તમારા માટે, તમારી સાથે, સતત…

લે તો આયે હો હમે સપનો કે ગાંવ મેં…

વિન્સેન્ટ વાન ગોઘનું એક ચિત્ર આઠ કરોડ ડૉલરમાં વેચાયું હતું

0 233

હૃદયકુંજ – દિલીપ ભટ્ટ

ચિત્રકાર વાન ગોઘનું આત્મોપનિષદ એક જ સૂત્ર કહે છે-
પહેલા કૅન્વાસ, પછી બ્રેડ! આ જ છે સપના સાકાર કરવાનો મહાન રાજપથ!

સ્વપ્ન તો જોઈએ. થોડા આહાર હશે તો ચાલશે ને વિહાર ઓછો હશે તોય ચાલશે. સપનાં વિના મનુષ્યને ન ચાલે. માનવજાતિની ઉત્ક્રાંતિના ક્રમમાં સપનું જ એની ચાલણગાડી છે, ટેકણ લાકડી છે, સપનું જ એનાં રમકડાં, દફતર, પાટી, પેન છે, કારણ કે વનમાનુષ પાસે સપના સિવાય શું હતું? ચોતરફ ગાઢ જંગલો, એમાંથી બહાર આવે તો ઊંચા પર્વતો અથવા ગહન ખીણો! એની વચ્ચે ફળફૂલથી લચી પડતી વસુંધરાનું રમણીય રૃપ! જિંદગી તો ભીષણ હતી, પરંતુ પ્રકૃતિના એક પછી એક અસંખ્ય મનોહર રૃપ જોઈને એ સપનાં જોતા શીખ્યો હશે. સો સપનાંએ એકાદ સાચું પડ્યું હશે. કેટલાંક અધૂરાં અને કેટલાંક વિસરાયેલાં સ્વપ્નનો વિરાટ કાફલો એની ઉત્ક્રાંતિની વણઝારની સાથે સમાંતર ચાલ્યો હશે.

સપનાંઓમાંથી મનુષ્ય જે છે એને કંઈક અધિક સુંદર ધારતા શીખ્યો હશે. એ રીતે યુગો સુધીની એની લાખો સપનાંઓ સાથેની મથામણ ચાલુ રહી હશે. આજે આપણને આ જે જગત જેવું દેખાય છે તેના ઉદ્દગમમાં નામી-અનામી અનેક લોકોનાં સપનાંઓની બુનિયાદ છે. સ્વપ્ન ચાલુ રહેવા જોઈએ, એ સિદ્ધાંત પર માનવ સમાજે સદીઓ પસાર કરેલી છે. પછીથી એમાં સહિયારા સપનાંઓની મોસમ આવી હશે.

મુંબઈ પર નજર નાંખો તો ખ્યાલ આવશે કે એક સ્વપ્નને ખાતર બરબાદ થયેલા લોકોનો વિરાટ જનરાશિ ત્યાં વિદ્યમાન છે. સપનાં તો સાકાર ન થયાં, અધૂરાં રહ્યાં, પરંતુ તેઓ પોતે પૂરા થઈ ગયા. કેવા કેવા અલગારી લોકો મુંબઈએ જોયા છે! એકનો ઉલ્લેખ કરવા જાઓ તો હજાર પંખી અવતરે! બધું જ છોડીને સપનાં પાછળ ઘેલા થઈને ફના થઈ ગયેલા લોકો! જે આયોજન કરે છે તે સ્વપ્નશીલ ન હોય! મૅનેજમૅન્ટ ગુરુઓ ભલે કહે કે સપનાંને સાક્ષાત કરવા, વાસ્તવમાં રૃપાંતરિત કરવા મૅનેજમૅન્ટ સિસ્ટમ અને સ્ટ્રેટેજી અપનાવો, પરંતુ જેમણે સપનાંઓને ખરેખર સાકાર કર્યા છે તેઓ પાસે એવી કોઈ સિસ્ટમ જોવામાં આવી નથી ને એવો વર્ગ બહુ મોટો છે. એમ તો આ દુનિયામાં એવા પણ અનેક લોકો છે જેઓ પહેલા એકાએક સફળ થયા છે ને પછી તેઓએ જાતે ઘડી લીધેલું સફળતાનું શાસ્ત્ર જગતને સંભળાવ્યું છે! મુંબઈમાં તો ઉદ્યોગ અને સિનેમા એમ બંને ક્ષેત્રોમાં સાવ ફકીર જેવા મહારથીઓ પગે ચાલતા સપનાની કેડીએ ચડ્યા છે ને પછી પોતાના ચાર્ટર પ્લેન લઈને ઊડ્યા છે. તેમણે સફળતાના ડંકા વગાડેલા છે.

Related Posts
1 of 57

મુંબઈ સપનાંઓનું મહાનગર છે. એમાં ગર્ભસ્થ, નવજાત, યુવા અને કબરમાં પોઢી ગયેલાં સપનાંઓની લાંબી શ્રેણી છે. વૈવિધ્યપૂર્ણ, વિશિષ્ટ-સચિત્ર અને કેવી કેવી? કોઈ સપનાં શ્યામ ગુલાબી રંગનાં તો કોઈ ભભક કેસૂડાની રંગછોળ! કોઈ કિનખાબી તો કોઈ બારી બહારના નીલા આસમાન જેવાં! કોઈ ઊંચી ડાળે માળામાં ઢબૂરાઈને થીજી ગયેલાં તો કોઈ મુલાયમ સ્પર્શ પાછળ સંતાઈ ગયેલાં!

હોવા જોઈએ, હોવા જ જોઈએ સપનાંઓ. વિન્સેન્ટ વાન ગોઘનું એક ચિત્ર આઠ કરોડ ડૉલરમાં વેચાયું હતું, આ ઇમ્પ્રેશનિસ્ટ આર્ટિસ્ટના મનમાં જિંદગીની ઈમ્પ્રેશન કેવી હતી? એની પાસે કૅન્વાસ અને રંગોના પૈસા ન હતા. કલ્પનાઓ, તરંગો અને સપનાંઓના ઘોડાપૂર હૃદયમાં ઊછળતા હતા. એનો હાથ ચિત્ર દોરવા હવામાં લંબાતો ને ફરી પાછો પાછો ફરી નિર્જીવ હોય એમ ખભે લટકી પડતો, પરંતુ સપનાંઓનો પ્રલય હતો, હાથ વારંવાર હવામાં ચિત્રો દોરતો. એ હવાને જોયા કરતો. મનના કૅન્વાસ પર રંગોના સાત સાગર હિલ્લોળા લેતા. ચોતરફની શૂન્યતા વચ્ચે વાન ગોઘે સપનાંઓનો પીછો ન છોડ્યો ને સપનાંઓએ એનો! ભાઈ થિયોડોરને એ પત્ર લખતો કે તું ગમે તેમ કરીને થોડા પૈસા કૅન્વાસ, પીંછી, રંગ મને મોકલાવ. સમગ્ર યુરોપની ચિત્રકલા પર વાન ગોઘ છવાઈ ગયો. એ ન રહ્યો, પણ એનાં સપનાંઓએ જોનારાઓને દિગ્મૂઢ કરી મૂક્યા! કેટલો તડકો એણે ખાધો? ભરબપોરનો તડકો? સવારે ખેતર વચ્ચે કૅન્વાસ લઈ ઊભો રહી જાય તે છેક રાત ઊતરી આવે ત્યાં સુધી. કૅન્વાસ અને બ્રેડ! જો કૅન્વાસ ખરીદવું હોય તો બ્રેડ ન ખરીદી શકાય. વાન ગોઘ જેવો તો ભાગ્યે જ કોઈ કલાકાર હશે કે જેણે ભૂખ્યા પેટે કલાનો પક્ષ લીધો હોય.

