તમારા માટે, તમારી સાથે, સતત…

પ્લાસ્ટિક જોડે પ્લાસ્ટિક નહીં માણસ થવું પડે!

પ્લાસ્ટિકનો મિસયુઝ કરનાર સો કોલ્ડ હ્યુમનની છે.

0 96
  • ચર્નિંગ ઘાટ – ગૌરાંગ અમીન

પ્લાસ્ટિકને ગાળો દો એ પહેલાં મગજ અને હદયના સ્નાયુ વાપરો
પ્લાસ્ટિકને વાપરી એનો કચરો કરતાં પહેલાં પોતાનું મન ચાખજો

એક જીવતો માણસ હતો. સવારે ઊઠીને દાતણ કરે. પવાલીમાંથી કે માટીના ગોળામાંથી પાણી લોટામાં લઈને કોગળા કરે. લાકડાના પાટલા પર બેસીને ગેલ્વેનાઇઝ્ડ પાઇપમાં થઈને લોખંડની ચકલી નીચેની ધાતુની ડોલમાં ભરેલા પાણીથી સ્નાન કરે. વાડકીમાંથી ચણાનો લોટ લે ‘ને માટીનું ઘસણિયું કે સૂકાયેલું ગલકું કે ઈંટનો ટુકડો કે નારિયેળનું છોડું ઘસે અને અંતે પ્લાસ્ટિકનો દાંતિયો વાપરે. અત્યારે અનેક માણસો જીવે છે. જેમની સવાર પ્લાસ્ટિકના ડોલ-ડબલાં ‘ને ટૂથબ્રશથી પડે છે. પ્લાસ્ટિક કુટુંબના પાઇપ ‘ને નળ. આરઓ ‘ને ફ્રીઝ. સોપ હોલ્ડર કે કન્ટેનર, શેમ્પૂની બોટલ, બરડો ઘસવાનું બ્રશ, શાવર-જૅલ રગડવાનો કૂચો, સ્ક્રેપર વગેરે સર્વે પ્લાસ્ટિકમય. હા, શક્યતા ખરી કે થાઈલેન્ડથી લાવેલો વૂડન કોમ્બ હોય!

પર્યાવરણ દિવસ ‘ને સમુદ્ર દિન સૌએ લીલાશ ‘ને ભીનાશથી ઊજવ્યો. પ્લાસ્ટિક પર ક્રોધ વરસાવ્યો કે નફરત ઉગાડી. અરે, પણ ભૈબુન જરા વિચાર તો કરો કે આપણે આખી જિંદગી કર્યું છે શું? બસ પ્લાસ્ટિક દીર્ઘાયુ છે એ એનો ગુનો? ના. પ્લાસ્ટિક પાપી નથી. વાંક, ભૂલ ‘ને અમાનવતા પ્લાસ્ટિકનો મિસયુઝ કરનાર સો કોલ્ડ હ્યુમનની છે. નાસ્તિકો ભૂલી જાય છે કે તથાકથિત પ્લાસ્ટિકાસુર વિજ્ઞાનની દેન છે. આસ્તિકો ભૂલી જાય છે કે પ્લાસ્ટિકના અણુઅણુમાં બ્રહ્મ છે. યુ જસ્ટ કેન નોટ સે નો ટુ પ્લાસ્ટિક. એક જમાનો હતો કે લોઢા ‘ને પિત્તળની ડોલ વપરાતી. રિપેર થતી. હવે તો પ્લાસ્ટિકની ડોલ વારે ‘ને છારે ગિફ્ટ કૂપન પર મળે છે. પ્લાસ્ટિકના ડોલ-ડબલાં સાંધી શકાય છે એ પ્લાસ્ટિક મની વાપરતાં ટીન્સને ખબર છે? મોબાઇલની બોડી જવા દો, અડીઘડી જે કવર બદલાય છે તેનો રીસાઇકલ કોશન્ટ કેટલો? ઇલેક્ટ્રિક બોર્ડ ‘ને વાયર જવા દો, ચાર્જર લાકડાં કે ધાતુનું હોય છે? ટીવી, લેપટોપ કે યાંત્રિક વાહન. પ્લાસ્ટિક કુળની એક પણ ચીજ વાપર્યા વગર જો ચોવીસ કલાક જીવો તો પહેલાં વાસ્તવિકતા તપાસવી પડે ‘ને પછી પોસ્ટ કે મેસેજ થાય.

જમાનો હતો જ્યારે ધનિકો ચાંદીની હેરપિન નાખતાં. એક સમય આવ્યો મેટલના ડિઝાઇનર બકલનો અને હવે પ્લાસ્ટિકની જણસથી જતન ના પામતું હોય એવું માથું શોધવું એ નવા ગુજરાતી સાહિત્યમાં નવીનતા શોધવા જેવું દુષ્કર કામ છે. પ્લાસ્ટિક આત્મકથા લખે તો રડ્યા વિના પડકાર ફેંકી શકે કે જાઓ પહેલાં એ માણસને શોધી કાઢો જેણે જીવનમાં કદી પ્લાસ્ટિકની બોટલમાં પાણી ના પીધું હોય. એવો પ્રવાસી શોધી કાઢો જેણે પ્લાસ્ટિકના કપમાં કોઈ પીણું ના પીધું હોય ‘ને પડીકામાંથી ફાકા ના માર્યા હોય. અરે, એવું બાળક શોધી કાઢો તોય ઘણુ! હવે માત્ર દેશી દારૃ નહીં, ખીરું, સોડા ‘ને પ્રસાદ કોથળીમાં મળે છે. દૂધ, દહીં ‘ને ઘી. પતરાના ડબ્બા લો ક્લાસ સાથે અનહાઈજેનિક ભાસે છે. એમાં પાછું કોથળીઓ ભેગી કરનાર ‘ટિપિકલ મિડલ ક્લાસ’ ગણાય છે. શું આપને માલૂમ છે, એક વખત હતો જ્યારે ફિલ્મ સ્ટાર પતરાના ડબ્બામાંથી કાઢેલી ધોળી બીડી ફૂંકતા? હિંગ કે મીઠાઈ, બધું પતરાના ડબ્બામાં જ આવતું. પૂંઠાના ખોખાં પછી આવ્યા અને આજે આપણે ધનતેરશના દિવસે આઇસક્રીમવાળા પ્લાસ્ટિકના ડબ્બા ફ્રી આપે એની રાહ જોઈએ છે!

નોપ, આ લખનાર પ્લાસ્ટિક-પ્રેમી નથી જ. પચીસ વર્ષ પહેલાં પણ હિમાલયમાં ઘૂમતાં ભટકતા ‘ચોકલેટ’ના રેપર્સ રસ્તામાંથી ઊંચકી ઠાંસી-ઠાંસીને ગજવાં ભર્યા છે, પરંતુ હવે વેફર ‘ને ચવાણાના પેકેટ કરતાં વધુ તકલીફ બોટલ આપે છે. જાઓ એક વાર પાવાગઢ, ગિરનાર કે પછી મનાલી ‘ને શોધી કાઢો ક્યાં પ્લાસ્ટિકના ગેરવપરાશથી મનુષ્યએ કચરો નથી કર્યો. બેશક ભારત સરકારના સ્વચ્છતા અભિયાનની મજબૂત હકારાત્મક અસર થઈ છે. ગઢવાલમાં તો વર્ષોથી કાગળની બેગ્સ વપરાય છે. પાલિકાની ગાડી સ્પીકર્સમાં સંગીત સાથે સ્વચ્છતાનો સંદેશ ફેલાવવા સાથે સુંદર સફાઈ કામ કરે છે. સફાઈ કામદારો સલામ એવં વંદનના હકદાર છે. કિન્તુ, સ્વચ્છતા રાખવી અને કચરો ના કરવો, ઓછો કરવો કે મસ્તિષ્કના સક્રિય યુઝ પછી કરવો એમાં ભેદ છે. ત્યાં માને વિદેશમાં વાઉ વાઉ કરી પડાય એવું ક્લિન ક્લિન બધું દેખાય, પણ કોઈ પણ એક ઘર પકડીને ગણીને ૭ દિન તમે જુઓ કે ગોરિયાઓ કેટલું ગાર્બેજ વા રબિશ સર્જે છે તો તમે ધોળા પડી જાવ.

