તમારા માટે, તમારી સાથે, સતત…

મરાઠા અનામતમાં રાજકીય નિહિતાર્થો છે

જમ્મુ-કાશ્મીર માટે નવા રાજ્યપાલની શોધ

0 35

રાજકાજ

મરાઠા અનામતમાં રાજકીય નિહિતાર્થો છે
મરાઠા અનામત આંદોલનથી મહારાષ્ટ્રની ફડણવીસ સરકાર ધ્રૂજી રહી છે. આંદોલનને પગલે મુખ્યપ્રધાનના પગ નીચે રેલો આવ્યો છે અને ફડણવીસ હોદ્દાને બચાવવા શક્ય તમામ પગલાં લેવા તત્પર બન્યા છે. મુદ્દે વાત એ છે કે મહારાષ્ટ્રમાં મરાઠા હોય કે ગુજરાતમાં પાટીદારો હોય, રાજસ્થાનમાં ગુર્જરો હોય કે હરિયાણામાં જાટ સમાજ હોય, આજની પરિસ્થિતિમાં કોઈ જાતિ-વર્ગ વિશેષને અનામત આપવાનું સરળ નથી. કેમ કે અનામત માટેની પચાસ ટકાની મર્યાદા સુધી અનામતો અપાઈ ચૂકી છે. નવી જાતિઓ કે વર્ગને સમાવવા માટે ટકાવારી વધારવાનું કોઈ પક્ષ કે સરકારના હાથમાં નથી. વળી, ઓબીસી અનામતમાં સમાવવા માટેના નક્કી થયેલાં ધારાધોરણોમાં આ વર્ગો સમાવિષ્ટ થઈ શકે એવી તેમની સામાજિક-આર્થિક-શૈક્ષણિક પછાત સ્થિતિ નથી. ઓબીસીમાં સમાવિષ્ટ થવા માટે ધોરણસરના સરવેમાંથી પસાર થવું પડે. એ કસોટી પાર કરવામાં સફળ થવાનું માગણી કરનાર વર્ગો માટે શક્ય બને કે કેમ એ સવાલ છે. ગુજરાત-રાજસ્થાન પછી હવે મહારાષ્ટ્રનો વારો આવ્યો છે. અનામત આંદોલનમાં માત્ર અનામતની માગણી જ મુખ્ય એજન્ડા હોય એવું દરેક વખતે બનતું નથી.

ગુજરાતનું પાટીદાર આંદોલન ક્યા રસ્તે ફંટાઈ ગયું એ ગુજરાતે જોયું-અનુભવ્યું છે. મહારાષ્ટ્રમાં પણ મરાઠા અનામત આંદોલનની ઓથે અનેક રાજકીય નેતાઓ મુખ્યપ્રધાનપદ સુધી પહોંચવાના ખ્વાબ જોવા લાગ્યા છે. મહારાષ્ટ્રમાં મરાઠા વસતી કુલ વસતીના ૩૩ ટકા લોકો છે અને તેઓ પોતાને માટે ૧૬ ટકા અનામત માગે છે. મુશ્કેલી એ છે કે અલગ રીતે તેઓને અનામત આપવામાં આવે તો અનામતની મહત્તમ મર્યાદા ઓળંગી જવાય છે અને ઓબીસીમાં સામેલ કરવામાં આવે તો ઓબીસી વર્ગોમાંથી વિરોધ થવા લાગે છે. મરાઠા અનામતની માગણી નવી નથી. દસ વર્ષ જૂની આ માગણી છે, પરંતુ અત્યારે તેમાં આવેલી તેજીમાં રાજકીય નિહિતાર્થ પણ છે. મહારાષ્ટ્રના રાજકારણમાં આરંભથી જ મરાઠાઓનું પ્રભુત્વ રહેલું છે. ૧૯૬૦માં અલગ રાજ્ય બન્યા પછીથી અત્યાર સુધીમાં ૧૨ મુખ્યપ્રધાનો મરાઠા રહ્યા છે. માત્ર બે અપવાદ એવા છે કે જેમાં બિનમરાઠા મુખ્યપ્રધાન રહ્યા હોય. ૧૯૯૫માં મનોહર જોશી અને ૨૦૧૪માં દેવેન્દ્ર ફડણવીસ. મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે ફડણવીસ મુખ્યપ્રધાન બન્યા ત્યારથી મરાઠા નેતાઓને લાગતું હતું કે રાજ્યના રાજકારણમાં તેમનું વર્ચસ્વ નહીં રહે. એથી તમામ પક્ષોના મરાઠા નેતાઓ સંગઠિત થવા લાગ્યા હતા. તેમને અનામતનો મુદ્દો મળી ગયો. આજે ભાજપના મરાઠા નેતાઓ પણ અનામતનું સમર્થન કરી રહ્યા છે. તેમાં મુખ્યપ્રધાનપદના દાવેદારો પણ છે. આ પરિસ્થિતિમાં ભાજપનું મોવડીમંડળ અનામતની આગને શાંત કરવા ફડણવીસનો ભોગ લે છે કે અન્ય કોઈ રસ્તો અપનાવે છે એ જોવું રસપ્રદ બનશે.
——————-

કરુણાનિધિ ચૂંટણીમાં હંમેશાં  અપરાજેય રહ્યા

Related Posts
1 of 25

દક્ષિણ ભારતમાં વિશેષતઃ તમિળ રાજકારણના પિતામહ ગણાતા દ્રવિડ મુનેત્ર કઝગમ પાર્ટીના સર્વેસર્વા એમ. કરુણાનિધિએ સાતમી ઑગસ્ટની સાંજે અંતિમ શ્વાસ લીધા. ૯૪ વર્ષના કરુણાનિધિ પાંચ વખત તામિલનાડુના મુખ્યપ્રધાનપદે રહી ચૂક્યા હતા. જીવનના આખરી દિવસો સુધી તેઓ રાજ્યના રાજકારણમાં સક્રિય રહ્યા હતા. ગયા જૂનની ત્રીજી તારીખે તેમણે ૯૪મો જન્મદિવસ મનાવ્યો હતો. તેઓ ૧૯૬૯માં પહેલીવાર તામિલનાડુના મુખ્યપ્રધાન બન્યા હતા અને ૨૦૦૩માં છેલ્લીવાર મુખ્યપ્રધાનપદ સંભાળ્યું હતું. ૨૯ જુલાઈ ૧૯૬૯માં તેમણે ડીએમકે પક્ષની ધુરા સંભાળી ત્યારથી આખરી શ્વાસ સુધી તેઓ પક્ષના વડા રહ્યા. પાંચ વખત મુખ્યપ્રધાન બનવા ઉપરાંત બાર વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તામિલનાડુની જે કોઈ બેઠક પરથી તેઓ ઊભા રહ્યા એ બધી બેઠક પરથી તેઓ હંમેશાં વિજયી બન્યા હતા. આમ ચૂંટણીમાં કોઈ પણ બેઠક પરથી ક્યારેય પરાજિત ન થવાનો રેકોર્ડ તેમના નામે છે. તેમના પુત્ર સ્ટાલિન ડીએમકેના કાર્યકારી અધ્યક્ષ છે અને કરુણાનિધિના રાજકીય વારસ ગણાય છે.
——————-

