કશિશે ડોરબેલ વગાડ્યો, બારણું ખૂલ્યું તો સામે કૌશલ હતો

ધ્યેયના સવાલથી કશિશને અચરજ થયું,

‘રાઇટ એન્ગલ’ નવલકથા પ્રકરણ – ૨૬

  • કામિની સંઘવી

ધ્યેયના સવાલથી કશિશને અચરજ થયું, પણ તેણે સ્વસ્થતા જાળવી રાખી. મેડિકલમાં ઍડ્મિશન મળતું હતું તે વાત તેર વર્ષ પહેલાંની હોવા છતાં કેવી રીતે આની જાણ થઈ તેવો ધ્યેયે સવાલ કર્યાે. જેના જવાબમાં કશિશે કોર્ટે તેને આ બાબતે કશું પૂછ્યું ન હોવાથી આ વાત તેણે જણાવી નથી તેવી હકીકત કહી. આથી ધ્યેયે કોર્ટનું ધ્યાન દોર્યું કે બચાવ પક્ષે જાણી જોઈને પુરાવા રજૂ કરવાની વાત કશિશને પૂછી નથી. જવાબમાં નીતિન લાકડાવાલાએ પોતાના અસીલના બચાવની દલીલો કરી વાંધો ઉઠાવ્યો જેને જજે નકારી કાઢ્યો. ધ્યેયના સવાલના જવાબમાં કશિશે તેને મેડિકલમાં ઍડ્મિશન મળ્યું હતું તેની તેને કેવી રીતે જાણ થઈ હતી તે આખી વાત કોર્ટ સમક્ષ વિસ્તારથી વર્ણવી. સાથે કૉલેજના ઇન્ટરવ્યૂ લેટરની વાત પણ જણાવી. પોતે એ પત્ર વાંચીને પિતાના વૉર્ડરોબમાં પરત મુકી દીધાની સ્પષ્ટતા પણ કશિશે કરી દીધી. ધ્યેયે કોર્ટ સમક્ષ એ પત્રની કૉલેજમાંથી મેળવેલી નકલ રજૂ કરી તેને અસલ પત્રની અવેજીમાં મંજૂર રાખવા વિનંતી કરી. કોર્ટે એને પુરાવા રૃપે સ્વીકારી. દરમિયાન રાતે કૉફી હાઉસમાં બંને જણાં હંમેશની જેમ વિન્ડો પાસે રોડ તરફ જોતાં બેઠાં. ધ્યેયે કશિશનો હાથ પકડ્યો. ધ્યેય પોતાના પ્રેમની કબૂલાત કરવા જતો હતો ત્યાં કશિશનો મોબાઇલ રણક્યો. સામે છેડે અતુલ નાણાવટી હતા. અતુલભાઈએ કશિશ જે રીતે લડાઈ લડી રહી છે તે બદલ પોતે ગર્વ અનુભવતા હોવાનું કહી એને મનાવવાનો પ્રયત્ન કરી જોયો, પરંતુ કશિશે વધારે રિસ્પોન્સ ન આપ્યો. આથી અતુલભાઈએ કૌશલના મમ્મીને માઇલ્ડ હાર્ટ એટેક આવ્યો હોવાના બહાને કશિશને ઘેર આવવા કહી જોયું, જેનો કશિશ ઇન્કાર ન કરી શકી. ધ્યેયે પણ કશિશે કૌશલનાં મમ્મીને મળવા જવું જોઈએ તેવું જણાવ્યું. આથી કશિશે ધ્યેયને પણ સાથે આવવા વિનંતી કરી. બીજા દિવસે સાંજે કશિશ અને ધ્યેય અતુલભાઈના ઘેર પહોંચ્યાં. ડોરબેલ વગાડતાં કશિશનો હાથ ધ્રુજ્યો એટલે ધ્યેયે હિંમત આપવા એનો હાથ પકડી લીધો. બારણું ખૂલ્યું તો સામે કૌશલ હતો.
હવે આગળ વાંચો…

બારણું ખૂલ્યું ‘ને સામે કૌશલ હતો એ જોઈને કશિશ ક્ષણ માટે આંચકો ખાઈ ગઈ. એણે સપનામાં પણ વિચાર્યું ન હતું કે એ અતુલભાઈના ઘરની ડોરબેલ વગાડશે અને સામે કૌશલ ઊભો હશે!

‘હાય…’ એક હાથથી કશિશનો હાથ પકડી રાખીને બીજો હાથ ધ્યેયે કૌશલ સામે લંબાવ્યો. એ જાણી ગયો કે આવી રીતે અચાનક કશિશ સામે કૌશલ આવી ગયો તે પરિસ્થિતિનો સામનો કરવા માટે કશિશને સમય આપવો પડશે.

‘હાય…કેમ છે?’ કશિશ સામેથી નજર હટાવીને કૌશલે આદરથી ધ્યેય સાથે શેકહેન્ડ કર્યા.

‘ગ્લેડ ટુ મીટ યુ…પ્લીઝ કમ ઇન..!’ કૌશલે બંનેને આવકારતાં કહ્યું. કૌશલ આગળ થયો અને એ અંદર જવા ફર્યો કે તરત જ કશિશે જોરથી ધ્યેયનો હાથ દબાવ્યો. એમાં સંકેત હતો કે અંદર નથી જવું, ધ્યેય એકદમ એના કાન નજીક ફૂસફૂસાતા અવાજે બોલ્યો,

‘હવે આવી ગયા છીએ અને પાછા જતાં રહીએ તો સારું ન લાગે…ડોન્ટવરી હું હેન્ડલ કરી લઈશ.’

ઘર છોડ્યા પછી આજે પહેલીવાર કૌશલ સામે આવ્યો હતો. કશિશ માટે આમ એનું અણધાર્યું મળી જવું જ બહુ આઘાત આપનારું હતું. જે પતિને દિલોજાનથી ચાહતી હતી એણે વિકટ પરિસ્થિતિમાં એને સપોર્ટ કરવાના બદલે કહેવાતી સામાજિક પ્રતિષ્ઠા માટે રાતોરાત ઘરની બહાર કાઢી મુકી હતી. તે પતિને હવે મળવું ન જ ગમે. એ મનથી એની સાથેનો નાતો તોડી ચૂકી હતી, પણ ધ્યેય અલગ વિચારતો હતો. કૌશલને હજુ ય કશિશ માટે લાગણી છે, કદાચ એને પોતે જે કર્યું છે તે બાબતનો પસ્તાવો છે. કદાચ કોઈક રીતે એ કામ લાગી શકે. કોઈ સાથે સંબંધ બગાડવા કરતાં જાળવી રાખવાથી ફાયદો થાય છે તે વાત એક વકીલ તરીકે ધ્યેય બરાબર સમજતો હતો.

બંને કૌશલને અનુસર્યાં. વિશાળ ડ્રોઇંગરૃમ રિક્લાઇનર સોફાથી શોભતો હતો. આકર્ષક લાઇટિંગ, દીવાલ પર કલાત્મક પેઇન્ટિંગ્સ અને શ્રીમંત ઘરમાં હોય તેવી ઊડીને આંખે વળગે તેવી નયનરમ્ય સજાવટ. નાણાવટી હાઉસમાં આવવાનો ધ્યેય માટે આ પહેલો પ્રસંગ હતો. કશિશને જોઈને અતુલભાઈ સોફા પરથી ઊભા થયા અને બોલ્યા,

‘વેલકમ ટુ હોમ બેટા!’ કશિશે એના જવાબમાં માત્ર સ્માઇલ કર્યું. એણે હજુ ય ધ્યેયનો હાથ પકડી રાખ્યો હતો, એની અતુલભાઈની ચકોર નજરે નોંધ લીધી.

‘મેં આમને ન ઓળખ્યા!’ એમણે ધ્યેય સામે જોઈને પૂછ્યું, આજ પહેલાં એવા સંજોગ કદી બન્યા ન હતા કે કશિશના દોસ્તને એ મળ્યા હોય.

‘ડેડ એ ફેમસ વકીલ ધ્યેય સૂચક છે. કશિશના બાળપણના ફ્રેન્ડ છે.’ કૌશલે જ ધ્યેયની ઓળખાણ આપી. અતુલ નાણાવટી એકાદ ક્ષણ ધ્યેયનું નિરીક્ષણ કરતા રહ્યા.

ક્લિનશેવ્ડ ચહેરો, લેટેસ્ટ હેર કટ અને કથ્થઇ જિન્સ અને લેમન યલો શર્ટમાં આ માણસ ખરેખર બહુ હેન્ડસમ લાગે છે. સાથે સાથે એની પ્રભાવી આંખોથી જ ખ્યાલ આવે કે આ માણસ ભારોભાર હોશિયાર તેમજ બુદ્ધિશાળી છે.

