તમારા માટે, તમારી સાથે, સતત…

વ્યંગરંગઃ ચા-પાણીના…કંઈક!

બહેન બહાર આવો ને તમારું લાઇસન્સ બતાવો

0 263
  • વ્યંગરંગ – કલ્પના દેસાઈ

ચા-પાણીના…કંઈક!

આજકાલ બહુ તીવ્રતાથી મારા દિમાગમાં એ દિવસો ઝબકારા મારી રહ્યા છે, જ્યારે અમે બહુ મોજથી આડેધડ રસ્તો ક્રોસ કરતા ને મનમાં આવે તેમ ગાડી હાંકતાં કે ગાડી હાંકનારને ગમે તેમ ગાડી હાંકવા મજબૂર પણ કરતાં! સમયસર તો અમારાથી કોઈ દિવસ ઘરેથી નીકળાતું જ નહીં એટલે ‘ભગાવ…ભગાવ…’ સિવાય મગજમાં કંઈ આવતું જ નહીં. એ દરમિયાન કેટલીય ગાડીઓને રોંગ સાઈડથી પાછળ છોડી દેતાં ને અમુકને તો ગોબા પાડવાનું જ બાકી રાખતાં! ત્યારે કોઈની ગાળોની, કોઈના બબડાટની કે બીવડાવે એવા ડોળાની ક્યાં પરવા હતી? બહુ મોજના હતા એ દિવસો, ખરેખર!

એ દિવસ પણ મને યાદ છે જ્યારે ગાડી ચલાવવાની મારી કારકિર્દી દરમિયાન મેં પેલ્લુવેલ્લુ ચલણ સો રૃપિયાના ચલણમાં ચૂકવેલું ને તેય નામદાર જજના કહેવાથી. વાત એમ હતી કે, નવા નવા મળેલા ડ્રાઇવિંગ લાઇસન્સની ખુશીમાં પિતાજી તરફથી મને ગાડી ચલાવવાની છૂટ મળેલી. ‘ખાલી’ હાઈવે પર ચલાવવાની! (ત્યારના હાઈવે ગાડી શીખવા કે પ્રેક્ટિસ કરવા કામ આવતા બોલો!) મારા પર ભરપૂર વિશ્વાસ બેસવાથી એક દિવસ મને એકલાં જ ગાડી લઈ જવાની રજા મળી અને મેં તો ગાડીને વિમાન સમજીને ઊડાવી! ફરફરાટી બોલાવતી ગાડી હવા સાથે વાતો કરતી જઈ રહી હતી ને મારા આનંદની કોઈ સીમા નહોતી. દર વખતે જે ઘર સુધી પહોંચતાં અમને વીસ મિનિટ લાગતી તે ઘરના દરવાજે હું ફક્ત દસ જ મિનિટમાં પહોંચી ગઈ! અને પછી તો ચમત્કાર જ થયો.

હું દરવાજો ખોલું તે પહેલાં તો શ્વેત વસ્ત્રધારી ચાર સજ્જન ભાઈઓ મારી ગાડીની ફરતે ઊભા રહી ગયા. એકે મને દરવાજો પણ ખોલી આપ્યો ને નમ્રતાથી કહ્યું, ‘બહેન બહાર આવો ને તમારું લાઇસન્સ બતાવો.’

‘લાઇસન્સ તો ઘરમાં છે.’ મને શું ખબર કે દર વખતે લાઇસન્સ સાથે જ રાખવાનું?’

Related Posts
1 of 29

‘તો જાઓ, જઈને લઈ આવો.’ હવે ત્યારે એવા બધા વિવેક કરતાં મને નહોતા આવડતા કે અગડમબગડમ સમજાવતાં પણ નહોતું આવડતું, કે ‘આવો ને સાહેબ, ઘરમાં બેસીને ચા-પાણીનું કંઈ ગોઠવીએ. હું તમને લાઇસન્સ પણ બતાવું. શું છે કે, મારી મમ્મી બહુ બીમાર છે ને મારે જલદી ઘરે પહોંચવાનું હતું. એને હૉસ્પિટલ લઈ જવાની છે.’ વગેરે વગેરે વાર્તા લંબાવી કાઢતે. ખેર, એ લોકો તો મારા મહેમાન ન બન્યા, પણ મારું લાઇસન્સ લઈને મને એમને ત્યાં મહેમાન બનવાનું આમંત્રણ આપતા ગયા. મારાં આ બે પરાક્રમ જાણીને અમારા ડ્રાઇવરે માથું ભીંતે અફાળવાનું જ બાકી રાખેલું. ‘એક તો ગાડી ભગાયા ઔર લાઇસન્સ ભી દે દિયા?’ એના પડેલા-ઊતરેલા મોંએ એણે કહ્યું, ‘બહે…ન, અબ આપકો કોર્ટમેં જાના પડેગા.’

