તમારા માટે, તમારી સાથે, સતત…

નવરાત્રી કે લવરાત્રી?

આખી જિંદગી કાઢવાની છે તેમાં પરફેક્ટ મેચિંગ ન હોય છતાં કેમ ઉતાવળથી છેતરાઈ જતી હશે?

0 166
  • હસતાં રહેજો રાજ – જગદીશ ત્રિવેદી

હું પથુુભાના પાનના ગલ્લે ઊભો હતો. પથુભાએ માતાજીને દીવો-અગરબત્તી કરી બે હાથ જોડ્યા. ત્યાર બાદ મારી સામે ફરીને બોલ્યા ઃ જય માતાજી.

‘જય માતાજી, શું પ્રાર્થના કરી?’ મેં પૂછ્યું.

‘પ્રાર્થના બીજી શું હોય? હે માતાજી… સૌનું ભલું કરજો અને શરૃઆત મારાથી કરજો.’ પથુભાએ કહ્યંુ.

‘મારો ધંધો વધે એવું કરજો એમ કહ્યું કે નહીં?’

‘એ તો કહેવું જ પડે ને?’

‘એનો મતલબ એવો થયો કે હે માતાજી… આજે વધુમાં વધુ લોકો વ્યસન કરે એવું કરજો.’ મેં સવારના પહોરમાં પથુભાને છંછેડ્યા.

‘જો ભાઈ… એમ તો દારૃની દુકાનવાળા પણ સવારમાં ધંધો વધે એવી પ્રાર્થના કરે છે. દાક્તરો પણ આવક વધે એવું ઇચ્છે છે, પરંતુ કોઈ દાક્તર એવું નથી કહેતો કે હે ભગવાન… આજે વધુમાં વધુ લોકો માંદા પડે એવું કરજો.’

‘ભલે કોઈ ચોખ્ખેચોખ્ખું ન બોલે, પણ એનો અર્થ એવો જ થાય.’

‘અર્થ કરવા હોય તો ડગલેને પગલે થાય.’ પથુભા ઉવાચ.

‘ઉદાહરણ તરીકે…’ મેં પૂછ્યું.

‘આ શાંતિલાલ ગુજરી ગયા એનો ‘મેલો આવ્યો છે. એમના દીકરાઓએ લખ્યું છે કે, અમારા પિતાશ્રીનો સ્વર્ગવાસ થયો છે એ ઘણું માઠું થયું છે. હવે તમે જ કહો કે આ વાક્યના બે અર્થ થાય કે ન થાય?’ પથુભાએ દાખલો ટાંક્યો.

‘કેવી રીતે બે અર્થ થાય?’

‘તમે લેખક થઈને મારા જેવા અભણ માણસ પાસે બધું બોલાવશો નહીં.’

‘મને ખરેખર ખબર નથી’ મેં કહ્યું.

‘શાંતિલાલનો સ્વર્ગવાસ થયો છે એ માઠું થયું છે, એનો એક અર્થ એવો થાય કે શાંતિલાલ ગુજરી ગયા તે ખોટું થયું છે અને બીજો અર્થ એ પણ થાય કે એ સ્વર્ગમાં ગયા તે ખોટું થયું છે’ પથુભાએ મને પાંથીએ પાંથીએ તેલ પૂર્યું.

‘વાહ પથુભા વાહ… તમે સવારના પહોરમાં લહેર કરાવી દીધી.’

‘હવે શ્રાદ્ધ જશે અને નવરાત્રી આવશે. આ નવરાત્રીનું નવું નામ ખબર છે?’ પથુભાએ પૂછ્યું.

‘ના…’

‘લવરાત્રી… મારા દીકરા નવ-નવ દિવસ સુધી આખી રાત કૂદકા મારશે, પરંતુ નવરાત્રી શા માટે આવે છે એની બહુ ઓછા લોકોને ખબર છે.’

‘વરસમાં ચાર નવરાત્રી મુખ્ય ગણાય એની પણ કોઈને ખબર નથી. કારતક, ચૈત્ર, મહા અને આસો.’ મેં જ્ઞાન પ્રગટ કર્યું.

‘મને તો એટલી ખબર છે કે નવરાત્રી એટલે માતાજીની સાધના, આરાધના અને ઉપાસનાના દિવસો… એના બદલે સ્ત્રી-પુરુષો ઉત્તેજક કપડાં પહેરી હિન્દી ફિલ્મોનાં ગીતો ઉપર ઠેકડા મારે છે. જેમને માતાજી સાથે કંઈ જ લેવા-દેવા નથી એ માત્ર જલસા કરવા જાગે છે’ બાપુએ બળાપો ઠાલવ્યો.

‘જોકે બધા એવા હોતા નથી. ઘણા લોકો શ્રદ્ધા અને ભક્તિથી ગરબા ગાય છે. દિવસે ઉપવાસ કરે છે, કોઈ મૌન રાખે છે તો કોઈ આખો દિવસ માળા ફેરવે છે.’ મેં આશાવાદ પ્રગટ કર્યો.

‘સાવ સાચા ભક્તોની ટકાવારી કેટલી?’

‘સજ્જનો હંમેશાં માઈનોરિટીમાં જ હોય. કૌરવો સો હોય, પાંડવો તો પાંચ જ હોય.’ મેં કહ્યું.

‘ગઈ નવરાત્રીમાં જોયું ને? સુમનભાઈની સુવાસ ઊડી ગઈ.’

‘હા, એમની જુવાનજોધ દીકરી ગરબે રમવામાં ઘૂમરે ચડી ગઈ. આવારા જેવા યુવકના પ્રેમમાં પડી ગઈ.’

‘પ્રેમમાં પડી પણ ઊંધે કાંધ પડી. દશેરાના દિવસે કોર્ટમાં પરણીને સીધી પગે લાગવા આવી.’

‘પથુભા, મને એક વાત સમજાતી નથી.’

‘શું?’

‘બહેનો એક બ્લાઉઝ પીસ લેવાનું હોય તો પણ પાંચ દુકાન ફરે છે. છતાં જો પરફેક્ટ મેચિંગ ન મળે તો મોટી બજાર સુધી જાય છે અને જેની સાથે આખી જિંદગી કાઢવાની છે તેમાં પરફેક્ટ મેચિંગ ન હોય છતાં કેમ ઉતાવળથી છેતરાઈ જતી હશે?’ મેં દૃષ્ટાંત વડે વાત રજૂ કરી.

‘સાડી સાથે બંગડી, બ્લાઉઝ અને બિંદીનું મેચિંગ હોય, દીવાલના કલર સાથે બારીના પડદાનું મેચિંગ હોય, શર્ટ સાથે પેન્ટનું મેચિંગ હોય, પરંતુ પતિ-પત્નીના સ્વભાવનું મેચિંગ ન હોય તો જીવન જીવવાની મઝા જ ન આવે.’ પથુભાએ અનુભવીને શોભે એવું વિશ્લેષણ કર્યું.

અમારી ચર્ચા ચાલુ હતી ત્યાં ઓચિંતો અંબાલાલ આવી ચડ્યો.

‘કઈ સમાચાર મળ્યા?’ અંબાલાલે પ્રશ્ન સાથે પધરામણી કરી.

‘ના.’

‘ગઈકાલે અમરશી ઘંટીવાળો અને ધીરૃ ધોબી બથોબથ બાઝ્યા.’

Related Posts
1 of 184

‘વળી શું થયું?’ પથુભાને ધ્રાસ્કો પડ્યો.

‘અમરશી એના બાપા પાછળ કાગવાસ નાખતો હતો અને પાડોશમાંથી ધીરૃએ કાગડાને પથ્થર માર્યો.’

‘પછી?’