હવે વ્હાઇટ વ્હાઇટ વેસ્ટ જાગ્યું છે. કહે છે, નો મોર પ્લાસ્ટિક વેસ્ટ અને બકરી, ઘેટાં ‘ને ગાય જેવી પ્રજા કહેશે, વાહ વાહ, શું નિર્ણય છે! નિઃશંક રજૂઆત આકર્ષક છે. યુનો સહિત સમસ્ત વિશ્વમાં પ્લાસ્ટિકને નાત બહાર મૂકવા માટે હોહા શરૃ થઈ છે. આપણા ભારતમાં તો ઘણા રાજ્ય એ વિષયમાં ક્યારના પહેલ કરી ચૂક્યા છે. ઘણું સારું થશે, પણ શું દેખાય એ જ કચરો છે? શું કચરા સ્વરૃપે દેખાય એ જ પ્લાસ્ટિક પર્યાવરણ તથા મનુષ્યને નડશે? બજારમાં પ્લાસ્ટિકની બોટલમાં દારૃ નથી ચાલતો ‘ને સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટિક પેકમાં દૂધ રોજ ધડાધડ ખપે છે. દલીલશાસ્ત્રીઓ કહેશે કે એ તો રિસાઇકલ ગ્રેડ પ્લાસ્ટિક હોય. ઓકે. ગુડ. કેટલી વખત રિસાઇકલ થશે? પછી તેનું શું થશે? જૂઅલરિ, અન્ડર-ગારમેન્ટ ‘ને ફૂટવૅરમાં કેટલું પ્લાસ્ટિક વપરાય છે? કચકડું હોય કે રબર, અંતે શું થશે? ટાયર, કોન્ડોમ ‘ને દવાઓના પેકિંગ્સ એમ હવા નથી થઈ જતાં. બે હજારનો રેઇનકોટ હોય કે વીસ રૃપિયાની બરસાતી, કુદરત સામે ખુશી ખુશી વાપરવામાં આવે છે અને અંતે માઉન્ટ એવરેસ્ટ પર ઓક્સિજન ખેંચી લીધા પછીની નક્કામો ભાર બનેલી બોટલ જેમ ફેંકી દેવાય છે તેમ સિઝનલ પ્લાસ્ટિકનો ત્યાગ થાય છે.

કેટલાકને પર્યાવરણના નામે એક્ટિવિઝમ કરવાના પૈસા મળે છે. કેટલાકનું રાજકારણ ચાલે છે. મીડિયાને તો શું? પેટ્રોલ, પાકિસ્તાન ‘ને ખેતીના પાક જેવી જૂની ‘સ્ટોરીઝ’ વચ્ચે કશુંક નવું અને એય ગુડ ગુડ મળે. સેક્યુલર ટીવી ભારતની ગંદકી બતાવવાની તાર્કિક મઝા લૂંટે અને હિન્દુ ટીવી એન્ટિપ્લાસ્ટિક પવિત્રતાના પ્રદર્શનનો ધર્મ અદા કરે. સેક્યુલર ચોખ્ખાઓ કેફે વાળાઓને માટીની કુલડીમાં કૉફી વેચશો તો જ અમે પીશું એવું કહેશે? અને ધાર્મિકો સમૂહમાં યોગ શિબિર/કથા કે પ્રવચન જેવું હોય ત્યારે અમે જાતે વાસણ ધોઈશું, પણ અમને ડિસ્પોઝેબલ્સમાં ખાવા-પીવાનું ના આપો તેમ કહેશે? મેલેમાઇન ‘ને સ્ટાયરોફોમ/થર્મોકોલને અપ્લાસ્ટિક ના ગણશો. ખેર, હવે તો જાપ પ્લાસ્ટિકના ડિજિટલ કાઉન્ટર થકી થાય છે! શ્વાસના આવાગમનથી જીવ હત્યા થાય તેની ચિંતા કરનારા સહજ ‘ને નિર્દોષ ભાવે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્લાસ્ટિક પોંખે છે. ફોરેનની વાયગ્રા હોય કે દેશી અશ્વગંધા, આખરે અવિનાશી પ્લાસ્ટિકની બોટલમાં મળે છે. કીબોર્ડ હોય કે પેન, પત્રકારોએ

