જિંદગી પ્રત્યેની પરિપૂર્ણ રસનિષ્ઠા એટલે જ કાલોઘેલો કૃષ્ણ

નવજાત પુત્રને શિર પર ધારણ કરી આ યમુના તેમણે મેઘલી રાતે પાર કરવાની આવશે તે કલ્પના પણ નહીં...

હૃદયકુંજ – દિલીપ ભટ્ટ

કૃષ્ણે પોતે જ પોતાના ભાવિ સંભવ અંગેનાં વચનો ઉચ્ચાર્યા હોવા છતાં એમનું એવું પુનરાવર્તન અસંભવ છે, એટલે જ દર વર્ષે એ સંભાવનાના સ્વપ્નને ઉછેરવા આપણે જન્માષ્ટમી ઉજવીએ છીએ…

મથુરાના રાજા કંસના દોષનું સ્મરણ કરવું કે વિષ્ણુના ગુણનું સ્મરણ કરવું એવી દ્વિધા જે દંપતીને નથી તે વસુદેવ-દેવકી પ્રતિક્ષણ દેવોના અનુરાગી બનીને ભગવાન વિષ્ણુના અખંડ સ્મરણમાં લયલીન છે. તેમને એ ભાન પણ નથી કે તેમના પર મહારાજ કંસ અને એના સેવકો કેવા કષ્ટ વિતાવી રહ્યા છે. બંધન છે, લોખંડી દરવાજા, હાથપગમાં બેડીઓ અને અંધકારમાં તેઓ પરમ તેજની ઉપાસના કરે છે. કંસ પાપાચારી છે, દુરાચારી છે, પરંતુ એની વિસ્મૃતિ છે અને વિષ્ણુ પરોપકારી છે એની સ્મૃતિ છે. પાપીઓ અને એમના પાપનું સ્મરણ મનુષ્યના પુણ્યનો ક્ષય કરે છે એ વસુદેવનું શાસ્ત્ર છે, એટલે તેઓ વિષ્ણુ સિવાય ઈહલોકનું કંઈ પણ સ્મરણ કરતા નથી કે એવું અનિષ્ટ સ્મરણ ચાહતા નથી. મનુષ્ય બંધનમાં હોય ત્યારે કે મુક્ત હોય ત્યારે જે કંઈ કરે છે તે તેનું ભવિષ્ય છે. જેઓ બંધન અને મુક્તિ બંનેમાં એક સમાન વર્તે છે તેઓ સજ્જન છે, સન્નારી છે અને કોઈ જાણે નહીં તેવા સાધુ છે. વસુદેવ અને દેવકી પરમતત્ત્વના પરમ ઉપાસક છે, તે એટલી હદ સુધી કે પરમતત્ત્વને પંચતત્ત્વના ઘાટે ઘડાઈને એમના ખોળે અવતરવાનું મન થાય છે.

આ દંપતીની મારા તરફની ભક્તિને એક નાજુક વળાંક આપીને વાત્સલ્યધારામાં ભીંજાઈ જાઉં તો કેમ? એવો વિચાર પારલૌકિક તત્ત્વને આવે એ વસુદેવ-દેવકીની ઝળહળ હયાતી છે. એક રંગ અને એક રાગ, રંગ હરિસ્મરણનો અને રાગ હરિશરણમ્નો! ભક્તિ મારગે વસુદેવ-દેવકીએ અભેદ અસ્તિત્વ સિદ્ધ કર્યું છે. તેઓનું દામ્પત્ય અને જીવન શતરૃપ નથી, એક રૃપ છે જેની પરિણતી શ્રીકૃષ્ણ જન્મ છે!

આ યમુનામાં વસુદેવે બાલ્યકાળે બહુ ક્રીડાઓ કરી છે. યમુનામાં ભીષણ મધરાતે પણ તેઓએ ઝંપલાવ્યું છે. યમુના જરા પણ વસુદેવ માટે અજાણી નથી. મિત્રો સાથે રમવા, વનરાવનમાં જવા મથુરાથી ગોકુળ અને પછી મોડેથી ગોકુળથી યમુના, વસુદેવ જતા-આવતા રહ્યા છે. નદીના તોફાની વહેણ, ઉત્તુંગ મોજાં સરીખા પ્રલયકારી પ્રવાહોમાં વસુદેવ રમતા-રમતા મોટા થયા છે, પરંતુ તેમને કદી કલ્પના પણ ન હતી કે નવજાત પુત્રને શિર પર ધારણ કરી આ યમુના તેમણે મેઘલી રાતે પાર કરવાની આવશે. પિતાની પૂર્વ તાલીમ, પૂર્વ કર્મો અને પૂર્વ સ્વાધ્યાય ક્યારેક પુત્રની જીવાદોરી હોય છે. પિતાની સજ્જતા, સંતાનોની જિંદગીના ભયાવહ પથમાં એક અજાયબ દૈવી સંપત્તિ બનીને આવે છે ને એને સંકટમાંથી ઉગારે છે. વસુદેવમાં બાહુબળ ઓછું નથી. મહારાજ કંસના બલિષ્ઠ અને વિદ્વાન મિત્રોમાં વસુદેવ અજોડ છે. બુદ્ધિ અને બળનો અજબ સમન્વય છે. બુદ્ધિ અને બળના સમન્વય વિના આવી અંધાર ઘેરી મધરાતે કોઈ યમુના પાર કરી શકે નહીં. પાર કરવાની વાત તો પછી છે, પૃથ્વી પરનો કયો પિતા નવજાત શિશુને લઈ આવી ઘૂઘવાટા કરતી વરસાદી નદીમાં ઊતરવાનું સાહસ કરે? એ સાહસિકતા વસુદેવમાં છે. કૃષ્ણને પણ આજીવન પિતાના ઘનઘોર વ્યક્તિત્વનું સ્વાભિમાન છે. વાસુદેવ સંબોધન એટલે જ એમને પ્રિય છે. એ જાણી સદા રાજસભાઓમાં એમને સમકાલીનોએ વાસુદેવ જ કહ્યા છે.