‘અમરશીએ ખીર-પૂરીનો વાટકો પડતો મૂકી પરબારો ધીરૃનો કાંઠલો પકડી લીધો અને પૂછ્યું ઃ તેં મારા બાપાને પથ્થર કેમ માર્યો?’

‘અલ્યા આ તો ખરી થઈ.’ મેં કહ્યું.

‘ધીરૃ કહે, એ તારો બાપ નહોતો, પણ મારો બાપ હતો. હું મારા બાપને ન ઓળખું? એટલે અમરશી કહે માની લઉં કે એ તારો બાપ હતો તો તારા બાપને કેમ માર્યો?’ અંબાલાલે કહ્યું.

‘બરાબર છે.’ પથુભાએ ચુકાદો આપ્યો.

‘ધીરૃ કહે, આપણે બંને પાડોશીને બોલવાનો પણ સંબંધ નથી અને છતાં મારો બાપ તારા છાપરે આવીને ખીર ખાય એને મારું નહીં તો શું કરું?’

‘એની વાત વિચારવા જેવી ખરી.’ મેં ટેકો કર્યો.

‘મને ધર્મના નામે ધતિંગ થાય અને તહેવારના નામે તાયફા થાય એ ગમતું નથી.’ પથુભાએ પોતાનો અણગમો પ્રગટ કર્યો.

‘તમારી વાત સાચી છે’ અંબાલાલ બોલ્યો.

‘હું અને પથુભા થોડીવાર પહેલાં નવરાત્રીની વાત કરતા હતા.’

‘એમાં પણ ધર્મના નામે જલસા સિવાય કશંુ નથી.’ અંબાલાલે પણ અમારા સૂરમાં સૂર પુરાવ્યો.

‘ગઈકાલે હું ડૉક્ટર હાઉસ ગયો હતો. ત્યાં મને ડૉ.બાટલાવાળા મળી ગયા. એ નવરાત્રી પછી ખાસ ‘નવરાત્રી સારવાર કેન્દ્ર’ ખોલવાના છે’ પથુભાએ કહ્યંુ.

‘નવરાત્રી સારવાર કેન્દ્ર??’

‘હા, ડૉક્ટર હાઉસના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ઈ.એન.ટી. સ્પેશિયાલિસ્ટ ડૉ.ખાટલાવાળા બેસશે. બેસૂરા રાત્રે ગરબા ગાઈને કે ખોટા રાડુ-દેકારા કરીને કે ગળામાં ધૂળ ઘૂસી જવાથી જે કોઈના અવાજ બેસી ગયા હોય તે બધા ત્યાં આવીને બેસશે.’

‘પછી?’ મને રસ પડ્યો.

‘બીજા માળે ઑર્થોપેડિક સર્જન ડૉ.કાટલાવાળા.. કોઈને એક પાર્ટી પ્લોટથી બીજા પાર્ટી પ્લોટ જવામાં નાનો-મોટો અકસ્માત થયો હોય અને પરિણામે અસ્થિભંગનો યોગ થયો હોય અથવા કોઈ દાંડિયામાં વધુ પડતો સ્ટેમિના દેખાડવામાં ઢોળાઈ ગયા હોય, કોઈને દાંડિયો વાગી ગયો હોય ટૂંકમાં કોઈ પણ રીતે હાડકાં ભાંગ્યા હોય.’

‘કોઈના હાથનો માર ખાઈને પણ હાડકાં ભાંગી શકે છે’ અંબાલાલે ઉમેર્યું.

‘હા… એ બધા બીજા માળે જશે અને ત્રીજા માળે દિલ તૂટેલા માટે ખુદ ગબ્બર એટલે ડૉ.બાટલાવાળા.’

‘દિલ તૂટેલા…?’

‘નવરાત્રીમાં હાડકાં કરતાં દિલ વધુ ભાંગે છે. કારણ મેં કહ્યું તેમ હવે નવરાત્રી નથી, પરંતુ લવરાત્રી થઈ ગઈ છે. એ બધાની સારવાર બાટલાવાળા કરશે.’ પથુભાએ પૂરું કર્યું.

