‘ઈતના કાફી હૈ અંતિમ દસ્તક પર ખુદ દરવાજા ખોલેં !’

ભારત વર્ષની સેંકડો મહિલાઓએ રાખડી મોકલી હતી

કવર સ્ટોરી

અટલબિહારી વાજપેયીની ઓળખ કેવળ રાજનેતા તરીકેની, પ્રચંડ ભીડ જમાવતા લોકપ્રિય વક્તાની અને પૂર્વ વિદેશમંત્રી કે પછી કવિ તરીકેની, માત્ર ? આ તો તેમની બહુખ્યાત ઉપલબ્ધિ છે, રોજબરોજ અખબારોના પાને કે ટેલિવિઝનના પરદા પર અને જનસભાઓમાં તેનો પ્રત્યક્ષ પરિચય થઈ જાય છે, પણ એક અટલજી અંતરતમના ઉજાશ સાથે જીવનયાત્રાનાં પગલાં માંડે છે, એ પણ એમનું દૈનંદિન સ્વરૃપ છે ઃ પ્રચંડ ભીડમાં એકાંતિક બની જતા અટલજીનો ચહેરો નિહાળ્યો છે ? ગપગોષ્ઠિમાં એ વળી અલગ મિજાજથી વર્તે છે. કોઈ શાંતપ્રશાંત પળે સમંદર કિનારે કે પોતાના જ નીરવ કમરામાં તેમની કલમ સળવળે છે ‘ને કવિતા રચાય છે. નિજ કવિતાનું પઠન ક્યારેક અમારી બેઉની વાતચીત વચ્ચે, ક્યારેક કવિસભામાં તો વળી ક્યાંક એકાદ પંક્તિનું અવતરણ પત્રકારો સાથેની ગોષ્ઠિમાં માણ્યું છે.

કટોકટી કાળમાં નવી દિલ્હીની ઓલ ઇન્ડિયા મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં નજરકેદની સ્થિતિમાં સારવાર લઈ રહ્યા હતા ત્યારે ભારત વર્ષની સેંકડો મહિલાઓએ રાખડી મોકલી હતી ઃ પોલીસનો બંદોબસ્ત એવો કે કોઈને તેમની પાસે જવા દેવામાં ના આવે ! આખો દિવસ વાજપેયી રાખડી ન બંધાતા ભૂખ્યા બેસી રહ્યા હતા, ગમગીન અને આક્રોશિત ! આ ઇન્સ્ટિટ્યૂટમાં આવ્યા તે પહેલાં બેંગ્લુરુ જેલમાં અને અહીં છેક ટોચના માળે એકાંતિક શુશ્રૂષા કમરામાં, તેની નીચેની મંજિલ પરના કમરામાં શબઘર, જ્યાં દર્દીના મૃતદેહ પરના સ્વજનોનું હૈયાફાટ રુદન અટલજીને સંભળાય, કવિ હૃદય હલબલી ઊઠ્યું ને તેમણે ગીત લખ્યું ઃ ‘દૂ…ર કહીં કોઈ રોતા હૈ !’

આ વરિષ્ઠ રાજનેતાને મેં અવિશ્રાન્ત જોયા છે, ટ્રેનમાં, મોટરકારમાં, હેલિકોપ્ટરમાં. શરૃઆતનાં વર્ષોમાં એક મોટરકારની માંડ વ્યવસ્થા થઈ હોય, તેમાં આખા ગુજરાતમાં ફરવાનું. ૧૯૭૪ની એવી સફરમાં મોડી રાત્રે પણ સભાઓ રહે. કુતિયાણાના પાદરમાં એવી એક સાયંસભા પછી અટલજીએ મને પૂછ્યું હતું ઃ ‘જ્યારે સભા ચાલુ હતી, પશ્ચિમે રક્તિમ સૂર્યનો અસ્ત સુંદર હતો… નિહાળ્યો હતો ?’ અંજારમાં તેમજે જેસલતાળી-રાણીની જીવનકથાનું સ્મરણ કર્યું હતું.

અને અમદાવાદની, પ્રચંડ સભામાં જયપ્રકાશ નારાયણે એક જ વાક્યમાં અટલજી વિશે સંપૂર્ણ આદર વ્યક્ત કરી દીધો ઃ ‘અબ મૈં ક્યા બોલું ? અટલજી કી જિહ્વા પર સાક્ષાત્ સરસ્વતી બસી હુઈ હૈ !’ લોકસભાની પાટલી પર જોગાનુજોગ નિકટ બેઠેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી સાથેના ચિઠ્ઠીપત્રી વિનિમયમાં પેલી કવિતાએ સ્થાન મેળવ્યું હતું. ‘મેરા તેરા શીશે કા ઘર, ફિર કયૂં દોનો કો હાથ મેં પત્થર, મૈં ભી સોચું, તૂં ભી સોચ !’ ગ્વાલિયરમાં જ્યારે લોકસભાની ચૂંટણીમાં પરાજિત થયા તો તેમણે એક ઓર કાવ્યપંક્તિ યાદ કરેલી ઃ ‘ક્યા હાર મેં, ક્યા જીત મેં, કિંચિત્ નહિ ભયમીત મૈં, જીવનપથ પર જો મિલા, યહ ભી સહી, વહ ભી સહી !’ ૧૯૭૪ની દિલ્હીની જનસંઘસભામાં જ્યારે જયપ્રકાશ નારાયણની ઉપસ્થિતિમાં તેમણે ભગવદ્દગીતામાંથી લાલસામુક્તિનો શ્લોક ઉચ્ચાર્યો ત્યારે મંચ પર બેઠેલા જે.પી.ના ભાવવિભોર ચહેરાનું આજેય સ્મરણ એવું ને એવું છે.

નવી દિલ્હીના ૬, રાયસી માર્ગ પરના તેમના નિવાસે જ નહીં, દેશ-પરદેશમાં તેમની આસપાસ ટોળાં વળે છે ઃ સમર્થકોનાં, પ્રશંસકોનાં, કાર્યકર્તાઓનાં, યુવકોનાં, અપેક્ષાર્થીઓનાં. હમણાં દ.ભારતના સુદૂર ગામડામાંથી શિક્ષિત અપાહીજ યુવાન ડી. રવિ પહેલીવાર અટલજીને મળવા આવ્યો હતો. તંત્રના ચક્કરમાં તેનો ઘરપરિવાર ધ્વસ્ત થઈ રહ્યો હતો. એટલે આશા હતી કે એકમાત્ર અટલબિહારી વાજપેયી જ તેમનો હાથ પકડશે ! કદી ક્યાંય જોયા ન હોય, મળ્યા ન હોય એવા યુવકો આંખમાં આશાનું કાજળ આંજીને આવે છે… આને શું કહેવું ઃ નેતૃત્વમાં વિશ્વસનીયતા કે વ્યક્તિત્વમાં શ્રદ્ધેયતા ?

સાથી સ્વજનોની સૌથી નાનકડી સભ્ય નેહાની સાથે અટલજી રમે છે, લોંજમાં થોડું ઘણું દોડે-દોડાવે છે, નેહા ડિંગો પણ બતાવશે ઃ ‘જોયુંને, તમને પકડી લીધા !’ પુસ્તકો અને ફાઈલોથી લદાયેલા કમરામાં ટેલિફોનની ઘંટડી રણકે છે ઃ રાષ્ટ્રપતિભવનથી માંડીને વિદેશી રાજદૂતો સુદ્ધાના ફોન. આની વચ્ચે ધસમસતો દોડીને પગ પાસે બેસી જાય છે, પ્રિય શ્વાન ! વાતચીતની વચ્ચે જ અટલજીને સ્મરણ થઈ આવે કે મહેમાનો માટે અલ્પાહાર કેમ ના આવ્યો, તો સ્વયં જઈને પ્લેટ લઈને આવે ઃ ‘ઈસ મેં જયપુર કી કચૌડી હૈ, લો ખાઓ !’ કાવ્ય સંચયના વિમોચનમાં વડાપ્રધાન નરસિંહરાવે ભાવુક થઈને અટલજીની એક કાવ્યપંક્તિથી વ્યથિત થઈને કહ્યું હતું કે આવું તમે ના લખશો.

‘ઈતના કાફી હૈ અંતિમ દસ્તક પર ખુદ દરવાજા ખોલેં !’
આ સમારોહમાં સાહિત્યિક રાજદૂત એલ.એમ. સિંઘવીએ સાચું કહ્યું કે, વાજપેયી અધૂરા કવિ અને અધૂરા રાજનેતા નથી, સંપૂર્ણ રાજનેતા અને સંપૂર્ણ કવિ છે ! આ જ વાતનો પ્રતિધ્વનિ સંસદના સમિતિ-ભવનમાં યોજાયેલા અન્ય પુસ્તક ‘ફોર ડિકેડ્સ ઇન પાર્લામેન્ટ’ના લોકાર્પણ સમયે અધ્યક્ષ શિવરાજ પાટીલ અને ઉપાધ્યક્ષ શ્રીમતી નજમા હેપતુલ્લાએ પાડ્યો, કહ્યું કે, વાજપેયી અજાતશત્રુ છે, એમણે સંસદમાં કે સંસદની બહાર કહેલી વાત માત્ર આજની નહીં, આવતીકાલની પેઢી માટે પણ અનિવાર્ય બની રહેશે !

વાજપેયીજીની આ વિવિધ તરાહનું સંમિલન થાય છે તે સંવેદનશીલ, મૂઠી ઊંચેરા મનુષ્યની ભૂમિકાએ. એ ભૂલવા જેવું નથી કે તેનું જ પ્રતિરૃપ તેમની કવિતામાં છલકાય છે. એટલે, આ કવિતા તે અટલબિહારી વાજપેયીનો સાવ અલગ રીતે ઓળખાવી શકાય તેવો અંશ નથી. સમગ્ર વાજપેયીમાં વણાયેલી ધારા છે. આનંદ-વિષાદ, મિલન-વિદાય, ભીડ અને એકાંત, આદર્શનો જ્વાળામુખી ઃ વ્યક્તિજીવનના દરેક વળાંકે કોઈ ને કોઈ રીતે આવતી આ સંવેદનાઓથી કવિ અટલજીનો શબ્દદેહ રચાયો છે.

આમ સામાન્યતા અને ક્ષણિકતામાંથી શાશ્વતીને પામવાની પગદંડીના યાત્રિક છે અટલબિહારી !

એ સાચું છે કે વર્તમાન રાજકારણના સંઘર્ષશીલ માહોલની વચ્ચે વાજપેયીનું કવિસ્વરૃપ ઢંકાયેલું રહ્યું છે. જેમ અન્ય ભાષાઓમાં તેમ હિન્દીમાં પણ એક ઉન્નતભ્રૂ વિવેચકોનો વર્ગ છે, તે રાજનીતિમાં સક્રિય કવિઓની કવિતાનું મૂલ્યાંકન કરતો નથી. જાણે તે  ‘અછૂત કન્યા’ ન હોય ! વાજપેયીની કવિતાનું મૂલ્યાંકન હજુ સુધી સમગ્રતયા થવું જોઈએ તે થયું નથી. એટલે જ ઇચ્છા રહી કે સ્વયં અટલજી પોતાની કવિતાની રચનાપ્રક્રિયા વિશે કંઈક કહે ! એમ ઇચ્છવું સહેલું, પણ તેનું ક્રિયાન્વયન આજના ઝંઝાવાતી દિવસોમાં અસંભવ જેવું હતું. મેં તેમને કવિમિલનોમાં અને કેટલાક વ્યક્તિગત મેળાવડાઓમાં કોઈક વાર પઠન કરતા સાંભળ્યા છે. દિલ્હીમાં ભારતીય સાહિત્ય અકાદમીએ ડિસેમ્બર ૧૯૯૫માં ‘કવિ અને કર્તૃત્વ’નો કાર્યક્રમ યોજ્યો, તેમાં અનન્તમૂર્તિ, ભીષ્મ સાહની, પદ્મા સચદેવ અને દિલ્હીના સાહિત્યિકોની ઉપસ્થિતિમાં અટલજીનો પરિચય અકાદમીના મંત્રી ઇન્દ્રનાથ ચૌધરીએ આમ આપ્યો ઃ કહતે ભી હૈ, ફરિશ્તે સે બેહતર હૈ ઈન્સાં કા હોના !

અટલજીએ પોતાના જીવન પર અમીટ પ્રભાવ પાડનારાં નામો અને ગ્રંથો ગણાવ્યાં ઃ ઋષિ દયાનંદનું ‘સત્યાર્થપ્રકાશ’ અને સંત તુલસીદાસનું ‘રામચરિત માનસ’ ! તેમણે કહ્યું ઃ ભગવદ્ગીતા સાથે મારો વધુ સંબંધ અનુભવું છું, એ કેવળ યુદ્ધની નહીં, યુદ્ધને ટાળવાના અધિકતમ પ્રયાસોની પુરુષાર્થ કથા પણ છે…! મહાકવિ નિરાલાને ગ્વાલિયરની કૉલેજમાં લાવવા હતા, ડિસેમ્બરની કડકડતી ટાઢમાં રેલવે સ્ટેશનેથી એક ટાંગા (ઘોડાગાડી)માં, હોંશપૂર્વક યુવા અટલ અને મિત્રો લાવે છે. રસ્તામાં લક્ષ્મીબાઈનું સ્મારક આવે છે. તેની છાયામાં થરથરતી વૃદ્ધા પડી છે. નિરાલા ઝટ ઊતર્યા, પોતાનો કમ્બલ તેને ઓઢાડી દીધો… કવિતા અને વ્યવહારમાં ક્યાંય ફરક નહીં એ વાત અટલજીએ ભાવવિભોર બનીને સ્મરી.

અટલબિહારીને ‘બચ્ચન’ પસંદ પડ્યા છે. (‘મિટ્ટી કા તન, મિટ્ટી કા મન’ એ બચ્ચન-કવિતાની છાયા ‘હિન્દુ તનમન, હિન્દી જીવન !’માં દેખાય છે.) અમૃતલાલ નાગરને માણ્યા છે. રવિન્દ્રનાથ પ્રિય છે, પણ પ્રિયતર શરદબાબુ છે ! ‘વારંવાર વાંચું છું…. શરદનાં સ્ત્રીપાત્રો અદ્ભુત છે.’ કહીને તેમણે ‘દેવદાસ’માંથી એક ફકરો પણ વાંચ્યો હતો.

આ બધું સાંભળી લીધા પછી પણ જે શેષ હતું તે એમની કવિતાપ્રક્રિયાની પગદંડી. કઈ રીતે રચાઈ હતી આ કવિતાઓ? કઈ મનઃ સ્થિતિમાં અને જગ્યાએ? કારાવાસની રચનાઓ પણ એટલી જ સમૃદ્ધ છે, જેટલી બહાર કોઈ એકાન્તે લખાઈ હશે.
——————-

અટલ બિહારી વાજપેયીકવર સ્ટોરીશ્રદ્ધાંજલિ
Comments (0)
Add Comment