બનાવટી જાસૂસી કેસમાં ઇસરોના વિજ્ઞાની પર પાશવી અત્યાચાર !

રાજ્ય ગુપ્તચર વિભાગના થર્ડ ડિગ્રી ટોર્ચરની આપવીતી

કવર સ્ટોરી – હિંમત કાતરિયા

જાસૂસી કેસમાં નિર્દોષ છૂટેલા ઇસરોના વૈજ્ઞાનિક નામ્બી નારાયણ થિરુવનંતપુરમ્માં માસ્ટરમાઇન્ડ શ્રીકુમાર અને રાજ્ય ગુપ્તચર વિભાગના થર્ડ ડિગ્રી ટોર્ચરની આપવીતી કહે છે. હા, આ એ જ શ્રીકુમાર છે જેની આપણે અનુગોધરાકાંડમાં મોદીની સામે પડેલા અને દબંગ હીરો તરીકે નવાજેશ કરી હતી.

નામ્બી નારાયણ સિનિયર સાયન્ટિસ્ટ હતા અને તેમણે વિકાસ એન્જિન બનાવવામાં બહુ મહત્ત્વનું યોગદાન આપ્યંુ હતું. તેમના પર પાકિસ્તાનને ઇસરોના સિક્રેટ વેચવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ નામ્બી નારાયણની ૩૦ સપ્ટેમ્બર, ૧૯૯૪ના રોજ ધરપકડ થઈ હતી. સુપ્રીમ કોર્ટે ગત શુક્રવારે કહ્યું કે ઇસરોના આ વૈજ્ઞાનિકની બિનજરૃરી ધરપકડ અને હેરાનગતિ કરવામાં આવી હતી. ખોટી રીતે ધરપકડ બદલ તેમને કોર્ટે ૫૦ લાખ રૃપિયાનું વળતર આપવાનો પણ કેરળ સરકારને આદેશ કર્યો છે. ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરીને સુપ્રીમ કોર્ટના ઓર્ડરને આવકારતા કહ્યું છે કે વિશ્વના સૌથી સસ્તા સેટેલાઈટ લોન્ચિંગ રોકેટ બનાવવાની ભારતની ક્ષમતામાં નામ્બી આંતરરાષ્ટ્રીય ઈર્ષ્યાનો ભોગ બન્યા હતા. તેમણે શેમ ઓન યુપીએ પણ લખ્યું છે.

નામ્બી નારાયણ કહે છે કે, ‘મારે એ ત્રાસ યાદ કરવો નથી કેમ કે ભલે એ ૧૮ વર્ષ પહેલાં મારા પર ગુજારાયો, આજેય હું એને યાદ કરું તો પડી ભાંગુ છું. એ શારીરિક, માનસિક ત્રાસ એવો હતો કે એની તમે કલ્પના પણ નહીં કરી શકો. તેઓ મને ધમકી આપતા હતા કે તારો દીકરો, તારી પત્ની, તારી દીકરી બધાને પકડી લાવીશું અને અમે કહીએ છીએ તે તમે કબૂલી ન લો ત્યાં સુધી તેમને મારીશું. વાસ્તવમાં એ ધરપકડે આખી ઇસરો કોમ્યુનિટીને ભયભીત કરી હતી અને અમારા વિરુદ્ધ કેસ કરનારાનો મૂળ ઇરાદો પણ એ જ હતો અને એમાં મહત્ત્વની ભૂમિકા હતી જાણીતા હીરો શ્રીકુમારની. શ્રીકુમાર તે વખતે ત્રિવેન્દ્રમમાં આઈબીના ડેપ્યુટી ડાયરેક્ટર હતા. જ્યારે મેથ્યૂ જોન જોઈન્ટ ડાયરેક્ટર હતા. તેઓ સીધા ચિત્રમાં નથી આવ્યા. હા, તેઓ ગંદંુ કામ કરવા તેમના ‘માણસો’, અસલી ગુંડાઓને મોકલતા હતા. અરે, મારી ધરપકડ કરવા માટે કે પૂછપરછ કરવા માટે પણ મોટા પોલીસ અધિકારીઓ નહોતા આવ્યા. મેં તેમને આવવા કહ્યું હતું, પણ કોઈ ન આવ્યું.’

