તમારા માટે, તમારી સાથે, સતત…

મોરબી – ખુમારી અને વિકાસનું પ્રતીક બન્યું

સરકાર રાજપરનું આ ઍરોડ્રોમ ફરી કાર્યરત કરે તો મોરબીના ઉદ્યોગને મોટો ફાયદો થઈ શકે તેમ છે.

0 85
  • મોરબી સ્પેશિયલ – દેવેન્દ્ર જાની

રાજાશાહીના સમયમાં ૧૧ તોપોની સલામી ઝીલતું મોરબી ખુમારી અને વિકાસનું પ્રતીક બન્યું છે. ઐતિહાસિક ઉપરાંત મોરબી ઔદ્યોગિક નગરી બની છે. આ ઓળખ ઊભી કરવામાં મોરબીવાસીઓનો પરિશ્રમ પડેલો છે.

રાજકોટથી ૬૪ કિ.મી. દૂર આવેલું મોરબી શહેર ઐતિહાસિક વારસો ધરાવતું શહેર માત્ર નથી, પણ સૌરાષ્ટ્રની મહત્ત્વની ઔદ્યોગિક નગરી બની છે. મચ્છુ નદીના પાણીમાં જ એટલી તાકાત છે કે ગમે તેવી કુદરતી આફતો આવે તેનો સામનો કરી ફરી આ શહેર તેની રફતારમાં આગળ વધતંુ રહે છે. ૧૯૫૬ કે ૧૯૮૪-૮પનો દુષ્કાળ હોય, ૧૯૭૯ની પૂર હોનારત, ૧૯૯૬નું વિનાશક વાવાઝોડંુ હોય કે વર્ષ ર૦૦૧નો ભયાનક ભૂકંપમાં મોરબીને ભારે ખુવારી ખમવી પડી હતી, પણ કુદરતી આફતો સામે ઝઝૂમવું એ મોરબીવાસીઓનો સ્વભાવ બની ગયો છે. આપત્તિઓ ક્યારેય મોરબીવાસીઓને ઝુકાવી શકી નથી, ઊલટાનું આફતને અવસરમાં બદલવાની તાકાત મોરબીની રહી છે.

મોરબી શહેરની જાહોજલાલી એ કંઈ વર્તમાન સમયની દેન નથી. આ શહેર તો રાજાશાહીના સમયથી પોતાની એક અલગ ઓળખ ધરાવે છે. રાજાશાહીના સમયમાં ૧૧ તોપની સલામી ઝીલતંુ આ સૌરાષ્ટ્રનું મહત્ત્વનું સ્ટેટ હતું. એક સમયે મયૂરનગરી તરીકે જાણીતું આ શહેર આજે મોરબી તરીકે વિખ્યાત બન્યું છે. મોરબી સ્ટેટનું બંધારણ ગૌરવ સમાન હતું. મોરબી સ્ટેટમાં મહિલાઓને જાહેરમાં અપમાનિત કરવી એ ગુનો ગણાતો હતો. રાજવીના સમયમાં ફ્રી એજ્યુકેશન અપાતું હતંુ. ટૅક્નિકલ શિક્ષણ મળે એટલા માટે રાજવી સતત પ્રયત્નશીલ હતા અને તેના ભાગ રૃપે જ મોરબીમાં સૌરાષ્ટ્રની સૌ પ્રથમ લખધીરસિંહજી એન્જિનિયરિંગ કૉલેજ બની હતી. રાજવીઓ વિદેશ પ્રવાસે જતા હતા ત્યાં જે સારી ચીજો જોવા મળતી હતી તેને મોરબીમાં સ્થાપિત કરવાના પ્રયાસો કરાયા હતા. મોરબીનો ઝૂલતો પુલ અને મણિમંદિર એ માત્ર ઐતિહાસિક ઇમારત નથી, પણ સ્થાપત્ય કલાનું બેનમૂન ઉદાહરણરૃપ છે. આમ મોરબી એ હેરિટેજ સિટીની પણ ઓળખ ધરાવે છે.

મોરબીમાં ૧૮૮૪માં ગુજરાતની સૌપ્રથમ રેલવે લાઈન મોરબીથી વઢવાણ સુધીની નાખવામાં આવી હતી. એ સમયે રપ લાખના ખર્ચે આ રેલવે લાઈન નંખાઈ હતી. બાદમાં ૧૮૯૦માં આ રેલવે લાઈનને રાજકોટ સુધી લંબાવવામાં આવી હતી. મોરબીથી ૩૦ કિ.મી. દૂર આવેલું નવલખી બંદર પણ એક સમયે વેપારધંધા માટે ધમધમતંુ હતું. આજે નવલખી પોર્ટ માત્ર કોલસાની આયાત પૂરતું મર્યાદિત રહ્યું છે. નવલખી બંદર પણ વિકાસ ઝંખે છે. મોરબી જિલ્લો ઐતિહાસિક દ્રષ્ટિની સાથે ધાર્મિક રીતે પણ ભારે મહત્ત્વ ધરાવતું શહેર છે. વવાણિયા એ ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ્ રાજચંદ્રજીની જન્મભૂમિ છે. મોરબી નજીક રફાળેશ્વર અને વાંકાનેર નજીક જડેશ્વર મહાદેવનું મંદિર ઐતિહાસિક છે. શ્રાવણ મહિનો અહીં ભાવિકોની ભીડ રહે છે.

મોરબી ત્રણેક વર્ષ પહેલાં જ રાજકોટ જિલ્લાનો ભાગ હતો, પણ હવે મોરબી અલગ જિલ્લો બન્યો છે. મોરબી, હળવદ, ટંકારા, વાંકાનેર અને માળિયા એમ પાંચ તાલુકા અને ૩પ૬ જ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મચ્છુ નદીના કિનારે વસેલું મોરબી આજે ઔદ્યોગિક નગરી બની છે. મોરબી અને આસપાસનાં ગામોમાં સિરામિક, સેનિટરી, ક્લોક અને ટાઈલ્સના આશરે ૧૦૦૦ જેટલાં કારખાનાંઓ કાર્યરત છે. મોરબીનો ઉદ્યોગ એ માત્ર સ્થાનિક લોકોને રોજગારી આપવામાં કે મોટા રોકાણ માટે જ જાણીતો નથી, પણ ટેક્સ ભરવામાં પણ મોરબીના ઉદ્યોગપતિઓ આગળ છે. ગુજરાતમાં એક્સાઈઝ ડ્યુટી ભરવામાં સુરત બાદ મોરબી બીજા નંબરનંુ શહેર બન્યું છે.

Related Posts
1 of 90

મોરબી ક્લસ્ટર આસપાસનાં ૪૦ જેટલાં ગામો સુધી વિસ્તર્યું છે. માત્ર ટાઈલ્સની વાત કરીએ તો રોજની પ હજાર સ્ક્વેર ફીટ ટાઈલ્સનું ઉત્પાદન થાય છે. સિરામિક ઉદ્યોગનું દુનિયાનું બીજા નંબરનું ઇન્ડસ્ટ્રિયલ ક્લસ્ટર મોરબી બન્યું છે. રોજ હજારો ટ્રકો મારફત માલ પરિવહન થાય છે. ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગ પણ અહીં વિકાસ પામ્યો છે. મોરબીએ ઔદ્યોગિક વિકાસમાં એટલી હરણફાળ ભરી છે જેની કેન્દ્ર સરકારે પણ નોંધ લીધી છે. કેન્દ્રના વાણિજ્ય મંત્રાલયે મોરબીને ટાઉન ઓફ એક્સલન્સનો ઍવૉર્ડ આપ્યો છે.

સ્ટેટના સમયમાં રાજપરમાં એરોડ્રોમ હતંુ
મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા કહે છે, ‘મોરબી સ્ટેટના સમયથી એક પ્રગતિશીલ અને ખુમારીના પ્રતીક તરીકેની ઇમેજ ધરાવતંુ શહેર છે. દુષ્કાળ, વાવાઝોડું, પૂર કે ભૂકંપ જેવી કુદરતી આફતોમાં મોરબી ફિનિક્સ પંખીની જેમ ફરી બેઠું થયું છે. રાજાશાહીના સમયમાં મોરબીથી માત્ર ૪ કિ.મી. દૂર ઍરોડ્રોમ હતું. રાજવી પરિવારોનાં વિમાનો અહીં ઊતરતા હતા. હાલ આ ઍરોડ્રોમ બંધ હાલતમાં છે જો સરકાર રાજપરનું આ ઍરોડ્રોમ ફરી કાર્યરત કરે તો મોરબીના ઉદ્યોગને મોટો ફાયદો થઈ શકે તેમ છે.

