તમારા માટે, તમારી સાથે, સતત…

રાજકોટ સાથે અટલજીનો અનન્ય નાતો

ભાજપના નેતાઓ શાબાશી લેવા ગયા પણ...

0 199

કવર સ્ટોરી – દેવેન્દ્ર જાની

અટલજીનો રાજકોટ પ્રત્યે પરિવાર જેવો લગાવ રહ્યો હતો તો સામે રાજકોટ માટે પણ તેઓ લાડકા હતા. તેઓ આવે એટલે ગાંઠિયા અને આઈસક્રીમના ઓર્ડરો અપાઈ જતા હતા. તેમને ભાવતું કાઠિયાવાડી ભોજન બનતું હતું. લોધાવાડ ચોકના ઓટલે બેસી કાર્યકરો સાથે મહેફિલ જામતી હતી. રાજકોટ સાથે અટલજીની આવી અઢળક યાદો વણાયેલી છે.

અટલજીના અવસાનથી રાજકોટવાસીઓએ જાણે કોઈ પરિવારજન ગુમાવ્યા હોય તેવી લાગણી અનુભવી હતી તેમ કહીએ તો અતિશયોક્તિ નહીં કહેવાય. રાજકોટ માટે અટલજીને પણ ખૂબ પ્રેમભાવ હતો તેનું કારણ એ છે કે રાજકોટનું જનસંઘના સમયથી મોટું યોગદાન રહ્યું છે. જનસંઘ અને ત્યાર બાદ ભાજપનો પાયો મજબૂત બનાવવામાં રાજકોટના નેતાઓની ભૂમિકા મહત્ત્વની રહી હતી. પહેલીવાર જનસંઘના ધારાસભ્ય તરીકે રાજકોટના ચિમનભાઈ શુકલ ૧૯૬૭માં ચૂંટાયા હતા. વાજપેયી ૧૯પર – પ૩ના અરસામાં પહેલીવાર રાજકોટ આવ્યા હતા. આશરે એક ડઝન જેટલી સભાઓ તેમણે રાજકોટમાં ગજવી હતી.

જનસંઘના સમયથી રાજકોટના નેતાઓ ડૉ. પી.વી દોશી, અરવિંદભાઈ મણિયાર, પ્રવીણભાઈ મણિયાર, ચિમનભાઈ શુકલ, કેશુભાઈ પટેલ, કાંતિભાઈ ભટ્ટ, હસુભાઈ દવે સહિતના સંઘના નેતાઓ સાથે તેમનો પરિવારજન જેવો નાતો રહ્યો હતો. અરવિંદભાઈ મણિયારનું ૧૯૮૩માં અવસાન થયું ત્યારે અટલજી દિલ્હીથી ખાસ રાજકોટ આવી શ્રદ્ધાંજલિ આપી હતી. અટલજીની સરકારમાં પાંચ વર્ષ રાજકોટના સાંસદ ડૉ. વલ્લભભાઈ કથીરિયા મંત્રી રહી ચૂક્યા છે. રાજકોટમાં તેઓ ચિમનભાઈ શુકલ અને મણિયાર પરિવારના ઘરે જ ઉતરવાનું પસંદ કરતા હતા. લોધાવાડ ચોકમાં સત્યનારાયણ નિવાસ નામનંુ ચિમનભાઈ શુકલનું ઘર અટલજી આવતા ત્યારે કાર્યકરોથી ઊભરાઈ જતું હતું. એ સમયે શુકલ પરિવાર સંયુક્ત રહેતો હતો. પચાસેક લોકોની રસોઈ એક સાથે બનતી હતી. ૧૯૯૪ પછી સરકિટ હાઉસમાં ઊતરતા ત્યારે પણ ટિફિન તો શુકલ પરિવારના ઘરેથી જતું હતંુ.

