તમારા માટે, તમારી સાથે, સતત…

‘લવાલ કી લાડલી’ – દીકરીનાં લગ્નની જવાબદારી ગ્રામ પંચાયતની

દીકરી જન્મને ઉત્સાહભેર વધાવે છે

0 169
  • હેતલ રાવ

‘દીકરી મારી લાડકવાયી લક્ષ્મીનો અવતાર, એ સૂવે તો રાત પડે ‘ને જાગે તો સવાર,’  કેટલી સુંદર વાત છે, પરંતુ અફસોસ કે દરેક વ્યક્તિ આ વાત સમજી નથી શકતી, પણ એક ગામ એવું છે જ્યાં દીકરીને સાચે જ લક્ષ્મી માનવામાં આવે છે. તેના જન્મથી લઈને લગ્ન સુધી માતા-પિતાને કોઈ ચિંતા નથી રહેતી. ‘દીકરી બચાવો’ અભિયાન ખરા અર્થમાં લવાલ ગામમાં સાર્થક થયું છે.

અરે, હવે તો મારી રાગિણીનાં લગ્નની અમને જરા પણ ચિંતા નથી. એટલું જ નહીં, તેણે તો કૉલેજ પણ શરૃ કરી છે. એમ કહેતાં માલતીબહેન હરખાતા હતાં. ત્યાં જ વચ્ચે ટોકતા રજાઓમાં નણંદના ઘરે આવેલાં ભાભી બોલ્યાં, ‘કેમ માલતીબહેન, આ લગ્નનો અને ભણવાનો ખર્ચો તમે કેવી રીતે કરશો? જીજાજીની તબિયત નથી સારી. રાગિણીની સાથે કોમલ પણ મોટી થઈ રહી છે. છૂટક મજૂરી કરી માંડ જીવો છો તો પછી આટલા પૈસા લાવશો ક્યાંથી?’ ત્યારે માલતીબહેને પોતાના ભાભીને કહ્યું તે સાંભળી કદાચ બધાને નવાઈ લાગે. અમારા ગામ લવાલમાં દીકરીઓ માટે ખાસ યોજના ચાલે છે. તેના કારણે હવે દીકરી આવે તો ચિંતા નહીં, પણ ખુશી થાય છે. માતા-પિતા માટે તો દરેક સંતાન સરખું જ હોય, પરંતુ દીકરીને ભણાવવાનો ખર્ચ કરીએ તો પરણાવવાના ખર્ચની ચિંતા થતી હોય છે, પણ હવે કોઈ ચિંતા નથી. લવાલની લક્ષ્મી ભણશે પણ ખરી અને સારી રીતે પરણશે પણ ખરી.

Related Posts
1 of 22

ખેડા જિલ્લાના વસો તાલુકાનું એક નાનકડું ગામ લવાલ માંડ ૧૬૦૦ની વસ્તી ધરાવતા આ ગામમાં જે શરૃઆત કરવામાં આવી છે, તે ગુજરાતના તો શું ભારતના પણ કોઈ ગામમાં નહીં હોય. દીકરીઓ સાપનો ભારો નહીં, પરંતુ પરિવાર સાથે ગામનું પણ ગૌરવ છે તે વાતને આ ગામમાં બરાબર રીતે ઉજાગર કરવામાં આવી છે. માત્ર દીકરીને દીકરાને સરખાં ગણવાં તેવી વાતો કહેવા કરતાં કરવામાં વધુ મજા હોય છે. લવાલ ગામમાં એક બે નહીં, પરંતુ ખાસ દીકરીઓ માટે ત્રણ યોજનાઓ ચાલે છે અને તે પણ ગ્રામ પંચાયત દ્વારા.

લવાલ ગામમાં કોઈ પણ દીકરીનો જન્મ થાય ત્યારે તેને ઉત્સાહભેર વધાવવામાંં આવે છે. એટલું જ નહીં, પણ એક હજાર રૃપિયાની ભેટ તેના પરિવારને આપીને તેમનું પણ સન્માન કરવામાં આવે છે. દીકરી મોટી થતાં તેના અભ્યાસ પર પૂરતું ધ્યાન અપાય છે અને જ્યારે તે એચએસસીમાં સારા માર્ક્સ સાથે પાસ થાય ત્યારે તેને સરાહવા માટે થઈને કાર્યક્રમનું પણ આયોજન થાય છે, જેમાં ગામની દીકરી અને દીકરા બંનેને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવે છે. જો દીકરી વધુ ભણવા માટે કૉલેજમાં ઍડ્મિશન લેવા માગતી હોય તો ગ્રામ પંચાયત દ્વારા તેનો સંપૂર્ણ ખર્ચ પોતાના શિરે લેવામાં આવે છે. આ યોજનામાં ગામની કોઈ પણ દીકરીને ધોરણ બાર પછી આગળ અભ્યાસ કરવો હોય તો ગ્રામ પંચાયતના સહયોગથી કરે છે. કૉલેજનો જે પણ ખર્ચ હોય તે પંચાયત આપે છે. અત્યાર સુધી આ બે યોજના લવાલ ગામમાં ચાલતી હતી, પરંતુ હવે ગામની દીકરીઓ માટે એક નવી યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે. તેનંુ નામ છે લવાલ કી લાડલી.

જ્યારે કોઈ દીકરી અવતરે ત્યારે તેના માતા-પિતાને સૌથી વધુ ચિંતા દીકરીનાં લગ્નની જ થતી હોય છે. આ મોંઘવારીમાં દીકરીને શું કરિયાવર આપીશું, જમણવારનો ખર્ચ વાડીનો ખર્ચ. જેવા અનેક નાના-મોટા ખર્ચનું વિચારીને માતા-પિતા દીકરી નાની હોય ત્યારથી જ ચિંતામાં રહેવા લાગે છે. ખાસ કરીને જે માતા-પિતાની પરિસ્થિતિ સારી નથી તેમને પોતાની દીકરીનાં લગ્નનું સતત ટેન્શન રહે છે, પરંતુ હવે લવાલ ગામનાં માતા-પિતાને પોતાની દીકરીનાં લગ્નની ચિંતા કરવાની જરૃર નહીં રહે, કારણ કે સરપંચ અને તેમની સાથે જોડાયેલી દસ વ્યક્તિના ગ્રુપ દ્વારા લવાલ કી લાડલીના લગ્નનો ખર્ચ ઉઠાવવાનો નિર્ણય કર્યો છે. હવે લવાલ ગામમાં કોઈ પણ દીકરીનાં લગ્ન હશે તો તેનો ખર્ચ ગ્રામ પંચાયત કરશે. લગ્નના હૉલથી લઈને જમણવાર અને દીકરીને અપાતા સોનાના સેટ સુધી તમામ ખર્ચનું આયોજન લવાલ ગામના સરપંચ કરશે. દીકરી બચાવો અને દીકરી પઢાવોને પ્રોત્સાહન આપવા શરૃ કરવામાં આવેલી આ પહેલ એક ઉમદા કાર્ય છે.
——————————.

‘લવાલ કી લાડલી’ – ‘દીકરીનાં લગ્નની જવાબદારી ગ્રામ પંચાયતની’ની આગળની રોચક માહિતી વાંચવા ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો..

Leave A Reply

Your email address will not be published.

Translate »