તમારા માટે, તમારી સાથે, સતત…

ગુજરાતના ખેડૂતો કેસરથી લઈને ચંદન ઉગાડતા થયા છે

ખેતીની બદલાયેલી તાસીરનું તાલુકાવાર વિશ્લેષણ

0 109

કવર સ્ટોરી – હિંમત કાતરિયા

ગુજરાતની પ્રજાનો એક ગુણ છે તેનો ફરતિયાળ સ્વભાવ અને બીજો ગુણ છે સાહસિકતાનો. જેમ અહીંના ઉદ્યોગ સાહસિકો પ્રવાસ દરમિયાન તેમણે જોયેલી નવીનતાને અપનાવીને પોતાને સતત અપડેટ મોડમાં રાખે છે તેમ રાજ્યના ખેડૂતો નિતનવા પ્રયોગોથી ખેતીની આવક વધારવા માટે પ્રયત્નશીલ રહે છે. રાજ્યના દરેક વિસ્તારમાં વધુ નફો નહીં આપતા પરંપરાગત પાકોને ત્યજીને ખેડૂતોએ અપનાવેલા નવતર પાકોનું વાવેતર આ વાતની આપણને પ્રતીતિ કરાવે છે. એનું જ કારણ છે કે આપણે અનેક ઔષધિય ગુણો ધરાવતું ડ્રેગન ફ્રૂટ ચીનથી મંગાવવું નથી પડતું, મીઠી ખારેક ઇઝરાયેલથી આયાત નથી કરવી પડતી, કાશ્મીરનું કેસર પણ અહીંના ખેડૂતો ઉગાડતા થયા છે અને દક્ષિણનાં રાજ્યોનો ઇજારો ગણાતો હતો તે ચંદનની ખેતી પણ કરતા થયા છે. ગુજરાતના ખેડૂતો દુનિયાના શીત કે ઉષ્ણ પ્રદેશના પાકને અહીં લણતા થયા છે. રાજ્યની સુખાકારીમાં ખેડૂતોની આ પ્રયોગશીલતાનો પણ કંઈ ઓછો ફાળો નથી. અહીં પ્રદેશવાર ખેતીની બદલાયેલી તાસીરને રજૂ કરવામાં આવી છે. આ લેખના અભ્યાસને અંતે વાચક આ રાજ્યના પ્રયોગશીલ કૃષિક પ્રત્યે કૃતજ્ઞ થયા વગર નહીં રહે.

ગુજરાતના વ્યાવસાયિકોની જેમ ગુજરાતના ખેડૂતો પણ નવીનતાને આવકારે છે અને કૃષિની આવક વધારવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. અન્ય રાજ્યોથી વિપરીત ગુજરાતની ખેતીમાં છેલ્લા દાયકામાં ઘણો બદલાવ આવ્યો છે. પૂર્વે જેની કલ્પના પણ નહોતી થતી તેવા કેળ, કાજુ, કેસર, ચંદન, ડ્રેગન ફ્રૂટ સહિતના અનેક નવા પાકોની ખેતી માટેના પ્રયોગો ગુજરાતના ખેડૂતોએ કર્યા છે. અલબત્ત, અહીંનું વાતાવરણ માફક ન આવવાના કારણે કે માર્કેટ નહીં મળવાના કારણે કે પ્રોસેસિંગ યુનિટના અભાવે કેટલાક પાકોને અહીં લાવવાનો પ્રયત્ન નિષ્ફળ ગયો છે. જોકે નિષ્ફળતા સાંપડી હોય તેવા પ્રયોગો કરતા સફળતાને વર્યા એવા પ્રયોગોનું પ્રમાણ ઘણુ વધુ રહ્યું છે. રાજ્યના ખેડૂતોએ આ નવા પાકોનું વાવેતર અલબત્ત ખેતીની આવક વધારવા માટે જ હાથ ધર્યું હતું અને તેથી આ નવતર પ્રયોગોથી કૃષિની આવકમાં પણ ઘણો વધારો થયો છે. આવો જોઈએ પ્રદેશવાર બદલાયેલી કૃષિની તાસીર…

શરૃઆત દક્ષિણ ગુજરાતથી કરીએ અને ખેતીની બદલાયેલી તાસીરનું તાલુકાવાર વિશ્લેષણ ઘણુ રસપ્રદ રહે પણ તેમ કરતા તો આ લેખ નહીં પણ પુસ્તકનાં પાનાં પણ ઓછા પડે એમ છે. એટલે કૃષિમાં આવેલા નવા પાકોને જિલ્લાવાર જોઈએ અને શરૃઆત દક્ષિણ ગુજરાતથી કરીએ. ભાંગ્યુ તોય ભરૃચથી નવા પાકોનો પ્રારંભ કરીએ તો, ભરૃચ જિલ્લામાં ઘણા ખેડૂતોએ ખારેક, દાડમની ખેતી શરૃ કરી છે. ઔષધિય પાકોની ખેતી પણ વધી હોય એવું લોકોની ઇન્કવાયરી પર લાગે છે. શતાવરી અને કેસર જેવા ઔષધિય પાકો તરફ ભરૃચના ખેડૂતો વળ્યા છે. ભરૃચમાં બે પ્રકારની આબોહવા છે, પૂર્વ ભરૃચ સમતલ વાવેતર વિસ્તાર છે જ્યારે કેટલોક વિસ્તાર સમુદ્ર તટનો વિસ્તાર છે. તટીય પ્રદેશના ખેડૂતો ખારેકના વાવેતર તરફ વળ્યા છે. ભરૃચના બાકીના પ્રદેશમાં પણ ખારેક અને દાડમ જેવા નવા પાકોનું પ્રમાણ ઘણુ વધ્યું છે. ખેડૂતોના ઇઝરાયેલમાં સારા સંપર્કો હોય તો ત્યાંથી સક્કર્સ લાવે નહીંતર કચ્છમાંથી ખારેકના રોપા લાવે છે. કચ્છમાં અત્યારે ખારેકના ટિશ્યૂ કલ્ચરની ઘણી લેબોરેટરીઓ છે, ત્યાંથી રોપા લાવે છે. ખારેકના એક રોપાની કિંમત ત્રણ હજારથી લઈને પાંચ હજાર રૃપિયા થાય છે. આમ ખારેકની ખેતી ઘણી ઉત્પાદક હોવાની સાથે ખર્ચાળ પણ છે.

ભરૃચના તટીય પ્રદેશોમાં સુબાબુલની ખેતી પણ થાય છે. સુબાબુલ ઓછા સમયમાં વધારે લાકડું આપતું ઝાડ છે અને તેનાં પાન-ડાળા ઢોર ખાય છે. એટલે જે જમીનમાં કશંુ નથી થતું અથવા તો જેમને ઓછી મહેનતે ઉત્પાદન લેવું છે તે લોકો સુબાબુલની ખેતી કરે છે અને પેપર મિલો સાથે લાકડું વેચવાના કરારો કરે છે.

કેસર માટે ભરૃચની આબોહવા અને જમીન અનુકૂળ છે? પ્રશ્નના જવાબમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના સિનિયર સાયન્ટિસ્ટ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડૉ. સી.કે. ટિમ્બડિયા કહે છે, ‘આ કેસર કાશ્મીર જેવા ઠંડા પ્રદેશોમાં થાય છે એ પ્રકારનું કેસર નથી. જોકે આ કેસરને પ્રોસેસ કરવાથી કાશ્મીરના કેસરની ગુણવત્તાની નજીક પહોંચી શકાય છે. ઝઘડિયાના ઘણા ખેડૂતોએ કેસરની ખેતી કરી બતાવી છે. આ કેસરનું વાવેતર હેક્ટર કે એકરોમાં નથી થતું પણ ખેડૂતો બે-પાંચ ગુંઠા જમીનમાં તેનું વાવેતર કરે છે અને ઉત્પાદન પણ સારું આવે છે, પરંતુ પ્રોસેસિંગની પ્રક્રિયા બધા ખેડૂતો કરી શકતા નથી. કેસર બહુ જ મોંઘંુ છે છતાં આ ખેડૂતો મને ૧૦૦-૧૦૦ ગ્રામ કેસર એમ જ આપી જાય છે જે બતાવે છે કે આ ખેડૂતોને કેસરનું માર્કેટ નથી મળતું. કૃષિ વૈજ્ઞાનિકની સલાહ છે કે કેસરના ખેડૂતોએ બજારને ધ્યાનમાં રાખીને પ્રોસેસિંગ કરતા આ કેસરની ગુણવત્તા વધુ સારી મેળવી શકાતી હોય તો કેસરની ખેતીમાં આગળ વધવું, અન્યથા કેસરની ખેતીના પ્રયોગો ન કરવા.’

રાજ્યના સદ્ધર કે પ્રયોગશીલ ખેડૂતો ખેતીમાં સતત નવું કશુંક કરવાની જિજ્ઞાસા ધરાવે છે. મોટા ભાગે અત્યારે ખેતીના ભાવો નથી તેના કારણે કૃષિકોની આ પ્રયોગશીલતા વધી છે. આ કારણે જ વધુ નફો આપતા પાકો શોધવા માટે ખેડૂતો પ્રયાસરત દેખાય છે. કૃષિ વિકાસ સાથે જોડાયેલી તમામ એજન્સીઓએ આવા ખેડૂતોને મદદ કરવી જોઈએ અને માર્ગદર્શન આપવું જોઈએ.

આ ખેડૂતો કૃષિ સંશોધન કેન્દ્રો, કૃષિ વૈજ્ઞાનિકોના પરામર્શથી નવતર પ્રયોગો હાથ ધરે છે કે કોઈની મદદ વગર સ્વબળે જ ઝંપલાવે છે? પ્રશ્નનો જવાબ આપતા ડૉ. ટિમ્બડિયા કહે છે, ‘ઘણા ખેડૂતો આ માટે ભરૃચથી નવસારી કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે આવે છે, ચર્ચાઓ કરે છે અને પોતાના નાના-મોટા પ્રશ્નોનું પૂરેપૂરું નિરાકરણ લઈ જઈને પછી આ નવા પ્રયોગો હાથ ધરે છે. ઘણા સીધો પ્રયોગ હાથ ધરે છે અને તેમને સફળતા મળતા અન્ય ખેડૂતો તેનું અનુકરણ કરે છે.’

નર્મદા જિલ્લામાં અત્યારે ગ્રાફ્ટેડ શાકભાજીના વાવેતરનું ચલણ આવ્યંુ છે. ભરૃચ જિલ્લાના વાલિયા તાલુકાના ભરાડિયાના ખેડૂત જયેશભાઈએ રીંગણ, ટામેટાં અને મરચાંના કલમ કરેલાં શાકભાજીના રોપાની નર્સરી બનાવી છે. કલમ કરેલી શાકભાજીના બે ફાયદાઓ છે, તેનું ઉત્પાદન વધુ આવે છે અને નબળી જમીનમાં પણ તેની ટકી જવાની ક્ષમતા વધુ રહે છે. જેમ કે અમુક પ્રકારની જમીનમાં તરબૂચ કે દૂધી નથી થતી, પણ કોળાના છોડ પર તેની કલમ કરતા તે સારી રીતે વિકસે છે. આમ કલમવાળા શાકભાજીની આ વિસ્તારમાં બોલબાલા છે એમ કહી શકાય. એક વિચિત્ર હકીકત એ છે કે શાકભાજીની કલમો સંશોધનો હજુ કૃષિ યુનિવર્સિટીઓમાં થવાના બાકી છે. અર્થાત્ કે અહીં ખેડૂતો કૃષિ યુનિવર્સિટીઓ કરતાં આગળ છે.

નર્મદા જિલ્લામાં દાડમ, વન કેજી જમરૃખ, ડ્રેગન ફ્રૂટ અને એપલ બોરની ખેતી પણ વિકસી છે. વન કેજી જમરૃખ ટેસ્ટી હોય છે અને તેનું માર્કેટ પણ ઘણુ સારું છે. આ જમરૃખ સ્વાદિષ્ટ હોવાની સાથે તેમાં સીડની સંખ્યા ઓછી હોય છે એટલે લોકો તે ખાવાનું પસંદ કરે છે. વન કેજી જમરૃખ છત્તીસગઢમાંથી આવ્યું છે. ત્યાં જીએમઆર નામની કંપની તેની કલમો બનાવે છે. અત્યારે તો ઘણા તેની કલમો બનાવે છે. વન કેજી જમરૃખમાં બીજા જ વર્ષે ફળ આવી જાય છે. આ જમરૃખમાંથી જામ અને જેલી બનાવવામાં આવે છે. ઘણા તેનો પલ્પ પણ બનાવે છે.

ડ્રેગન ફ્રૂટ મૂલતઃ ઓછા વરસાદ અને ઓછા પાણીવાળા વિસ્તારમાં થતો કેતકીનો પાક છે. નર્મદાની પૂર્વીય પટ્ટીમાં જ્યાં વરસાદ ઓછો છે ત્યાં ડ્રેગન ફ્રૂટને માફક વાતાવરણ છે. ડ્રેગન ફ્રૂટના વેલાને વિસ્તરવા માટે સિમેન્ટના થાંભલા ખોડીને મંડપ બનાવવા પડે છે. થાંભલાની ચારે દિશાએ ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરીને વેલા ચડાવવામાં આવે છે. ડ્રેગન ફ્રૂટ માટે એકરે ૮૦ હજાર રૃપિયા જેટલો આ મંડપનો ખર્ચ થાય છે.

એપલ બોર મોટી સાઇઝના સફરજન જેવા બોર છે અને તેનું પહેલા જ વર્ષે ઉત્પાદન મળે છે. એપલ બોરની ખેતી કરતા ખેડૂતના કહેવા પ્રમાણે આ ફળ મૂળ થાઈલેન્ડનું છે. આ બોર પાકી ગયા પછી ઉતારવામાં આવે તો તેનો ટેસ્ટ સારો મળે છે. કાચા ઉતારેલા એપલ બોર ફિક્કા લાગે છે અને તેનું બજારમાં કોઈ લેવાલ નથી મળતું. ઘણા ખેડૂતો વહેલા બજારમાં મૂકવા સારું કાચા ઉતારી લે છે. આવા બોરને એકવાર ખાધા પછી લોકો બીજીવાર ખાતા નથી, સારા હોય તો પણ ખાતા નથી. એપલ બોર દેખાવે ચમકતા અને સારા દેખાય છે, પણ કાચા બોર સ્વાદમાં સ્વાદ ફીકા હોય છે. આ કારણે ઘણા ખેડૂતો ૩-૪ વર્ષ પછી વાડીમાંથી એપલ બોર કાઢી નાખે છે. એપલ બોરના રોપાના ભાવ શરૃઆતમાં ૮૫ રૃપિયા જેટલા હતા જે આજે ઘટીને ૪૦ રૃપિયા જેટલા થઈ ગયા છે. બીજું કે એપલ બોરમાં હજુ મૂલ્યવર્ધન નથી થયું. તે પેકેજિંગમાં જાય તો તેની ડિમાન્ડ ઊભી થાય એમ છે. ડૉ. ટિમ્બડિયા કહે છે, ‘નર્મદાના એપલ બોર સુરતની બજારમાં આવે છે, હોલસેલમાં તેનો ભાવ ૧૫-૨૦ રૃપિયે કિલો વેચાય છે. મારા નવસારી જિલ્લાના એક ખેડૂતે એપલ બોરના ૨૨૦૦ ઝાડ વાવ્યા છે. તેને ખૂબ સારું ઉત્પાદન મળ્યું છે. આ ખેડૂત પાકી ગયેલા ફળને જ ઉતારે છે અને તેના બધા બોર વેચાઈ જાય છે.’

નર્મદામાં દેશી પાપડીની ખેતી શરૃ થઈ છે. ઓછા વરસાદમાં તેનું ઉત્પાદન સારું મળવાથી છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં શાકભાજીમાં પાપડીની ખેતીનું પ્રમાણ ઘણુ વધ્યું છે. આ બંને જિલ્લામાં કપાસ, તુવેરની ખેતી દૂર થઈ અને આ નવા પાકો તરફ ખેડૂતો વળ્યા છે.

Related Posts
1 of 128

સુરત જિલ્લાની વાત કરીએ તો, આ જિલ્લામાં અમુક વિસ્તારોમાં જ્યાં હળદર નહોતી થતી ત્યાં હળદરની ખેતી થવા લાગી છે. એપલ બોર, ડ્રેગન ફ્રૂટ, જમરૃખ અને દાડમની ખેતી શરૃ થઈ છે. સરગવાની ખેતી શરૃ કરી છે. સુરતમાં નીલગિરિની ખેતી પણ ખૂબ થાય છે. તેમાં શેરડીની જેમ ઓછી મહેનત છે અને માર્કેટ પણ ઘણુ છે. આમ શેરડીના ખેડૂતોએ નીલગિરિને અપનાવી છે. તેની નર્સરીઓ પણ બહુ બની છે અને રોપાઓ પણ સરળતાથી પ્રાપ્ય થયા છે. ડૉ. ટિમ્બડિયા કહે છે, ‘પાણીની ઓછી સગવડતા અને ઊંડા ભૂગર્ભ જળવાળા વિસ્તારના ખેડૂતોને અમે નીલગિરિ વાવવાનું પ્રોત્સાહન આપીએ છીએ. કેમ કે વિશ્વમાં સૌથી વધુ ભૂતળનું પાણી બાષ્પીભવનથી બહાર કાઢવાનું કામ નીલગિરિનું વૃક્ષ કરે છે. ભરૃચ, નર્મદા અને સુરત- ત્રણેય જિલ્લામાં ખેડૂતો મિલિયા ડુબિયા  એટલે કે મલબારી લીમડાના વાવેતર તરફ ખૂબ વળ્યા છે. ચાર-પાંચ વર્ષમાં મલબારી લીમડાનું લાકડું ઘણુ મળે છે. તેમાં એકરે ૩-૪ લાખ રૃપિયાનો નફો થાય છે અને તેમાં વિશેષ કામગીરી રહેતી નથી. દક્ષિણ ગુજરાતમાં સુબાબુલ, મલબારી લીમડો અને નીલગિરિના એટલા બધા વાવેતર થયા છે કે હવે પેપર મિલવાળાઓએ ભાવ ઘટાડી દીધા છે. પહેલા ટનના ૪૦૦૦ રૃપિયા ચૂકવતા તે અત્યારે ઘટાડીને ૩૦૦૦ જેટલા ચૂકવે છે.’

જેતપુરના ચારણિયા ગામના અને ૨૦૦૦ની સાલથી સુરતના આમોદ ગામમાં સ્થાઈ થયેલા મોટા ખેડૂત ધીરુભાઈ સાવલિયા નીલગિરિ, સુબાબુલ, મિલિયા ડુબિયાનું વાવેતર કરે છે. તેમણે મિલિયા ડુબિયાનુંં સૌરાષ્ટ્રમાં ૧૪૦ વીઘામાં અને આમોદમાં ૬૦ વીઘામાં વાવેતર કર્યું છે. આ સિવાય ધીરુભાઈએ આમોદમાં સુબાબુલનું ૨૫૦ વીઘામાં અને ૧૫૦ વીઘામાં નીલગિરિનું વાવેતર કર્યું છે. ધીરુભાઈ કહે છે, ‘સુબાબુલના વાવેતરને ૮ વર્ષ થયાં છે અને સુબાબુલની ખેતીમાં વરસે વીઘે ૨૫-૩૦ હજાર મળે છે. સુબાબુલ વાવ્યા પછી પહેલું કટિંગ અઢી વર્ષે લઈ શકાય છે અને ત્યાર બાદ દર બે વર્ષે કટિંગ લઈ શકાય છે. સુબાબુલના કુલ ૪થી ૫ કટિંગ લઈ શકાય છેે. તેમાં મહિનો-દોઢ મહિનો સુધી પાણી નથી પાવું પડતું. નીલગિરિનું ઉત્પાદન પહેલીવાર નવરાત્રીમાં આવશે.

ધીરુભાઈએ વાવેલા મિલિયા ડુબિયા ત્રણ વર્ષના થયા છે અને સામાન્યતઃ આઠ વર્ષે તેની પહેલી કાપણી લઈ શકાય છે. મિલિયા ડુમિયાનો ઉતારો બે વખત લઈ શકાય છે. નેટ પરથી અને કૃષિ વૈજ્ઞાનિકો સાથે પરામર્થથી તેમણે મિલાયા ડુબિયાનું વાવેતર કર્યું છે. મિલિયા ડુબિયાની આવકનો અંદાજ આપતા ધીરુભાઈ કહે છે, ‘અમે એક ઝાડમાંથી ૧૦ વર્ષે ૨૫ ઘનફૂટ લાકડાંનો અંદાજ મુક્યો છે. એક વીઘામાં ૨૦૦ ઝાડ આવે છે. તે પ્રમાણે વીઘે ૫,૦૦૦ ઘનફૂટ લાકડું મળે છે. તેને પેકિંગ મટીરિયલમાં પણ આપી દઈએ તો ૩૫૦ રૃપિયા પેકિંગ મટીરિયલનો ભાવ ગણતા વીઘે ૧૦ વર્ષના ૧૭ લાખ રૃપિયાનું લાકડું મળે. એટલે વીઘે વરસે સરેરાશ ૧ લાખ ૭૦ હજારની આવક થાય. જો પ્લાયવૂડ કે વિનિયરમાં આ લાકડંુ જાય તો કમાણી ઘણી વધી જાય છે. મિલિયા ડુબિયા ઉત્તમ ખેતી છે, પણ ૧૦ વર્ષ સુધી રોકાણ કરી શકે તેવો ખેડૂત જ તે કરી શકે. મારા થકી જ ૧૦૦૦ વીઘાનું વાવેતર અન્ય ખેડૂતોએ કર્યું છે.’ ધીરુભાઈ પોતે પેકિંગ મટીરિયલની ફેક્ટરી પણ ચલાવે છે. વીઘે ૨૫ હજાર રૃપિયાના ૨૫ મણ કપાસના ઉત્પાદનમાં ખર્ચ કાઢતા વીઘે ૨૦ હજાર અને ભાગિયાને અડધો ભાગ આપતા ૧૦ હજાર રૃપિયા મળતા હતા. તેની સામે ધીરુભાઈને આ શ્રેષ્ઠ ખેતી લાગે છે. કેમ કે આમાં દર વર્ષે વાવણી, કાપણી, દવા કે નીંદામણની ઝંઝટ નથી. મોટી ખેતીવાળા અને ખેતરમાં જવા નહીં માંગતા ખેડૂતો માટે આ ખેતી ઉત્તમ છે. કેમ કે તેના સો-દોઢસો વીઘાના વાવેતરવાળા ખેતરની સંભાળ માટે બે-ત્રણ મજૂરો જ પૂરતા છે અને તેમાં દવાદારૃની કોઈ ઝંઝટ નથી. ધીરુભાઈના સૌરાષ્ટ્રના ૧૪૦ વીઘાના ખેતરની સંભાળ માત્ર એક દંપતી લઈ રહ્યંુ છે.

તાપી જિલ્લામાં પામોલીન તેલ માટેના ઑઇલ પામનો પાક નવો છે. અન્ય જિલ્લામાં આ પાક સંકેલાઈ રહ્યો છે ત્યારે તાપીમાં તેની ખેતી વધી રહી છે. તાપીમાં ભીંડાનું વાવેતર ૧૦ વર્ષથી થઈ રહ્યું છે. બાગાયતી પાકો શક્કરટેટી, તરબૂચ અને પપૈયાનો વિસ્તાર વધી રહ્યો છે. તાપી જિલ્લામાં વચ્ચે કાજુની ખેતી શરૃ થઈ હતી, પણ તેમાં બહુ સફળતા મળી નથી. એકલદોકલ છુટાછવાયા ખેડૂતો કાજુની ખેતી કરતા હોવાથી તેના પ્રોસેસિંગ યુનિટ હોતા નથી અને તે વગર કાજુ છુટા પાડી શકાતા નથી. તાપી જિલ્લામાં ઘણી સંસ્થાઓએ કાજુની ખેતી માટે પ્રોત્સાહન આપ્યું હતું, પણ તેમાં ખેડૂતો સફળ બગીચા તૈયાર કરી નથી શક્યા. અહીં કાજુની ખેતીમાં ઉત્પાદકતામાં કોઈ વાંક નહોતો. એવું જ અહીં આદુના પાક સાથે થયું. વચ્ચે નિઝર સહિતના ઘણા પ્રદેશોમાં આદુની ખેતી ઘણી થતી હતી. જે હવે ઘટી રહી છે. ડૉ. ટિમ્બડિયા કહે છે, ‘આદુના ભાવ નહીં મળવાના કારણે અને સૂંઠનું પ્રોસેસિંગ નહીં થવાથી આ સ્થિતિ થઈ હોય એવું લાગે છે. મારે ત્યાં એક ખેડૂતે બનાવેલી ૨૫૦ કિલો સૂંઠ પડી છે, માર્કેટ નહીં મળતું હોવાના કારણે.’

ઉચ્છલ તાલુકાના ભીત બુદ્રક ગામના ખેડૂત ફુલસિંગ વળવી આદુની ખેતીની સ્થિતિ સમજાવતા કહે છે, ‘આદુને બાર મહિના રાખવું પડે અને ક્યારેક તો અઢાર મહિના પણ રાખવું પડે અને એકવાર બગડે એટલે તમામ મહેનત પાણીમાં અને તેના માટે ડ્રીપ ઇરિગેશન જોઈએ. તેનું બિયારણ મેળવવા માટે ઔરંગાબાદ જવું પડતું હતું. વળી આદુની ખેતી ઝીણવટભરી સંભાળ માંગી લે છે. આ બધી જફાના કારણે મેં અને મારા મિત્રોએ ગત વર્ષે આદુનો પાક લીધો હતો, પણ આ વરસે તેને પડતો મુક્યો છે અને અમે હળદર અને અમેરિકન મકાઈના વાવેતર તરફ વળ્યા છીએ. હળદરમાં રોગ કે વિશેષ સંભાળની જરૃર પડતી નથી.’

ડાંગ જિલ્લાને ૧૦૦ ટકા સજીવ ખેતી તરીકે જાહેર કરવામાં આવ્યો છે એટલે હવે ડાંગમાં સજીવ ખેતી અને બાગાયતી પાકો વધશે. ડાંગમાં ફળસીની ખેતી શરૃ થઈ છે અને બાગાયતી પાકોમાં આંબાનું પ્રમાણ ધીમેધીમે વધી રહ્યંુ છે. ટપક પદ્ધતિનો વ્યાપ આ વિસ્તારમાં વધી રહ્યો છે. જાંબુ, સીતાફળ, કમરખ, કાળા જાંબુ જેવા ગૌણ ફળપાકોની ખેતી અહીં વધી રહી છે. નદીના પટ વિસ્તારોમાં ડાંગમાં તરબૂચની ખેતી વધવા માંડી છે. ત્રણ મહિનાનો પાક અને ઓછા પાણીએ થાય એટલે અહીં ખેડૂતો તરબૂચની ખેતી તરફ વળ્યા છે. પહેલાં આ છોડ ખેતરોના શેઢે જ જોવા મળતા, હવે તેની ખેતી થઈ રહી છે. નાગલી અજોડ આઇટમ ગણાય છે અને તેનું ઉત્પાદન પણ મળતું હોવા છતાં તેનો ભાવ ન મળવાથી તેનું વાવેતર ઘટી ગયું છે. અત્યારે ડાંગના ખેડૂતો ઘર પૂરતું જ નાગલીનું વાવેતર કરે છે. તાજેતરમાં ભારત સરકારે નાગલીના ટેકાના ભાવો બહાર પાડ્યા છે એટલે તેનો ભાવ અને વાવેતર વધશે. નવસારી કૃષિ યુનિવર્સિટીએ નાગલીની ત્રણ-ચાર સારી જાતો આપી છે અને આ જાતો ખેડૂતો સુધી પહોંચતી થઈ છે. ડાંગમાં વચ્ચે મૂસળીની ખેતીને વેગ મળ્યો હતો, પણ ભાવતાલ નહીં મળતા તેનું વાવેતર હાલ ઘટ્યું છે. મૂસળીની ખેતી મહેનત માંગી લે છે. તેની છાલ ઉખાડીને ગરમ પાણીમાં ઉકાળીને સૂકવીને છાલ ઉખાડીને ઝીણાઝીણા મૂળ કાઢવા પડે છે. ડાંગમાં કાજુના પ્રયોગો પણ થયા પણ તેમાં બહુ સફળતા મળી નથી. ડાંગમાં મુખ્યત્વે ડાંગર અને નાગલીના સ્થાને આ નવા પાકો આવ્યા છે.