સ્વ.ચિમનભાઈ શુકલનાં પુત્રી કાશ્મીરાબહેન નથવાણી સ્મૃતિઓને તાજી કરતાં કહે છે, ‘અટલજી ઘરે આવવાના છે તેવી જ્યારે અમને ખબર પડતી ત્યારે ઘરમાં એક ઉત્સાહનું વાતાવરણ ઊભું થઈ જતું. મારાં મમ્મી મધુબહેનના હાથના રોટલા, તાંદળજાની ભાજી અને ખીચડી અટલજીને બહુ ભાવતા હતા. રાજકોટમાં તેઓ સરકિટ હાઉસમાં રોકાતા તો પણ ટિફિન અમારા ઘરેથી જ જતું હતું. તેઓ જ્યારે અમારા ઘરે આવતા હતા ત્યારે અમે ભાઈ-બહેન તો બહુ નાના હતાં. અટલજી ખુરશી પર બેસતા ત્યારે અમે તેમની આસપાસ કોઈ પરિવારના વડીલ આવ્યા હોય તેમ વીંટળાઈને બેસી જતા હતા. મારું હુલામણું નામ પણ તેઓ જાણતા હતા. એટલું જ નહીં, તેઓ નામથી બોલાવતા હતા.’ ચિમનભાઈ શુકલના પરિવારના સભ્યો અટલજી સાથેની યાદોને વાગોળતા કહે છે, ‘૧૯પ૦ના અરસામાં સંઘમાં વિશેષ મહત્ત્વ ધરાવતો રાષ્ટ્રીય સ્તરનો વર્ગ જેને ઓટીસી કહેવાય છે તે નાગપુરમાં થયો ત્યારે મારા પિતા, અટલજી, અડવાણીજી અને મોહન ભાગવતના પિતાજી એકસાથે રૃમમાં રહ્યા હતા. વાજપેયીજીનો માત્ર પક્ષ પૂરતો જ રાજકોટ સાથે નાતો ન હતો, પણ તેમના સ્વાસ્થ્યની ચિંતા પણ રાજકોટના નેતાઓ કરતા હતા. અટલજીનું દાંતનું ચોકઠંુ રાજકોટમાં તૈયાર થતંુ હતું. સંઘ પરિવારમાં પપ્પાજીથી જાણીતા એવા ડૉ.પી.વી. દોશી અટલજીની ખૂબ નજીક હતા. તેઓ ખુદ દાંતનું ચોખઠું તૈયાર કરીને ફિટ કરતા હતા. અટલજી વડાપ્રધાન બન્યા બાદ પણ દાંતની સારવાર રાજકોટથી કરાવતા હતા.

Related Posts
1 of 262

ભાજપના નેતાઓ શાબાશી લેવા ગયા પણ…
૧૯૯પના સમયની વાત છે. રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીનું પરિણામ આવ્યું. ભાજપને કુલ ૬૦માંથી પ૯ બેઠકો મળી હતી. રાજકોટ ભાજપના નેતાઓ તો ભારે ઉત્સાહમાં આવી ગયા હતા. એ વખતે જ અટલજી રાજકોટા આવી રહ્યા હતા. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ જોષીપુરા અને તેમની ટીમ તો ઉત્સાહમાં હતી. ઍરપોર્ટ પર જ અટલજીને ખુુશીના સમાચાર આપવા તેઓ થનગની રહ્યા હતા. ભૂતકાળની એ સ્મૃતિઓમાં સરી પડતા કમલેશ જોષીપુરા કહે છે, રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીમાં માત્ર એક બેઠક જ વિપક્ષને મળી હતી, પ૯ બેઠકો ભાજપને મળી હતી એટલે અમે તો અટલજીને આ ખુશ ખબર આપી શાબાશી મળશે તેવા ઉત્સાહમાં હતા. ઍરપોર્ટ પર અટલજી સાથે અમારી મુલાકાત થઈ. અમે ચૂંટણીનાં પરિણામની માહિતી આપી, પણ અટલજીની પ્રતિક્રિયા વિપરીત હતી. તેમણે એમ કહ્યું કે, ‘અરે, વિપક્ષ તો હોના ચાહીયે, વિપક્ષ કો માત્ર એક સીટ મીલી વો હમારે લીયે ખુશી કી બાત નહી હૈ , મુજે તો અગર એક સીટ વિપક્ષ કો ઔર મિલતી તો ખુશ હોતા.’ અટલજીના રાજકીય મૂલ્યોની આ ઊંચાઈ હતી. લોકતંત્રમાં વિપક્ષ માત્ર હોવો જોઈએ તેટલું જ નહીં, મજબૂત હોવો જોઈએ તેવું અટલજી માનતા હતા. એ અમે ર૩ વર્ષ પહેલાં રૃબરૃમાં અનુભવ્યું હતું. અટલજીના એ શબ્દો આજે પણ અમે ભૂલી શકતા નથી.

મેયરને પૂછ્યું, ‘કોર્પોરેટરોનાં નામ બોલો’
૧૯૯પમાં રાજકોટ કોર્પોરેશનમાં ભાજપને તોતિંગ બહુમતી મળી. પ્રથમ વખત મહિલા મેયર ભાવનાબહેન જોષીપુરા બન્યાં હતાં. એ સમયે અટલજી રાજકોટ આવી રહ્યા હતા. ઍરપોર્ટ પર અટલજીને લેવા ભાવનાબહેન ગયાં હતાં. ઍરપોર્ટથી સમારંભ સ્થળે આવવા માટે તેઓ કારમાં અટલજીની સાથે બેઠા હતાં. અટલજીએ એકાએક પૂછ્યું કે આપ ચૂનાવ જીતને વાલે કોર્પોરેટર કે નામ બોલીયે..ઔર વો ભી વોર્ડ વાઈઝ..ઘડીભર તો મેયર પણ મૂંઝાઈ ગયાં હતાં. પછી એક પછી એક ૧પ – ૧૭ નામ બોલ્યાં હતાં પછી અટકાવી દીધા હતા. આમ અટલજી આગેવાનોની પરીક્ષાઓ લઈને તેમનું એક રીતે ઘડતર કરતા હતા. તેમનો આ આગવો અંદાજ આજે પણ કાર્યકરો ભૂલી શકતા નથી.

રાજતિલક કી કરો તૈયારી..સૂત્ર રાજકોટથી ક્લીક થયું
૧૯૯૯ના સમયમાં રાજકોટના શાસ્ત્રી મેદાનમાં અટલજી ચૂંટણી સભાને સંબોધવા આવ્યા હતા. માનવ મેદની ઊમટી પડી હતી. એ વખતે રાજકોટના સાફા બાંધવાનો કરતબ ધરાવતા શર્માજીએ સ્ટેજ પર જઈને અટલજીને ગમે તેમ કરીને સાફો બાંધવો છે તેમ નક્કી કર્યું. તેમણે સ્થાનિક આગેવાન રાજુભાઈ ધ્રુવને મળીને વાત કરી. પરવાનગી મળી ગઈ. બાંધણીનો મોટો લાંબો સાફો અટલજીને એટલો સરસ રીતે બાંધવામાં આવ્યો કે નારા લાગ્યા કે રાજતિલક કી કરો તૈયારી, અબ કી બાર અટલબિહારી. આ સૂત્ર દેશભરમાં ક્લીક થઈ ગયું અને ૧૯૯૯ બાદ અટલજી ફરી વડાપ્રધાન બન્યા અને પાંચ વર્ષ સત્તા સંભાળી હતી.

સ્મશાનને શુભેચ્છા, પણ એ જોવા નહીં આવું…
 ભાજપના આગેવાનને કારણે સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાનો વાજપેયી સાથેનો નાતો રહ્યો હતો. સરગમ ક્લબની બુક બેન્કના વિમોચન માટે અટલજી મે ૧૯૮૯માં રાજકોટ આવ્યા હતા. બાદમાં જ્યારે વર્ષ ર૦૦૧માં વાજપેયી રાજકોટની મુલાકાતે આવ્યા હતા અને સરકિટ હાઉસમાં ઊતર્યા હતા. સરગમ ક્લબે એ સમયે રાજકોટના મુક્તિધામનું રિનોવેશન કરી લોકો જોવા આવે તેવા સ્થળ તરીકે ડેવલપ કર્યું હતું. ગુણવંતભાઈએ એ સમયે સરકિટ હાઉસમાં અટલજીને મળ્યા અને નવું સ્મશાન જોવા ખૂબ આગ્રહ કર્યો, પણ અટલજી ન માન્યા. તેમણે કહ્યું હતું કે મુક્તિધામને મારી શુભેચ્છા છે, પણ હું અત્યારે ત્યાં નહીં આવું.

અટલજીએ રાતોરાત સ્પીચ બદલાવી હતી
શ્રમિક નેતા તરીકે દેશભરમાં જાણીતા રાજકોટના હસુભાઈ દવે સાથે ૧૯પ૭થી અટલજીનો સંબંધ રહ્યો હતો. હસુભાઈ અટલજી સાથેના સંભારણાને યાદ કરતા કહે છે, ‘૧૯૯૪માં મજદૂર સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ વારંવાર મળવાનું થતું હતું. અટલજી મજદૂરોના પ્રશ્નોમાં ખૂબ રસ લેતા હતા. તેમને અમારા પર એટલો ભરોસો હતો તેનું એક ઉદાહરણ આપું.

નાગપુરમાં પ્રતિનિધિ સભા હતી, તે પૂરી થયા બાદ બીજા દિવસે ઇન્ડિયન લેબર કોન્ફરન્સ હતી. અમે કેટલાક પ્રશ્નો સાથે અટલજીને મળ્યા તો તેમણે કહ્યું, દિલ્હી મારા નિવાસે આવી પીએને મળી લેજો. તેમણે સૂચના આપી કે હસુભાઈ જે લખાવે તે મારી સ્પીચમાં ઉમેરી દેજો. અમારા આશ્ચર્ય વચ્ચે બીજા દિવસે નેશનલ કોન્ફરન્સમાં અમે સૂચવેલા તમામ સુધારાઓ અટલજીના ભાષણમાં હતા.
—————–

Leave A Reply

Your email address will not be published.

Translate »