સન્મિત્ર હંમેશાં સામે કાંઠે હોય છે. મિત્રો વચ્ચે અંતર હોય છે, ક્યારેક પોરબંદરથી દ્વારિકા જેટલું અંતર હોય છે તો ક્યારેક મથુરા-ગોકુળ જેટલું અંતર હોય છે. પોતાના-સ્વઉદ્ધારનું એક સ્વપ્ન હવે ઉછેરવા-સોંપવા માટે વસુદેવ મથુરા જઈ રહ્યા છે. મિત્રના નિઃસ્વાર્થ સંબંધની હૂંફ પર એમને અમાપ વિશ્વાસ છે. વનરાવન વસુદેવને પ્રિય છે, ગોકુળના ગોપ-ગોપીઓમાં એમના અનેક મિત્રો છે. નંદ એક નવયુવાન અને પ્રેમાળ તથા નાનકડો રાજા છે, ગામના મુખીની જેમ ગોકુળની સંભાળ રાખે છે. નંદ પાસેથી શીખવા જેવું ઘણું છે ને કૃષ્ણને તો ઘણું સત્ત્વતત્ત્વ તથા વ્યવહારજ્ઞાન પણ ગોકુળમાં મળશે એવી પિતા વસુદેવને શ્રદ્ધા છે.

નંદનો તો અર્થ જ આનંદ છે. કૃષ્ણ તો સ્વયંમુક્ત છે, એમને બંધન શું અને મુક્તિ શું? કૃષ્ણ અને રામ બંને જીવનના પ્રખર પુરસ્કર્તાઓ છે. દેવો કે સજ્જનોના ચરિત્રમાંથી શીખવાનું એ જ છે કે તેઓ જિંદગીની પ્રત્યેક ક્ષણને કેટલો બધો રિસ્પેક્ટ આપે છે, એને કારણે જ તેઓ ઊંચા આરોહણો કરી શકે છે. કૃષ્ણ એટલે રમણીય વર્તમાન અને રામ એટલે વર્તમાનનું ગાંભીર્ય! બંનેને આપણે દેવો માનીએ છીએ, પરંતુ તેઓએ પોતપોતાના સમય સાથે જે રીતે કામ પાડ્યું એ જ આત્મસાત્ કરવા જેવું છે. દુર્લભ કહી શકાય એવી નિર્ણયશક્તિથી કૃષ્ણએ કામ કર્યું છે. શાસ્ત્રો કહે છે કે જેઓ આત્મા તરીકે વર્તે છે, તેઓ જ પરમાત્મા છે, એમને કોઈ અલગ ઈશ્વરની કે દ્વૈતની જરૃર રહેતી નથી, કારણ કે આત્મા જ છે જે ત્યાગ અને ભોગ બંનેથી અલિપ્ત છે. ત્યાગીઓ પણ ત્યાગમાં ફસાઈ જતાં હોય છે અને તેનાં દૃષ્ટાંતો સર્વ ધર્મનાં ધર્મક્ષેત્રોમાં છડી પોકાર કરતા જોવા મળે છે. આત્મતત્ત્વ એક વૈભવ છે જે કદાચ બંધ ખજાના જેવો છે.

શ્રીમદ્ ભાગવતમાં શુકદેવજીએ આ આત્મતત્ત્વનો આદર કર્યો છે, પરંતુ તેમણે પક્ષ તો રસનિષ્ઠ જીવનનો જ લીધો છે અને એટલે જ રસરાજ કૃષ્ણની જીવનલીલાનું સુમધુર ગાન કર્યું છે. જિંદગી પરત્વેની પરિપૂર્ણ રસનિષ્ઠામાંથી જ કૃષ્ણે ગીતા ઉદ્ઘોષિત તાત્ત્વિક સિદ્ધાંતોનું અમૃત તારવેલું છે. અનેક વિકલ્પો આપવા છતાં તેઓ પોતે અનન્ય ચાહના માટે અર્જુનને બોધ આપે છે. વૈષ્ણ સંપ્રદાય વાસ્તવમાં કૃષ્ણભક્તિ પ્રત્યેની અનન્યતાનો જ આવિષ્કાર છે. માત્ર પરમતત્ત્વ જ નહીં. મનુષ્ય પણ એ માર્ગે સંસારની સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે.

કૃષ્ણે પ્રકૃતિની વચ્ચોવચ પોતાનો ઉછેર થવા દીધો છે. એને કારણે એમના વ્યક્તિત્વમાં જે મોહિની છે તે સર્વતોમુખી અને અદ્ભુત સૌંદર્ય વિધાનથી પરિપોષિત છે. કૃષ્ણની છટા મનુષ્યત્વના સર્વાધિક વિનિયોગનો પ્રાચીન પ્રયોગ છે, એમણે પોતે જ પોતાના ભાવિ સંભવ અંગેનાં વચનો ઉચ્ચાર્યા હોવા છતાં એમનું એવું પુનરાવર્તન અસંભવ છે એટલે જ દર વર્ષે એ સંભાવનાના સ્વપ્નને ઉછેરવા આપણે જન્માષ્ટમી ઉજવીએ છીએ!

રિમાર્ક – માત્ર પ્રજોત્પત્તિ માટે પ્રયોજવામાં આવતો કામ હું છું. – વિભૂતિયોગ, ગીતા
——————-

કવર સ્ટોરીદિલીપ ભટ્ટ
Comments (0)
Add Comment