સીબીઆઈ રિપોર્ટમાં પણ નામ્બીને ટોર્ચર કરાયાની વાત લખી છે. નામ્બી નારાયણની ટોર્ચરના સમયગાળા દરમિયાન ભોગવેલી યાતનાઓ થરથરાવી મુકે તેવી છે. માનવાધિકાર કાર્યકર મધુ કિશ્વરને આપેલી એક મુલાકાતમાં નામ્બી કહે છે, ‘મને જ્યારે ઇન્ટરોગેશન માટે લઈ જવાયો ત્યારે તેમણે મને બેસવા પણ ન દીધો. મને કહ્યું કે ઊભો રહે. મેં પાણી માગ્યું તો તેમણે કહ્યું કે તું પાણીનેય લાયક નથી. પછી હું પણ મજબૂત થઈ ગયો અને મેં તેમના દબાણને તાબે નહીં થવાનું નક્કી કર્યું. ત્રણ-ચાર કલાક પછી ઉંમરલાયક રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ-રોના વયસ્ક અધિકારી આવ્યા. તેમણે મને બેસવા કહ્યું, મેં જવાબમાં કહ્યંુ, નહીં, હું ઊભો રહીશ. તમારા માણસોના કહેવા પ્રમાણે હું બેસવાને લાયક નથી. તેમણે કહ્યંુ કે પાણી પીઓ. મેં ના પાડીને ફરી એ જ જવાબ આપ્યો. એ અધિકારી બહુ વ્યગ્ર થઈ ગયા. ત્યારે મને સત્યાગ્રહની તાકાત સમજાઈ. હું ૨૪ કલાક સુધી ઊંઘ વગર, પાણી વગર, અનાજ વગર ઊભો રહ્યો. પછી મારાથી રહેવાયું નહીં અને લગભગ બેભાન અવસ્થામાં હું પડી ગયો.’ સીબીઆઈ રિપોર્ટ પ્રમાણે નામ્બીએ બે દિવસ ઊંઘ વગર ગાળ્યા હતા. એ વખતે નામ્બીના સારવાર કરનાર ડૉક્ટરે કોર્ટમાં સમગ્ર ત્રાસદીની જુબાની આપી હતી.

માનવાધિકાર પંચની તપાસમાં લખે છે કે ૩ ડિસેમ્બર, ૧૯૯૪ના દિવસે ડૉ. સુકુમારન નામ્બીની તપાસ કરવા ગયા ત્યારે ડૉક્ટરે જોયું તો તેમના પગ સૂઝી ગયા હતા અને બંને પગમાં લોહી ગંઠાઈ ગયું હતું. તેમને બે દિવસ સૂવા નહોતા દેવાયા અને ઊભા રખાયા હતા.

રાજશેખર નાયરના પુસ્તક સ્પાઇઝ ઇન સ્પેસમાં ઇસરો વૈજ્ઞાનિક ચંદ્રશેખર સાથે આવું જ ટોર્ચર આચરાયું હતું. ઇન્ટરોગેશનકર્તાઓ સામે લગભગ નગ્ન હાલતમાં ઊભેલા ચંદ્રશેખરને ખબર નહોતી કે શું થઈ રહ્યંુ છે. તેઓ તેમની દાઢી ખેંચી રહ્યા હતા અને ચહેરા પર અડબોથોનો વરસાદ વરસાવી રહ્યા હતા અને મજાક કરી રહ્યા હતા કે સારું છે કે આને દાઢી છે એટલે થપ્પડના નિશાન નહીં દેખાય. અર્ધબેભાન અવસ્થામાં ચંદ્રશેખરે જોયું તો કેરળ પોલીસ તેની પત્ની વિજયામ્મા અને તેની ૮૪ વર્ષની માતાને તમાશો જોવા માટે પકડી લાવી હતી. ચંદ્રશેખરને મારવાનું બંધ કરીને ટોર્ચરકર્તાઓ તેની પત્ની અને માતા ઉપર ફરી વળ્યા. એમ બબડતા કે, તું કબૂલી નહીં લે ત્યાં સુધી અમે એમને ફટકારીશું. કાં તારી મા તને મરતો જોશે, કાં તું તારી માને મરતી જોઈશ. અમે તારી સામે તારી પત્ની પર બળાત્કાર કરીશું. (પાના નં. ૧૦૭)

