તમારા માટે, તમારી સાથે, સતત…

કાકોરી-નાયકનો કવિતા-પ્રેમ

ખુશ રહો અહલે વતન હમ તો સફર કરતે હૈં!

0 125

ક્રાંતિપથ પર પ્રણયનાં ફૂલ… – વિષ્ણુ પંડ્યા

સજા – રામપ્રસાદ બિસ્મિલ, રાજેન્દ્રનાથ લાહિડી અને રોશનસિંહને બે કલમમાં કાળાપાણી અને ત્રીજીમાં ફાંસી.

મન્મથનાથ ગુપ્ત ૧૪-૧૪ વર્ષ.

શચીન્દ્રનાથ સાન્યાલ ઃ પ્રથમ બે કલમમાં આજન્મ કારાવાસ.

ગોવિંદચરણ કર, મુકન્દીલાલ ગુપ્તા, રાજકુમાર સિંહા, વિષ્ણુશરણ દુબલીશ ઃ દસ દસ વર્ષ. રામદુલારે ત્રિવેદી અને બીજાને પાંચ વર્ષ. બે જણ સરકારી સાક્ષી બન્યા તેમને છોડી દેવાયા. ઠાકુર રોશનસિંહે ન્યાયમૂર્તિ સામે હસીને કહ્યું ઃ મને પુનઃજન્મ આપવા માટે અભિનંદન!

ફાંસીની સજા પછી પણ તેઓ ગાતા રહ્યા ઃ

હૈફ હમ જિસ પે તૈયાર થે મર જાને કો,
જીતે જી હમસે છુડાયા  ઉસી કાશાને કો!

અને પછી-

દરો-દીવાર પે હસરત સે નજર કરતે હૈં,
ખુશ રહો અહલે વતન હમ તો સફર કરતે હૈં!

પછી બીજા મુકદ્દમામાં શચીન્દ્રનાથ બક્ષીને કાળાપાણી આજન્મ કેદ અને અશફાકુલ્લાને ફાંસીની સજા થઈ.

આ મુકદ્દમાઓ અને જેલવાસમાં યે અનહદ દેશપ્રેમનો કેવો રંગ વિખરાયેલો રહ્યો તે વાત આવતા અંકે કરીશું.

* * *

ક્રાંતિનો કવિતા-પ્રેમ?

હા. આ બધા તો હતા સમર્પિત દેશભક્તો. ચાહનાથી ભર્યું હૃદય તેમની સંપત્તિ હતી. તેઓ દેશને પ્યાર કરતા હતા, તેમનો આદર્શ તર્કવિહોણો નહોતો. સ્વાધીન ભારત માટે લોકો મરતાં શીખે એ તેમનો પ્રથમ અધ્યાય હતો.

તેમાંના એક કાકોરી-પ્રકરણના નાયક રામપ્રસાદ બિસ્મિલે તો આત્મકથા પણ લખી છે! અને ક્યાં સ્થાને? કોઈ આશ્રમ કે નિવાસ સ્થાને નહીં, જેલમાં અને તેય ફાંસી મળે તે પહેલાંના દિવસોમાં!

ફાંસી પૂર્વેના ત્રણ દિવસ દરમિયાન તેણે નિજ-કથા આલેખી. જુઓ તો ખરા, શું લખે છે બિસ્મિલ?

‘આજે ૧૬ ડિસેમ્બર, ૧૯ર૭ના નિમ્નલિખિત પંક્તિઓનો ઉલ્લેખ કરી રહ્યો છું, જ્યારે ૧૯ ડિસેમ્બર, ૧૯ર૭ સોમવાર (પોષ વદ અગિયારસ સંવત ૧૯૮૪)ની સવારે સાડા છ વાગે આ દેહને ફાંસી પર લટકાવી દેવાશે. નિયત સમય પર ઈહલીલા સંવરણ કરવી રહી.’

ફાંસીના તખ્તા પર તેણે સ્વર વહેતાં કર્યાઃ

માલિક, તેરી રજા રહે ઔર તુ હી તુ રહે
બાકી ન મૈં રહું ન મેરી આરઝુ રહે

જબ તક કિ તનમેં જાન, રગોંમેં લહુ રહે
તેરા હી જિક્ર યા તેરી હી જુસ્તજૂ રહે!

અને ખુલ્લા આકાશે પહોંચે તે રીતે કહ્યુંઃ ‘આઈ વિશ ધ ડાઉનફોલ ઓફ બ્રિટિશ એમ્પાયર.’

અને ફાંસીના તખ્તે ગળામાં ટોપી પહેરાવાય તે પહેલાં-

વિશ્વાનિદેવ સવિતુર્દૂરિતાનિનો મંત્રજાપ!

Related Posts
1 of 90

બિસ્મિલ જનમ્યા હતા ૧૮૯૭માં; ત્રીસ જ વર્ષની જિન્દગી! ગ્વાલિયરની ચંબલના કિનારે એક ગામડામાં પૂર્વજો રહેતા. પછી શાહજહાંપુર ફ્રાંસી – બંધુ અશફાકઉલ્લા માટે તેણે આત્મકથામાં લખ્યું છે;

‘મને કોઈ સંતોષ હોય તો તે એ છે કે તેં મારો ચહેરો ઉજ્જવળ કર્યો! ભારતના ઇતિહાસમાં આ ઘટના સ્થાપિત થઈ કે અશફાકે ક્રાંતિ-આંદોલનમાં ભાગ લીધો અને ફાંસીના તખતે ચઢી ગયો. શરીરથી તું બળવાન હતો, માનસિક અને આત્માની તેજસ્વિતા પણ એવી જ. એટલે તો તું મારો ‘લેફટનન્ટ’ ગણાયો! જજે ચુકાદો આપતાં  તારા ગળામાં પણ જયમાલા (ફાંસી) પહેરાવી દીધી. પ્રિયભાઈ, જેણે મા-બાપની સંપત્તિ દેશસેવામાં અર્પિત કરીને તેમને ભિક્ષુક બનાવી દીધા, જેણે સહોદરના ભવિષ્યને પણ દેશ-સેવામાં અર્પિત કરી દીધું, જેણે પોતાનું સર્વસ્વ માતૃસેવામાં અર્પિત કર્યું તેણે પોતાના પ્રિય મિત્ર અશફાકનું યે માતૃભૂમિ કાજે બલિદાન ધરી દીધું.

‘અસગર’ હરીમ ઈશ્ક મેં હસ્તી હી જુર્મ હૈ
રખના કભી ન પાંવ યહાં શિર લિયે હુએ!

બિસ્મિલની આ આત્મકથા ૧ર૬ પાનાંની છે. માતૃપ્રેમની ચરમ સીમા આ શબ્દોમાં-

‘આ સંસારમાં કોઈ પણ ભોગ વિલાસની અને ઐશ્વર્યની મને ઇચ્છા નથી. હા, એક તૃષ્ણા છે; બસ, એકવાર શ્રદ્ધાપૂર્વક તારા ચરણોની સેવા કરીને જીવનને ધન્ય બનાવી દઉ.’ પણ એ ઇચ્છા પૂરી થશે નહીં એમ દેખાઈ રહ્યું છે, માત્ર મારા મોતની દુઃખપૂર્ણ ખબર જ તને સંભળાવવામાં આવશે, પણ મા, મને વિશ્વાસ છે કે તું ધીરજપૂર્વક સહન કરીશ કે તારો પુત્ર માતાઓની માતા – ભારતમાતાની સેવામાં જીવનની બલિ-વેદીને અર્પિત કરી ચૂક્યો છે, તારી કૂખને કલંકિત થવા દીધી નથી. હું મારી પ્રતિજ્ઞામાં દૃઢ રહ્યો છું જ્યારે સ્વાધીન ભારતનો ઇતિહાસ લખાશે ત્યારે તેના કોઈ એક પૃષ્ઠ પર તારું નામ પણ ઉજ્જવળ અક્ષરે લખાયું હશે.

‘મારી જન્મદાત્રી મા, મને વરદાન આપ કે અંતિમ પળે મારું હૃદય કોઈ પણ રીતે વિચલિત ન થાય અને તારા ચરણકમળોમાં પ્રણામ કરીને, પરમાત્માનું સ્મરણ કરતાં- કરતાં દેહત્યાગ કરું.’

બિસ્મિલની આત્મકથાનો પ્રારંભ કવિતાથી જ થાય છેઃ

કયા હી લજ્જત હૈ કી રગ-રગ મેં યહ આતી સદા,
દમ ન લે તલવાર જબ તક જાન બિસ્મિલમેં હો!

અને-

જીવત વૃત્તાંતમાં પણ તેની કવિતાનો રંગ ખીલતો રહ્યો છે ઃ

મહસૂસ હો રહે હૈં વાદે ફના કે ઝોંકે
ખૂલને લગે હૈ મુઝ પર અસરાર જિન્દગી કે

(અસરાર ઃ રહસ્ય) યદી દેશહિત મરના પડે
મુઝકો અનેકોં બાર ભી તો ભી ન મેં ઈસ કષ્ટ કો

નિજ ધ્યાન મેં લાઉં કભી, હે ઈશ! ભારતવર્ષ મેં
શતબાર મેરા જન્મ હો, કારણ સદા હી મૃત્યુ વ દેશોપકારક કર્મ હો!

બિસ્મિલે આ આત્મકથા રજિસ્ટર આકારનાં પાનાંઓ પર પેન્સિલથી લખી. જેલના એક દેશ ભક્ત વૉર્ડરે તે ગોરખપુરના ‘સ્વદેશ’ અખબારના તંત્રી દશરથલાલ દ્વિવેદીને પહોંચાડી. બિસ્મિલની ફાંસીના પૂર્વ દિવસે ક્રાંતિકાર શિવ વર્મા સાથે મુલાકાત થઈ. છેલ્લું પ્રકરણ તેમણે મેળવ્યું અને પછી તમામ સાહિત્ય ગણેશશંકર વિદ્યાર્થી સુધી પહોંચાડવામાં આવ્યું. તેમણે ‘કાકોરી કે શહીદ’ પુસ્તકમાં આ આત્મકથા પ્રકાશિત કરી કે તુરંત તેના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો.

આ આત્મકથાની રોચક વાત એ પણ છે કે તેમણે અંતમાં કેટલાંક કાવ્યો આપ્યાં છે તેમાં ક્રાંતિની કવિતાનો અંદાજ મળે છેઃ

મરતે ‘બિસ્મિલ’ ‘રોશન’ ‘લહરી’ ‘અશફાક’ અત્યાચારસે હોંગે પૈદા સેંકડો ઈનકે રુધિર કી ધાર સે!

વતન કી આબરૃકા પાસ દેખેં કૌન કરતા હૈ
સૂના હૈ આજ મક્તલમેં હમારા ઇન્તહાં હોગા

જુદા મત હો મેરા પહેલુ સે એ દર્દ વતન હરગિઝ
ન જાને વાદે મુર્દનમેં મૈં કહાં ઔર તું કહાં હોગા?

શહીદોં કી ચિતાઓં પર જૂડેંગે હર બરસ મેલે
વતન પર મરનેવાલો કા યહી બાકી નિશાં હોગા

ઈલાહી વહ ભી દિન હોગા, જબ અપના રાજ દેખેંગે
જબ અપની હી જમીં હોગી, ઔર અપના આસમાં હોગા

બનારસીદાસ ચતુર્વેદીએ બિસ્મિલ શહીદી પછી કેટલાંક વર્ષો સુધી અ-જાણ રહેલી આત્મકથાનું હિન્દીમાં પ્રકાશન કર્યું; અને લખ્યું કે આ પુસ્તકથી પ્રાપ્ત તમામ રૉયલ્ટી શહીદ પરિવારો માટે ખર્ચવામાં આવે.

(ક્રમશઃ)

——————.

Leave A Reply

Your email address will not be published.

Translate »