હાઈફાઈ જનરેશન માટે હાઈફાઈ પેરેન્ટ્સની જરૃરિયાત

નાનપણથી ફોન ટીવી, આઇપેડ અને કોમ્પ્યુટર જેવા ગેજેટ પકડાવી દેવાય છે
  • રેખા વિનોદ પટેલ (યુએસએ )

આજકાલ હાઈફાઈ લાઇફસ્ટાઇલ અને વાઈફાઈ કનેક્શનને કારણે સોસાયટીમાં ભારે બદલાવ આવી રહ્યો છે. આ બદલાવના જેટલા પ્લસ પોઇન્ટ્સ છે તેટલા જ માઇનસ પોઇન્ટ્સ પણ છે. ઇન્ટરનેટના હાઈસ્પીડ કનેક્શનમાંથી અને કોમ્પ્યુટરના ડેટા પ્લાનમાં સચવાઈ ગયાના સ્વભાવમાંથી આપણે બહાર નીકળીને થોડીવાર માટે હવે પછીની જનરેશન વિષે વિચારવું જરૃરી બની જાય છે.

‘કુમળા છોડને વાળો તેમ વળે’ આ કહેવત સાર્થક કરવા માટે, આપણી પાસે ખૂબ ઓછાં વર્ષો રહ્યાં છે, કારણ આજની જનરેશન જે ઝડપથી ગતિ કરી રહી છે તેને જોતાં તેમને વાળવાનો કે દિશા સૂચવવાનો બહુ ઓછો સમય બચ્યો છે. એક સમય હતો કે દસ વર્ષના બાળકને પૂરતી સમજ નહોતી, તેના બદલે હવે છ વર્ષનો બાળક ફેશન, સ્ટાઇલ, જાતિભેદ બધું જ જાણતો સમજતો થઈ ગયો છે. બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડની વાતો જાહેરમાં માતાપિતા સામે કહેતો થઈ ગયો છે. સામા છેડે માતાપિતા પણ પોરસાઈને તેમની આવી વાતોને પ્રોત્સાહન આપવામાંથી બાકાત નથી રહેતા. નિર્દોષતા માટે આ કશંુ ખોટું નથી, પરંતુ આવા કુમળા છોડને આ બધાની સાચી સમજ નથી. આ એનું માત્ર ટેલિવિઝન અને ઇન્ટરનેટના માધ્યમ દ્વારા મેળવેલું અધકચરું સમય પહેલાંનું જ્ઞાન છે, જેને આપણે સમજી અને યોગ્ય દિશામાં વાળવું જરૃરી છે.

નાની ઉંમરથી બાળકોને સ્વતંત્રતા જોઈએ છે, જ્યારે બાળકો નાના હોય ત્યારે આપણે જ તેમને એકલા સૂતા શીખવીએ છીએ. પ્રાઇવેસી મેળવવા પ્રાઇવેસી આપવાનું પણ માતાપિતા દ્વારા જ શીખવાડવામાં આવે છે. આ રૃમ તેમનો છે, અહીં તેઓ જે ઇચ્છે તે કરી શકે છે. તેનું આમ કરવું એ બાળક થોડો મોટો થાય ત્યારે અઘરું લાગે છે. તેમના કામમાં કોઈ દખલ ના કરે એ માટે રૃમ અંદરથી બંધ કરતા થઈ જાય છે. આ તેમની માટે ફ્રીડમ ગણાય અને પેરેન્ટ્સ માટે આ હેડેક બને છે.

આપણે જ્યારે ઇચ્છીએ કે બાળકો ફેમિલી સાથે સમય પસાર કરે, ત્યારે તે પોતાના રૃમમાં રહેવાનું પસંદ કરે છે, કારણ તેમના હાથમાં નાનપણથી ફોન ટીવી, આઇપેડ અને કોમ્પ્યુટર જેવા ગેજેટ પકડાવી દેવાય છે. જે આજે જરૃરિયાત કરતા દેખાડો અને દંભ વધારે છે. બાળકોને ઇલેક્ટ્રિક ગેજેટ્સનો પરિચય બને તેટલો ઓછો અથવા મોડો કરાવવામાં કશું જ ખોટું નથી.

નાનપણમાં આવા ગેજેટ્સ હાથમાં આવતા ઓનલાઇન ચેટિંગ, ગેમ્સ અને નેટ સર્ફિંગ તેમની આદતો બની ગઈ હોય છે. તેમની આ આગવી દુનિયામાં પ્રાઇવેસી મેળવવાના ઇરાદે તેઓ રૃમ લૉક કરીને બેસે છે. પોતાનો દીકરો કે દીકરી બંધ બારણા પાછળ શું કરે છે તે જાણવાની દરેક પેરેન્ટ્સની આતુરતા હોય છે. કારણ માત્ર એટલું જ કે તેને ખોટું કરતો હોય તો રોકવા માટેની આ જ હાથવગી તક છે.

આઈ ફોન કંપનીના પ્રણેતા સ્ટીવ જોબ પોતે પોતાનાં નાનાં બાળકોને ફોન કે આઇપેડ આપવાની તરફેણમાં નહોતા. શું તેમને બાળકોની પ્રગતિમાં રસ નહોતો? શું તેઓ નહોતા ઇચ્છતા કે બાળકો ગૂગલ અને ફોનના ઉપયોગથી વધુ સ્માર્ટ બને?

દરેક મા-બાપની માફક એ બાળકોના ઉચ્ચ ભવિષ્ય માટે જ ચિંતિત છે, તેમને આ ટૅક્નોલોજીથી થતા નુકસાનની બરાબર ખબર છે, આથી તે બાળકોને તેનાથી દૂર રાખવા માગતા. જો તેઓ આવું વિચારે છે તો આપણે કેમ નહીં?

અમેરિકામાં એવરેજ દરેક ટીનેજર દિવસના ૫ાંચથી છ કલાક ફોનમાં વ્યતીત કરે છે. આમ કરવામાં તેમની શારીરિક એક્ટિવિટી બિલકુલ બંધ થઈ જાય છે. બહાર મિત્રો બનાવવાની તેની આદત ધીમે-ધીમે ઘટતી જાય છે, પરિણામે ડિપ્રેશનનું પ્રમાણ વધતું જાય છે. બીજાઓ સાથે વાત કરવાની કળા અને આંખમાં આંખ મિલાવી પોતાની વાત રજૂ કરવાની ખુમારી, આત્મવિશ્વાસ જતાવવાની તક ઘટતી જાય છે. આ માત્ર અમેરિકાની સમસ્યા નથી. દેશ-દેશમાં આ જ હાલ છે. આ જ કારણે સમાજ વિખેરાઈ રહ્યો છે. એક જ ઘરમાં ચાર વ્યક્તિઓ જો એકબીજા સાથે સંપર્કમાં ન રહી શકતા હોય તો બીજાઓ સાથે કેવી રીતે રહી શકશે?

બાળકોને કોઈના ઘરે કે સોશિયલ પ્રસંગે લઈ જવા હોય તો પહેલો પ્રશ્ન તેવો પૂછશે, ‘તેમના ઘરે મારી ઉંમરનું કોઈ છે? હું ત્યાં શું કરીશ?’  વગેરે બહાનાં હેઠળ સાથે આવવાનું પસંદ કરતા નથી અને સાથે આવે તો પણ એકબાજુ ચુપચાપ બેસી રહે અથવા ત્યાં બેઠા-બેઠા તેમનો સંપર્ક ફોન દ્વારા બીજાઓ સાથે જ રહેતો હોય છે. આમ તેમનો સમાજ અને સબંધો સીમિત બની રહે છે. બાળકોને પોતાના ફ્રેન્ડ્સની કંપની વધારે ગમે એ સ્વાભાવિક છે. પરદેશમાં બાળકોના મિત્રો પણ અમેરિકન કે મેક્સિકન હોવાના. સ્કૂલમાં આખો દિવસ તેમની સાથે જ રહેતાં હોવાથી મેક્સિકન, ઇટાલિયન, કોન્ટિનેન્ટલ ફૂડ વધારે પસંદ કરે છે. પરિણામે ઇન્ડિયન ફૂડ, તેમાંય ગુજરાતી ફૂડ ખાસ પસંદ નથી કરતાં, જેના પરિણામે મોટા થઈને બનાવતાં પણ શીખતાં નથી. આજના કલ્ચરની સમસ્યા છે કે તેઓને થોડું ઘણું ઇન્ડિયન ફૂડ ભાવે છે, પણ બનાવતા નથી આવડતું. તેમાંય જો દીકરો કે દીકરી નજીક રહેતાં હોય તો અમેરિકામાં ઇન્ડિયન મમ્મીઓના ભાગ્યમાં છેવટ સુધી રસોડાની નિરાંત નથી આવતી. આ દશામાંથી બહાર આવવા ફ્યૂઝનનો જમાનો અપનાવવો જોઈએ. નાનપણથી કાયમ આપણુ દેશી ફૂડ આપવાનો આગ્રહ ત્યજી દઈ સાથે તેમને અમેરિકન ઇન્ડિયન મિક્સ વાનગીઓ ખાતા શીખવાડવી જોઈએ, તો એ ખાતા સાથે બનાવતા પણ ઝડપથી શીખી જશે.

આ સમસ્યા માત્ર પરદેશની નથી. હવે તો ભારતમાં પણ શહેરો સ્માર્ટ સિટી બની રહ્યાં છે, ત્યાંના બદલાતા શોખ અને દેખાડામાં ભાષા સાથે પહેરવેશ અને વિચારો સાથે વર્તન ઝડપથી બદલાઈ રહ્યાં છે.

જેટલી છૂટ બાળકો માગી રહ્યાં છે તે આપ્યા સિવાય છૂટકો નથી. તો સાથે પેરેન્ટ્સ તરીકે તેમને સમજાય એ રીતે તેમની ભૂલ દર્શાવવાની કળા પણ આપણે વિકસાવવી રહી. જો તેમની જરૃરિયાતો સાથે સારી કે ખરાબ આદતો વિષે પૂરતું જ્ઞાન હશે તો જ આ શક્ય બને છે. આથી કોઈ પણ બહાના હેઠળ બાળકો સાથે નજદીકી રાખવી, વાતચીત દ્વારા તેમનું મન વાંચતા શીખવું જોઈએ.

આ માટે આપણે હાઈફાઈ લાઇફસ્ટાઇલ નહીં, પણ હાઈફાઈ થિકિંગ અપનાવવું પડશે. બાળકોના પહેલા મિત્ર ઇન્ટરનેટને ન બનવા દેતાં આપણે મિત્ર બનવું પડશે.
——————

પેરેન્ટિંગરેખા વિનોદ પટેલ
Comments (0)
Add Comment