ચંદ્રશેખરના કેસની તપાસ કરનાર સીબીઆઈ ટીમના અધિકારી બાબુ રાજ કહે છે કે હું લેટેક્સ ગેસ્ટ હાઉસ ચંદ્રશેખરની પૂછપરછ માટે ગયો હતો ત્યારે મેં જોયું તો બાથરૃમમાં વાળનો ઢગલો પડ્યો હતો અને ચંદ્રશેખર ઊલટી કરતા હતા. સીબીઆઈએ જોયું કે નામ્બી નારાયણનું જીવન સાવ સાદંુ હતું અને તેઓ નીચલી કક્ષાના સરકારી કર્મચારી કરતા પણ સાદંુ જીવન જીવતા હતા. પંચનામામાં તેમના ઘરેથી છ ખુરસી, બે ટેબલ, થોડા લેમ્પ… બસ આટલું જ નોંધાયંુ હતું. નામ્બીએ તાજેતરમાં જ તેની કાર અને ફ્રીજ વેચી નાખ્યા હતા.

નામ્બી સાથે માલદીવની બે મહિલા મરિયમ અને ફોજિયાને આ કેસમાં સંડોવવામાં આવી હતી. તેમના પર આરોપ હતો કે દસ્તાવેજ ચોરીના બદલામાં મળેલા કરોડો રૃપિયાનો વહીવટ એમણે કર્યો હતો. વાસ્તવમાં બંને મહિલાઓ નાણાભીડમાં સપડાયેલી છે. ફોજિયાએ તેની દીકરીને બેંગ્લુરુમાં પેઇંગ ગેસ્ટ તરીકે રાખવા ૧૦ હજાર રૃપિયા ઉછીના લીધા છે. મરિયમે ત્રિવેન્દ્રમમાં વધુ રોકાણ માટે ૪૦૦૦માં સોનાની ચેઇન વેચી નાખી છે. સીબીઆઈ રિપોર્ટ કહે છે કે નામ્બી, ચંદ્રશેખર સહિતના ૬ આરોપીઓ પૈકી તમામ નિર્દોષ છે. નામ્બી કહે છે કે એ આઇબી અને કેરળ પોલીસનું જોઈન્ટ ઑપરેશન હતું. ટોચના અધિકારીઓ જાણતા હતા કે આખો કેસ બનાવટી હતો. એટલે જ તેઓ ચિત્રમાં ન આવ્યા અને સાવ નીચલી કક્ષાના પોલીસ કર્મચારીએ ધરપકડ અને પૂછપરછ કરી હતી. માસ્ટરમાઇન્ડ તો સ્ટેટ આઈબીમાં હતા. એની તપાસ થવી જોઈએ. મેં તો આઈબી અધિકારી શ્રીકુમાર અને મેથ્યુ જોન સામે વળતરનો દાવો માંડ્યો છે. તેઓ કોર્ટમાં સાક્ષી તરીકે આવ્યા છે અને પ્રમાણિકતાના સોગંદ ખાધા છે, પણ એક વાત હું તમને કહું કે આખરે તો સત્યનો જ વિજય થશે.