‘અભી લાઇસન્સ ઊધરસે મિલેગા?’

‘હાં, લેકિન ફાઇન દેનેકે બાદ. દેખો, જજસાબ ગુના કબૂલ કરવાએંગે ઔર ફાઇન કહેંગે, સબમેં હાં કર દેના.’ આ એવડો મોટો ગુનો હતો? કોણ જાણે! જજસાહેબ તો કોઈનોય સવાલ કે દલીલ સહન નહોતા કરી શકતા! (ઘરનો બદલો આમ બહારના સાથે લેવાનો?) આખરે એ દિવસ પણ આવ્યો ને મેં સો રૃપિયાની નોટ કોર્ટમાં જમા કરાવી કેમ કે જજસાહેબ ફાઇન પણ હાથોહાથ લેતા નહોતા! સ્પીડમાં ગાડી ચલાવવા બદલ લાઇસન્સમાં મને એક નાનકડું સર્ટિફિકેટ પણ લખી આપ્યું જેથી હું ભવિષ્યમાં ગર્વભેર સહુને બતાવી શકું!

બસ, એ રળિયામણી ઘડીથી મારી ગાડીયાત્રા આજ સુધી એક નક્કી કરેલી સ્પીડ સાથે ચાલતી રહી. મારી સાથે મારા ઘરના સૌમાં પણ એક ડર બેસી ગયેલો, કારણ કે ત્યારના સો રૃપિયા એટલે? ચાલો ગણીએ. સોનાનો ભાવ ત્યારે ૨૦૦ રૃપિયા હતો ને આજે? ઘી અને તેલ ૫-૧૦ રૃપિયાની અંદર હતાં ને આજે? ડીઝલને તો કોણ ઓળખતું? એટલે પેટ્રોલ આજના પાણી કરતાંય મફતના ભાવે મળતું એટલે દોઢ કે બે રૃપિયામાં શું ગણવાનું? તો પછી ત્યારના સો રૃપિયા એટલે આજે તો અધધ જ કહેવાય ને? એટલા અધધને બહાને તો આજ સુધીમાં કેટલીય જિંદગીઓ બચી ને કેટલાંય લાઇસન્સ જપ્ત થતાં બચ્યા! ખેર, મારી નાનકડી કુરબાની એળે નથી ગઈ તેનો આજ સુધી મને આનંદ ને સંતોષ છે.

એમ તો દેશ ખાતર કે બચવા ખાતર મોટા મોટા સંબંધોની કુરબાની આપવામાં મારા એવણ પણ પાછળ નથી પડ્યા. આજ સુધી જ્યારે જ્યારે બહારગામ જવાનું થયું છે ત્યારે ત્યારે એવણે અમુક ખાસ કાડ્ર્સ ભૂલ્યા વગર ખિસ્સામાં મૂકી જ દીધા છે! કોઈની પણ ભૂલથી, કોઈ પણ જગ્યાએ(ખાસ તો ગુજરાત ને મહારાષ્ટ્રમાં) કશેક પણ નાના/મોટા, કોઈ પણ ગુનાસર પેલા પોલીસભાઈએ અમારી ગાડી રોકાવી છે કે તરત જ એમના બિલ્લાના નામ પરથી એવણે ઓળખાણ કાઢી જ છે!

‘ઓહોહો ગામીતભાઈ! સોનગઢના કે વ્યારાના? અમે …સાહેબના ઘરેથી જ આજે આવતા છે.’ પેલા ભાઈ પણ અહોભાવથી ખુશ થઈને સાહેબના મિત્રને સલાહ આપીને છોડી મૂકતા! ‘સાહેબ, બીજી વાર ધ્યાન રાખજો.’ એમ જ કોઈ વાર મિનિસ્ટર ને કોઈ વાર કલેક્ટરના નામે બહુ નિયમોને એવણે બાજુએ મૂક્યા છે ને સૌ ખુશ પણ થયા છીએ, પણ હવે?

હવે તો ટીવી પરની લોકોની ચલણકહાણી જાણીને એવણ હવે ગાડીના બધા પેપર્સ ને લાઇસન્સ દસ વાર ચેક કરે છે, તો સાથે સાથે બધી ઓળખાણોનું પોટલુંય એમણે ઊંચે ચડાવી દીધું છે! પૈસા કંઈ મફતના આવે છે?
——————-

Leave A Reply

Your email address will not be published.

Translate »