વિદેશની ધરતી પર ભારતની આંતરિક સ્થિતિની ચર્ચા ન થાય

નૈરોબીમાં અટલજીએ પોતાની 'અટલ' રાજકીય નીતિની વાત કહી

કવર સ્ટોરી – સુચિતા બોઘાણી કનર

નૈરોબીમાં કચ્છી ભારતીય સમુદાયને મળીને ચર્ચા કરતી વખતે અટલજીએ પોતાની ‘અટલ’ રાજકીય નીતિનો ખ્યાલ આપ્યો હતો. કચ્છમાં પાંચથી છ વખત આવેલા વાજપેયીજીએ ભૂકંપ પછી ભાંગેલા કચ્છને બેઠું કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે જાહેર કરેલા ટેક્સ હોલિ-ડેનો લાભ લઈને આવેલા ઉદ્યોગોએ આ સરહદી જિલ્લાની સિકલ ફેરવી નાખી છે.

આજે દેશના રાજકારણીઓ જ્યારે-જ્યારે વિદેશ પ્રવાસ કરે છે, ત્યારે-ત્યારે તેઓ દેશના રાજકારણની, દેશની પરિસ્થિતિની ચર્ચા ત્યાંના ભારતીય સમુદાયો સાથે જાહેરમાં કરે છે, પરંતુ અટલબિહારી વાજપેયી એ એક માત્ર એવા નેતા હશે જેમણે વિદેશની ધરતી પર દેશની આંતરિક સ્થિતિની કે દેશના રાજકારણની ચર્ચા કરવાની ઘસીને ના પાડી હતી. વાજપેયી પોતાની રાજકીય કારકિર્દી દરમિયાન તેઓ ૫થી ૬ વખત કચ્છ આવ્યા હતા. ભૂકંપથી ભાંગેલા કચ્છને બેઠું કરવા માટે તેમણે જાહેર કરેલા ટેક્સ હોલિ-ડેએ આ સરહદી જિલ્લાને નવજીવન આપ્યું હતું. તેમના સંપર્કમાં આવનારા લોકોના મનમાં આજે પણ તેમની

સ્મૃતિ ગઈકાલની ઘટના હોય તેટલી તાજી છે. અલગ-અલગ પ્રસંગે કચ્છ આવીને પોતાના શાલીન વ્યક્તિત્વથી કચ્છના લોકોને આંજી નાખનારા અટલજી સર્વપ્રથમ વખત ૧૯૯૮માં કચ્છ સત્યાગ્રહ થકી કચ્છીઓની લાગણીને વાચા આપવા અને દેશની આંતરરાષ્ટ્રીય છબી ન ખરડાય તેવા બહાનાસર પાકિસ્તાનને તાસક પર ધરીને ભેટ ધરાયેલા કચ્છના ૩૫૦ ચો. માઈલ (૯૧૦ ચો. કિ.મી.) વિસ્તારને પરત મેળવવાની માગણી કરવા કચ્છ આવ્યા હતા. ત્યારથી તેઓ અવારનવાર કચ્છ આવતા હતા. તો કચ્છીઓને જ્યારે વિદેશની ધરતી પર મળ્યા હતા ત્યારે તેમણે પોતાની આગવી રાજનીતિનો પરિચય આપ્યો હતો.

માધાપર નગર પંચાયતના માજી સભાપતિ ગોવિંદભાઈ ખોખાણી યાદોને વાગોળતા જણાવે છે કે, ‘જ્યારે આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલના ચુકાદાના કારણે ભારતને કચ્છનો મોટો ભૂભાગ પાકિસ્તાને સોંપવો પડ્યો હતો ત્યારે આ ચુકાદાનો વિરોધ કરવા અને ભારતીય ભૂભાગ પાકિસ્તાનને ન આપવાની માગણી સાથે અટલજીના માર્ગદર્શન અને વડપણ હેઠળ કચ્છ સત્યાગ્રહ શરૃ કરાયો હતો. જે માટે ૧૯૬૮માં અટલજી કચ્છ આવ્યા હતા. આ સત્યાગ્રહની જાહેરાત તેમણે દિલ્હીમાં કરી હતી. કચ્છમાં તે સમયે જનસંઘનું વધુ જોર ન હતું, મોટા ભાગના સત્યાગ્રહીઓ બહારથી આવ્યા હતા અને પછી શરૃ થયેલા જુવાળમાં કચ્છના લોકો પણ જોડાયા હતા. હું તે સમયે શિક્ષક હતો, પરંતુ નોકરીમાંથી રાજીનામું આપીને સત્યાગ્રહમાં જોડાયો હતો. તેમનાં પ્રવચનો સાંભળીને મારા જેવા અનેક કચ્છી યુવાનો લડતમાં જોડાયા હતા.

ત્યાર પછી વર્ષ ૧૯૭૯થી ૮૨ દરમિયાન હું જ્યારે નૈરોબી હતો ત્યારે ત્યાં વિદેશપ્રધાનની રૃએ આવેલા અને સફારી સૂટમાં સજ્જ થયેલા વાજપેયીજીને લોકોએ ભારતની સ્થિતિ વિશે વાત કરવા કહ્યું હતું, પરંતુ તેમણે વિદેશની ધરતી પર દેશની કોઈ આંતરિક સ્થિતિની ચર્ચા ન કરાય તેવું કડક સ્વરે જણાવીને પોતાની રાજનીતિ સ્પષ્ટ કરી હતી. ત્યાર બાદ વર્ષ ૧૯૮૪ની આસપાસ કચ્છમાં વિધાનસભાની ચૂંટણી પ્રચારાર્થે આવેલા અટલજીનું માધાપર ગામના લોકોએ રાત્રીના સમયે ભવ્ય સ્વાગત કર્યું હતું. તે વખતે મને માધાપરની રાજકીય સ્થિતિ વિશે પૂછ્યું હતું. છેલ્લે ૨૦૦૫ પછી જ્યારે તેઓ રાજકારણમાંથી દૂર થઈ ગયા હતા અને ધીરે- ધીરે તેમનું આરોગ્ય કથળતું જતું હતું ત્યારે તેમના છેલ્લી વખત મેં દર્શન કર્યા હતા.’

આવી જ યાદોની વાતો કરતાં માજી ધારાસભ્ય અને નર્મદા નિગમના ડાયરેક્ટર મુકેશભાઈ ઝવેરી કહે છે, ‘હું જ્યારે નાની વયે વિધાનસભાની ચૂંટણી પહેલી વખત લડતો હતો ત્યારે ૧૯૮૪માં મારા પ્રચારાર્થે વાજપેયીજી કચ્છ આવ્યા હતા. તેમણે મારો ભાષણ આપતી વખતનો ડર દૂર કરવા હિંમત બંધાવી હતી અને કહ્યું હતું કે, ‘તુમ હિંમત કરો. આરામ સે બોલો. મૈં બૈઠા હૂં ના, સંભાલ લૂંગા.’ તેમની આ વાતથી મને હિંમત આવી અને મારી પહેલી મોટી સભામાં હું વ્યવસ્થિત રીતે બોલી શક્યો. મારું ભાષણ પણ સારું થયું હતું. તેમણે મને રાજીવ ગાંધીની લહેર હોવાથી કેવી રીતે જીતશો? એેવું પૂછ્યું હતું. મેં તેમને જ્ઞાતિઓનું ગણિત સમજાવ્યું હતું અને આશા વ્યક્ત કરી હતી કે હું નવો હોવા છતાં લોકો મને ચૂંટશે. જોકે ચૂંટણી પરિણામોમાં મારી આ આશા ઠગારી નિવડી હતી. આ વખતે કચ્છ આવેલા સ્વાદ પ્રેમી અટલજીને કચ્છી થાળી પીરસાઈ હતી. જે તેમણે મનભરીને માણી હતી.’

માજી સાંસદ પુષ્પદાનભાઈ ગઢવીને અટલજીની સાહિત્ય પ્રીતિનો પરિચય થયો હતો. તેમણે જૂની યાદોને તાજી કરતાં જણાવ્યું કે, ‘અટલજીની ત્રણે સરકારમાં હું સાંસદ હતો. એક વખત ભાજપના સાંસદોની બેઠકમાં તેમણે કહેલા શબ્દો મને જીવનભર યાદ રહ્યા છે, ‘આપ લોગ લાખોં લોગોં કે પ્રતિનિધિ કે રૃપમેં ચૂન કે દિલ્હી આયે હો. યહ દિલ્હી મોહમયી નગરી હૈ. કઇ યહાં સત્તા કે મોહમેં ફિસલ ગયે હૈ. આપ લોગ સંભલ કે ચલના.’ આ ઉપરાંત ભૂકંપ પછી જ્યારે તેમને મળવા અમે દિલ્હી ગયા હતા ત્યારે તેમણે ‘અનેક લોગોં કી જાનેં ગયી હૈ, ઉસકે લીયે તો કુછ કર નહીં સકતે પર કચ્છ જો થા ઉસસે બહેતર, સવાયા જરૃર બનાયેંગે.’ ત્યાર બાદ તેમણે કચ્છ માટે ટેક્સ હોલિ-ડે જાહેર કરીને આ જિલ્લાની સિકલ ફેરવી નાખવા માટેનું મહત્ત્વનું પગલું ભર્યું હતું. તેમના નજીકના એવા જશવંતસિંહજીના પ્રયત્નોથી અમે દિલ્હીમાં ડિંગલ (ચારણ) સાહિત્ય શોધ સંસ્થાનની સ્થાપના કરી હતી. તેના ઉપલક્ષમાં ચારણી સાહિત્યના ખૂબ મહત્ત્વના એવા ચાર હસ્તલિખિતોને ગ્રંથસ્વરૃપે હિન્દીમાં પ્રસિદ્ધ કર્યા હતા. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં વાજપેયીજી આવ્યા હતા અને ચારણી કવિઓ, કવિતાઓ, કચ્છની વ્રજભાષા પાઠશાળા વગેરે વિશે ખૂબ ચર્ચા કરી હતી. ત્યાર પહેલા ૧૯૮૭ના દુષ્કાળ વખતે પણ સંસદના વિરોધ પક્ષના નેતા તરીકે તેઓ કચ્છમાં આવ્યા હતા અને નથ્થરકુઇ ગામના દુષ્કાળરાહતનાં કામો જોવા ગયા હતા. ભૂકંપ પછી કચ્છ આવેલા અટલજીને માંડવીના શિવજીભાઈ ફોંફડીએ બનાવેલું વહાણનું મોડેલ ભેટ આપ્યું હતું.’

આવી જ યાદ વાગોળતા કચ્છના જૂની પેઢીના પત્રકાર ચંદ્રવદનભાઈ પટ્ટણી કહે છે, ‘કચ્છ સત્યાગ્રહ વખતે જ્યારે વાજપેયીજી કચ્છ આવ્યા ત્યારે ભીડના આઝાદચોકમાં તેમની જબ્બર સભા થઈ હતી. ખાવડાથી તેઓ સત્યાગ્રહીઓ સાથે પગે ચાલ્યા હતા. ૧૯૮૫માં ચૂંટણી પ્રચાર વખતે તેઓ જ્યારે આવ્યા ત્યારે મેં આકાશવાણીના પત્રકાર તરીકે તેમની પત્રકાર પરિષદમાં હાજરી આપી હતી. તેઓ ૧૯૯૮માં કંડલામાં આવેલા વાવાઝોડાગ્રસ્તોના આંસુ લૂછવા પણ આવ્યા હતા અને સૌથી વધુ અસરગ્રસ્ત ઝૂંપડપટ્ટીના રહેવાસીઓની રજૂઆતો સાંભળી હતી અને તેમને આશ્વાસન આપવા માટે ટૂંકું સંબોધન પણ કર્યું હતું.’
—————

અટલ બિહારી વાજપેયીપાંજો કચ્છ - સુચિતા બોઘાણી કનરશ્રદ્ધાંજલિ
Comments (0)
Add Comment