૧૦ નવેમ્બર, ૨૦૧૩ના રોજ ઇસરોનો કેસ અર્નબ ગોસ્વામીએ ન્યૂઝ અવરમાં ઉઠાવ્યો ત્યારે શ્રીકુમારે પોતે જે કંઈ કર્યું તેનો સહેજ પણ રંજ નહોતો બતાવ્યો. તેણે તો એમ જ ગાણુ ગાયું હતું કે નારાયણ ફસાયો કારણ કે તે રિશ્વતખોર હતો. આ કેસ બતાવે છે કે શ્રીકુમારનો દેશના એક અગ્રણી વૈજ્ઞાનિક સાથેનોે વ્યવહાર કેવો છે. આ કેસ મીડિયાનું પણ ખોખલાપણુ બતાવે છે. કેવી રીતે મીડિયા ઇસરોના વૈજ્ઞાનિકનો ભૂતકાળ તપાસ્યા વગર, તેમની ઉપર લગાવેલા આરોપોના ઊંડાણમાં ગયા વગર સ્ટોરી રજૂ કરે છે. ધ હિન્દુ અને એશિયાનેટ સિવાય કેરળના મોટા ભાગનાં છાપાંઓએ મૂળભૂત પ્રશ્નો ઉઠાવ્યા વગર કેસનું કોરસગાન આલાપ્યું હતું. સીબીઆઈએ કેસ હાથમાં લીધો એ સાથે જ એકાએક સ્ટોરીઓ છપાતી બંધ થઈ ગઈ. કેમ કે કેરળ આઈબીની જેમ સીબીઆઈ મીડિયાને રોજરોજ સ્ટોરી આપતું નહોતું.

નામ્બીની લડત પૂરી નથી થઈ. લાંબી લડત પછી નામ્બીને વચગાળાની રાહત પેટે માત્ર ૧૦ લાખ મળ્યા છે, કોર્ટનો આદેશ છતાં કેરળ સરકારે ૧ કરોડની વળતરની રકમ આપવાનો ઇન્કાર કરી દીધો છે. કેરળ સરકાર સુપ્રીમ કોર્ટ, માનવાધિકાર પંચ અને સીજેએમ કોર્ટના વળતરના આદેશને પડકારી રહી છે. નામ્બી કહે છે, હું ચાર વર્ષ સાદી ટિકિટ લઈને ટ્રેનમાં દિલ્હી ગયો. હું ત્રિવેન્દ્રમ અને એર્નાકુલમ હાઈકોર્ટ પછી સુપ્રીમ કોર્ટમાં લડ્યો. વકીલ રોક્યો. તમે સમજી શકો કે હું કેવી આર્થિક મુશ્કેલીમાંથી પસાર થયો હોઈશ. જે સરકાર પાસે બધી સત્તા હતી તેની સામે હું લડતો હતો. આઈબીએ શ્રીકુમારને ગુજરાત પાછા મોકલી દીધા. શું એ સજા છે? સીબીઆઈએ કેરળ પોલીસ સામે પગલાંની ભલામણ કરી, પરંતુ પગલાં ભરવાનું તો દૂર, તત્કાલીન ઓમન ચાંડી સરકાર દ્વારા ઓર્ડર બહાર પડાયો કે સીબીઆઈએ જે નામો આપ્યાં તે કોઈની સામે કોઈ પગલાં નહીં લેવાય અને હવે તે કાનૂનની અદાલતને પડકારે છે. ચાંડીએ કહ્યું કે વર્ષો પહેલાં ઘટના બની અને અત્યારે પગલાં લેવા ગેરકાયદેસર ગણાશે. આઈબી અધિકારી સામે પગલાં ન ભરવા સંદર્ભે એવી દલીલ કરાઈ કે એમ કરીશું તો આખી આઈબીના મોરલ પર અસર પડશે. આ તે કેવો તર્ક? આખા ઇસરોની ઉજ્જવળ શાખ પર કાદવ ઉછાળ્યો તેનું શું?

વાસ્તવમાં જાસૂસી કાંડને ઊભું કરનાર આઈબીનું માસ્ટરમાઇન્ડ સીઆઈએ(સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી) છે અને ક્રાયોજેનિક લોન્ચના કાર્યક્રમને પાટા પરથી ખેરવી નાખવા સીઆઈએએ આ કૃત્ય કર્યું છે. તેણે ઇસરોને પૂર્તિ ન કરી શકાય તેવું નુકસાન પહોંચાડ્યું છે. નામ્બી કહે છે, આપણે સ્વદેશી ક્રાયોજેનિકની ફ્લાઇટ ટેસ્ટ ૧૯૯૯ કે ૨૦૦૦માં કરી નાખવાના હતા. હું તેને મોડામાં મોડો ૨૦૦૦ સુધીમાં નહીં તો પણ ૨૦૦૧ સુધીમાં લોન્ચ કરી દેત, પરંતુ એ પછી વર્ષો સુધી એ ટૅક્નોલોજીનું ઠેકાણું ન પડ્યું.

મિશન માર્સ પુસ્તકના લેખક અજય લેલે ૧૨ નવેમ્બર, ૨૦૧૩ના ઇન્ડિયન એક્સપ્રેસમાં આ વાતની પૂર્તિ કરતાં કહે છે કે, ‘મંગળ યાનમાં વપરાયેલું રોકેટ પીએસએલવી હતું. એવી દલીલ કરાતી હતી કે ભારતે વધુ વજન ઉપાડી શકતા જીએસએલવીનો ઉપયોગ કરવો જોઈતો હતો. જીએસએલવી નિર્માણ હેઠળ છે અને ઇસરોને તેની ટૅક્નોલોજીમાં તકલીફો આવી રહી છે. એટલે ૨૦૧૬ પહેલાં જીએસએલવી તૈયાર થવાની કોઈ શક્યતા જણાતી નથી.  છેલ્લાં ૧૮ વર્ષોમાં કોંગ્રેસની આગેવાનીવાળી યુડીએફની સરકાર હોય કે સીપીઆઈ(માઓઇસ્ટ)ની સરકાર હોય કે સીપીએમની આગેવાનીવાળી એલડીએફ સત્તામાં હોય, ન તો કોંગ્રેસે કે ન તો ડાબેરી સરકારે સીઆઈએની ભૂમિકાના આક્ષેપોની તપાસ કરવાનું યોગ્ય ગણ્યંુ છે. સીબીઆઈએ કેસ ૧૯૯૬માં બંધ કર્યો. તેમણે કહ્યું કે સીઆઈએની ભૂમિકાની તપાસ કરવાનો આદેશ આપવાનું અમારા કાર્યક્ષેત્રમાં નથી. ૧૯૯૮માં સુપ્રીમ કોર્ટે કેસ બંધ કર્યો. એ પછીના વર્ષે જે રાજશેખર નાયરે આ આખા પ્રકરણમાં સીઆઈએની ભૂમિકા વિશે ‘સ્પાઇસ ફ્રોમ સ્પેસ’ નામનું પુસ્તક લખ્યું અને સાલ ૨૦૦૦માં જાણીતા અવકાશ વિજ્ઞાની બ્રિયાન હાર્વે પુસ્તક લખે છે જેમાં સ્પષ્ટપણે કહે છે કે સીઆઈએ તેમાં સંડોવાયેલું હતું.

‘સ્પાઇસ ફ્રોમ સ્પેસ’ પુસ્તક એક પણ નકલ તમે ભારતના કોઈ પણ સ્ટોરમાંથી મેળવી નહીં શકો, કારણ કે આઈબીએ કોણાર્ક પબ્લિકેશનને પુસ્તક પ્રકાશનના બીજા દિવસે જ બધી નકલો પાછી ખેંચી લેવાની ફરજ પાડી હતી. સાથે સાથે આઈબીએ પણ બધી નકલો ખરીદીને તેનો નાશ કર્યો હતો. પ્રકાશકને પુસ્તકની બીજી આવૃત્તિ બહાર પાડવાની મનાઈ કરી દેવામાં આવી હતી. પ્રકાશક પુસ્તક આઉટ ઓફ સ્ટોક હોવાનું કહે છે પણ તેઓ કહે છે કે તેમની પાસે નમૂનાની નકલ પણ નથી. આ કેસ વિશેના એક લેખમાં લેખક મધુ કિશ્વરે લખ્યું છે કે મેં કોણાર્ક પ્રકાશનને વ્યક્તિગતપણે ફોન કરીને આ વાતની પુષ્ટિ મેળવી છે. મધુ લખે છે કે મેં ફોનમાં મેનેજરને કહ્યું કે મારે આ પુસ્તકની એક નકલ જોઈએ છે. તેમણે ઢીલા સ્વરમાં કહ્યું કે તમને દુનિયાના કોઈ ખૂણામાંથી તેની એક નકલ પણ નહીં મળે. મેં પૂછ્યું કે કોઈક લાઇબ્રેરીમાં તો એક નકલ હશે અથવા તમારી પાસે નકલ હશે. હું તમારી ઑફિસે આવીને વાંચી જઈશ. તેમણે ‘ના’ કહીને ફોન મુકી દીધો.

નામ્બી કહે છે કે, ‘આ કેસમાં વિદેશી તાકાતોનો હાથ છે અને હું ઇચ્છું છું કે તેની તપાસ થાય. સીઆઈએના ષડ્યંત્રના બધા પુરાવા છતાં સરકાર આ મુદ્દાને છાવર્યો અને આપણા સેટેલાઈટ લોન્ચના કાર્યક્રમને પાટા પરથી ખેરવવામાં સીઆઈએની સંડોવણીની બધી તપાસ બંધ કરાવી દીધી. આજે હું એકલો જ આ કેસ લડી રહ્યો છું. મને તો પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે પણ કહ્યંુ હતું કે તમે શા માટે આ કેસ લડી રહ્યા છો? તમે તેને ઈશ્વર ઉપર છોડી દો. તે જોશે.

‘હું આસ્તિક માણસ છું અને નિયમિત મંદિરે જાઉં છું. હું માનું છું કે આખો કેસ મારી તરફેણમાં આવ્યો છે. કેમ કે ઈશ્વર મારી સાથે છે, પણ મેં ડૉ.કલામને કહ્યંુ હતું કે, ના સર, મારે આખર સુધી આ કેસ લડવો છે. કેસ સાથે જોડાયેલા બાકીના તમામ પાંચ વ્યક્તિઓ નેપથ્યમાં જતા રહ્યા છે. તેઓ સરકાર સામે બીજી આજીવન લડત ચલાવવા માંગતા નથી. કલ્પના કરો કે હું એકલો ૧૮ વર્ષ સુધી લડતો રહ્યો. મેં મારી પ્રોપર્ટી વેચી નાખી અને ઊંચા ટકાના વ્યાજે પૈસા લીધા. આવી સ્થિતિમાં કેટલા લોકો અસ્તિત્વ ટકાવી શકે? મારું આ દેશ ઉપર કેટલુંક ઋણ છે. આ સંપૂર્ણ કેસની તપાસ થવી જોઈએ. હું એમ નથી કહેતો કે આ કે તે વ્યક્તિને ગોળીથી ઉડાવી દો, પણ જે હું કહું છું તેમાં કંઈ તથ્ય છે કે નહીં તે શોધી કાઢો. જો તેમાં થોડું પણ સત્ય હોય તો આપણે માથે આફત છે એમ સમજવું. જો તેઓ દેશની પ્રિમિયર ઇન્સ્ટિટ્યૂટ ઇસરો સાથે આવું કરી શકે તો તેઓ કંઈ પણ કરી શકે. મેં આ જે કંઈ કહ્યું છે તે કંઈ મને રાતોરાત નથી મળ્યું. ૧૮ વર્ષની પીડા, રઝળપાટમાંથી હું પસાર થયો છું. મારે એ શોધવું છે કે આવું કેમ બન્યું.

‘હા, મારી લડત ચાલુ છે, પણ ક્યારેક મને થાય છે કે શા માટે હું આ બધું કરી રહ્યો છું. મારી આસપાસ શું બની રહ્યું છે તે જોઉ છું. ગોટાળા ઉપર ગોટાળા, આ સ્થિતિને પચાવવી મુશ્કેલ છે. પણ હું મારી લડત વચ્ચે નહીં છોડું. હું આ લોકોને તેમણે જે કર્યું તેની સજા અપાવવા માંગુ છું, મારા માટે નહીં, પણ ભારત માટે, દેશ માટે.’

દેશના એક શ્રેષ્ઠ વૈજ્ઞાનિકના સૌથી મહત્ત્વનાં વર્ષો પીડા અને ડિપ્રેશનમાં ગયા છે. નામ્બીના કહેવા પ્રમાણે હવે વૈજ્ઞાનિક કાર્ય કરવાની તેમની માનસિક ક્ષમતા રહી નથી. તેઓ થાકી ગયા છે. ૧૨ વર્ષ પહેલાં રિટાયર્ડ થઈ ગયા છે. પછી ભલેને સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ઇસરોએ ત્વરિત તેમને પાછા લીધા. ઇસરોએ તેમને એડવાન્સ ટૅક્નોલોજી અને પ્લાનિંગના ડાયરેક્ટર તરીકે બઢતી પણ આપી.

આ બન્યું પહેલાં નામ્બી મહત્ત્વના પદ પર પીએસએલવીના બીજા અને ચોથા સ્ટેજના પ્રોજેક્ટ ડાયરેક્ટર હતા. ક્રાયોજેનિક સ્ટેજના પ્રોજેક્ટ ડાયરેક્ટર હતા. લિક્વિડ સિસ્ટમ્સના ડેપ્યુટી ડાયરેક્ટર અને પીએસએલવી, જીએસએલવીના એસોસિએટ પ્રોજેક્ટ ડાયરેક્ટર હતા. હવે બધું સ્પષ્ટ થઈ ગયું છે, પરંતુ તેઓ કામ કરી શકે તેમ નથી.

નામ્બીનો દીકરો, દીકરી અને પત્નીનો પરિવાર છે. પેન્શન પર જીવે છે. ઇસરોની નોકરીમાં ગળાડૂબ હતા ત્યારે પરિવારની સંભાળ નહોતા લઈ શકતા. હવે તેમને લડત પૂરી કરવાની ચિંતા છે. મધુને આપેલા ઇન્ટરવ્યૂમાં નામ્બી કહે છે, ‘મારી પત્ની બહુ અપસેટ છે, કોઈની સાથે વાતો નથી કરતી. તમે પણ અહીં જોયું. તે અહીં આવી અને આપણને ચાના કપ આપીને એક શબ્દ પણ બોલ્યા વગર જતી રહી. મેં મારું વ્યાવસાયિક જીવન જ નથી ગુમાવ્યું, મારું અંગત જીવન પણ ગુમાવ્યંુ છે. મારું સ્વાસ્થ્ય ગુમાવ્યું છે, મારી સંપત્તિ ગુમાવી છે. એક વખતે મને આપઘાત કરી લેવાનો વિચાર આવ્યો હતો. પણ મેં ન કર્યો. કેમ કે આ કેસ લડ્યા વગર મર્યો હોત તો હું જાસૂસ તરીકે મરત. મેં મારી જાતને નિર્દોષ સાબિત કરી દીધી છે. એક જ નૈતિક બળ મારી સાથે હતું અને તે એ કે હું કોર્ટમાં એક પણ કેસ હાર્યો નથી. હવે મારી નિર્દોષ પત્ની મને સતત પૂછે છે કે આ કેસ કેમ ચાલ્યા જ કરે છે, એમાં આગળ કંઈ મળવાનું છે? તેનો પ્રશ્ન નિખાલસ છે, પણ મારી પાસે જવાબ નથી. હવે એ જ પ્રશ્ન હું તમને અને જનસામાન્યને પૂછું છું.’