‘ધારાસભ્યના નાતે વિધાનસભામાં મેં મોરબીમાં રાજપર ખાતે ઍરોડ્રોમ વિકસાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. સરકારમાં આ મુદ્દે અનેક વખત રજૂઆતો પણ કરી છે. મોરબીએ ઔદ્યોગિક રીતે હરણફાળ ભરી છે, પણ હજુ જોઈએ તેવી માળખાકીય સુવિધાઓ નથી. મોરબી આજે દુનિયામાં નામ ધરાવે છે, પણ અહીંના રોડ- રસ્તા હજુ સુધર્યા નથી. ટ્રાફિકની સમસ્યા શહેરની મુખ્ય છે. જો સરકાર માળખાકીય સુવિધા વિકસાવવા આગળ આવે તો મોરબીનો ઉદ્યોગ ઊંચી ઉડાન ભરી શકે તેમ છે.’

મોરબી શહેર બિઝનેસમાં વર્લ્ડ ક્લાસ લેવલનું બન્યું છે, પણ મોરબીમાં કોઈ વિદેશી બિઝનેસમેન આવે તો સ્થાનિક રોડ-રસ્તા એવા ખરાબ હાલતમાં છે કે શહેરની ઇમેજ બગડે છે. મોરબીથી અમદાવાદ અને રાજકોટ સુધીનો ફોરટ્રેક રોડ બને તે પણ જરૃરી છે. રાજકોટ અને મોરબી વચ્ચે લાંબા સમયથી ફોરટ્રેક કરવાની કામગીરી ચાલી રહી છે હજુ તૈયાર થયો નથી. કંડલા કે કચ્છનાં બંદરો પર જનારા ટ્રકો પણ મોરબીની નજીકથી જ પસાર થતા હોય છે. રાજકોટથી કચ્છ તરફ જવા માટે મોરબી થઈને જ જવું પડે છે. આ રોડ પર હેવી ટ્રાફિક હોય છે મોટાં વાહનો, ટેન્કરોને કારણે વારંવાર અકસ્માતો પણ બને છે. આ રોડ વહેલીતકે ફોર ટ્રેક થાય તેવી મોરબીના લોકોની માગણી છે.

મોરબીના ઉદ્યોગકારોને અમદાવાદ ર૦૦ કિ.મી. દૂર પડતું હોવા છતાં મોટી કંપનીઓએ તેમની કોર્પોરેટ ઑફિસ મોરબીમાં રાખવાને બદલે અમદાવાદ શિફ્ટ કરી છે. દેશનાં અન્ય રાજ્યોના અને વિદેશી કસ્ટમર સાથે વ્યવહાર માટે અમદાવાદ અનુકૂળ પડતું હોવાનું ઉદ્યોગકારો કહી રહ્યા છે.
——————————————.

મચ્છુ નદી પર રિવરફ્રન્ટ બનાવાશે
મોરબી શહેરની આશરે ૩ લાખની વસ્તી છે જ્યારે જિલ્લાની મળી ૧૦ લાખની વસ્તી છે. મોરબીના વિકાસ માટે સ્થાનિક નગરપાલિકા અને જિલ્લા પંચાયત સહિતની સરકારી કચેરીઓ પણ સક્રિય બની છે. મોરબી નગરપાલિકાના પ્રમુખ કેતનભાઈ વીલપરા કહે છે, ‘મોરબી શહેરના રોડ – રસ્તા અને સફાઈ સહિતની કામગીરી પર તો નગરપાલિકા ધ્યાનકેન્દ્રિત કરી રહી છે, પણ ભવિષ્યમાં મચ્છુ ડેમ સાઈટ પર એક નજરાણું ઊભંુ કરવા માટે મચ્છુ રિવરફ્રન્ટ માટે પ્રયાસો ચાલી રહ્યા છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટની જેમ મોરબીમાં મચ્છુ રિવરફ્રન્ટ વિકસાવવા પાલિકાના પ્રયાસો છે. મોરબીમાં ઔદ્યોગિક વિકાસની સાથે શહેરીજનોની સુખાકારી વધે તેવા અમાારા પ્રયાસો છે.’

મોરબી જિલ્લો નવો બન્યા બાદ જિલ્લા પંચાયત અસ્તિત્વમાં આવી છે. મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા કહે છે, ‘સરકારની જુદી-જુદી યોજનાઓનો લાભ સ્થાનિક લોકો સુધી પહોંચે અને આસપાસનાં ગામોમાં આદ્યોગિક વિકાસની સાથે લોકોને વધુ રોજગારી મળે તેવો અમારો પ્રયાસ છે. મોરબી વિસ્તારમાં લોકોપયોગી કાર્યો વધુ ને વધુ થાય તે દિશામાં અમારા પ્રયાસો રહ્યા છે.’
—————————————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »