારેક ઉગાડનારા અમુક મોટા ખેડૂતોએ વાઈનરી નાખવા વિચાર્યું હતું, પરંતુ ગુજરાતમાં દારૃબંદી હોવાથી તેમના કામમાં ભારે અડચણો આવતાં આખો વિચાર પડતો મુક્યો હતો. આથી રણજિતસિંગે રાજસ્થાન સરકાર સાથે એમઓયુ કર્યા. સરકારે આ સાહસને પ્રોત્સાહન આપવા ખાસ પોલિસી ઘડી અને તેમણે આબુ રોડ પર વાઈનરી સ્થાપી.

પોતાના સાહસ અંગે વાત કરતાં રણજિતસિંગ કહે છે, ‘મારે હાજીપીરમાં ૪૦ એકર જમીનમાં ખારેકનું ફાર્મ છે. ૭ વર્ષ પહેલાં વાવેતર કર્યું હતું. જોકે બે-ત્રણ વર્ષ સુધી અચાનક જ વહેલા આવેલા વરસાદના કારણે ઉત્પાદનને ભારે અસર થઈ. ભેજના કારણે ફળ સડવા લાગ્યાં હતાં. તૈયાર પાક ઉતારવા માટે તો બહુ જ ઓછો સમય મળે છે. ત્યાર પછી ફળોનું ગ્રેડિંગ કરીને પેકિંગ કરીને વેચાણ કરવાનું હોય છે. તેમાં થોડો સમય જાય અને તેના કારણે ફળો બગડવા લાગે છે. ઉપરાંત દેશના અમુક વિસ્તારમાં તો ખારેકનાં ફળથી લોકો પરિચિત નથી તેના કારણે પણ બજારમાં મળવામાં મુશ્કેલી પડે છે. ટૂૂંકી સિઝનના કારણે બજારમાં ખારેકનો એકીસાથે મોટાપાયે ભરાવો થતો હોવાથી તેના ભાવ પણ પૂરતા મળતા નથી. આથી જ મેં ખારેકમાંથી શરાબ બનાવવાનું વિચાર્યું. આ ફળમાં શર્કરાનું પ્રમાણ ઘણું વધારે હોય છે. તેથી તેમાંથી વાઈન સહેલાઈથી બની શકે છે.’

એેક ડ્રમમાં ખારેકનો પલ્પ નાખીને તેમાં આથો લવાય છે. આ પલ્પ બે મહિના પછી ગળી જાય છે. તેને ગાળીને તેનો જ્યૂસ અલગ કરાય છે. તે જ વાઈન કહેવાય. સામાન્ય રીતે તો તે ખારેકના જ્યૂસ જેવો જ લાગે છે. તેમાં ખારેક જેવી ન્યુટ્રિશ્નલ વેલ્યુ હોય છે અને કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ ઘણું હોય છે. ઉપરાંત આ વાઈન કબજિયાત, માઇગ્રેન જેવા રોગ માટે પણ ઔષધિનું કામ કરે છે.

પાંચ કરોડના ખર્ચે રાજ્સ્થાનમાં સ્થપાયેલી ડેટ વાઈનની વાઈનરીમાં વર્ષે એક લાખ લિટર વાઈન બનશે. આ વાઈનરીને નફો કરતી બનવા માટે ત્રણેક વર્ષનો સમય લાગશે તેવો અંદાજ છે. અહીં દાડમમાંથી વાઈન બનાવવાનો પ્રયોગ પણ થઈ રહ્યો છે. કચ્છમાં દાડમનું વાવેતર પણ ૧.૨૦ લાખ હેક્ટર જમીનમાં થયેલું છે. દાડમના પાકમાં પણ અમુક વખતે ખેડૂતોને નુકસાની સહન કરવી પડે છે. ત્યારે પોતાની મેળે ખરી પડેલા કે થોડા ફાટી ગયેલા દાડમનો વાઈન બનાવવા માટે ઉપયોગ થઈ શકે તેમ છે.

જો ખેડૂતોને તેમના ફળ ઉત્પાદનના પૂરતા ભાવ ન મળે તો તેઓ વાઈન બનાવવા તરફ કે વાઈનરીને પોતાનાં ફળો વેચવા તરફ આકર્ષાશે તે નક્કી છે.