( આ લેખનો મહત્ત્વનો ભાગ પ્રોફેસર અને માનવાધિકાર સંગઠન માનુશીના સ્થાપક મધુ પૂર્ણિમા કિશ્વરના લેખમાંથી લેવામાં આવ્યો છે. )
—————————

આઈબી ગેરકાયદેસર કૃત્યોમાં સંડોવાયું છે?
નામ્બીના કહેવા પ્રમાણે, આર.એન. કુલકર્ણી નામના નિવૃત્ત આઈબી અધિકારીએ કર્ણાટક હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરી છે કે આઈબી ગેરકાયદેસર કૃત્યો સાથે સંકળાયેલું છે. આઈબી સીઆરપીએફ કે બીએસએફ વગેરે જેવી કાયદેસરની સંસ્થા નથી. તેની રિટ હજુ પેન્ડિંગ છે. આઈબીને તપાસ અને ઇન્ટરોગેશનના અધિકારો નથી આપ્યા છતાં તે કરે છે. કુલકર્ણીએ પિટિશનમાં લખ્યું છે કે સંસદ આઈબીની સ્થાપના, નિયંત્રણ, શિસ્ત, અંકુશ અને ઑપરેશન્સને માન્યતા કાયદાકીય રૃપ આપવામાં નિષ્ફળ ગઈ છે. સુપ્રીમ કોર્ટમાં નામ્બી સામે કેરળ સરકારે પૂર્વ કાનૂન મંત્રી અને જાણીતા વકીલ શાંતિ ભૂષણને રોક્યા છે. પ્રશાંત ભૂષણ શ્રીકુમારનો કદાચ એટલે જ બચાવ કરે છે કેમ કે તેના પિતાનું આ કેસ સાથે જોડાણ છે.
—————————

રેડી ટુ ફાયર – નામ્બીની આપવીતી
નામ્બી નારાયણ રેડી ટુ ફાયર પુસ્તક લખી રહ્યા છે. આ પુસ્તક વિશે પત્રકાર શિરીષ કાશીકરે રિવ્યૂ લખ્યો છે. રિવ્યૂ પ્રમાણે આ પુસ્તક કંઈ ઇસરો જાસૂસી કેસનો હિસાબ જ નથી, પણ આ પુસ્તક નામ્બીની જીવન કથની છે. પુસ્તકમાં ઇસરો જાસૂસી કેસના ઘણા પાસાંઓ આવરી લેવામાં આવ્યાં છે. તેમાં નામ્બીનું પીએસએલવી પ્રત્યેનું પેશન, ક્રાયોજેનિક એન્જિન પ્રત્યેની તેમની તીવ્ર મમત અને તેમના પ્રિય પ્રોજેક્ટ ‘વિકાસ’નો સંઘર્ષ આલેખવામાં આવ્યો છે. આ પુસ્તકમાં કેવી રીતે પોતાના રાજકીય લાભો માટે દેશની પ્રિમિયર ઈન્સ્ટિટ્યૂટ બદનામ કરવામાં આવી, કેરળનો ડાબેરીઓ વિરુદ્ધ કોંગ્રેસનો સત્તા સંઘર્ષ કેવી રીતે કામ કરે છે તે પણ આલેખવામાં આવ્યું છે. ૩૫૦ પાનાંના આ પુસ્તકમાં સ્પેસ સાયન્સના પિપાસુઓ માટે સમૃદ્ધ વાંચન છે, કારણ કે એ એક અવકાશ વિજ્ઞાનીએ લખ્યું છે, બાકીનાને કદાચ કંટાળો આવે. આ પુસ્તકની પ્રસ્તાવના ચૂંટણી પંચના પૂર્વ મુખ્ય કમિશનર અને ઇસરોના ટોચના અધિકારી ટી.એન. સેશાને લખી છે. પુસ્તકના કેટલાક અંશો આઘાતજનક હકીકતો પૂરી પાડે છે.
—————————

કવર સ્ટોરી - હિંમત કાતરિયાકવરસ્ટોરી
Comments (0)
Add Comment