તમારા માટે, તમારી સાથે, સતત…

‘તમે કેવા?’ – એક ફિલ્મ જે આંદોલન બની ગઈ!

જાતિવાદી માનસિકતાના કીડા દિમાગમાં લઈને ફરે છે

0 846

નરેશ મકવાણા

 ‘હું ગાય હોત તો સારું થાત. વધારે આદર મળત..’

‘સાહેબ હું એ જ છું જે હંમેશાં ભયભીત રહે છે કે કોઈ મારી જાતિ ન પૂછે..’

ગત શુક્રવારે રિલીઝ થયેલી ડિરેક્ટર કે. આર. દેવમણિ નિર્દેશિત ગુજરાતી ફિલ્મ ‘તમે કેવા?’માં આ બે સંવાદો આવે છે અને બંને વખત બાપુનગર સ્થિત મલ્ટિપ્લેક્સમાં હાજર પ્રેક્ષકો ભીની આંખે ચિચિયારીઓ પાડી ઊઠે છે. પૂછપરછ કરતા ખ્યાલ આવ્યો કે એ બધા ખાસ આ ફિલ્મ જોવા માટે જ અમદાવાદ અને આસપાસનાં ગામોમાંથી ઢોલ-નગારાં, ડી.જે. પાર્ટી સાથે વાજતેગાજતે અહીં આવ્યાં હતાં. તથ્ય ચકાસવા ફિલ્મના નિર્માતા-નિર્દેશક કે.આર. દેવમણિનો સંપર્ક કરતા ખ્યાલ આવ્યો કે, અમદાવાદ, પાટણ, મહેસાણા સહિતનાં શહેરોમાં ફિલ્મનો વિષય જોતાં મલ્ટિપ્લેક્સ માલિકોએ તેમને પોતાને ત્યાં શૉ આપવાનો ઈનકાર કરી દીધો હતો. આ મામલો સપાટી પર આવતાં થિયેટર માલિકો સામે સ્થાનિક દલિતો અને સંગઠનોએ મોરચો માંડ્યો. આખરે મલ્ટિપ્લેક્સ માલિકોએ ફિલ્મના કેટલાક શૉની મંજૂરી આપવી પડી. એમાં પણ તેમણે શહેરોના પૉશ વિસ્તારોમાં આવેલા તેમના મલ્ટિપ્લેક્સોમાં જાણી જોઈને આ ફિલ્મના શૉ ન ફાળવ્યા. આ સિવાય શરત એ મૂકી કે પૂરતા દર્શકો નહીં મળે તો તુરંત ફિલ્મ ઉતારી લેવામાં આવશે, પણ થિયેટર માલિકોને મોકો જ ન મળે એવી સ્થિતિ ફિલ્મના ચાહકોએ ઊભી કરી દીધી. અનેક લોકોએ ફિલ્મ જોવા માટે એડવાન્સ બુકિંગ કરાવીને શૉ હાઉસફૂલ કરી દીધા. ડી.જે. સાઉન્ડ પર ફિલ્મનાં ગીતો પર નાચતા-ગાતા સૌ ફિલ્મ જોવા થિયેટરોમાં જવા માંડ્યાં. અગાઉ કોઈ ફિલ્મને લઈને આ પ્રકારની સ્થિતિ પેદા થયાનું જાણમાં નથી. આ લખાઈ રહ્યું છે ત્યારે બાપુનગર તથા પાટણમાંથી શરૃ થયેલી ફિલ્મની ઝુંબેશ ધીમેધીમે રાજ્યના અન્ય શહેરોમાં પણ પ્રસરી રહી છે. ફિલ્મમાં પોતાની જાતિને લઈને સમાજમાં અવગણાતા રહેતાં બે પાત્રોની વાત સમાંતરે દર્શાવાઈ છે. ફિલ્મની ટીમ નવી હોઈ અનુભવની ઊણપ દેખાઈ આવે છે, છતાં ફિલ્મનો વિષય તેને જોવાલાયક જરૃર બનાવે છે.

Related Posts
1 of 258

ફિલ્મના નિર્દેશક ડૉ. કે. આર. દેવમણિ પોતે ડૉક્ટર છે, પણ સામાજિક પરિવર્તનની ભાવના સાથે તેઓ ફિલ્મ લાઈનમાં પ્રવેશ્યા છે. આ ફિલ્મને લઈને તેઓ કહે છે, ‘કેટલાક વિષયો એવા હોય છે જેના પર મોટાભાગે ફિલ્મ બનતી નથી. એવી વાતો કે જે કોઈ કરવા માંગતું નથી કે તેના પર ધ્યાન આપતું નથી. જેમાં જાતિવાદ મુખ્ય છે. આ એ સમસ્યા છે જેના પ્રત્યે સતત આંખ આડા કાન કરવામાં આવે છે. ઘણીવાર વાસ્તવિકતા આપણને ગમતી નથી. જાતિવાદ આવી જ એક કડવી વાસ્તવિકતા છે જેનો લોકો ધરાર સ્વીકાર કરી શકતા નથી. ઉચ્ચ વર્ણ હજુ એવા ખ્યાલોમાં છે કે જાતિવાદનું કોઈ અસ્તિત્વ જ નથી. ફિલ્મ બનાવવા અને થિયેટર મેળવવામાં મને જે મુશ્કેલીઓ પડી છે તે જ દર્શાવે છે કે આપણો કહેવાતો આધુનિક સમાજ હજુ આ બાબતે પુખ્ત થયો નથી. ઘણી વખત ફિલ્મના વિષયને લઈને મારે શૂટિંગ કેન્સલ કરવાની નોબત પણ આવી છે. તો ક્યારેક ફિલ્મનું નામ ખોટું બોલીને શૂટિંગ કરવા મજબૂર થવું પડ્યું છે. હજુ પણ કોઈ પણ જાતિનો માણસ હોય, પાંચ મિનિટના પરિચય પછી તરત તમને પૂછશે, ‘તમે કેવા?’. આ સાંપ્રત સમયનો સૌથી અઘરો સવાલ છે. ખાસ તો સદીઓથી જેમને અસ્પૃશ્ય માનવામાં આવ્યા છે તે દલિતોને આ પ્રશ્ન પૂછાય છે ત્યારે છાતીના પાટિયા બેસી ગયા હોય તેવો અનુભવ થાય છે. મારે તેમની આ વેદનાને વાચા આપવી હતી એટલે આ ફિલ્મ બનાવી.’

ફિલ્મ જોઈને આવેલા એક દર્શક, કે જેમણે અન્ય જ્ઞાતિની યુવતી સાથે લગ્ન કરેલાં હતાં તેમણે ફિલ્મ બાબતે બહુ સરસ વાત કરી. તેમણે કહ્યુંઃ ‘આપણે સૌ ભારતીય છીએ તો પછી કોઈને પૂછવું શું કામ જોઈએ કે તમે કેવા? ફિલ્મમાં એવી ઘણી બાબતો છે જે મને મારી પોતાની વાત લાગી છે. મેં આંતરજ્ઞાતિય લગ્ન કર્યાં છે જેના કારણે હજુ મારા સાસરિયાં પક્ષના લોકો મને સ્વીકારી શકતા નથી. મારા જેવા અનેક યુગલો આ ભેદભાવનો આજે પણ સામનો કરી રહ્યાં છે. આ ફિલ્મ ખાસ તો એ લોકોએ જોવાની જરૃર છે જેઓ હજુ પણ જાતિવાદી માનસિકતાના કીડા દિમાગમાં લઈને ફરે છે. આ ફિલ્મ આવી સંકુચિતતાના વાડાઓ તોડીને ખરા અર્થમાં મુક્તિની, સમાનતાની વાત કરે છે. હું તો ત્યાં સુધી કહું છું કે, સરકારે આ પ્રકારની ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરીને મહત્તમ લોકો સુધી પહોંચે તે માટે પ્રયત્નો કરવા જોઈએ.’

આજે ગુજરાતી ફિલ્મોમાં પણ અર્બન ગુજરાતી ફિલ્મોનો યુગ ચાલી રહ્યો છે.ત્યારે આ પ્રકારના તેજાબી વિષયને સ્પર્શીને ફિલ્મ બનાવવી ખરેખર હિંમતભર્યું પગલું ગણાય. તેમાં દલિતો પ્રત્યે સહાનુભૂતિ દેખાય છે, પણ તે અન્ય વર્ગો પ્રત્યેના તિરસ્કારના ભોગે નથી. અને એ જ તેનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે.

———————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »