તમારા માટે, તમારી સાથે, સતત…

વિદ્યાર્થીઓની તરસ  છીપાવે છે ‘પુસ્તક પરબ’

એક શહેર એવું પણ છે જ્યાં પાણીની પરબ સાથે પુસ્તક પરબ પણ ચાલે છે.

0 234
  • પ્રેરણા – હેતલ રાવ

ગરમીના પ્રકોપથી બચવા લોકો પાણીની પરબ બંધાવે તે સામાન્ય વાત બની ગઈ છે, પરંતુ આપણે વાત કરવાની છે પુસ્તક પરબની. જી હા, એક શહેર એવું પણ છે જ્યાં પાણીની પરબ સાથે પુસ્તક પરબ પણ ચાલે છે.

કદાચ ઘણા લોકો આ વાતથી અજાણ હશે કે ભરૃચ શહેરમાં પુસ્તક પરબ ચાલી રહી છે. જેમાં ગરીબ અને જરૃરિયાતમંદ બાળકોને અભ્યાસ માટે પુસ્તક આપવામાં આવે છે અને તે પણ વિના મૂલ્યે. પુસ્તકની પરબ વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં શિક્ષણ થકી વિદ્યાની તરસ છીપાવે છે. શહેરના દરેક વિસ્તારમાંથી પુસ્તક પરબ કેન્દ્ર જૂનાં પુસ્તકો ઉઘરાવવાનું કાર્ય કરે છે અને તે  જરૃરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડે છે. એટલું જ નહીં, દર વર્ષે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ પણ આપે છે. વર્ષો પહેલાં શરૃ કરવામાં આવેલી આ પરબને ૧૭ વર્ષ જેટલો સમય વીતી ગયો છે, પરંતુ આજે પણ વિદ્યાદાનનું મહત્ત્વનું પરિબળ ગણાતા પુસ્તકના વિતરણનું કાર્ય યથાવત્ ચાલી રહ્યું છે. દર વર્ષે ત્રણ હજાર કરતાં પણ વધુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ આપવામાં આવે છે.

Related Posts
1 of 55

અંગ્રેજીમાં એક કહેવત છે વેલ બિગિનિંગ એન્ડ હાફ ડન અર્થાત્ જેની શરૃઆત સારી થાય તેનું અડધું કામ પૂર્ણ થઈ જાય છે. તેવી જ રીતે આ પુસ્તક પરબ કેન્દ્રની સારી શરૃઆતથી અન્ય શહેરીજનોમાં પણ સેવાભાવની લાગણી ઉદ્ભવી. પરબની શરૃઆત કેવી રીતે થઈ તે જાણવાની સહજ ઇચ્છા થઈ આવે. આ પરબના મહત્ત્વના સભ્ય ભરતભાઈ શાહ આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘સામાન્ય દિવસોની જેમ જ હું પસ્તીવાળાના ત્યાં કામ અર્થે ગયો હતો. ત્યાં મેં જોયંુ કે સારા અને બીજાને ઉપયોગી બની રહે તેવાં પુસ્તકો પસ્તીના ભાવે વેચાઈ રહ્યા છે. ત્યારે મને ચાર્લી લોવેટનું સુવાક્ય યાદ આવ્યંુ કે પુસ્તક આપણો સાચો મિત્ર છે. બસ, પછી શું, આ મિત્રને આ રીતે રદ્દીના ભાવે વેચાતા અને બિનઉપયોગી થતાં બચાવી, જરૃરિયાતમંદ લોકો સુધી પહોંચાડવાની ઝુંબેશ શરૃ કરી. શરૃઆતમાં એકલા ચાલવાની ફરજ પડી, પરંતુ સમય સાથે આ પરબમાં લોકો સ્વયમ જોડાતા ગયા. તે સમયના વિચારે આજે વટવૃક્ષનું સ્વરૃપ લઈ લીધું છે. હવે તો કૉલેજના વિદ્યાર્થીઓ, આસપાસ રહેતા લોકો અને ઘણા બધા સાથી મિત્રો આ કામમાં મદદ કરે છે. આ ઉપરાંત પણ અમારી પાસે અનેક સાહિત્યલક્ષી, ઇતિહાસના અને ઘણાબધા પુસ્તકો છે જે પણ વિના મૂલ્યે વાંચવા માટે આપવામાં આવે છે. સમગ્ર કામ પારદર્શક રીતે કરવામાં આવે છે. ઉપરાંત કોઈ પણ જાતિ-જ્ઞાતિના ભેદ વિના આ પરબ દરેક વિદ્યાર્થીની તરસને તૃપ્ત કરે છે.’

પુસ્તક પરબ કેન્દ્ર દ્વારા ૪૦થી ૪૫ જેટલી શાળાઓને પત્ર લખીને ગરીબ તથા જરૃરિયાતમંદ  વિદ્યાર્થીઓની યાદી મંગાવીને પુસ્તકો અને શૈક્ષણિક કિટ વિતરણ કરવામાં આવે છે. ઉપરાંત શહેરની ૨૫થી ૩૦ હાઈસ્કૂલ, આંગણવાડીઓ અને અનાથ આશ્રમનાં ૩૫૦૦ જેટલાં બાળકોને પણ પુસ્તક પરબ કેન્દ્ર દ્વારા શિક્ષણ કિટ અને પુસ્તકો આપવામાં આવે છે.

સમાજ સેવા કરતા અને વિદ્યાર્થીઓની મદદ કરતા હોય તેવા લોકોની આજના યુગમાં કોઈ કમી નથી, પરંતુ કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના, કોઈ પણ સમાજના વાડાના બંધનથી મુક્ત થઈને ચલાવવામાં આવતી આ પુસ્તક પરબ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ સમાન છે. ગુજરાતમાં દરેક વ્યક્તિ જો પુસ્તકનું સાચું મૂલ્ય સમજે અને તેનો યોગ્ય ઉપયોગ કરે તો  મોંઘવારી ભરેલા ભણતરનો ભાર માતા-પિતા માટે જરૃર થોડો હળવો થશે.
————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »