માનસ-ગણિકાઃ અયોધ્યામાં સરયુ તીરે મોરારિબાપુની અનોખી રામકથા

માનસગંગા સમાજના તમામ ઘાટ સુધી પહોંચવા કૃત નિશ્ચયી છે
  • આસ્થા – તખુભાઈ સાંડસુર

મોરારિબાપુને કથાકારના બદલે સામાજિક ક્રાંતિના દ્યોતક તરીકે વધુ ઓળખવા પડે, કારણ કે તેઓ રામકથાના માધ્યમથી તેમની પ્રવચન શૃંખલાના મણકાઓ સામાજિક ઉત્થાન, સમાજકલ્યાણ, વંચિતોની વેદનાથી શૃંગારિત થાય છે. અરે… એ પણ પૂરતું નથી. ક્યારેક આખી કથા આવા વિષયોને સમર્પિત કરીને સમાજને દિશાદર્શન કરવાની દાંડી પીટવામાં આવે છે. બાપુએ આવી માનસ વિચરતી જાતિ-દેવળા, ગોંડલ, સને ર૦૧૧, માનસ કૅન્સર, અમદાવાદ, સને-ર૦૧ર, માનસ-કિન્નર-થાણે સને ર૦૧૮, કથાઓનું નવરસો મિશ્રિત ગાન કર્યાનો સમય સાક્ષી છે. સ્વચ્છતા, ગાંધીદર્શન, સરદાર વગેરે વિષયોને રામચરિત માનસ સાથે જોડીને અનેરો સેતુબંધ રચ્યો છે.

આવી જ ઐતિહાસિક તવારીખમાં નોંધાવા ઉતાવળી હોય તેવી રામકથા ‘માનસ- ગણિકા’ની તૈયારી થઈ રહી છે. આ સમાજ ક્રાંતિઘોષક કથાનું સ્થળ અયોધ્યાના પરિક્રમા માર્ગ પર આવેલ બડી ત્યક્ત માર્ગ કી બગીચી છે. મોરારિબાપુની લગભગ તમામ કથા શનિવારે પ્રારંભાય છે. તે જ રીતે આ કથા રર, ડિસેમ્બર, ર૦૧૮ના દિને મંગલાચરણ થઈ ૩૦ ડિસેમ્બર, ર૦૧૮ના રોજ વિરામ પામશે.

ગણિકાના વ્યવસાયને બે રીતે ઓળખવામાં આવે છે, એક જે સ્ત્રીઓ દેહ વ્યાપાર કરે છે તથા બીજી એવી મહિલાઓ કે જે મહેફિલોમાં વ્યાપારિક ધોરણે નર્તન કરે છે. આ બહેનો મહદ્અંશે પોતાની લાચારી, મજબૂરીનો હિસ્સો હોય છે. ઘણી આવી સ્ત્રીઓ પોતાનો પરિવાર પણ ધરાવે છે. સમયાંતરે સામાજિક સંસ્થાઓ તેના પુનરુત્થાન માટે આહલેક જગાવતી રહે છે, પરંતુ બૃહદ ફલક પર બૂંગિયો પોકારવાની આ ઘટના પ્રથમ જ હશે.

આ કથા અંગે વાત કરતા પૂ. મોરારિબાપુ કહે છે કે, માનસ જીવ માત્ર સુધી પોતાની કરુણા પહોંચતી કરવા પ્રયાસ કરે છે. ગણિકા એટલે માત્ર દેહ વિક્રય ક્ષેત્રે કાર્યરત સ્ત્રીઓ જ નહીં, પરંતુ એવા લોકો જે પોતાની કાર્યનિષ્ઠામાં ઈમાનને વેચે છેે. પછી તે પુરુષ પણ કેમ ન હોય? તો તે પૂર્ણ ગણિકા છે. સેવક પોતાની સેવામાં સાધુ પોતાના વ્યાખ્યાન માટે કે અન્યો જો પોતાના આચારમાં ઊણા ઊતરે તો તેને ગણિકા જ ગણો. માનસગંગા સમાજના તમામ ઘાટ સુધી પહોંચવા કૃત નિશ્ચયી છે. તેના માટે કોઈ ઉપેક્ષિત, વંચિત કે શોષિત નથી. સૌનાં કલ્યાણ, ઉત્થાન માટે કાર્ય કરવું તે મારું પણ દાયિત્વ છે. તુલસીદાસજીએ વાસંતી નામક ગણિકાનો તેના અંતિમ કાળે ઉદ્ધાર કરેલો તે વિદિત છે. વળી, મર્યાદા પુરુષોત્તમ રામનો અસબાબ, રામચરિત માનસનું ભાવ-કેન્દ્ર અયોધ્યા છે તેથી આ કથાના સ્થળ તરીકે તેને પસંદ કરવામાં આવ્યું છે.

પૂ. મોરારિબાપુના મતાનુસાર ગણિકાબહેનો માટે પુનર્વસનની કામગીરી આ કથા પછી નિર્દિષ્ટ થશે અને સરકારી તંત્ર કે સ્વૈચ્છિક સંસ્થાઓ નવા આયામો હાથ ધરશે તો તેમાં પોતાનો રાજીપો હશે. સંજોગો સ્થિતિનું નિર્માણ કરે છે. તેથી તેના તરફ સંવેદના પ્રગટે તો સારું ગણાય. કિન્નર અને વિચરતી જાતિની કથાઓ પછી સમાજે તેનો બહુધા સ્વીકાર કર્યો છે. તેના માટેની સમાજમાં પ્રવર્તતી માન્યતાઓમાં પરિવર્તન આવ્યું છે. એટલું જ નહીં, થાણાની કિન્નર કથા પછી સરકારે તેમને સરકારી મશીનરીઓમાં ત્રીજા લિંગ તરીકે સ્વીકારી મહત્ત્વ વધાર્યું છે. તે સઘળી બાબત આવકારદાયક છે.

માનસ-ગણિકા કથામાં કથારસનું પાન કરવા ર૦૦થી વધુ ગણિકાઓને બનાસર, લખનૌ, કાનપુર તથા અન્ય રેડલાઈટ એરિયામાંથી નિમંત્રિત કરવામાં આવી છે. તેમના માટે વિશેષ ઉતારા, ભોજન અને આવન-જાવનની વ્યવસ્થા સુનિશ્ચિત થઈ ગઈ છે. આ બહેનોને સભામંડપના અગ્રભાગે વિશેષ બેઠક વ્યવસ્થા ફાળવવામાં આવશે. પોથીજીનું પૂજન, આરંભ જેવા કથાના ઉપક્રમોમાં પણ આ બહેનો સામેલ થશે.

મોરારિબાપુ ગણિકા, સેક્સવર્કર જેવા સમૂહ કે વર્ગ માટે બોલવામાં, કથાગાન કરવામાં સંપૂર્ણ સંતુલિત છે. હિન્દુ ધર્મના પ્રસિદ્ધ સંતો કે યુદ્ધપુરુષે પણ તમામ જનસમૂહમાં રામના દર્શન કર્યાં છે. તેથી તેનો કોઈ સંકોચ કે ગ્લાનિ ભાવ જરાય નથી. ભાગવતજીનું કથન કહે છે કે, પાપકર્મોથી અંતર જાળવી રાખવું જોઈએ, પરંતુ પાપ કર્મ કરનારાને યોગ્ય મહાપ્રયાણના માર્ગે લઈ આવવા તે મહાન ભગવદ્ કાર્ય છે. માનસ-ગણિકા આવા જ નિમિત્ત કાર્યની સાક્ષી બનવા જઈ રહી છે. બાપુનુું ભાવજગત સમગ્ર વિશ્વમાં વિસ્તરેલું છે. તેથી તે ભાવકોની તો હાજરી હશે જ, પરંતુ ઉપરાંત સામાજિક કાર્યકર્તાઓ, નિસ્બત ધરાવતા સામાજિક અધિકારોના કર્મશીલો, પત્રકારો પણ આ કથામાં ઉપસ્થિત રહેશે.

કથાના યજમાન કોલકાતાના શ્રેષ્ઠી છે. તેમને જ્યારે પ્રતિભાવ આપવા કહેવાયું તો તેમણે સાહજિક ભાવે એટલું જ કહ્યું કે, હું તો આ કાર્યમાં માત્ર નિમિત્ત છું. મારો કોઈ નામોલ્લેખ કરવા પણ હું માગતો નથી. બાપુમાં જ બધું સમાહિત છે. વાણીપ્રસાદીની ફોરમ પ્રસરાવવા હું નિમિત્ત પણ નથી. તેઓએ કથાની વિગતો આપી હતી.

કથા પૂર્વે મોરારિબાપુને શ્રોતાઓ કે સાધકો માટેનો કોઈ સંદેશો આપવા કહ્યું તો તેમના શબ્દો હતા – ‘તમામ શ્રોતાઓ, ભાવકો આ કથામાં સાદર નિમંત્રિત છો.’ બાપુએ પોતાના આગવા અંદાજમાં દુષ્યંતકુમારની પંક્તિ ટાંકીને કહ્યું,

સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં,
મેરી કોશિશ હૈ કી યે સૂરત બદલની ચાહીએ.

માનસ-ગણિકા કથા આ રીતે ઐતિહાસિક તવારીખમાં નોંધાશે.
—————

મોરારી બાપુરામ ચરિત માનસ
Comments (0)
Add Comment