ગાંડો બાવળ તો  ખરેખર ‘ડાહ્યો’ છે

ગેસીફાયર પ્લાન્ટમાં ગાંડા બાવળની મદદથી વીજ ઉત્પાદન
  • પાંજો કચ્છ – સુચિતા બોઘાણી કનર

વર્ષો પહેલાં કચ્છમાં દરિયો અને રણ આગળ ન વધે તે માટે ઉગાડાયેલો ગાંડો બાવળ આજે ઉપજાઉ જમીન માટે સમસ્યા બની ગયો છે. લોકો તેને કાપવા અને હટાવવા લાગ્યા છે, પરંતુ જો ગાંડા બાવળનો યોગ્ય ઉપયોગ કરી શકાય તો તે રણ પ્રદેશની નજીકના, બેરોજગાર લોકો માટે આર્થિક ઉપાર્જનનો સારો સ્ત્રોત બની શકે તેમ છે. ગાંડા બાવળ નીચે કંઈ જ ઊગતું નથી એ માન્યતા આજથી ત્રીસેક વર્ષ પહેલાં કરાયેલા પ્રયોગોએ ખોટી સાબિત કરી હતી. આડેધડ ઉગનારા આ વૃક્ષમાંથી પશુઓ માટેનું ખાદ્ય બની શકે, માનવી માટે ઉત્તમ ઔષધ બની શકે, ખેતરના શેઢે વાડ કરી શકાય, ફર્નિચર, રમકડાં બની શકે. ગાંડા બાવળનો સૌથી મહત્ત્વનો ઉપયોગ તો તેમાંથી વિદ્યુત ઊર્જા ઉત્પન્ન કરવાનો છે. ગાંડા બાવળમાંથી બનાવેલા બિસ્કિટનો સ્વાદ તત્કાલીન રાજ્યપાલે પણ માણ્યો હતો.

ચોમાસામાં કચ્છમાં ભલે વરસાદ ઓછો પડે, પરંતુ જરા બે છાંટા પડે ને ધરતીએ લીલી ચૂંદડી ઓઢી હોય તેવી સુંદર દેખાય છે. જોકે આ લીલી ચૂંદડી મોટા, ઘટાદાર વૃક્ષોની નથી, તે છે ગાંડા બાવળની ઝાડીની. આજે કચ્છના ગામેગામના ખેડૂતો ગાંડા બાવળથી કંટાળી ગયા છે. ગમે ત્યાં ખેતર, બાગ બગીચા કે ગામડાંમાં, શહેરમાં ઊગી નીકળતી આ વનસ્પતિ અન્ય બીજી કોઈ વનસ્પતિને ઊગવા દેતી નથી. તે પોતાની જાતે જ ફેલાય છે અને ઉપજાઉ જમીનને ખેતી માટે બેકાર બનાવી દે છે. આ ઉપરાંત ગાંડા બાવળની શિંગો ખાવાથી ગાયોનાં મૃત્યુ થાય છે. આ વનસ્પતિના કારણે દેશી વનસ્પતિઓ ખતમ થઈ રહી છે. તેના કારણે જમીન પર ઘાસ પણ ઊગી શકતું નથી. અનેક ગૌચરની જગ્યામાં ગાંડો બાવળ જ ફેલાયેલો છે. આ હકીકત હોવા છતાં જો ગાંડા બાવળને સુયોનિયોજિત રીતે ઉગાડાય અને તેની યોગ્ય માવજત કરાય તો તે પણ સારામાં સારું આર્થિક વળતર આપી શકે તેમ છે. કચ્છમાં ત્રીસેક વર્ષો પહેલાં આ અંગેના પ્રયોગો થયા હતા. તે સફળ પણ થયા હતા, પરંતુ આ કામમાં વધુ શ્રમ હોવાથી કષ્ટસાધ્ય આર્થિક ફાયદો મેળવવા લોકો ઇચ્છા ઓછી કરતાં હોવાના કારણે સફળ થયેલા પ્રયોગો વ્યવહારમાં સફળ બની શક્યા ન હતા.

વનખાતાના તત્કાલીન અધિકારી સ્વ. હીરાચંદભાઈ લાલકા અને અબડાસા તાલુકાના કોઠારામાં આવેલા કચ્છ ફોડર, ફ્રૂટ એન્ડ ફોરેસ્ટ ડેવલપમેન્ટ ટ્રસ્ટના તત્કાલીન ચૅરમેન કુલીનકાંતભાઈ મોમાયા, માંડવીની સંસ્થા વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, વગેરેએ આ અંગે ઘણા પ્રયોગો કર્યા હતા અને ગાંડો બાવળ હકીકતમાં ગાંડો નથી, પરંતુ ‘ડાહ્યો’ છે તથા તે કઈ રીતે વધુ ઉત્પાદક બની શકે તે પ્રયોગોની મદદથી સાબિત કર્યું હતું. ગેસીફાયર પ્લાન્ટમાં ગાંડા બાવળની મદદથી વીજ ઉત્પાદન પણ કર્યું હતું.