‘ત્રણેનો ધંધો જોરદાર ચાલશે.’ મેં આશાવાદ પ્રગટ કર્યો.

‘શું કહ્યું??’ પથુભાએ ભાર દઈને પૂછ્યું.

‘નવરાત્રી પછી ત્રણે દાક્તરનો ધંધો બરાબર ચાલશે.’ મેં કહ્યંુ.

‘એનો અર્થ એ થયો કે તમે આડકતરી રીતે ઇચ્છા વ્યક્ત કરી કે નવરાત્રીમાં વધુમાં વધુ લોકોના અવાજ બેસી જશે, અસ્થિભંગ થશે અને હૃદયભંગ પણ થશે… થયું કે નહીં?’

‘તમારી વાત સાચી છે પથુભા..’ અંબાલાલે ટેકો કર્યો.

‘હું સવારે અગરબત્તી કરીને પ્રાર્થના કરતો હતો તો મને કહે, તમે ધંધો વધે તેમ કહ્યું એનો અર્થ એ થયો કે વધુમાં વધુ લોકો વ્યસન કરે તેવી ઇચ્છા પ્રગટ કરી એટલે મેં એમને એમના શબ્દો પાછા આપ્યા’ પથુભાઈએ સોગઠી મારી દીધી.

‘સરકાર ગુટખા ઉપર પ્રતિબંધ મુકે છે છતાં સોપારી, તમાકુ અને ચૂનો ત્રણે જુદી-જુદી પડીકીમાં વેચાય જ છે.’ અંબાલાલે સત્ય કહ્યું.

‘એમ તો ગુજરાતમાં દારૃબંધી છે છતાં માગો તે બ્રાન્ડ માગો ત્યારે મળે છે.’ પથુભાએ સત્યને વધુ પુષ્ટ કર્યું.

‘ગલી-ગલી ગોરસ ફીરે, મદીરા બૈઠે બીકાય. જે લોકોને દૂધ, ઘી અને માખણ વેચવા છે એમને શેરીએ શેરીએ સાદ પાડવો પડે છે અને ગુટખા, સિગારેટ કે દારૃ તો વેપારી જ્યાં બેઠો હોય ત્યાં આવીને લોકો લઈ જાય છે. કથા, સત્સંગમાં મફત પ્રવેશ મળે છે અને ઉપરથી પ્રસાદી અથવા ભોજન મળે જ્યારે કુસંસ્કાર ફેલાવતી ફિલ્મોમાં પહેલાં રૃપિયા ખર્ચીને ટિકિટ ખરીદો પછી જ પ્રવેશ મળે છે અને ઇન્ટરવલમાં પાંચ રૃપિયાના પોપકોર્ન પચાસમાં મળે છતાં લોકો ખાય છે.’ મેં વર્તમાન સમયનો ચિતાર આપ્યો.

‘આપણા સુરેન્દ્રનગરનાં વાદીપરા ચોકમાં માત્ર પુરુષો સાચા હૃદયથી ગરબી ગાય છે ત્યાં નવેનવ દિવસ કાગડા ઊડે છે અને મહાનગરના પાર્ટી પ્લોટમાં મોંઘીદાટ ટિકિટ હશે છતાં માણસો સમાતા નથી નહીંતર ત્યાં માતાજીને કોઈ યાદ પણ કરતું નથી.’ અંબાલાલે કહ્યું.

‘એટલે તો હું આજ સવારથી લેખકને કહું છું કે શ્રાદ્ધ જશે પછી લવરાત્રી આવશે.’ પથુભાએ પોતાની વાતને વધુ એકવાર ઘૂંટી.

‘માતાજી સૌનંુ ભલું કરે.’ મેં કહ્યું.

‘અને શરૃઆત મારાથી કરે.’ પથુભાએ પૂરંુ કર્યું.

—————————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »