સુપ્રીમ કોર્ટની સક્રિયતા પછી વિવાદો વધશે કે ઘટશે?

વિવાદો ઘટવાને બદલે વધ્યા હોવાના એંધાણ પણ પ્રાપ્ત થઈ રહ્યા છે.
  • ઍનાલિસિસ – સુધીર એસ. રાવલ

ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા દીપક મિશ્રા હવે નિવૃત્ત થઈ ગયા છે. સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં કદાચ સૌથી વધુ વિવાદાસ્પદ રહ્યા હોય તેવા આ ન્યાયાધીશે જતા જતા મહત્ત્વના કેટલાક કેસોનો નિકાલ એ રીતે કર્યો છે જેમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય અખબારોના મથાળે તેમના સમાચારોને સ્થાન મળ્યું છે. દીપક મિશ્રા ભારતના ૪૫મા મુખ્ય ન્યાયાધીશ હતા. તેમણે ૨૯ ઑગસ્ટ, ૨૦૧૭ના રોજ ચાર્જ સંભાળેલો. તેમની અગાઉ જસ્ટિસ કેહરના ફાળે માત્ર ૭ મહિનાનો સમય આવેલો, પરંતુ દીપક મિશ્રા એક વર્ષ કરતાં વધારે સમય સુધી ભારતના મુખ્ય ન્યાયાધીશ રહ્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન વધારેમાં વધારે બંધારણીય બેન્ચ સાથે રહીને જનસામાન્યને સ્પર્શતા મહત્ત્વના ઘણા કિસ્સાઓમાં તેઓએ સુનાવણી કરીને લાંબા સમય સુધી પડતર રહ્યા હોય તેવા જટિલ કેસો પર પણ ચુકાદાઓ આપ્યા છે.

છેલ્લા એક મહિનાના સમયગાળા દરમિયાન જ સનસનાટી ફેલાવે તેવા ચુકાદાઓમાં સમલૈંગિક સંબંધોને માન્યતા, લગ્નેત્તર સંબંધને સ્વીકૃતિ, સબરીમાલા મંદિરમાં મહિલાના પ્રવેશની છૂટ, અયોધ્યા રામ મંદિર કેસમાં આસ્થાનો મુદ્દાનો અસ્વીકાર અને આધાર કાર્ડની સર્વત્ર અનિવાર્યતા સામે રૃક-જાવ જેવા આદેશો આપીને દેશના વાતાવરણમાં અનેક રીતે ગરમાટો લાવી દીધો છે. કેટલીક સ્પષ્ટતાઓ થઈ છે તો કેટલીક ગૂંચવણો વધી છે. વિવાદો ઘટવાને બદલે વધ્યા હોવાના એંધાણ પણ પ્રાપ્ત થઈ રહ્યા છે. સમલૈંગિકતાને લગતી કલમ ૩૭૭માં અકુદરતી સેક્સ સંબંધોને ગુનો ગણવામાં આવેલ, જેમાં ૧૦ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ પણ હતી. આ કાયદો ૧૮૬૧નો અંગ્રેજોનો કાયદો હતો તેને સુપ્રીમ કોર્ટે દૂર કરી દઈને સમલૈંગિક સંબંધોને કાયદેસર ઠરાવી દીધો છે.

સેક્સને લગતો બીજો એક કાયદો જે ઍડલ્ટરી લૉથી ઓળખાય છે તે આઈપીસીની કલમ-૪૯૭ને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય ગણાવી દીધી છે. પાંચ જજની બંધારણીય બેન્ચે જે ચુકાદો આપ્યો તેમાં કોઈ પરિણીત મહિલા કે પુરુષ પોતાના પાર્ટનર ઉપરાંત અન્ય કોઈ સાથે સંબંધ બનાવે તો તે હવે ગુનો નહીં ગણાય. પહેલાં માત્ર પુરુષ પર કેસ ચાલતો હતો અને મહિલાને માત્ર પીડિતા માનવામાં આવતી હતી. હવે કોર્ટે લગ્નેત્તર સંબંધને ગુનાની શ્રેણીમાંથી બહાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાના ગંભીર પ્રત્યાઘાતો પડ્યા છે. ભારતીય સમાજની વિશિષ્ટતા અને આધારશિલા કહી શકાય તેવી લગ્નસંસ્થાના પાયા આ ચુકાદાના કારણે હચમચી ઊઠ્યા છે અને ભવિષ્યમાં તેનાં ગંભીર પરિણામો આવવાની ચર્ચાએ સમગ્ર દેશમાં જોર પકડ્યું છે. લગ્નની પવિત્રતાની વિરુદ્ધ એવા આ ચુકાદા સામે દેશભરની મહિલા સંસ્થાઓમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમિનના વડા અસાઉદ્દીન ઓવૈસીએ ટ્વિટ કરી હતી કે, સમલૈંગિકતા ગુનો નથી. વ્યભિચાર ગુનો નથી તો પછી ટ્રિપલ તલાક કેવી રીતે ગુનો હોઈ શકે? ટ્રિપલ તલાકનો ચુકાદો પણ મહિલા વિરોધી છે અને એ પણ સમાનતાના અધિકારનો ભંગ કરે છે. ભારતીય સંસ્કૃતિ મુજબ જોઈએ તો વ્યભિચારને કાયદેસર બનાવી દેવાથી મહિલાના સન્માનની રક્ષા તો નથી જ થતી, પરંતુ સલામતી પણ નથી રહેતી. પતિ-પત્ની વચ્ચેના વિશ્વાસ અને પ્રેમ ઉપર કુઠારાઘાત કહી શકાય તેવા આ ચુકાદાને કાયદેસર કહેવા કરતાં અનૈતિક કહેવો વધુ યોગ્ય છે. આ વિષય પર લાંબી ચર્ચા થઈ શકે તેમ છે અને સંભવતઃ કાયદાના સ્તરે પણ આની સામે પ્રશ્નાર્થો ઊઠવાની શક્યતાઓ વધારે છે.

આ ઉપરાંત કેરળના સબરીમાલા ખાતેના ભગવાન અયપ્પા મંદિરમાં હવે દરેક વય જૂથની મહિલાઓ પ્રવેશી શકશે અને પૂજા પણ કરી શકશે. આ અગાઉ દસથી પચાસ વર્ષની મહિલાઓ માટે આ મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો. સદીઓ જૂની આ પ્રથા માટે કેરળમાં ૧૯૬૫માં બનેલા હિન્દુ પૂજા સ્થળ (પ્રવેશ અધિકાર) કાયદાના નિયમ-૩ બીને પણ અદાલતે રદ્દ કરી દીધો છે. આ કેસમાં પાંચ જજોની બંધારણીય બેન્ચના ચાર પુરુષ ન્યાયાધીશોએ મહિલાઓની તરફેણમાં ચુકાદો આપ્યો, પરંતુ એક મહિલા જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાએ વિરુદ્ધમાં મત આપ્યો હતો. તેમનું કહેવું હતું કે ધર્મ નિરપેક્ષતાનો માહોલ કાયમ રાખવા માટે કોર્ટે ગહન ધાર્મિક અર્થો સાથે સંકળાયેલા મુદ્દાઓને છેડવા જોઈએ નહીં.

એક અન્ય મહત્ત્વના ચુકાદામાં સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયાધીશની બંધારણીય બેન્ચે આધાર એક્ટ-૨૦૧૬માં કેટલાક સુધારા કર્યા બાદ તેને માન્યતા આપી છે. કોર્ટે પાન અને આઈ-ટી રિટર્નને આધાર સાથે જોડવાના સરકારના નિર્ણયને યોગ્ય ઠરાવ્યો હતો, પરંતુ બેંકખાતા, મોબાઇલ નંબર અને શાળામાં પ્રવેશ માટે આધારની જરૃરિયાત નથી તેવું નિર્ધારિત કરીને આધાર બાબતે જાગેલા વિવાદો પર દિશા દર્શન કર્યું હતું.

આ ઉપરાંત અયોધ્યા રામ જન્મભૂમિ મામલે ચાલી રહેલા કેસોમાં મહત્ત્વની સ્પષ્ટતા કરી હતી કે મસ્જિદમાં નમાજ પઢવી તે ઇસ્લામનું અભિન્ન અંગ નથી. હવે બાબરી મસ્જિદ ધ્વંસના કેસમાં જમીનના ટાઇટલ અંગે જ સુનાવણી થશે. આના કારણે હિન્દુ-મુસ્લિમ બંને પક્ષે જે રીતે આસ્થા કેન્દ્ર સ્થાને છે તેના પર સવાલો ઊઠ્યા છે. આમ સુપ્રીમ કોર્ટમાંથી વિદાય લેતા મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની સક્રિયતા દેશમાં પ્રવર્તતા વિવાદોને વધારશે કે ઘટાડશે તે જોવું રહ્યું.
———————-

એનાલિસિસ.સુધીર એસ. રાવલ
Comments (0)
Add Comment