‘ઓહ…તમારું નામ તો બહુ સાંભળ્યું છે. આજે મળવાનું સદ્દભાગ્ય મળ્યું. નાઇસ ટુ મીટ યુ.’ અતુલ નાણાવટીએ ધ્યેય સાથે શેકહેન્ડ કરવા હાથ લંબાવ્યો. એટલે ધ્યેયે પણ એમની તરફ હાથ લંબાવ્યો. નાનકડા બાળકને અજાણી જગ્યાએ ડર લાગે અને હાથ પકડી રાખે તેમ કશિશે હજુ ય ધ્યેયનો બીજો હાથ પકડી રાખ્યો હતો. ધ્યેયે અતુલભાઈ સાથે શેકહેન્ડ કર્યા.

‘હેવ અ સીટ..!’ સોફા તરફ ઇશારો કરતા અતુલભાઈ બોલ્યા, સોફા પર બેસતા ધ્યેયે કશિશને ઇશારો કર્યો,

‘હવે હાથ છોડ…સારું ન લાગે.’ કશિશે પરાણે હાથ છોડી દીધો, પણ એ ધ્યેયની બાજુમાં જ બેઠી.

‘કૌશલે મારી ઓળખાણ અધૂરી આપી…હું કશિશનો મિત્ર તો છું જ, પણ હાલ એનો કેસ પણ હું જ લડી રહ્યો છું.’ ધ્યેયે જાણી જોઈને આ વાત ઉચ્ચારી. કશિશના કોર્ટ વિશે અતુલભાઈનું વલણ હવે કેવું છે તે એ જાણવા ઇચ્છતો હતો.

‘ઓહ…ધેટ્સ ગ્રેટ…આજકાલ તો મીડિયામાં તમારા વિશે જ ચર્ચા છે.’ અતુલભાઈએ કેસ વિશે એકદમ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો એથી ધ્યેયની આંખમાં ચમક આવી.

‘સોરી, હું અચાનક ટપકી પડ્યો છું…અમે આ બાજુ એક દોસ્તને ત્યાં જ આવ્યા હતા, કશિશને અહીં આવવાનું હતું  એટલે અમે સાથે અહીં આવી ગયા.’ ધ્યેય પોતે આમંત્રણ વિના આવી ગયો છે તે વિશે ખુલાસો કરતાં કહ્યું,

‘ઇટ્સ માય પ્લેઝર…પ્લીઝ બી કમ્ફર્ટેબલ!’ અતુલભાઈએ વિવેક કર્યો. બિઝનેસમેનની કેળવાયેલી નજરથી એમણે તરત પારખી લીધું કે કશિશ અને ધ્યેય વચ્ચે મિત્રતા કરતાં કંઈક વધુ સંબંધ છે. વળી કશિશે જે રીતે ધ્યેયનો હાથ પકડી રાખ્યો હતો તે બંને વચ્ચે કેવો સંબંધ હોઈ શકે તે વિશે ઇશારો કરવોે કાફી હતો.

‘શું લેશો? કશિશ, કૉફી વિથ આઇસક્રીમ ચાલશે?’ કૌશલે આ સવાલથી પોતાની હાજરી પુરાવી. ધ્યેય અને અતુલભાઈ વાતચીત કરતા હતા ત્યારે કૌશલ અપલક નજરે કશિશને જોઈ રહ્યો હતો. કશિશ ઘર છોડીને ગઈ એને આજે મહિનાઓ થઈ ગયા. એ પછી પહેલીવાર જોઈ રહ્યો છે. પહેલાં કરતાં સહેજ સ્લીમ થઈ છે. એટલે પહેલાં કરતાં વધુ સુંદર લાગે છે, પણ રંગ સહેજ શ્યામ થયો છે. ઘરની, કૉફી હાઉસની જવાબદારી એકલા હાથે સંભાળવી સહેલી તો નથી જ. એ માટે બહાર ફરવું પડતું હશે. તાપ-તડકો સહેવો પડતો હશે. એને મનોમન કશિશની ખૂબ દયા આવી. પોતે બહુ મોટી ભૂલ કરી નાંખી એના અહેસાસે એને વધુ નમ્ર બનાવ્યો.

‘ધ્યેય તું શું લઈશ?’ કશિશે સીધો જવાબ આપવાના બદલે ધ્યેયને પૂછયું, એમાં સ્પષ્ટ દેખાય આવતું હતું કે એ કૌશલથી નારાજ છે.

‘જી…મને કૉફી જ ચાલશે!’

‘હું પણ કૉફી જ પીશ.’ કશિશે કહી દીધું. કૌશલને એની નારાજગીનો અહેસાસ થયો, પણ એનાથી દિલ દુભાવવાના બદલે એણે હસીને નોકરને બોલાવીને કૉફી લાવવા કહી દીધું.

‘કૉફી આવે તે પહેલાં હું આન્ટીને મળી લઉં?’ કશિશ મોમના બદલે આન્ટી બોલી એ અતુલભાઈની ચકોર નજરે પકડી પાડ્યું. અગર માણસ સમયને સાથ ન આપે તો સમય બધાં સંબંધોનાં સમીકરણ બદલી નાંખતો હોય છે. અતુલભાઈથી નિઃસાસો નંખાઈ ગયો.

‘ચોક્કસ બેટા…કૌશલ! કશિશને તારી મોમ પાસે લઈ જા.’

કશિશ સોફા પરથી ઊભી થઈ. એણે ધ્યેય સામે જોયું અને સાથે આવવા આંખથી જ ઇશારો કર્યો, ધ્યેયે નજરથી જ ના પાડી. પણ કશિશ ઊભી રહી એટલે ધ્યેય બોલ્યો,

‘યસ, કિશુ તું મેડમને મળી લે…હું અતુલભાઈ સાથે વાત કરીશ.’

ધ્યેય જાણીજોઈને ‘કિશુ’ બોલ્યો હતો જેથી કશિશને લાગે કે એ એની સાથે જ છે. કશિશ એની વાત માનીને કૌશલની પાછળ પાછળ અંદર ગઈ. આ ઘરમાં આ પહેલાં એ અનેકવાર આવી હતી, કારણ કે આ એનું સાસરું હતું, ના હતું નહીં, હજુ પણ છે. પોતે મનથી ભલે નાણાવટી રહી ન હોય, પણ હજુ કૌશલ સાથે ઓફિશિયલ ડિવોર્સ નથી થયા ત્યાં સુધી આ ઘર એનું સાસરું જ રહેશે. વિશાળ બંગલાના ઉપરના માળે જવા માટે બંને લિફટમાં પ્રવેશ્યા. કૌશલ વાત કરવા માટે બેચેન હતો, પણ કશિશના ચહેરા પરની સખતાઈથી એ જરા અચકાતો હતો.

‘કેમ છે તું?’ હાથમાં આવેલો મોકો સરી જાય તે પહેલાં આખરે બોલવાની હિંમત કૌશલે કરી નાંખી,

‘ફાઇન…!’ કશિશે ટૂંકમાં પતાવ્યું. એથી જરા પણ નાસીપાસ થયા વિના કૌશલે તરત બીજો સવાલ પૂછ્યો,

‘કૉફી હાઉસ કેવું ચાલે છે?’

‘સારું ચાલે છે.’ લિફ્ટ ઊભી રહી એટલે કશિશ જાતે જ દરવાજો ખોલીને બહાર આવી ગઈ. કૌશલ જે રીતે એનામાં રસ લઈ રહ્યો હતો તેથી સ્પષ્ટ હતું કે એને કશિશ સાથે ફરી સંબંધ જોડવામાં રસ છે, પણ જે માણસે અણીના સમયે સાથ ન આપ્યો હોય એના પર હવે કેટલો ભરોસો કરી શકાય?

કશિશ આ ઘરથી અજાણી ન હતી એટલે કૌશલ લિફટ બંધ કરીને બહાર આવે તેની રાહ જોયા વિના એ આગળ ચાલવા લાગી. કૌશલ એ જોઈને ઝડપથી લિફટ બંધ કરીને એની સાથે થઈ ગયો.

‘મમ્મા તને બહુ યાદ કરે છે. શી મિસ યુ!’

કશિશ આ બાબત પર ઈમોશનલ થઈ ગઈ. ભલે ભાવનાબહેન સાથે બહુ નિકટતા ન હતી, પણ એક સાસુ તરીકે એમણે એને ખૂબ આઝાદી આપી હતી. કૌશલ એમનો એકનો એક દીકરો હતો છતાં એનાથી અલગ રહેવાની મંજૂરી આપી તે નાનીસૂની વાત ન હતી. વળી અઠવાડિયે એકાદ વાર તેઓ મળતાં ત્યારે પણ તેઓ બહુ હેત-પ્રેમથી વાતો કરતાં. કશિશ ભાગ્યે જ એમની સાથે શોપિંગ પર ગઈ હતી, પણ એ જતાં ત્યારે અચૂક કશિશને ફોન કરીને સાથે લઈ જતાં. કશિશને એમના માટે દિલથી માન-સન્માન હતાં.

કશિશ અને કૌશલ રૃમમાં પ્રવેશ્યાં ત્યારે ભાવનાબહેન ઑટોમેટિક મોબેલિટી બેડને પાછળથી ઊંચો કરીને બેઠાં હતાં. નર્સ એમનું બી.પી. ચેક કરતી હતી. હાર્ટ એટેક અને એ પછીની સારવારે એમને સહેજ ઝાંખા પાડી દીધા હતા. કશિશને જોઈને એમનો ચહેરો ખીલી ઊઠ્યો.

‘જય શ્રીકૃષ્ણ!’ કશિશ બોલી. એમની નજીક જઈને પગે લાગી. ભાવનાબહેને એને ગળે લગાડી દીધી. એના ગાલ પર વહાલ કર્યું.

‘મારી દીકરી પાતળી થઈ ગઈ.’ ભાવનાબહેન એને નીરખીને બોલ્યાં,

‘ના…એ તો તમે ઘણા સમયે મને જોઈને એટલે એવું લાગે..’

ભાવનાબહેનની આંખમાં હરખનાં આંસુ આવી ગયાં હતાં તે જોઈને કશિશે બાજુના ટેબલ પરથી ટિસ્યુસ્ટેન્ડમાંથી ટીસ્યુ કાઢીને એમને આપ્યું. નર્સને પાણી આપવા કહ્યું. ભાવનાબહેન પાણી પી અને ટિસ્યુથી આંખો લૂછીને સ્વસ્થ થયાં.

‘તમને કેમ છે?’ કશિશ એમની બાજુમાં પડેલા સોફા પર બેઠી.

‘સારું છે દીકરા…’

‘જલદી સાજા થઈ જાવ…અને ફરી હવેલી દર્શન કરવા જવા લાગો!’ ભાવનાબહેન વૈષ્ણવ ધર્મમાં બહુ વિશ્વાસ ધરાવતાં હતાં. ઘરમાં પણ કાનુડો પધારાવ્યો હતો. પોતાનાથી થાય તેટલી સેવા કરતાં. દરરોજ સાંજે હવેલીએ આરતી અને શયનનાં દર્શન કરવા અચૂક જતાં. કીર્તન બહુ મીઠી હલકથી ગાતાં.

‘હવે તો ઠાકોરજી બોલાવે ત્યારે જઈશ બેટા…આજકાલ કરતાં પંદર દિવસ થઈ ગયા. હજુ ડૉક્ટરે ચાલવાની રજા નથી આપી. બસ, હવે મારો લાલો બોલાવે એટલીવાર છે.’

‘ડોન્ટવરી…તમે બહુ જલદી સાજા થઈ જશો. દિવાળી સુધીમાં તો દોડતાં થઈ જશો. પછી આપણે સાથે દીપમાળાનાં દર્શને જઈશું.’ કશિશ બોલી એટલે ભાવનાબહેનના ચહેરા પર જાણે હમણાં જ દીપમાળા પ્રગટી હોય તેવો ઉજાસ ફેલાઈ ગયો. એમને કશિશના આ બોલમાં એ ઘરે પાછી ફરશે તેવો પડઘો સંભળાતો હતો.

‘કૌશલ બેટા…જા મંદિરમાંથી મઠરીનો પ્રસાદ લઈ આવ તો…કશિશને ખવડાવ.’

ભાવનાબહેનના રૃમની બાજુના રૃમમાં ભવ્ય હવેલી સ્ટાઇલનું મંદિર બનાવવામાં આવ્યું હતું. સાગનાં લાકડાંના કોતરણીકામથી સજાવેલા મંદિરમાં ભગવાન માટે અલગ અલગ કક્ષ હતા. મંદિરની કોતરણીમાં સોનાનો ઢોળ ચડાવ્યો હતો. એક બાજુ ઠાકોરજીને ઝુલાવવા માટે નાનકડો હીંચકો પણ હતો. કૌશલ પ્રસાદનો ડબ્બો લઈને આવ્યો.

‘કાલે હવેલીની મારી બહેનપણીઓ આવી હતી તે મારા માટે પ્રસાદ લઈને આવી.’ ભાવનાબહેન બોલ્યાં. કૌશલે મઠરીનો ડબ્બો કશિશ તરફ લંબાવ્યો. કશિશે એના હાથનો સ્પર્શ ન થાય તે તકેદારી રાખીને ડબ્બો હાથમાંથી લીધો. એમાંથી બે મઠરી કાઢી.

‘એક મારા માટે અને એક મારા ફ્રેન્ડ માટે લઉં છું.’ કશિશે અહીં પણ ધ્યેયને યાદ રાખ્યો તે કૌશલને સમજાયું. કેટલી અભિન્ન દોસ્તી છે. પોતે પતિ બનવા કરતાં કશિશનો દોસ્ત બન્યો હોત તો કદાચ આજે આ દિવસ આવ્યો ન હોત.

‘એક મને પણ આપ ને!’ હજુ ય પોતે સંબંધ સુધારી શકે છે તે વિશ્વાસથી કૌશલે એની સામે જોઈને કહ્યું.

કશિશે એક મઠરી કૌશલને આપી.

‘બેટા…બે શું કામ…બધી લઈ જા ને…’ ભાવનાબહેને નોકરને બોલાવીને મઠરી પેક કરવા કહી દીધું. એ પછી પંદર-વીસ મિનિટ એમણે વાતો કરી. કશિશ સાથે વાત કરીને ભાવનાબહેન આજે અડધા સાજા થઈ ગયાં. એકના એક દીકરાનો સંસાર પડી ભાંગે તે દુઃખ માને સૌથી વધુ પીડે. ભલે ગમે તેટલી સંપત્તિ હોય, પણ પોતાનું સંતાન સુખી ન હોય તો કઈ મા સુખી રહી શકે?

‘હવે હું જાઉં?’ કશિશ ઊભી થઈ. ધ્યેય બિચારો બોર થતો હશે. અતુલભાઈ સાથે એ કેટલી વાતો કરી શકે?

‘બસ જાય છે બેટા?’ ભાવનાબહેન બોલ્યાં,

‘હા…મારો ફ્રેન્ડ પણ સાથે આવ્યો છે…એને મોડું થશે..’

‘ઓ.કે. બેટા…જા, પણ જલદી પાછી આવજે.’ ભાવનાબહેન એની સામે આશાભરી નજર જોઈ રહ્યાં. એમના આવું કહેવાના બે મતલબ હતા. તે કૌશલ અને કશિશ બંને સમજ્યાં. કૌશલે જાણીજોઈને કશિશ સામે નજર કરી, પણ કશિશે એની સામે જોવાનું ટાળ્યું.

કશિશ ફરી ભાવનાબહેનને ભેટી અને ‘ધ્યાન રાખજો,’ એટલું બોલી, ભાવનાબહેનનું હેત એના પગમાં લાગણીનું બંધન બાંધી દે એ પહેલાં એ ઊભી થઈ ગઈ.

કશિશ લિફ્ટ પાસે અટક્યા વિના સડસડાટ દાદર ઊતરવા લાગી. એ નહોતી ઇચ્છતી કે ફરી એ લિફ્ટમાં કૌશલ સાથે એકલી પડે. કૌશલ એની પાછળ દોડ્યો. હવે એકલા વાત કરવાની કદાચ આ આખરી તક હતી. એ મોકો કૌશલ ગુમાવવા ઇચ્છતો ન હતો.

‘કશિશ એક મિનિટ…!’ કૌશલે બૂમ પાડી.

કશિશ પહેલા માળે પહોંચી ગઈ હતી. એ ઊભી તો ન રહી, પણ ધીમી પડી. કૌશલ ઝડપથી દાદર ઊતરીને એની સાથે થઈ ગયો.

‘બોલ શું કામ છે?’ કશિશે હવે સીધું જ પૂછી લીધું. ઉંદર-બિલાડીની રમત રમવી એના સ્વભાવમાં ન હતું. કશિશ સીધી રીતે આમ પૂછી લેશે તે એની કલ્પના બહારની વાત હતી. તેથી કૌશલ હેબતાઈ ગયો. એણે ધાર્યું ન હતું કે કશિશ ક્યારની એને વાત કરવા માટે ટટળાવી રહી છે તે સાવ અચાનક વાત કરવા માટે સહમત થઈ જશે.

‘બસ..કંઈ નહીં…હું તને ફોન કરી શકું?’ જે કહેવું હતું તે વાત મનમાં દબાઈ ગઈ અને સાવ બાઘા જેવો સવાલ પૂછી બેઠો.

‘કામ હોય તો કરી શકે.’ કશિશ બોલીને સડસડાટ નીચે ઊતરી ગઈ. એ નીચે ડ્રોઇંગરૃમમાં પહોંચી ત્યારે અતુલભાઈ અને ધ્યેય ખડખડાટ હસતા હતા. બંનેને જોઈને લાગતું હતું કે એમને એકબીજા સાથે વાત કરવાનું ગમ્યું છે.

‘ચલો આપણે જઈએ?’ કશિશ બેસવાના બદલે ઊભી જ રહી.

‘યસ..ચલ..અમે ઘણો સત્સંગ કર્યો…કેમ સર?’ ધ્યેય ઊભો થયો.

‘ઓહ…યાહ…ગ્લેડ ટુ ટોક ટુ યુ! કમ અગેઈન…’ અતુલભાઈએ ફરી આવવા વિવેક કર્યો,

‘સ્યોર સર…બાય કૌશલ!’ ધ્યેયે જતાં જતાં એની સાથે હાથ મિલાવ્યા.

કશિશે માત્ર હાથથી વેવ જ કર્યું. બંને બહાર નીકળ્યાં અને જેવા કારમાં બેઠાં તેવી જ કશિશ બોલી,

‘મને ખબર હોત ને કે કૌશલ અહીં છે તો હું કદી આવવા રાજી ન થાત.’

‘ડોન્ટ ઓવર-રિએક્ટ કિશુ…જે થયું તે સારું થયું.’ ધ્યેયે કાર મેઇન રોડ પર લીધી. કશિશ તાજુબીથી એને જોઈ રહી.

‘આમાં મેં ઓવર-રિએક્ટ શું કર્યું? અને શું સારું થયું?’ ધ્યેયના મનમાં શું છે તે જાણવા માટે કશિશે સ્પષ્ટ શબ્દમાં પૂછી લીધું.

‘એ જ કે એને એના કર્યા પર પસ્તાવો છે…અને એ ઇચ્છી રહ્યો છે કે તું એના જીવનમાં પાછી ફરે.’ ધ્યેયે ગાડી ચલાવતા ચલાવતા કશિશ તરફ જોયું. કશિશ એને અચરજથી તાકી રહી હતી, કૌશલ હજુ ય મને ચાહે છે તે હકીકત ધ્યેય જાણી ગયો તો પણ કેટલી સાહજિકતાથી એ વાત કહે છે? એને ઈર્ષ્યા નહીં થતી હોય? કે પછી એ મને ચાહે છે તો પણ ઇચ્છતો હશે કે હું કૌશલ પાસે પાછી જતી રહું?

‘તો તું એમ કહે છે કે મારે એની પાસે પાછા જતું રહેવું જોઈએ?’

‘હા…અગર તું ઇચ્છતી હોય તો!’

એ સાથે કશિશ બોલી પડી,

‘સ્ટોપ ધ કાર…મારે તારી સાથે નથી આવવું…યુ ઇડિયટ!’ ધ્યેયે કાર સાઇડમાં લીધી અને અને ઊભી રાખી,

‘ઇડિયટ તું છે…જે મારી વાત સમજ્યા વિના ગુસ્સો કરે છે!’

‘ઓહ..અચ્છા…જરા મને સમજાવો તો વકીલ સાહેબ, હું તમારી કઈ વાત નથી સમજી?’

‘એ જ કે તારાને કૌશલના ડિવોર્સ નથી થયા. હજુ તું ઓફિશિયલી મિસિસ કૌશલ નાણાવટી જ છે. તું ને કૌશલ પાછા એક થઈ શકો છો!’

કશિશને હવે ખરેખર સમજ પડતી ન હતી કે ધ્યેય કેમ આવું બોલે છે, એણે બધી શરમ અને સંકોચ બાજુએ મૂકીને પૂછી લીધું,

‘ડુ યુ લવ મી?’

(ક્રમશઃ)
——————.

સંપૂર્ણ નવલકથા વાંચવા અભિયાન સબસ્ક્રાઇબ કરો

કામિની સંઘવીનવલકથારાઇટ એન્ગલ
Comments (0)
Add Comment