કુલીનકાંતભાઈ મોમાયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘રણ અને દરિયાની રેતી વધુ ન ફેલાય તે માટે સરકાર દ્વારા ગાંડા બાવળનું ઉત્પાદન કરાયું હતું, પરંતુ પછી લોકોને આ બાવળ ઉપયોગીના બદલે વિનાશકારી લાગ્યો હતો. મારા પ્રયોગોના અનુભવો મુજબ જો તેને સારી રીતે ઉગાડતા અને માવજત કરતા આવડે તો ગાંડો બાવળ પણ સારું ઉપાર્જન આપી શકે છે. મારા ૩૦૦ એકરના ખેતર પર અમે અનેક પ્રયોગો કર્યા હતા. જો બેરોજગાર લોકોને રોજી આપવા માટે થોડું આયોજન આ દિશામાં કરવામાં આવે તો તે રોજગારીનો ઉત્તમ વિકલ્પ બની શકે તેમ છે. હાલમાં તેને પર્યાવરણને નુકસાન કરનારો કહેવાય છે, પરંતુ આયોજનથી તે પર્યાવરણને જાળવવામાં મદદગાર સાબિત થઈ શકે.’

ગાંડા બાવળને વૈજ્ઞાનિક ભાષામાં પ્રોસોપિસ જુલીફ્લોરા કહેવાય છે. તે પોતાની જાતે સતત ઊગી શકે છે. પાણી વગર પણ સામાન્ય રીતે તમામ પ્રકારની જમીનમાં ઊગી શકે છે. તે રેતીને અને રણને આગળ વધતું અટકાવે છે. તેના આ ગુણો જોઈને જ ૧૯૫૦ની આસપાસ સત્તાધીશોએ ગાંડો બાવળ ઉગાડવો શરૃ કર્યો હતો, પરંતુ ગાંડો બાવળ એક વખત ઉગાડ્યા પછી તેના પ્રત્યે કોઈએ ધ્યાન આપ્યું નહીં તેના કારણે તે આડેધડ વધ્યો અને દેશી વનસ્પતિ પર આક્રમણ કર્યું.

એક માન્યતા છે કે ગાંડા બાવળની નીચે કંઈ ઊગી શકતું નથી, પરંતુ કચ્છ ફોડર, ફ્રૂટ એન્ડ ફોરેસ્ટ ડેવલપમેન્ટ ટ્રસ્ટે આ માન્યતાને ખોટી સાબિત કરી હતી. કુલીનકાંતભાઈના ખેતર પર ૩૨ પ્લોટના શેઢા પાળા પર રક્ષણાત્મક વૃક્ષ- વાડ  તરીકે એક જ લાઇનમાં ગાંડો બાવળ વાવ્યો હતો. શરૃઆતમાં નિયમિત રીતે તેની પ્રમાણસર કાપણી કરીને આ વાડને ઊંચી કરી હતી. વાડ સારા પ્રમાણમાં ઊંચી થયા પછી બે ફૂટનું અંતર છોડીને શાકભાજી, ઘઉં, બાજરો એમ અલગ-અલગ પ્રકારનું વાવેતર કર્યું હતું. તમામ સારી રીતે ઊગ્યું હતું. ગાંડા બાવળમાં નાઇટ્રોજન ફિક્સેશન વધુ પ્રમાણમાં થાય છે. તેનો ફાયદો તેની નજીક વવાયેલા પાકને થયો હતો. આમ ગાંડા બાવળની નીચે કંઈ ઊગી શકતું નથી, એ માન્યતા ખોટી સાબિત થઈ હતી.

ગાંડા બાવળની ફળીઓના ઉપયોગથી પશુ આહાર તો બને જ છે ઉપરાંત અનેક આયુર્વેદિક દવાઓ પણ બની શકે છે. પગ અને ઘૂંટણના દુઃખાવા પર તો અક્સીર સાબિત થાય છે. બિયાં કાઢીને ફળીમાંથી બનેલા પશુ આહારમાં ખૂબ સારા પ્રમાણમાં પ્રોટીન હોવાથી પશુઓ માટે આ આહાર ફાયદાકારક છે.

રાજ્ય સરકારના ઊર્જા વિકાસ નિગમના સહયોગથી કોઠારામાં કચ્છ ફોડર, ફ્રૂટ એન્ડ ફોરેસ્ટ ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા અબડાસા તાલુકાના કોઠારા પાસે ગેસીફાયર પ્લાન્ટ સ્થપાયો હતો. તેમાં બાવળની નાની-નાની અને અંગૂઠા જેટલી જાડી ડાળીઓ વાપરીને ઊર્જાનું નિર્માણ કરાતું હતું. આ વિદ્યુત ઊર્જાથી જનરેટર પણ ચલાવાતું હતું. જોકે આ કાર્ય પ્રયોગાત્મક રીતે જ થયું હતું. ચાર વર્ષ સુધી આ પ્લાન્ટ સફળતાપૂર્વક ચાલ્યો હતો, પરંતુ પાછળથી તે મેઇન્ટેનન્સના અભાવે બંધ પડી ગયો હતો. આવા પ્લાન્ટ કચ્છના દરેક તાલુકામાં સ્થાપવા માટે કેન્દ્ર સરકારે દસેક કરોડ ફાળવ્યા પણ હતા, પરંતુ આખો પ્રોજેક્ટ આગળ વધ્યો જ નહીં.

