એટીએફટીમાં પાક. ગ્રે લિસ્ટમાં ત્રાસવાદી ફન્ડિંગ અંગે લપડાક

ટેરર ફન્ડિંગ પર નજર રાખનાર એજન્સી ફાયનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ દ્વારા પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવતાં પાકિસ્તાનની મુશ્કેલી વધવાની છે.

આર્થિક મોરચે લગભગ દેવાળિયા દેશ જેવી સ્થિતિમાં આવી ગયેલા પાકિસ્તાને અમેરિકાની આર્થિક મદદમાં ઘટાડો અને નિયંત્રણ સામે ચીનની મદદથી ટંગડી ઊંચી રાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હવે ટેરર ફન્ડિંગ પર નજર રાખનાર એજન્સી ફાયનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ દ્વારા પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવતાં પાકિસ્તાનની મુશ્કેલી વધવાની છે. મહત્ત્વની વાત એ છે કે આ વખતે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જતું બચાવવા ચીન પણ તેની મદદે આવ્યું નહીં. પાકિસ્તાન માટે એ મોટો આંચકો છે. એટીએફટીના સંક્ષિપ્ત નામે ઓળખાતી આ વૈશ્વિક સંસ્થાએ પાકિસ્તાનને ત્રાસવાદ અટકાવવા માટે ત્રણ માસનો સમય આપ્યો હતો, પરંતુ પાકિસ્તાને તેનો યોગ્ય પ્રતિસાદ આપ્યો નહીં. પાકિસ્તાન સરકાર અને ત્યાંના શાસન તંત્રને સમજવાનું હવે વિશ્વમાં સૌને માટે મુશ્કેલ બનવા લાગ્યું છે.

પાકિસ્તાનમાં ચૂંટાયેલી સરકાર તો છે, પણ તે શાસન કરે છે કે કેમ એ સવાલ છે. સરકારની નીતિઓ સેના અને આઇએએસ દ્વારા પ્રભાવિત હોવાનું અનેક વખત જોવાયું છે. પાકિસ્તાનના અગ્રતાક્રમોમાં લોકોની સુખાકારી અને આર્થિક વિકાસ છેક છેવાડાના ભાગે સ્થાન ધરાવતા હોય તેમ લાગે છે. એટલે જ તો પાકિસ્તાનને ટેરર ફન્ડિંગ અને જેહાદી નેતાઓ તેમજ સંગઠનો પ્રત્યે ભારે પ્રેમ છે. પાકિસ્તાનના હુકમરાનો તેને માટે લોકોની બરબાદીને સ્વીકાર્ય ગણવા તૈયાર હોય તેવી તેની માનસિકતા જણાય છે. જો એવું ન હોત તો ટેરર ફન્ડિંગને અટકાવવા માટે પાકિસ્તાને દંભ આચરવાને બદલે ખરા અર્થમાં કડક પગલાં લીધાં હોત, પણ એવું બન્યું નથી. આ વખતે ચીન પણ તેના બચાવમાં તેની વહારે આવ્યું નહીં. એ બાબત તેની આંખ ઉઘાડનારી બની રહેવી જોઈએ. અઝહર મસુદને ત્રાસવાદી ઘોષિત કરવા સામે યુનોમાં ચીને હંમેશાં પાકિસ્તાનની તરફદારી કરી છે. એથી કદાચ પાકિસ્તાન એમ માનીને ચાલે છે કે ચીન જેવો મિત્ર તેને આવી બાબતોમાં આંતરરાષ્ટ્રીય મંચ પર બચાવતો રહેશે. પાકિસ્તાન એક વાત ભૂલી જાય છે. ખોટાં, હાનિકારક અને વિનાશક કૃત્યો માટે કોઈ કાયમ તેની મદદે આવવાનું નથી. ખરાબ, અમાનવીય અને હિંસક કૃત્યોના સમર્થન કરનારાઓ પણ એક હદ-મર્યાદા પાસે અટકી જતા હોય છે. પાકિસ્તાનની માફક દરેક દેશનો એજન્ડા કોઈ પણ ભોગે ત્રાસવાદને જીવિત રાખવાનો હોઈ ન શકે. ચીન ભલે પોતાના નિહિત સ્વાર્થોને કારણે પાકિસ્તાનને મદદ કરતું રહે, પરંતુ ત્રાસવાદનો વ્યાપ અને વિસ્તાર થતો રહે એ તો ચીન પણ ઇચ્છે નહીં, એ એટીએફટીમાં પુરવાર થઈ ચૂક્યું છે. ત્રાસવાદને પંપાળવાનો પાકિસ્તાનનો એજન્ડા ચીન માટે કાયમી સ્વીકાર્ય બનવાનો નથી.

એટીએફટીમાં કુલ ૩૭ સભ્યો છે. તેમાંથી એક માત્ર તુર્કીએ પાકિસ્તાનનો સાથ આપ્યો છે. બાકીના ચીન સહિતના ૩૬ દેશોએ આતંકી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી ન કરવા માટે પાકિસ્તાનને દંડિત કરવાના પ્રસ્તાવનું સમર્થન કર્યું. આ ઘટનાને પગલે હવે અન્ય દેશો પાકિસ્તાનમાં મૂડીરોકાણ કરતાં પહેલાં સો વાર વિચારશે. પાકિસ્તાન દ્વારા બે ત્રાસવાદી સંગઠનો અને તેના દ્વારા ચલાવવામાં આવતી ચૅરિટીને પ્રતિબંધિત કરવાનો દાવો પણ ખોટો પુરવાર થયો છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઠરાવાયેલ લશ્કરે તૈયબાના સ્થાપક હાફિઝ સૈયદ દ્વારા જમાત-ઉદ-દાવાને નામે ચૅરિટી ચલાવવામાં આવે છે. ત્રાસવાદના આરોપોથી બચવા માટે ચૅરિટીનો આ અંચળો ઓઢવામાં આવ્યો છે. એ સૌ જાણે છે. પાકિસ્તાનને એવી આશા હતી કે સાઉદી અરબ પણ તેને સાથ આપશે, પરંતુ એવું બન્યું નહીં. સાઉદી અરબના કહેવાથી તાજેતરમાં જ પાકિસ્તાને એક હજાર સૈનિકો ત્યાં લડવા માટે મોકલી આપ્યા હતા, પરંતુ અમેરિકાના ઉગ્ર વલણને સમજીને સાઉદ અરબે પણ પાકિસ્તાનનું સમર્થન કરવામાં પીછે હઠ કરી. ચીન પણ આંતરરાષ્ટ્રીય બિરાદરી સમક્ષ ત્રાસવાદના સમર્થક દેશ તરીકે પોતાની ઇમેજ સ્થાપિત થવા દેવા ઇચ્છતું ન હોય એ સ્વાભાવિક છે. પાકિસ્તાનની માફક આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ, એકલા પડી જવાનું ચીનને પરવડે તેમ નથી. પાકિસ્તાન હજુ આથી પણ વધુ કડક આર્થિક પ્રતિબંધોને લાયક છે, એવા પ્રતિબંધો કે જેનાથી પાકિસ્તાનમાં ઉછરી રહેલા આતંકવાદનો ખાતમો થઈ જાય. વૈશ્વિક સંમતિથી જ એ શક્ય બની શકે. એટીએફટીમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂકવાનું પગલું એ દિશાનું એક કદમ ગણી શકાય.

—————–.

આતંકવાદએટીએફટીગ્રે લિસ્ટજમાત-ઉદ-દાવાટેરર ફન્ડિંગતુર્કીપાકિસ્તાનમાં મૂડીરોકાણહાફિઝ સૈયદ
Comments (1)
Add Comment