વ્યંગરંગ – શૉપિંગ કરવાનો લહાવો

'પેલી સાડી તમે ક્યાંથી લીધી?'

વ્યંગરંગ – કલ્પના દેસાઈ

શૉપિંગ કરવાનો લહાવો

‘પેલી સાડી તમે ક્યાંથી લીધી?’ સુગંધાબહેનને વિનીતાબહેનની સાડી બહુ ગમી ગઈ, એટલે સવારમાં જ એમણે વિનીતાબહેનને ફોન લગાવી દીધો.

‘કઈ સાડી? પેલી લગનમાં તે દિવસે પહેરેલી તે?’ વિનીતાબહેનને પણ બહુ સ્વાભાવિક છે કે સાડીનાં વખાણ ગમ્યાં, એટલે સવારના પહોરમાં આવ્યો હોવા છતાં, ફોન પર કે સુગંધાબહેન પર ગુસ્સો ન આવ્યો. એમણે તો સવારમાં જ, બહુ હોંશે હોંશે એમની સાડીકથા માંડી દીધી.

‘અરે, તમને શું વાત કરું? એ સાડી લેવામાં તો મારો આખો દિવસ પૂરો થયેલો. એક તો લગનમાં પહેરવાની સાડી લેવાની, એટલે જરા યુનિક જ લેવી પડે અને એક જ વાર લેવાની હોય એટલે ભલે ને થોડી મોંઘી હોય, પણ લેવી તો પછી બધાં જીવ બાળીને જોતાં જ રહી જાય ને મને ફોન પર પૂછીને જ રહે, એવી લેવી. વળી, દુકાન ખૂલે ત્યારે જ જો જઈએ, તો ભીડ પણ ઓછી હોય, દુકાનવાળાનાં મગજ પણ ઠંડાં હોય અને આપણને જોઈએ તેટલી સાડી નિરાંતે જોવા મળે. ઊભા રહો, તમને એ દુકાનનું નામ ને એડ્રેસ પણ આપું. તમને વાંધો ના હોય તો હું આવીશ તમારી સાથે સાડી લેવા. મને તો હવે એ લોકો બરાબર ઓળખી ગયા છે.’ (કેમ ન ઓળખે? આખો દિવસ તમે  એમના મગજનું દહીં કર્યું હશે તે.)

સુગંધાબહેનને મનમાં તો બહુ પસ્તાવો થયો, કે મેં સવારના પહોરમાં જ સાડી માટે કેમ ફોન લગાવી દીધો? ઘરમાં તો, રસોઈનો ટાઈમ થઈ ગયેલો અને ઘરનાં બધાં ઊંચાનીચા થતાં હતાં. ફોનમાં હા કે ના કહેવાનો તો ચાન્સ જ ન મળ્યો. પોતાની ભૂલ પર પસ્તાતા એ વિનીતાબહેનની સાડીકથા સાંભળી રહ્યાં.

‘મેં તો પહેલાં મારી રેન્જ એમને જણાવી દીધી એટલે જરા વટ પડે ને આપણને સારી જ સાડી બતાવે. પછી તો, એ લોકોએ બપોર સુધીમાં લગભગ આખી દુકાન મારી સામે ખાલી કરી દીધી(બાપ રે!), પણ મને તો કોઈ સાડી પસંદ જ ન આવે.(આટલું મોટું ગપ્પું? ભલા આખી દુકાનમાં તમે એકલા જ ગ્રાહક હતા?) મેં તો ફરીથી બધી સાડી જોઈ, ત્યારે આ તમને ગમી ને તે સાડી પસંદ કરી બોલો. એક જ ભારે સાડી લીધી, પણ એટલામાં તો, એ લોકોએ મને બે વાર ચા ને ત્રણ વાર કૉલ્ડ-ડ્રિન્ક પીવડાવ્યાં અને બે વાર તો નાસ્તો કરાવ્યો. બહુ સારા કહેવાય હોં. દુકાનમાં હતાં તે બધાંએ જ કહ્યું, ‘મૅડમ, તમને આ સાડી બહુ સરસ લાગે છે. કલર પણ તમારા પર મસ્ત જામે છે.’ તમે મને કહેજો હોં, આપણે જઈશું તમારી સાડી લેવા.’

સુગંધાબહેને વહેલો વહેલો ફોન કટ કરી એક કપ ચા પી લીધી. જે સુગંધાબહેનને માટે બહુ મહત્ત્વનું ન હતું, તે વિનીતાબહેનને મન એક ઉત્સવ હતો. એક લહાવો હતો જેને એ વારંવાર લૂટવા માગતા હતા. એમ તો, વરસમાં જેટલી વાર સાડીઓના સેલ આવતા, તેટલી વાર વિનીતાબહેન ગમે તેટલી ભીડમાં પણ પહોંચી જતાં, પણ ત્યાં એમનું જુદું જ સ્વરૃપ જોવા મળતું.

ધારો કે, કોઈ સાડી એમણે પસંદ કરી અને બીજું કોઈ આવીને એમની સાડી હાથમાં જોવા લે તો એનું અને દુકાનવાળાનું પણ આવી બને!

‘ઓ બેન, આ સાડી મારી છે હં, મેં બાજુએ મૂકાવી છે. તમે બીજી લઈ લો અને ભાઈ, તમે કેમ મારી સાડી બીજાને બતાવો છો? હવે મૂકી દો બાજુ પર, કોઈને આપતા નહીં.’ કપરી પરિસ્થિતિમાં તો બોલાચાલી અને મારામારી ઉપર પણ ઊતરી પડે એવાં વિનીતાબહેન શૉપિંગના કોઈ મોકા છોડે નહીં. અવારનવાર શૉપિંગ કરવાને કારણે વિનીતાબહેન શૉપિંગમાં એક્સપર્ટ થઈ ગયેલાં.(એવું એ માનતાં.)

સ્ત્રીઓના દાખલા આપ્યા એટલે શૉપિંગમાં પુરુષો બહુ હોશિયાર એવું માનવાને કોઈ કારણ નથી. પોતાના ઘરની સ્ત્રીઓ આગળ પુરુષો એક નંબરના બુદ્ધુ કેમ સાબિત થાય છે?

* પુરુષોને ભાવતાલ કરવામાં પોતાનું અપમાન લાગે છે. એટલે મોટા ભાગના પુરુષો વધારે ભાવ આપીને જ શૉપિંગ કરતા હોય છે.

* કાપડના રંગ કે કાપડની જાતમાં એમને ભાન પડતું ન હોવાથી, કોઈને કે દુકાનવાળાને પૂછીને જ શૉપિંગ કરતા હોવાથી ઘરમાં નારાજગી વહોરવી પડે છે.

* ઘરમાં બધાને ખુશ કરવા એક જ જાતની કે રંગની, એકસરખી ને પાછી જથ્થાબંધ ખરીદીઓ કરી લે એટલે ઘરમાંથી એમને બીજી વાર શૉપિંગ ન કરવાની ધમકી અપાય છે.

મૂળ વાત એ જ કે, સ્ત્રીઓ ભલે છેતરાતી કે ભલે જથ્થાબંધ ખરીદીઓ કરતી કે શૉપિંગ કરીને મનોમન પસ્તાતી, પણ શૉપિંગના લહાવા તો એમને જ લેવા દેવા. ઘરમાં શાંતિ રાખવાનો સહેલો ઉપાય એ જ છે.
——————-

કલ્પના દેસાઇવ્યંગરંગ
Comments (0)
Add Comment