ઉપરાંત આ કે.એફ.એફ.એફ.ડેવ. ટ્રસ્ટ દ્વારા ગાંડા બાવળના લાકડાંમાંથી ફર્નિચર અને રમકડાં પણ બનાવાયાં હતાં, પરંતુ આજે લોકો ગાંડા બાવળનો મોટા ભાગે બળતણ કે કોલસા બનાવવા માટે ઉપયોગ કરે છે. તેથી તેના સુયોગ્ય ઉપયોગ તરફ આગળ વધવામાં કોઈને રસ ન રહ્યો.

માંડવીની સંસ્થા વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર માવજીભાઈ બારૈયાએ જણાવ્યું હતું કે, ‘વર્ષ ૧૯૮૭-૮૮માં જ્યારે ભારે દુષ્કાળ પડ્યો હતો ત્યારે ગાંડા બાવળની ફળીમાંથી બીજ કાઢીને પશુઓ માટે ખાદ્ય બનાવવાનું શરૃ કરાયું હતું. ફળીમાંથી બનતો પાવડર ભરપૂર પ્રોટીનવાળો હોવાથી તેને બીજા ખાણદાણમાં ભેળવીને પશુઓને ખવડાવાતો. સંસ્થાએ આ યુનિટ ૧૯૯૦-૯૨ સુધી નિભાવ્યું હતું. પછી ફળી મળવાનું ઘટી જતાં યુનિટ બંધ કરવું પડ્યું હતું. જોકે આજે પણ આવા પ્લાન્ટ રાપર, અબડાસા તાલુકામાં ચાલે છે, પરંતુ બહુ જ ઓછી સંખ્યામાં. ફળીના પાવડરમાં ગ્લુકોઝનું પણ ખૂબ સારું પ્રમાણ હતું. તેના બિસ્કિટ પણ બનાવાયા હતા. તે સમયે અમારી સંસ્થાની મુલાકાતે આવેલા તત્કાલીન રાજ્યપાલ આર. કે. ત્રિવેદીને પણ આ બિસ્કિટ ખવડાવ્યા હતા. જ્યારે ગાંડો બાવળ મોટો થાય ત્યારે તેના લાકડાંમાં વચ્ચેનો ભાગ કાળા સીસમ જેવો બની જાય છે. આ લાકડું દેખાવ અને મજબૂતાઈમાં સીસમ જેવું જ હોય છે. કચ્છની એક સંસ્થા સૃજનના સહયોગથી આવા લાકડાંમાંથી ખુરશી, સોફા, સેટી જેવું ફર્નિચર બનાવાયું હતું. આ કામના કારીગરો ખૂબ ઓછા હોવાથી આ કામ મોટી સંખ્યામાં થઈ શકતું નથી. ગેસીફાયરમાંથી વીજળી ઉત્પન્ન કરતો એક પ્લાન્ટ ધોરડોમાં બનાવાયો હતો. આમ જો યોગ્ય ઉપયોગ કરી શકાય તો ગાંડો બાવળ ખૂબ ઉપયોગી પુરવાર થઈ શકે છે.’

ગાંડા બાવળમાં કાંટા હોવાથી કામ કરવાવાળાને ખૂબ તકલીફ થાય છે. ઉપરાંત તેમાંથી કોલસા બનાવવાની કામગીરીમાં ઓછી મહેનતે ઝટપટ પૈસા મળી જાય છે. જ્યારે તેના કાંટા અમુક કામ વખતે ભારે મુશ્કેલી પેદા કરતા હોવાથી કોઇમ્બતુરની ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ગાંડા બાવળની થોર્નલેસ મ્યુટન્ટ નામની પ્રજાતિ વિકસાવી હતી. જોકે હજુ કચ્છમાં આ નવી જાતિ પર વિશેષ કામ થયું નથી.

ગાંડો બાવળ આજે નડતરરૃપ લાગતો હોવા છતાં તે ખૂબ ઉપયોગી છે. તે રેતી કે દરિયાને આગળ વધતો અટકાવે છે. ઉપરાંત તેમાંથી પશુઓનું ખાદ્ય બને છે. આયુર્વેદિક દવાઓ અને બિસ્કિટ જેવી વસ્તુઓ પણ બને છે. ઉપરાંત જો થોડું વધુ રોકાણ કરી શકાય તો તેમાંથી વિદ્યુત ઊર્જા પણ મેળવી શકાય છે. આજે કોલસા બનાવવા માટે ગાંડા બાવળને કાપવા પર રાજ્ય સરકારે પ્રતિબંધ લાદ્યો છે, પરંતુ જો તેને યોગ્ય રીતે વવાય, ઉછેરાય અને તેની માવજત કરાય તો તે ખૂબ કામમાં આવી શકે છે.
——————

કચ્છનો ગાંડો બાવળપાંજો કચ્છ - સુચિતા બોઘાણી કનરવન્યસંપદા
Comments (0)
Add Comment