નવસારી જિલ્લામાં નવો પાક અમેરિકન મકાઈ આવી છે. આંબા પાકમાં ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિ આવી છે. આ પદ્ધતિમાં આંબાને નજીક-નજીક રોપીને એકરે છ ગણા વધુ આંબા રોપવામાં આવે છે. નવસારીમાં વાંસદા, ચિખલી વગેરે વિસ્તારોમાં નવા પાક તરીકે એપલબોર, જમરૃખ, સીતાફળ, કાળા જાંબુ અને આદિવાસી વિસ્તારમાં નાળિયેરીનો પાક શરૃ થયો છે. સજીવ ખેતીનો વ્યાપ નવસારીમાં વધ્યો છે અને નવસારીમાં સજીવ ખેતી સહકારી મંડળીની રચના પણ થઈ છે.

વલસાડમાં ધરમપુર, કપરાડામાં દૂધી, કારેલા, તુરિયા, પરવળ વગેરે વેલાવાળા શાકભાજીની ખેતી વધી છે. અહીં ખરસાણીનો પાક લેવાતો થયો છે. કાજુની ખેતી વલસાડમાં સફળ થઈ છે. પ્રોસેસિંગ યુનિટને કારણે. અમુક વિસ્તારોમાં કેળ નહોતી થતી ત્યાં કેળ થવા માંડી છે. કેળની ખેતી ખર્ચાળ ખરી, પણ તેમાં કામ ઓછું રહે છે અને માર્કેટ સરળતાથી મળી રહે છે. વલસાડમાં ચીકુનું વાવેતર ઘટ્યું છે અને આંબાનું વધ્યું છે, કારણ કે બાળકને ઉછેરવું અને ચીકુ વાડી ઉછેરવી બંને સરખું છે.

પ્રગતિશીલ ખેડૂતોને સરકાર આત્મા કે સરદાર પટેલ ઍવૉર્ડથી નવાજીને પ્રોત્સાહન આપે છે. જોકે તે વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરતા હોય તો. દાખલા તરીકે, બોરિયાવીના એક ખેડૂત વૈજ્ઞાનિક પદ્ધતિથી હળદરની ઓર્ગેનિક ખેતી કરે છે અને તેનું વેલ્યૂ એડિશન પણ જાતે કરે છે, તેનો પાવડર કરીને એક્સપોર્ટ કરે છે.

મધ્ય ગુજરાતમાં આણંદ જિલ્લામાં પાકના બદલાવ વિશે વાત કરતા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડૉ. ગિરીશભાઈ કહે છે, ‘આણંદ જિલ્લામાં મુખ્ય પાક તમાકુના સ્થાને રાજગરાનું વાવેતર ઘણુ વધ્યું હતું, પરંતુ તાજેતરનાં વર્ષોમાં ભાવ ઓછા મળવાના કારણે તેનું વાવેતર ઘટી રહ્યું છે. એક સમયે રાજગરાનો ૧૧૦૦ રૃપિયા ભાવ હતો તે આજે ઘટીને ૬૦૦ જેટલો થઈ ગયો છે. મધ્ય ગુજરાતમાં જેમની પાસે મજૂરોની સમસ્યા ન હોય તેવા ખેડૂતો ગલગોટા જેવા ફૂલોની ખેતી તરફ વળ્યા છે. ઝડપી વૃદ્ધિ થવાના કારણે બક્કમ નિમ, ઓસ્ટ્રેલિયન લીમડાની ખેતી તરફ પણ ખેડૂતો વળ્યા છે. આ લીમડા પાંચ વર્ષની આયુમાં કાપવા લાયક થઈ રહ્યા છે. અલબત્ત, આ પાકની કૃષિ યુનિવર્સિટીએ ભલામણ કરી નથી, લોકો જાતે પ્રયોગો કરી રહ્યા છે.’ આણંદ કૃષિ યુનિવર્સિટીમાં ગ્રીન હાઉસમાં પ્રોટેક્ટિવ કલ્ચરમાં કેસર ઉગાડવાના પ્રયોગો થયા છે. જોકે તેમાં બહુ સફળતા મળી નથી.

અર્ટિમિશિયા પાક મેલેરિયાની લારિયાગો ટેબલેટમાં કન્ટેન્ટ તરીકે વપરાય છે અને આણંદમાં એક કંપની અર્ટિમિશિયા પાકનું કોન્ટેક્ટ ફાર્મિંગ કરાવતી હતી. જોકે કંપની હવે ખેડૂતો પાસેથી અર્ટિમિશિયા ખરીદતી નથી. આણંદના ઔષધિય વનસ્પતિઓનું ઉત્પાદન કરતા અને કોન્ટેક્ટ ફાર્મિંગથી ઉત્પાદન કરાવતા નીલ શાહ કહે છે, ‘દવા કંપની હવે મેલેરિયાની દવા લારિયાગોમાં અર્ટિમિશિયાના સ્થાને સસ્તંુ બનાવટી રસાયણ વાપરે છે, આ કારણે અર્ટિમિશિયાની ખેતી બંધ થઈ છે. બિયારણ કંપની ફ્રી આપતી હતી અને ખેડૂતોને વીઘે ૧૫થી ૨૦ હજારનો નફો થતો હતો. અર્ટિમિશિયાનું કોન્ટેક્ટ ફાર્મિંગ ૭ વર્ષ ચાલ્યું. છેલ્લા એક વર્ષથી તેની ખેતી બંધ થઈ છે.’ નીલ શાહ દવા કંપનીઓની માગ પ્રમાણે બ્રાહ્મી, અશ્વગંધા વગેરેનું ૧૦૦ વીઘા જેટલી જમીનમાં વાવેતર કરે છે અને કોન્ટાક્ટ ફાર્મિંગથી કરાવે છે. ૩૦ જેટલા ખેડૂતો આ પ્રકારની કોન્ટેક્ટ ફાર્મિંગ સાથે જોડાયેલા છે.

ઉત્તર ગુજરાતમાં, સાબરકાંઠા જિલ્લામાં છેલ્લાં ૧૦ વર્ષમાં બટાકાની ખેતી ઘણી પ્રચલિત થઈ છે. બટાકાની ખેતી માટે ખેડૂતોએ જૂની આંબાવાડીઓ પણ કાઢી નાખી છે. પરંપરાગત ઘઉંનું વાવેતર મોટા પ્રમાણમાં ઘટ્યું છે. બાગાયત વિજ્ઞાની લક્ષ્મીકાંત ગુર્જર કહે છે, ‘જોકે અત્યારે એક દાયકા બાદ આજે બટાકાના પોષક ભાવો નહીં મળતા બટાકાના વાવેતરમાં ઓટ આવી રહી છે. છેલ્લા દાયકામાં સૌથી વધુ પોલી હાઉસ(ગ્રીન હાઉસ) પણ સાબરકાંઠામાં જ બન્યા હતા. એક યા બીજા કારણે તેમાંથી ૯૦ ટકા પોલી હાઉસ નિષ્ફળ ગયા છે. અત્યારે દાડમની ખેતીમાં ખેડૂતોએ ઝંપલાવ્યું છે. આ પ્રદેશના દિવ્યાંગ ખેડૂત ગેનાભાઈને પદ્મશ્રી ઍવૉર્ડ પણ મળ્યો છે. આ પાકમાં પણ ખેડૂતોએ સામૂહિક ઝંપલાવતા ભાવના પ્રશ્નો ઊભા થયા છે.’

મહેસાણામાં જૂના પાકમાં એરંડાનું પ્રમાણ ઘટી ગયું છે. ટામેટાં અને વરિયાળીના વાવેતરમાં પણ ઘણો ઘટાડો થયો છે. કપાસનું વાવેતર વધીને ઘટી ગયંુ છે. મહેસાણા બદલાયેલી ખેતી વિશે વાત કરતા કૃષિ વૈજ્ઞાનિક ડૉ.પ્રકાશ પટેલ કહે છે, ‘મગફળીનું વાવેતર વધ્યું છે. શિયાળામાં બટાકાનું વાવેતર વધ્યું છે. મરચાં, રીંગણા જેવા શાકભાજીની ખેતી વધી છે.’ બનાસકાંઠામાં પણ આ જ સ્થિતિ છે. ખેડા જિલ્લામાં તમાકુનું વાવેતર ઓછંુ થયું છે અને તરબૂચની ખેતી તરફ વળ્યા છે. બાગાયતી અને શાકભાજીની ખેતીનું પ્રમાણ વધ્યું છે. આંબાવાડીઓનું પ્રમાણ પણ વધ્યું છે. કપડવંજ વિસ્તારમાં દાડમની ખેતી વધી છે. કોઈ કોઈ ખેડૂતો રક્તચંદન અને સફેદ ચંદનની ખેતીમાં પણ વળ્યા છે. ખેડૂતો રક્તચંદનનું વાવેતર વધુ કરે છે. ચલાળી ગામના ખેડૂત જયદીપ ગઢવીએ બે વીઘામાં ચંદનની ખેતી કરી છે અને ચંદનની છોડની વૃદ્ધિથી ઘણા ખુશ છે.

રાજ્યના ખેડૂતોએ નવીનતાને અપનાવી છે, નવા પડકારો અપનાવ્યા છે. પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે ગુજરાતભરના ખેડૂતો આ નવા પ્રયોગોથી બહુ ફાવતા નથી. ફાવે છે તો વચેટિયાઓ જ. ખેડૂતો નવા પ્રયોગો કરે છે, જોખમો વહોરીને નવા સાહસોમાં ઝંપલાવે છે અને માંડ ગાડું પાટે ચડે ત્યાં યાર્ડમાં તેમના ઉત્પાદનના ભાવ ઘટાડી દેવામાં આવે છે.
——————————————-.

Leave A Reply

Your email address will not be published.

Translate »