૧૫ ઑગસ્ટ પછી અરુણ જેટલી સક્રિય બનશે
નાણાપ્રધાન અરુણ જેટલી પંદર ઑગસ્ટ પછી નાણા મંત્રાલયમાં વાપસી કરી રહ્યા છે. અરુણ જેટલીના ટીકાકારો અને તેમનાથી આગળ નીકળી જવાની સ્પર્ધામાં સામેલ લોકો સતર્ક બની જાય એ સ્વાભાવિક છે. જેટલીના નિકટના વિશ્વસનીય સૂત્રોના દાવા પ્રમાણે જેટલી પંદર ઑગસ્ટ પછી ગમે ત્યારે નાણા મંત્રાલયમાં પદાર્પણ કરશે. કિડનીના સફળ પ્રત્યારોપણ પછી આજકાલ જેટલી તેમના ઘરે જ સ્વાસ્થ્ય લાભ કરી રહ્યા છે. પંદર ઑગસ્ટ સુધી ડૉક્ટરોએ તેમને કોઈ પણ વ્યક્તિને મળવાની મનાઈ ફરમાવી હતી. કેમ કે આવા પ્રત્યારોપણ પછી સામાન્ય રીતે સંક્રમણનું જોખમ રહે છે.આથી અત્યારે જેટલીને જે કોઈ મળવા આવે છે તેમની સાથે તેઓ સામે લગાવેલા ટીવી સ્ક્રિન મારફત સંવાદ સ્થાપિત કરે છે. જેટલીના ખાસ મિત્ર પત્રકાર રજત શર્મા પણ દિલ્હી ક્રિકેટ એસોસિયેશનમાં પોતાના વિજય પછી પોતાની સમગ્ર ટીમ સાથે જેટલીને મળવા ગયા ત્યારે તેમને પણ સ્ક્રીનના માધ્યમથી જ અભિનંદન સ્વીકારવા પડ્યા હતા.

પંદર ઑગસ્ટે ડૉક્ટરોએ આપેલી ૯૦ દિવસની મુદત પુરી થાય છે.એ પછી લોકો વચ્ચે જવાની ડૉક્ટરોની મંજૂરી જેટલીને મળી જશે. એથીત્યાર બાદ તુરતના દિવસોમાં જેટલીને નાણા મંત્રાલયમાં સક્રિય જોઈ શકાશે. અત્યારે નાણા ખાતાના વધારાનો હવાલો રેલવે પ્રધાન પીયૂષ ગોયલ સંભાળે છે.
——————-

જમ્મુ-કાશ્મીર માટે નવા રાજ્યપાલની શોધ
જમ્મુ-કાશ્મીરમાં અમલમાં રહેલી બંધારણની કલમ ૩૫-એને હટાવવા અંગેનો મામલો અત્યારે સર્વોચ્ચ અદાલતમાં છે. આ કલમને કારણે જે દેશના બાકીના ભાગના લોકો જમ્મુ-કાશ્મીરમાં રહેવાના કે મિલકત ખરીદવાના અધિકારથી વંચિત રહે છે. દરમિયાન અહેવાલ એવા છે કે જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ એન.એન. વોરાની વિદાયનો માર્ગ હવે મોકળો થઈ ગયો છે. તેમને અગાઉ ત્રણ વખત હોદ્દા પર એક્સ્ટેન્શન મળી ચૂક્યું છે. હવે તેમની સેવા વધુ ન લંબાવવાનો નિર્ણય સરકારે કર્યો છે. રાજ્યમાં ભાજપ-પીડીપીની સંયુક્ત સરકારના પતન પછી એવું માનવામાં આવતું હતું કે રાજ્યપાલ વોરાને બદલવામાં આવશે નહીં, પરંતુ કેન્દ્ર સરકારના બદલાયેલા વલણ અને નારાજગીનું કારણ વોરા સાહેબે તાજેતરમાં આપેલા એક નિવેદનનું છે. આ નિવેદનમાં તેમણે સ્પષ્ટ રીતે કહ્યું કે રાજ્યમાંથી કલમ ૩૫-એ હટાવવી જોઇએ નહીં. અલબત્ત, આ બાબતમાં ભાજપ અને સંઘ અલગ અભિપ્રાય ધરાવે છે. ભાજપ કલમ ૩૫-એને જ કાશ્મીર સમસ્યાઓનું મૂળ માને છે. ભાજપને લાગે છે કે જો એક વાર કાશ્મીરમાંથી ૩૫-એ દૂર થઈ જાય તો કલમ-૩૭૦ આપોઆપ દૂર થઈ જશે. કેન્દ્ર સરકાર હવે જમ્મુ-કાશ્મીર માટે યુદ્ધના ધોરણે નવા રાજ્યપાલની શોધ કરી રહી છે.
——————-

Leave A Reply

Your email address will not be published.

Translate »