તમારા માટે, તમારી સાથે, સતત…

કચ્છ-કરાચી સેવા વાજપેયીનું સ્વપ્ન

ર૦૦૪ના જાન્યુ.માં ઇસ્લામાબાદ ખાતે મળેલી સાર્ક પરિષદ - અટલજીની કચ્છની યાદ

0 242

કવર સ્ટોરી – કીર્તિ ખત્રી

ભારતના અજાતશત્રુ રાજપુરુષ અટલબિહારી વાજપેયી વડાપ્રધાન હતા એ ગાળા દરમિયાન બે વાર એક પત્રકારની હેસિયતથી તેમની સાથે વિદેશયાત્રાએ જવાની તક મળી હતી. ર૦૦૪ના જાન્યુ.માં ઇસ્લામાબાદ ખાતે મળેલી સાર્ક પરિષદ વખતે પત્રકારોના બે કાફલા ઇસ્લામાબાદ પહોંચ્યા હતા. અટલજીની આ બંને યાત્રાઓ સાથે કચ્છની યાદો સંકળાયેલી છે.

Related Posts
1 of 262

આમ તો અટલજીનો કચ્છ સંબંધ ૧૯૬૮ના કચ્છ સત્યાગ્રહથી વિરોધ પક્ષના નેતાની રુએ બંધાયો હતો, પણ ર૦૦૧ના મહાવિનાશક ભૂકંપ વખતે વડાપ્રધાનના શિખરસ્થાને હતા ત્યારે એ સંબંધ સહાનુભૂતિની અપાર લાગણીમાં પલટાઈ ગયો હતો. કેન્દ્રમાં ભાજપના નેજા હેઠળની મોરચા સરકાર અને ગુજરાતમાં પણ ભાજપની સરકાર. રાજ્યે માગી તે તમામ મદદ કેન્દ્રે આપી. ઊડીને આંખે વળગે તેવી ભેટ ટેક્સ હોલિ-ડે અને નવી સિવિલ હૉસ્પિટલની હતી. ટેક્સ હોલિ-ડેએ નવા ઉદ્યોગને આકર્ષ્યા અને કચ્છની કાયાપલટ થઈ. હવે વાત કરીએ સાર્ક પરિષદ અને અટલજીની દૃષ્ટિની કચ્છને લગતી વાત. અહીં મુદ્દો ભારત-પાકિસ્તાન વચ્ચેના પરંપરાગત માર્ગો-સંપર્ક ભાગલા સમયે હતા તે પુનઃ શરૃ કરવાની અટલજીની પહેલનો છે. આપણે સૌ જાણીએ છીએ તેમ અટલજી ભારત-પાકિસ્તાન સંબંધો સુધારવાના હિમાયતી હતા. લાહોર બસયાત્રાથી માંડીને આગ્રા શિખર કે પછી આંતરરાષ્ટ્રીય ફોરમ પરથી તેઓ ક્યારેય પોતાની આ વાત કરતાં અચકાતા નહોતા. અરે, ૧૯૭૭માં જનતા પાર્ટીની સરકાર વખતે વિદેશપ્રધાનની હેસિયતથી પણ અટલજીએ પાડોશી દેશો વચ્ચે પ્રજાકીય હેરફેર તેમજ વેપાર વણજ વધારવા પ્રયાસો કર્યા હતા. આમ તો સિમલા કરારને પગલે અમૃતસર-લાહોર સમજૌતા એક્સપ્રેસ ૧૯૭૬માં શરૃ થઈ ગઈ હતી, પરંતુ તેને ખરા અર્થમાં દોડતી કરવામાં અટલજીનો (૧૯૭૭) ફાળો મુખ્ય હતો.

આમ છતાં બંને દેશોના સંબંધો સુધારવા માટે વિશેષ યોગદાન ૯૭-૯૮થી ગઠબંધન સરકારના વડાપ્રધાન બન્યા પછી શરૃ થયો હતો. તેથી જ સમજૌતા એક્સપ્રેસની જેમ વાઘા બોર્ડર પરથી શરૃ થયેલો બસ-ટ્રક માર્ગ વ્યવહાર આજે ભારત-પાકિસ્તાન વેપાર વણજનો મુખ્ય અંગ બની ગયેલો છે. ર૦૦૪ સુધી ચાલેલા અટલયુગ દરમિયાન ભાગલા વખતના પરંપરાગત માર્ગો શરૃ કરવાની હિમાયતના એક ભાગરૃપે પાક કબજા હેઠળના કાશ્મીર અને આપણા કાશ્મીર વચ્ચે બર વ્યવહાર શરૃ થવા ઉપરાંત સૌથી મોટું નોંધનીય કદમ રાજસ્થાનથી સિંધ (પાકિસ્તાન) જતી થર એક્સપ્રેસને લીલીઝંડી આપવાનું છે. અલબત્ત, થર એક્સપ્રેસ શરૃ ર૦૦૬માં થઈ, પરંતુ તેની પહેલ અટલજીની સરકારે કરી હતી. આ ટ્રેન ભાગલા પછીયે મુનાબાવ (રાજસ્થાન)થી ખોખરાપાર (સિંધ-પાક) વચ્ચે દોડતી હતી.

૧૯૬પના ભારત-પાક યુદ્ધ વખતે બંધ થઈ હતી. આખરે ર૦૦૬માં ફરી શરૃ થઈ, પણ અફસોસએ વાતનો છે કે મુનાબાવ-ખોખરાપારની જેમ મુંબઈ-માંડવી-કરાચી સ્ટીમર સેવાયે ૧૯૬પમાં યુદ્ધને પગલે બંધ થઈ હતી તે પાછી ચાલુ ન થઈ. આ મુદ્દો આ લખનારે ર૦૦૪ની ઈસ્લામાબાદ સાર્ક શિખર વખતે ભારતીય હાઈ કમિશનર શિવશંકર મેનન યોજિત ભોજન દરમિયાન ઉઠાવ્યો હતો. જવાબ હકારમાં મળ્યો હતો અને ભારતીય રાજદૂતે કહ્યું હતું કે આ પ્રશ્ને પાકિસ્તાન સરકારનું વલણ હકારાત્મક છે. અત્રે નોંધનીય છે કે ૧૯૬પ સુધી મુંબઈ-માંડવી-કરાચી સ્ટીમ સેવા સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપની દ્વારા ચાલતી હતી. આ સેવા લોકપ્રિય હતી અને અઠવાડિયે સેંકડોની સંખ્યામાં અવર-જવર થતી તેમ માલ-સામાનની આયાત-નિકાસે થતી. તો પણ પ્રશ્ન એ છે કે પાકિસ્તાનના હકારાત્મક વલણ છતાં એ સેવા પાછી કેમ શરૃ ન થઈ? જાણકારો એમ કહે છે કે મુંબઈ-માંડવી-કરાચી ફેરી સર્વિસ માટે કોઈ ખાનગી પેઢી તૈયાર થઈ નહીં.
—————

Leave A Reply

Your email address will not be published.

Translate »