ખારેક ઉગાડનારા ખેડૂતોની મદદઅર્થે સેન્ટર ફોર એક્સલન્સ ઓફ ડેટ પામ
નાયબ નિયામક, બાગાયત ડૉ. ફાલ્ગુન મોઢના જણાવ્યાનુસાર, ‘ખારેકનું ઉત્પાદન કરનારા ખેડૂતોને ઓછા ખર્ચે, ઓછી મહેનતે વધુ નફો મળી શકે તે માટે રાજ્ય સરકારે ઇઝરાયેલ સરકારની મદદથી ભુજ નજીકના કુકમા ખાતે સેન્ટર ફોર એક્સલન્સ ઓફ ડેટ પામ (ખારેક પાક ઉત્કૃષ્ટતા કેન્દ્ર) શરૃ કર્યું છે. અહીં કેટલું પાણી કે ખાતર આપવું, ઝાડ પરથી ખારેક ઉતાર્યા પછી સ્ટોરેજ, વેચાણ વગેરે માટેનું માર્ગદર્શન પણ પૂરું પડાશે. ખારેકમાં કુદરતી રીતે પરાગનયન થતું નથી. અત્યાર સુધી હાથેથી કરાતું હતું, પરંતુ અહીં ખેડૂતોને પરાગનયનની યાંત્રિક પદ્ધતિ વિશે અને લણણી કરવા અંગે પણ માહિતગાર કરાશે. અહીં ફળોનાં ગ્રેડિંગ, શોર્ટિંગ, પેકિંગ માટે સવલતો ઊભી કરાશે. તેમ જ ખેડૂતોને પ્રિકૂલિંગ અને કૉલ્ડ ચેઇન માટે સહાય કરાશે.’

કચ્છમાં ખારેકમાંથી ખજૂર બનતી નથી
કચ્છમાં ખારેકનું મોટા પાયે ઉત્પાદન થતું હોવા છતાં તેમાંથી ખજૂર બનતાં નથી. તમામ ખજૂર બહારના દેશમાંથી આયાત કરવી પડે છે. ખારેક જ્યારે વૃક્ષ પર પાકી જાય ત્યારે તેને ઉતારવાના બદલે જરા પણ ભેજ વગરની પરિસ્થિતિમાં ઝાડ પર સુકાવા માટે રહેવા દેવામાં આવે છે અને ત્યાર પછી તે ખજૂરમાં પરિવર્તન પામે છે. કચ્છમાં ખારેક ઉનાળામાં પાકે છે. તે સમયે વાતાવરણમાં ભારે ભેજ હોય છે તેથી ખજૂર બની શકે તેવું કુદરતી વાતાવરણ હોતું નથી. તેથી જ કચ્છમાં ખારેક પાકતી હોવા છતાં તેમાંથી ખજૂર બનાવી શકાતાં નથી.

ખારેકમાંથી નીરો અને તાડી પણ બનાવી શકાય
ખારેકમાંથી નીરો અને તાડી પણ બનાવી શકાય છે. ખારેકના થડમાં કાણું પાડીને તેમાંથી નીકળતું દ્રવ્ય એકઠું કરાય છે. જો આ દ્રવ્યને સૂર્યપ્રકાશ પહેલાં વપરાય તો તે નીરો તરીકે વાપરી શકાય છે, પણ જેમ તડકો વધે તેમ તેમાં આથો આવવા લાગે અને તેની તાડી બની જાય. સામાન્ય રીતે વાડીઓમાં કામ કરતાં આદિવાસી મજૂરો નર વૃક્ષ કે નબળી ગુણવત્તાવાળા વૃક્ષમાંથી રસ કાઢે છે. સારા વૃક્ષ પરથી રસ કાઢવામાં આવે તો તે વૃક્ષ ફળ આપી શકતું નથી.

——.

ટૂૂંકી સિઝનના કારણે બજારમાં ખારેકનો એકીસાથે મોટાપાયે ભરાવો થતો હોવાથી તેના ભાવ પણ પૂરતા મળતા નથી. આથી જ મેં ખારેકમાંથી શરાબ બનાવવાનું વિચાર્યું – રણજિતસિંગ, માલિક, વાઈનરી

——————————–.

કચ્છખજૂરખારેકડેટ વાઈનડૉ. ફાલ્ગુન મોઢબાગાયતવાઈનરી
Comments (0)
Add Comment