માનવતા જ વિચારણાના કેન્દ્રમાં હોઈ શકે

જે ઈશ્વરમાં નથી માનતા તેમને કશું જ પુરાવારૂપે દેખાતું નથી.

માનવતા જ વિચારણાના કેન્દ્રમાં હોઈ શકે

ઈશ્વર છે કે નહીં? આ પ્રશ્નનો સ્પષ્ટ ઉત્તર આપવાનું મુશ્કેલ છે. કેમ કે આ બિલકુલ શ્રદ્ધાનો જ વિષય છે. મોટા મોટા વૈજ્ઞાનિકોએ સર આઈઝેક ન્યૂટન અને આલ્બર્ટ આઇન્સ્ટાઇનથી માંડીને આજની પેઢી સુધીના કેટલાય વિદ્વાન પુરુષોએ તેમાં પોતાની શ્રદ્ધા જાહેર કરી છે. બીજી બાજુ વિજ્ઞાન કે બીજી જ્ઞાનશાખાનો કક્કો પણ નહીં જાણનારા બેધડક જાહેર કરી ચૂક્યા છે કે ઈશ્વર નથી જ. તમે ઈશ્વરમાં માનો કે ન માનો તેથી ખરેખર ઈશ્વર હોય તો તેને કંઈ ફરક પડતો નથી. હું જાહેર કરું કે ગુરુત્વાકર્ષણમાં, વીજળીમાં, પ્રકાશમાં, અણુશક્તિમાં, પ્રાણવાયુમાં, સૂર્યમાં કશામાં માનતો નથી! તમે આ બધામાં ન માનો તો જેમ એ બધી શક્તિઓને તેથી કંઈ ફરક પડતો નથી તેમ તમે ઈશ્વરમાં માનો કે ન માનો તેમાં તેને કંઈ ફરક પડતો નથી. ઈશ્વર છે કે નહીં તે બાબત છેવટે મનુષ્યની શ્રદ્ધાની જ છે. તેના લાખ પુરાવા કોઈ આપે તો પણ તમે માનવા નહીં ઇચ્છો તો એ પુરાવા તમને ગળે જ નહીં ઊતરે. જે માને છે તેને સર્વત્ર પુરાવા જ દેખાય છે. જે ઈશ્વરમાં નથી માનતા તેમને કશું જ પુરાવારૃપે દેખાતું નથી.

માણસ માટે સૌથી મહત્ત્વનો સવાલ માણસમાં અને માણસાઈમાં માનવાનો છે. છેવટે આપણે જેને ધર્મનું નામ આપીએ છીએ એ બધા જ નિયમો તો મનુષ્યના જીવનની રક્ષા માટેના, તેના વિકાસ માટેના અને તેના જીવનની સાર્થકતા માટેના છે. આજે પર્યાવરણવાદીઓ કહે છે કે વૃક્ષોની રક્ષા કરો, ભૂમિની રક્ષા કરો, ઊર્જાના સ્ત્રોતોની રક્ષા કરો, ઊર્જાને દૂષિત ન કરો, પૃથ્વીના વાતાવરણને દૂષિત ન કરો, હવા-પાણીને દૂષિત ન કરો, સ્વચ્છતા રાખો, જીવન પ્રત્યે આદર કેળવો, સહિષ્ણુતા કેળવો, ઉદારતાથી વર્તો, હૃદયમાં દયાભાવ રાખો, હિંસા ન કરો – બધું કોના માટે છે? જે આ ધર્મની રક્ષા કરે છે તેની રક્ષા ‘ધર્મ’ કરે છે. ઈશ્વરને વચ્ચે રાખ્યા વગર પણ આ વાત કોઈ પણ સમજી શકે છે. આસ્તિક અને નાસ્તિક બેમાંથી કોઈ તેનો વિરોધ કરી નહીં શકે, કેમ કે પૃથ્વી ઉપર મનુષ્યે રહેવું હોય, જીવવું હોય, શાંતિથી-સુખેથી રહેવું હોય, જીવનને માણવું હોય, કાંઈક પરાક્રમ પણ કરી બતાવવું હોય, મનુષ્યજીવનને સાર્થક કરવું હોય તો આ બધું લક્ષમાં લેવું જરૃરી છે. નહીંતર પૃથ્વી ઉપર હિંસા, અત્યાચારો અને જીવનનો નાશ કરે તેવાં બળોની જ બોલબાલા જોવા મળે. આજે દુનિયાભરની સરકારો પર્યાવરણની રક્ષાની હિમાયત જ નહીં, આગ્રહ કરે છે. માનવજાતના સંહારનાં શસ્ત્રોના નિષેધની વાત કરે છે, કોઈ પણ સ્વરૃપના ત્રાસવાદનો વિરોધ કરે છે, માનવહક્કોની વાત કરે છે – શું કામ ભલા? આ તો માણસના ભવિષ્યની અને સંસ્કૃતિના ભવિષ્યની રક્ષાની જ વાત છે. તમને ઈશ્વરની જરૃર ન લાગે તો ઈશ્વરને વચ્ચે ન લાવો, પણ માણસ અને માનવતાને તો તમારે આખી વિચારણાના કેન્દ્રમાં રાખ્યા વિના છૂટકો નથી.

તમે ઈશ્વરમાં ન માનો તો પણ તમારે બીજા કોઈ અમર તત્ત્વમાં માનવું પડશે, કેમ કે આ પૃથ્વી પરની જીવનરક્ષક અને જીવનપોષક વ્યવસ્થા, સૂર્ય અને ચંદ્ર સાથેનો પૃથ્વીનો સંબંધ આ બધું જ કશા જ ‘આશય’ કે ‘યોજના’ વગરનું માત્ર કોઈક આકસ્મિકતામાંથી, કોઈક અરાજકતામાંથી કે અંધાધૂંધ પ્રકૃતિના બળથી જ ઉદ્ભવ્યું હશે એવું માનવાનું મન કોઈ સામાન્ય બુદ્ધિના માણસને પણ ન થાય.

શું આ સંસારમાં કોઈ અમર તત્ત્વ જ નથી? ઈશ્વરને જોઈએ તો બાજુએ રાખો – જીવનશક્તિનું કોઈક અમર તત્ત્વ છે કે નથી? ધર્મની વાત ભલે ન માનો, પણ વિજ્ઞાનની વાત સાચી માનો છો ને? દરેક જીવંત કોષમાં, તેના કેન્દ્રમાં ન્યુક્લિયસમાં ‘ડીએનએ’ – ડીઓક્સિરિબોન્યુક્લિક એસિડ છે. ‘ડીએનએ’ તમામ જીવનમાં એક ‘માસ્ટર મોલેક્યુલ’ છે. વિજ્ઞાની આલ્બર્ટ રોઝેનફેલ્ડ કહે છે ઃ ‘આ પૃથ્વી ઉપર બધું જ જીવન આ ડીએનએમાંથી ઉદ્ભવ્યું છે.’ ડીએનએ કરોડો વર્ષ જૂનું છે – પણ તે ઘરડું થતું નથી! ડીએનએ એક જ એવું તત્ત્વ આ વિશ્વમાં છે જેની પાસે તેની સંપૂર્ણ ‘અમરતા’ની ચાવીનો ભેદ છે. જીવનકોષો વૃદ્ધ થાય છે અને મરી જાય છે, પણ ડીએનએ માતાનાં ઈંડાંમાં અને પિતાના શુક્રાણુમાં જાતે જ પુનર્જીવન પ્રાપ્ત કરી લે છે! રોઝેનફેલ્ડ કહે છે ઃ ‘સાપ કાંચળી ઉતારી નાખે તેમ તે મનુષ્યશરીરને ત્યાગે છે અને નવી ઉત્પત્તિ દ્વારા પોતાનું જીવન આગળ ધપાવે છે.’

ધર્મના નામે જેઓ મનુષ્યો ઉપર પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવા માગે છે, મનુષ્યોની શ્રદ્ધાનું શોષણ પોતાના આધિપત્ય અને વૈભવ માટે કરે છે તેવા માણસો જ ધર્મનું નામ આગળ કરીને વિજ્ઞાનનો વિરોધ કરે છે. વિજ્ઞાન પણ છેવટનું સત્ય શોધવા માગે છે અને ધર્મ તો કહે છે કે સત્ય એ જ પરમેશ્વર છે. એ વાત સાચી છે કે ભૂતકાળમાં ઈશ્વરના નામે અને ધર્મના નામે સંગઠિત ધર્મના સંચાલકોએ વિજ્ઞાનનો વિરોધ કરવામાં પાછીપાની કરી નથી, પણ આ તો મનુષ્યના સ્વભાવની જ એક મર્યાદા છે – તે પરિવર્તન સામે ખચકાય છે, તેણે માની લીધેલી ‘સ્થિરતા’નું ધોવાણ થઈ જવાનો ડર તેને લાગે છે. કાંઈક ‘નવું’ આવે છે ત્યારે માણસ તેનો વિરોધ કરે છે, તેના વિશે શંકાઓ ઉઠાવે છે અને પછી તેનું લાભકારક સ્વરૃપ તેને દેખાય એટલે તેને અપનાવી લે છે.

આચાર્ય વિનોબા ભાવેએ એકવાર એવી મતલબનું વિધાન કર્યું હતું કે એક એવો દિવસ આવશે જ્યારે ધર્મ અને વિજ્ઞાન એક જ ભાષામાં વાત કરતાં હશે. વિનોબાજીની આ વાત સાચી પુરવાર થાય તેવાં અનેક ચિહ્નો ક્યારનાંય પ્રગટી ચૂક્યાં છે.
—————————.

પંચામૃતભૂપત વડોદરિયા
Comments (0)
Add Comment