એવા વાન ગોઘને જેવો તડકો ને જેવી ભૂખ ફળી તેવા અમારી જિંદગીના હે દિવસો, તમેય અમને એવા જ ફળજો- એમ કેટલા સર્જકો કહી શકે? મુંબઈમાં એમ કહેનારાઓનો ડગલે ને પગલે જોટો જડે! કૅન્વાસ પહેલા, પછી બ્રેડ! આ એક વાક્ય જ વાન ગોઘનું આત્મોપનિષદ છે, જેમને બ્રેડ પહેલાં ને કૅન્વાસ પછી એવો ક્રમ હોય એ સપનાંઓ કબરમાં પોઢી જવા માટે જ દેખાય છે. સ્વ.પંડિત રવિશંકરને સિતાર પહેલાં, બ્રેડ પછી! ઝાકિરને તબલાં પહેલાં, બ્રેડ પછી! બ્રેડને ‘પછી’ના ક્રમમાં મૂકવી એ તો મહારથીનું કામ છે!

જેમ વ્યસનનું સેવન હોય એમ સ્વપ્નનું પણ સેવન હોય! એના સિવાય ચિત્તને ચેન ન પડે એ વ્યસન અને એ સ્વપ્ન! વ્યસન હોય અને મૂકાઈ જાય, પણ સ્વપ્ન ન મૂકાઈ જાય તો સાકાર થાય. મનોવિજ્ઞાનીઓએ મનની અર્ધજાગ્રત અવસ્થાની ક્ષમતાઓ વિશે બહુ લખ્યું છે, કહ્યું છે તે ભલે કહ્યું, પરંતુ મનુષ્ય એના આદિકાળથી જે જે સારાં સપનાંઓનું સેવન કરતો આવ્યો છે તે-તે સર્વ પૂર્વસૂરિઓએ આપણી આજની જિંદગી કંઈક સારી બનાવી છે. સપનાંઓ કંઈ નહીં તો શોખ ખાતર પણ હોવા જોઈએ. સ્વપ્નશૂન્ય વ્યક્તિ શત્રુસમાન છે, કારણ કે એનો સંગ તમને જ્યાં છો ત્યાંથી નીચે લઈ જશે. બે પગથિયા ઉતરવાના દિવસો આવશે! એમ તો ધારી લેવામાં આવ્યું છે કે સપનાંઓ વિનાનો મનુષ્ય હોઈ ન શકે, પરંતુ એ વાત સાચી નથી. સકારાત્મક મનોરથો એ જ તો સપનાં છે, કે એ સિવાયનું જે કંઈ છે તે ખરેખર તો સ્વપ્નના નામે શૂન્યતા છે. કોઈ પણ પરિવાર સંયુક્ત રીતે જો કોઈ સપનું જુએ તો એ સાકાર થતું હોય છે. અપેક્ષાઓ, ઇચ્છાઓ, માન્યતાઓ, વ્યર્થ ક્રિયા-કલાપો અને અન્ય ઉપદ્રવો તે સપનાંઓ નથી, સપના સદા સ્વયં સ્પષ્ટ, નિર્મળ, પારદર્શક અને ઉત્સાહનો ધોધ હોય છે. એવું એકાદ સપનું જેમની આંખમાં રમતું હોય તેમની જિંદગી, આજે જેવી હોય તેવી પણ, સર્વકાળે વંદનીય છે. દરેક સ્વપ્નમાં આગ ભડકાવવી, ડિઝાયર, બર્નિંગ ડિઝાયર જરૃરી નથી. સ્વપ્ન પ્રશાંત, શીતળ અને મધુર હોય છે, ક્રમશઃ ઝરણ-હરણ શા કૂદતા ને વહેતા…!

રિમાર્ક – If you have dream, let have two wings! No option, you have to fly!

——————-

Leave A Reply

Your email address will not be published.

Translate »