Related Posts
1 of 25

જાગૃત રહેવું જોઈએ અને ખુદને પૂછવું જોઈએ કે માઇક ‘ને કેમેરાનો એન્ડ પર્યાવરણ માટે હિતકાર છે? બિવેઅર ઓફ પ્લાસ્ટિક પોલિટિશન્સ અને બી અવેર ઓફ પ્લાસ્ટિક પત્તરકાર્સ!

આપણે ત્યાં વન્સ અપઓન ટાઇમ અચ્છાભલા ઘરમાં રબર-બેન્ડ આવે એટલે સાચવીને મૂકી રાખતાં. હવે મુક્ત-અર્થતંત્ર, ઉપભોક્તાવાદ ‘ને વૈશ્વિક જિંદગાની રૃપી ડાઇનોસોરના સ્ટમકમાં વસ્તુનું મૂલ્ય નથી રહ્યું. દર વર્ષે પોતાના કિડને પેરેન્ટ્સ નવી વૉટર-બોટલ અપાવે છે. પોતે બચ્ચા હતા ત્યારે ટ્રેનમાં જે પેસેન્જર કાથીની ગૂંથેલી થેલીમાં માટીનો કુંજો લાવ્યો હોય તેનાથી પોતાના માબાપ ઇમ્પ્રેસ થતાં એવા વૉલેટબાજો  હવે સ્ટીલના ગ્લાસને પાલો ગણીને નકારે છે. એક કાળે ટ્રકના રેડિએટરની આગળ મશકમાં પાણી ભરીને ડ્રાઇવરો નિશ્ચિંત રહેતા કે મસ્તીન પાણી પીવા મળશે ‘ને એન્જિન પણ થોડી મોજ માણશે. હવે ટેમ્પાવાળો પણ ટપરી પર ચોખ્ખાઈની એવી સફ્ફાઈ મારે કે કાચમાં નહીં, પ્લાસ્ટિકમાં આપ. પંજાબમાં ઈંટ-સિમેન્ટની અવનવી પાણીની ટાંકી જોવા મળે. ફૂટબોલ, પક્ષી, ઘોડેસવાર… બાકી કાશ્મીર હોય કે કાલાવડ, પ્લાસ્ટિક વંશના પતરાં પર પ્લાસ્ટિક ગોત્રની જ ટાંકી જોવા મળે.

જો એક વીકના પ્લાસ્ટિક સાથેના આપણા ઋણાનુબંધનું વૈવિધ્ય તપાસીએ તો એક વાર આપણું દિલ રણકી ઊઠે કે જ્યાં-જ્યાં નજર મારી પડે, હકીકત ભરી ત્યાં પ્લાસ્ટિકની! સંપૂર્ણ શુદ્ધિ શક્ય નથી તથા જરૃરી પણ નથી. જેટલું થાય એટલું કરવું પડે. હા, જેટલું થાય એટલું એટલું એટલું ખરેખર કરવું રહ્યું. કોઈ મંદિર કે આશ્રમ કહેશે કે તાંબાની પિન નાખવાથી ઓરા પાવરફુલ થશે અને વાળ સારા રહેશે ત્યારે પ્લાસ્ટિક છોડીશું? સાયન્સ જર્નલમાં વૉર્નિંગ આવશે કે પ્લાસ્ટિકના ફૂડ રેપ્સ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ત્યારે વિદેશની કોપી મારવાનું બંધ કરીશું?

ત્યાં તો સુપરસ્ટોરમાં કોથળીઓની રેલમછેલ હોય છે, એ સુધરે ત્યારે સુધરવાનું? એ લોકો તો કાલે ઊઠીને પ્લાસ્ટિક-વેસ્ટમાંથી ‘બેસ્ટ’ બનાવવાનો ધંધો શોધી કાઢે. પ્લાસ્ટિક શોધાયું ત્યારે ભણેલા ‘ને બુદ્ધિશાળીઓને એ વિશેષતઃ દૈવી લાગ્યું હતું. છેક ‘૬૭ના હોલિવૂડ મૂવી ‘ગ્રેજ્યુએટ’માં અદાકાર ડાયલોગ ફટકારે છે કે ધેર ઇઝ એ ગ્રેટ ફ્યૂચર ઇન પ્લાસ્ટિક્સ! ગામડાના ‘ગમાર’ તો પ્લાસ્ટિકની બોટલમાં દૂધ પિવડાવતા પણ વિચાર કરતા હતા. રેડિયો ‘ને કેસેટ પ્લેયરનું શરીર પણ લાકડાં ‘ને પતરાનું બનેલું રહેતું. આ તો વેપારીઓએ પોતાના સ્વાર્થ ‘ને મુનાફા માટે સૌને શો ‘ને સ્ટેટ્સમાં લપેટ્યા.

એનિવેઝ, નાના-નાના ઉપાય કરી શકાય. બેબી-સ્ટેપ્સ ભરી શકાય. પ્લાસ્ટિક જોડે પ્લાસ્ટિક નહીં, માણસ થવું પડે! એને જેમ ફાવે તેમ ના વપરાય. કરોડો મુસ્લિમ બિરાદરો પાણી ના પીવે ‘ને શેવ ના કરે એટલે પાણી બચે, પરંતુ પાણી બચાવવાનો ધ્યેય હોવો એ મામલો ભિન્ન થઈ જાય. પ્લાસ્ટિકની બચત કરવાનો સ્વભાવ ઘડવો પડે. માટીની કુલડીમાં ચા મળે ત્યાં જ ચા પીવામાં જરી ગર્વ અનુભવી શકાય. ધાતુના વાસણમાં જમી યા જમાડી શકાય.

આઇસસ્ક્રીમ ખાવામાં કપ કરતાં કોનની પસંદગી તમારું યોગદાન ગણાશે. ડ્રિંક ડિસ્પોઝેબલ ગ્લાસમાં ના પીવો. શોપિંગમાં સાથે કાપડની થેલીઓ રાખતા શરમ ના આવવી જોઈએ. ગિફટ કાપડના પેકિંગમાં આપો ‘ને પ્લાસ્ટિકની ગિફ્ટનો પ્રેમથી અસ્વીકાર કરવાની હામ ભીડો. બહાર નીકળીએ ત્યારે તંદુરસ્તીનું જ્ઞાન વાપરીને પર્યાવરણ બચાવવા ઘરેલું નાસ્તા ધાતુના વાસણમાં જોડે રાખી શકાય. ઘરના આરઓમાંથી બે પાંચ બોટલ કે જગ ભલે પ્લાસ્ટિકના હોય, પણ ભરી અને સાથે રાખી શકાય. ક્યારેક મોટું પેકિંગ ઓછું પ્લાસ્ટિક વાપરતું હોય છે. શું સ્ટ્રોથી પીવું ફરજિયાત છે? દર વર્ષે અમેરિકામાં ૫૦૦ મિલ્યન સ્ટ્રો એકવપરાશ પછી ડસ્ટબિનમાં જાય છે. ચાંદીની સ્ટ્રો જોડે રાખો, જો સ્ટીલની ના ફાવે તો. પ્લાસ્ટિક વેસ્ટનો ૪૦% ભાગ એક જ વાર વપરાયેલી પ્લાસ્ટિક આઇટમમાંથી આવે છે. શાકભાજી-ફ્રૂટ્સ પેપર-બેગમાં વધુ સારા રહે. કાપડમાં રેપ કરેલી સૅન્ડવિચ જાતે ખાઈ જુઓ એટલે સમજાય કે બાળકો માટે શું સારું. પ્લાસ્ટિક રેપ બૌ જ ગમતાં હોય તો એકાદ કલાક પ્લાસ્ટિકની ગંજી પહેરી જુઓ! માટીના કુંડા મળે છે. માટીની મસ્ત ઠંડંુ પાણી રાખે એવી બોટલ પણ. જે રિસાઇકલ થતું હોય ‘ને ખરીદવું પડે એવું જ હોય તેને સામાન્ય કચરામાં ના નાખો. નવા ડબલાડુબલી લો તો પ્લાસ્ટિકના ના લો. પોતાના વિસ્તારમાં પ્લાસ્ટિક મેસ ઉપાડવાનું કાર્ય કરી શકાય.

બાળકોને પ્લાસ્ટિકના દુરુપયોગ અંગે સાવધ કરી શકાય. ફક્ત મેસેજ ફોરવર્ડ કરીને સારા દેખાવું કે આ પોસ્ટ શક્ય એટલી શેઅર કરો કહીને સારા હોવાના ભ્રમમાં રહેવું એ પ્લાસ્ટિકવેડા કહેવાય. નેપિ/ડાઇપર રિયુઝેબલ વાપરવામાં એકથી વધુ લાભ છે, પેડ્ઝ અંગે અહીં અગાઉ વિસ્તૃત લેખ લખેલો ત્યારે જણાવેલું કે ‘ત્યાં’ રિયુઝેબલ પેડ વપરાય છે. પ્લાસ્ટિકના લાઇટર નહીં મેચબોક્સનો યુઝ કરો. ફ્રૂટ ખાવ કે જાતે જ્યૂસ કાઢો. કચરા-ટોપલી ધાતુની રાખો. ડિસ્પોઝેબલ રેઝર નકારો. પ્લાસ્ટિક સિવાયના કૂચા વાપરો, નારિયેળના છોડા ‘ને રખ્યા પોલિપેકમાં કોઈ મલ્ટિનેશનલ કે બાબા માર્કેટ કરે તેની રાહ ના જુઓ. પ્લાસ્ટિક હોય તે ચીજ/યંત્ર રિપેર થતું હોય તો નવું ના લો. ૫૦ દેશ પ્લાસ્ટિકનો ઉપયોગ કાબૂમાં લેવા કટિબદ્ધ છે. સરકાર પરત્વે આપણે નાગરિક ‘ને મતદાર તરીકે આશા રાખીએ, પણ ઘર આંગણે સ્વયં પૃથ્વીજન યા કુદરતી મનુષ્ય છીએ એ ના વિસરીએ. સગવડિયા ધર્મની જેમ એન્ટરટેઇનિંગ ઇકો-ફ્રેન્ડશિપ ના કરાય, મધર નેચરનું ખબર નહીં, પણ પ્લાસ્ટિક આપણને માફ નહીં કરે. આફ્ટર ઓલ, પ્લાસ્ટિક એક મેટર છે અને જ્યાં મેટર હોય ત્યાં એનર્જી હોય. એટલે પ્લાસ્ટિકને આપણે જે રીતે ટ્રીટ કરીશું એ રીતે પ્લાસ્ટિક આપણને રીટ્રીટ કરશે, એન્ડ ધેટ ટુ વિથ ઇન્ટરેસ્ટ!

બુઝારો
સમગ્ર દુનિયામાં પ્લાસ્ટિકની કચરાપેટી સૌથી વધુ વપરાય છે. એમાં રીસાઇકલ-બિન તરીકે વપરાતી પ્લાસ્ટિકની કચરાપેટી પર ખાસ લખ્યું હોય છે- સેવ ઍન્વાયરન્મૅન્ટ.
—————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »