તમારા માટે, તમારી સાથે, સતત…

આધારને લઈને કોર્ટમાં ૧૧૫ કલાકની મેરેથોન ચર્ચા

આધાર કાર્ડની બંધારણીય માન્યતાના ફાયદા ગણાવવામાં આવ્યા

0 71

સાંપ્રત

આધાર કાર્ડને બંધારણીય માન્યતા આપવાની અરજી પર સુનાવણી પૂરી થઈ ગઈ અને વડી અદાલતે આધાર કાર્ડની બંધારણીય માન્યતાને લગતો ચુકાદો પોતાની પાસે અનામત રાખ્યો છે. જોકે, સુપ્રીમ કોર્ટ કોઈ નિર્ણય લે એ પહેલાં સંવિધાન પીઠ સમક્ષ ૧૧૫ કલાકની મેરેથોન ચર્ચા થઈ. કોર્ટમાં ૩૮ વાર સુનાવણી થઈ, જેમાં સરકાર અને અરજીકર્તા તરફથી વકીલોની મસમોટી ફોજ સંવિધાન પીઠ સમક્ષ ચર્ચા માટે કામે લાગી હતી.

સુનાવણી દરમિયાન અરજીકર્તાઓએ આધાર ડેટાનો દુરુપયોગ થવાની આશંકાઓ જતાવી. ત્યાં જ સરકાર આ ડેટા સુરક્ષિત હોવાનો દાવો કરતી રહી. અરજીકર્તાઓએ આરોપ લગાવ્યા કે આધારનો ડેટા લોકોને લંૂટવાનું અને તેમની ગુપ્તતા જોખમમાં મૂકવાનું સાધન બની શકે છે. કહેવામાં આવ્યું કે ડેટાનો ઉપયોગ કરતાં પહેલાં કોઈ પણ નાગરિકની મંજૂરી નથી મેળવાતી. એમના ડેટાનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થશે અને તેનાથી શું નુકસાન થઈ શકે તે અંગે કોઈ પણ માહિતી નાગરિકોને આપવામાં આવતી નથી. એટલું જ નહીં, ડુપ્લિકેશનને રોકવા માટે સોર્સ કોડના હકનો (જે વિદેશી કોર્પોરેટ લાઇસેન્સર પાસે છે) અભાવ અને બાયોમેટ્રિક ડેટાના લીક થવાથી દેશની સુરક્ષા જોખમાવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી.

બીજી તરફ સરકારના પક્ષ તરફથી આધાર કાર્ડની બંધારણીય માન્યતાના ફાયદા ગણાવવામાં આવ્યા. એટલે કે આધાર કાર્ડને કારણે બોગસ સિમ કાર્ડના દુરુપયોગ પર પાબંદી લાગી. આતંકી ગતિવિધિઓ અને અફવાઓ પર અંકુશ લગાવવામાં મહદ્અંશે સફળતા મળી. સરકારે કહ્યું કે, આધાર કાર્ડને પાન કાર્ડ સાથે જોડવાથી કેટલીય ફર્જી કંપનીઓ અને એનજીઓ બંધ થઈ ગયાં અને પરિણામે કાળા નાણા પર પણ રોક લાગી. આધાર ઑથોરિટીના સર્વોચ્ચ અધિકારીએ સુપ્રીમ કોર્ટમાં બે દિવસ સુધી આધારના ફાયદા અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન આપ્યું.

Related Posts
1 of 66

આધાર કાનૂનને વિત્ત વિધેયક બનાવવાના પ્રશ્ન પર સરકારે કહ્યું કે, આ કાનૂનનો ઉદ્દેશ્ય લક્ષિત લોકો સુધી આર્થિક સબસિડી પહોંચાડવા માટેનો છે. તેથી તે વિત્ત વિધેયક જ હતું. આ માટે સ્પીકરે જ તેનું પ્રમાણપત્ર પણ આપ્યું હતું. આ પ્રમાણપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આ વિધેયકને વિત્ત વિધેયક જાહેર કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૧૩માં જાહેર કર્યું છે કે જો સ્પીકર કોઈ વિધેયકને વિત્ત વિધેયક જાહેર કરે તો તેને માન્ય રાખવામાં આવે. સ્પીકરનો નિર્ણય અંતિમ નિર્ણય માનવામાં આવે. જોકે, અરજીકર્તાઓએ આ વિધેયક પર પ્રશ્ન ઉઠાવ્યો હતો.

કોર્ટે કહ્યું કે, કોર્ટે વર્ષ ૨૦૧૫માં એક આદેશ આપ્યો હતો કે સરકાર આધાર કાર્ડને આવશ્યક ન બનાવે. કોર્ટનો નિર્ણય આવે ત્યાં સુધી તેને વૈકલ્પિક રાખવામાં આવે. જેમની પાસે આધાર કાર્ડ નથી, તેમને મળતી સરકારી સુવિધાઓ રોકવામાં ન આવે. કોર્ટે આધાર માટે એકત્ર કરવામાં આવી રહેલા કરોડો નાગરિકોના ભારે ભરખમ બાયોમેટ્રિક ડેટાની સુરક્ષાને લઈને ચિંતા જતાવી હતી.

અરજીકર્તાઓનો તર્ક… આધારના ડેટાને સરળતાથી ટ્રેસ કરી શકાય છે. યુઆઈડીએઆઈ પાસે લોકોનો ડેટા આવવાથી હવે લોકો પર નજર રાખવાનું હથિયાર આધાર ઑથોરિટીને મળી ગયું. સરકારી યોજનાઓ, મૃત્યુનું પ્રમાણપત્ર, સ્કૂલનો દાખલો, બેન્ક ખાતું, મોબાઇલ, સ્કોલરશિપ, પાન કાર્ડ સાથે આધારને જોડવું વગેરે કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવા  બરાબર છે.

સરકારની દલીલો… સુરક્ષાને લઈને રાષ્ટ્રીય ડેટા સુરક્ષા કાનૂન બનાવવામાં આવી રહ્યો છે. આધાર કાનૂનમાં પણ ડેટા લીક કરવાને લઈને સખત દંડની જોગવાઈ કરવામાં આવી છે. ખાનગી ઓપરેટરો પાસેથી પણ ડેટા લેવડાવવાનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે.

આધાર કાર્ડને બેન્ક ખાતા, મોબાઇલ અને પાન કાર્ડ સાથે જોડવાથી છેતરપિંડીઓ બંધ થઈ. પહેલાં વચેટિયાઓ જે સબસિડી પોતાના ખિસ્સામાં સેરવી દેતા હતા, તે બંધ થયું અને લોકોને સબસિડીનો લાભ મળતો થયો.
——————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »