ગુજરાતમાં લાખથી વધુ બાળકો કુપોષિત – આ શરમ કહેવાય કે વિકાસ?

ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યમાં એક લાખ કરતાં વધુ બાળકો કુપોષિત હોય તે ચિંતાજનક બાબત છે.

મધ્યાહ્ન ભોજન, દૂધ સંજીવની, આંગણવાડીમાં ગરમ નાસ્તાની યોજના આવાં રૃપાળા નામો હેઠળ અનેક યોજનાઓ સરકારી ચોપડે ચાલી રહી છે છતાં વાસ્તવિકતા એ છે કે ગુજરાતમાંથી હજુ કુપોષણનું કલંક દૂર કરી શકાયંુ નથી. સરકારના આંકડા ચોંકાવનારાની સાથે ચિંતા જન્માવે તેવા છે…..

ગુજરાતની ૧૪મી વિધાનસભાનું પ્રથમ સત્ર હાલ ચાલી રહ્યું છે. આ સત્રમાં ખુદ રાજ્ય સરકારે એક પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્યમાં કુપોષિત બાળકોના આંકડાઓ જાહેર કર્યા તે જ બતાવે છે કે સરકારમાં કરોડો રૃપિયાની યોજનાઓ ચાલી રહી છે, પણ તેનું પરિણામ મળતંુ નથી. ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાં મળી ૧,૦પ,૯૩૮ બાળકો કુપોષિત છે. સૌથી વધુ વડોદરા જિલ્લામાં ૭,૬રપ જ્યારે બીજા ક્રમે દાહોદ જિલ્લામાં ૭,૪૧૯ અને ત્રીજા ક્રમે ખેડા જિલ્લામાં ૭,૦૦૮ બાળકો ડિસેમ્બર ર૦૧૭ની સ્થિતિએ કુપોષિત છે. એવું નથી કે આદિવાસી વસતી ધરાવતા જિલ્લાઓમાં જ કુપોષિત બાળકો છે. સરકારના અધિકૃત અહેવાલ મુજબ અમદાવાદ, રાજકોટ, ભાવનગર, બનાસકાંઠા, આણંદ, જૂનાગઢ જેવા જિલ્લાઓમાં પણ કુપોષિત બાળકોની સંખ્યા છે. રાજ્યમાં સૌથી વધુ વડોદરા જિલ્લામાં અને સૌથી ઓછા બોટાદ જિલ્લામાં ૪૮૯ બાળકો કુપોષિત છે.

ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યમાં એક લાખ કરતાં વધુ બાળકો કુપોષિત હોય તે ચિંતાજનક બાબત છે. ઓરિસ્સા, બિહાર કે છતીસગઢ રાજ્યોમાં કુપોષિત બાળકોની સંખ્યામાં લાખોમાં આવે તો તે આંકડા ચોંકાવે નહીં, પણ ગુજરાતના આ આંકડા કોઈ પણને ચોંકાવી દે છે. સામાન્ય રીતે ગુજરાતની ઇમેજ એક સુખી સંપન્ન રાજ્યની છે. ગુજરાતમાં ક્યાંય પણ એવા ભૂખમરાની હાલત નથી કે આવી સ્થિતિ જોવા મળે. ગુજરાતના આદિવાસી વિસ્તારમાં પણ બે ટંકનો રોટલો તો દરેકને મળી શકે છે. ઝૂંપડામાં રહેનારા પણ ભૂખ્યા સૂતા નથી હોતા. આમ છતાં ગુજરાતના ૩૦ જેટલા જિલ્લાઓમાં કુપોષિત બાળકો હોવા એ સરકાર જ નહીં, સામાજિક સંસ્થાઓ માટે પણ ચિંતાનો વિષય છે. સરકાર અને સામાજિક સંસ્થાઓ કુપોષિત મહિલા અને બાળકો માટે વર્ષોથી કામગીરી કરી રહી છે. રાજ્યમાં કુપોષિત બાળકોના આ આંકડા એ બતાવે છે કે હજુ સરકારી યોજનાઓનો ખરો લાભ જ્યાં સુધી પહોંચવો જોઈએ ત્યાં સુધી પહોંચતો નથી અને તેનું આ પરિણામ છે. વ્યવસ્થામાં ક્યાંક ખામી રહી છે અથવા તો કુપોષણને લગતા એવા કયા માપદંડ હોય છે જે ગુજરાત સંપૂર્ણપણે હજુ પાળી શકતું નથી.

દેશભરમાં ગુજરાતના વિકાસ મોડલની જ્યારે ચર્યા થઈ રહી હોય ત્યારે એક લાખ કરતાં વધુ કુપોષિત બાળકો હોવા એ એક રીતે રાજ્ય માટે શરમની વાત છે. આશરે ત્રણ હજાર કરોડ કરતાં વધુ રકમનું બજેટ કુપોષિત મહિલાઓ અને બાળકો માટે રાજ્ય સરકારમાં ફાળવવામાં આવે છે. રાજ્યને કુપોષણ મુક્ત કર્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પણ ખુદ સરકારના આ આંકડા જ આવા દાવાઓની પોલ ખોલી નાખે છે. ગુજરાતમાં કુપોષણનો મુદ્દો ગત વિધાનસભાની ચૂંટણી વખતે પણ ઊછળ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એવો મુદ્દો ઉઠાવ્યો હતો કે ગુજરાતમાં ૩૯ ટકા કરતાં વધુ બાળકો કુપોષિત છે તેમણે રાજ્યની સ્વાસ્થ્ય સેવાઓની બાબતમાં સવાલો ઉઠાવ્યા હતા.

ગુજરાતમાં ૧૯૮પમાં શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના શરૃ કરવામાં આવી હતી તેનો ઉદ્દેશ્ય પણ એ જ હતો કે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારનાં બાળકોમાં કુપોષણ દૂર કરી શકાય. રાજ્ય સરકારમાં ત્યાર બાદ અનેક યોજનાઓ અમલી બનાવાઈ છે.

આંગણવાડીઓમાં ગરમ નાસ્તો, ફરજિયાત ફ્રૂટ આપવું, દૂધ સંજીવની યોજના, સુખડી યોજના આવી અનેક યોજનાઓ સરકારી ચોપડે ચાલી રહી છે, તેનંુ લિસ્ટ કરીએ તો પણ લાંબંુ થાય તેમ છે. આમ છતાં તેનું પરિણામ ખરા અર્થમાં મળવંુ જોઈએ તે મળતું નથી. તેની ચાડી ખાય છે કુપોષણના તાજા આંકડાઓ. છેલ્લા ત્રણ દાયકામાં અનેક સરકારો બદલાઈ ગઈ છે. હા, કુપોષણની ટકાવારી કદાચ ઘટી હશે, પણ રાજ્યને હજુ સંપૂર્ણપણે કુપોષણ મુક્ત કરી શકાયું નથી. વાયબ્રન્ટ રાજ્યની આ શરમ કહેવાય કે વિકાસ? આવો સવાલ ઊઠે છે.

——————————–.

આંગણવાડીકુપોષિત બાળકોગુજરાતકારણદૂધ સંજીવનીબજેટમધ્યાહ્ન ભોજનવિધાનસભાસુખડી યોજના
Comments (0)
Add Comment