અપરાધ સાથે ખેલતું બાળપણ

ભણતાં બાળકો પણ હવે હત્યા અને સામૂહિક દુષ્કર્મ જેવા અપરાધો કરી બેસે છે

કવર સ્ટોરી – નરેશ મકવાણા

‘બાળક એટલે કુદરતનું બીજું સ્વરૃપ’ જેવી જનસામાન્યમાં સ્થાયી થઈ ચૂકેલી માન્યતાને અહીં વર્ણવેલાં તથ્યો સીધો પડકાર ફેંકે છે. સરકારી આંકડાઓ ગવાહી પૂરે છે કે રમવાની ઉંમરમાં ગુનાખોરી તરફ વળી રહેલાં બાળકોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. છેલ્લા બે દાયકામાં દેશમાં બાળકોમાં ગુનાખોરીનું પ્રમાણ ૬૯ ટકા જેટલું ઊંચું ગયું છે તે ચિંતાનો વિષય છે…

એક બાળક માટે જન્મ બાદનું પહેલું પગથિયું શાળા હોય છે. કેમ કે એ પહેલાં તે ઘરમાં જ રહેતું હોય છે અને જો ક્યાંય આવવા-જવાનું થાય તો પણ તેનાં માતાપિતા સતત તેની સાથે હોય છે. આમ જન્મથી લઈને તે સ્કૂલે જતું થાય ત્યાં સુધી દુનિયાદારી, સંસ્કાર અને શિસ્તના પાઠ તેનાં માતાપિતા પાસેથી મેળવે છે. તમે ચેક કરજો, જો માતાપિતા શિસ્તમાં રહેવા ટેવાયેલાં હશે તો બાળક પણ મોટા ભાગે એવું જ હોવાનું. એ જ રીતે જે માતાપિતા બેદરકાર હોય તેનું બાળક પણ આગળ જતાં એવું જ થતું હોય છે, પણ આપણે અહીં જે બાબતની ચર્ચા કરવા જઈ રહ્યાં છીએ ત્યાં ધારણાઓને કોઈ અવકાશ નથી.

નર્યું સત્ય જ આપણા માટે કામનું છે અને સત્ય એ છે કે આપણા બાળકોમાં ગુનાખોરીનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. કોઈ માબાપ એવું તો ન જ ઇચ્છે કે તેનું બાળક અપરાધી બને. એવું કહેવાય છે કે ઝૂંપડપટ્ટીેમાં રહેતાં બાળકો ઝડપથી ગુનાની દુનિયામાં ડગ માંડી દે છે. આ માન્યતા પાછળ તર્ક એવો અપાય છે કે એ બાળકોનાં માબાપ આખો દિવસ મજૂરી કરતાં હોઈ તેમને સંસ્કાર આપવા જેટલો સમય ફાળવી શકતાં નથી. જેના કારણે તેઓ સામાજિક ઢાંચાથી દૂર થઈ જાય છે અને આગળ જતાં ગુનાખોરીના રસ્તે વળી જાય છે. જોકે હાલમાં ઘટેલી કેટલીક ઘટનાઓ આ તર્કનો છેદ ઉડાડી દે છે.

૨૪ જૂન, ૨૦૧૮ના રોજ વડોદરાના બરાનપુરા વિસ્તારમાં આવેલી ભારતી વિદ્યાલયમાં ધોરણ નવમાં પ્રવેશેલા દેવ તડવી નામના એક નિર્દોષ વિદ્યાર્થીને તે જ સ્કૂલમાં ધોરણ દસમાં ભણતા એક વિદ્યાર્થીએ કશાય વાંકગુના વિના છરીના ૩૧ જેટલા ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ કેસમાં પકડાયેલા ગુનેગારે પોલીસ તપાસમાં એવી કબૂલાત કરી હતી કે હોમવર્કના મામલે બે દિવસ પહેલાં જ શિક્ષકે તેને ખખડાવ્યો હતો. આથી સમસમી ગયેલા તેણે ગમે તે રીતે શાળાને બદનામ કરી, બંધ કરાવી દેવાનું નક્કી કર્યું હતું. આ માટે તેણે દેવનું પોતાના પિતાના નાળિયેર છોલવાના છરાથી ખૂન કરી નાખ્યું હતું.

આવો જ બીજો કિસ્સો ગત સપ્ટેમ્બરમાં હરિયાણાના ગુરુગ્રામમાં બન્યો હતો. જ્યાં રેયાન ઇન્ટરનેશલ સ્કૂલમાં ભણતાં ધોરણ-૨ના વિદ્યાર્થી પ્રદ્યુમન ઠાકુરની ધોરણ-૧૧માં ભણતા એક વિદ્યાર્થીએ છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાખી હતી. દેશભરમાં ચર્ચા જગાવનારા આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી જેમાં છેવટે ગુનેગાર વિદ્યાર્થી ઝડપાઈ ગયો હતો. તપાસમાં સીબીઆઈ સમક્ષ કબૂલાત કરતાં તેણે જણાવ્યું હતું કે, પ્રદ્યુમનની હત્યા તેણે પરીક્ષા અને વાલી-મિટિંગને ટાળવા માટે કરી હતી. શાળામાં પોતાનું પ્રદર્શન ખરાબ હતું તેની જાણ મમ્મી-પપ્પાને ન થાય તે માટે સ્કૂલ બંધ થાય તે જરૃરી હતું અને એવું ત્યારે જ થાય જો કોઈ મોટી ઘટના બને. આથી તેણે પ્રદ્યુમનની હત્યા કરી નાખી હતી.

આ હત્યાનો પડઘો આખા દેશમાં પડ્યો હતો. અગાઉ લખનઉમાં ધોરણ-૬માં ભણતી એક વિદ્યાર્થિની પર તેનાથી નાના વિદ્યાર્થીને માર મારવાનો આરોપ લાગ્યો હતો, કારણ કે તેને રજા જોઈતી હતી. અન્ય એક ઘટનામાં હરિયાણાના યમુનાનગરમાં ધોરણ-૧૨ના એક વિદ્યાર્થીએ શાળાના આચાર્યને એટલા માટે ગોળી મારી દીધી હતી, કારણ કે તેમણે તેને શાળામાંથી બરતરફ કરી દીધો હતો. આ ચારેય ઘટનાઓમાં ધ્યાન ખેંચે તેવી બાબત એ છે કે, તે સ્કૂલોમાં કોઈ ઝૂંપડપટ્ટીનું બાળક ભણવા નહોતું જતું. બધાં જ હાઈ સોસાયટીનાં બાળકો તેમાં ભણતાં હતાં. એ હાઈ સોસાયટી, જ્યાં સુખ-સુવિધાની એ દરેક ચીજ હાજર હોય છે જેની આશા દરેક બાળક સેવતું હોય છે. પાણી માગો ત્યાં દૂધ હાજર થાય તેવા માહોલમાં ઉછેર થયો હોવા છતાં એ બાળકો ખૂન જેવા ગંભીર ગુનાઓમાં શા માટે સંડોવાયા? આ ઘટનાઓ એ પણ બતાવે છે કે બાળકોમાં વધતા ગુનાઓ માટે ઝૂંપડપટ્ટીનાં માતાપિતાને ટાર્ગેટ કરી શકાય તેમ નથી.

આંકડાઓ શું કહે છે?
હાલ દેશભરમાં કાયદા સાથે સંઘર્ષમાં આવતાં બાળકોના આંકડાઓ પર નજર કરીએ તો ખ્યાલ આવે છે કે, ભણેલાં-ગણેલાં અને સારી સ્કૂલોમાં ભણતાં બાળકો પણ હવે હત્યા અને સામૂહિક દુષ્કર્મ જેવા અપરાધો કરી બેસે છે. ચોંકાવનારી બાબત એ છે કે છેલ્લા બે દાયકામાં ભારતમાં બાળ અપરાધના કેસોમાં ૬૯ ટકાનો વધારો નોંધાયો છે. ભારત માટે આ સ્થિતિ એટલા માટે ગંભીર છે, કારણ કે આપણે ત્યાં કુલ વસ્તીના ૨૦ ટકા જેટલા ૧૨થી ૧૮ વર્ષના કિશોરો છે. આ તરફ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના રિપોર્ટ પ્રમાણે કિશોરો દ્વારા થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ ૨૦૦૪માં બાળ અપરાધની કુલ ૧૯,૨૨૯ ઘટનાઓ સામે આવી હતી. જે આંકડો વર્ષ ૨૦૧૪માં વધીને ૩૮,૪૫૫ સુધી પહોંચી ગયો હતો. વર્ષ ૨૦૧૬માં સગીરો દ્વારા ચોરીની ૭,૭૧૭ ફરિયાદો, બળાત્કારની ૧,૯૦૩, આર્મ એક્ટની ૨૨૮ ફરિયાદો નોંધાઈ હતી.

આ સમયગાળામાં દેશભરમાં કુલ ૩૫,૮૪૯ બાળ અપરાધના કેસોમાં ૪૪,૧૭૧ સગીરોની ધરપકડ કરવામાં આવી હતી. જે પૈકી ૪૧,૮૨૬ની આઈપીસી હેઠળ જ્યારે બાકીના ૨,૩૪૫ની સ્થાનિક કાયદાઓ પ્રમાણે ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ ૨૦૧૪માં ૧૨ વર્ષથી ઓછી વયના એક ડઝન બાળકોની હત્યા જેવા જઘન્ય ગુનાઓ અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી. સૌથી ગંભીર સ્થિતિ દુષ્કર્મના કેસોમાં જોવા મળી રહી છે. છેલ્લાં ૧૦ વર્ષમાં કિશોરો દ્વારા દુષ્કર્મના ગુનાઓમાં ૩૦૦ ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. ૨૦૦૩માં કિશોરો દ્વારા દુષ્કર્મના ૫૩૫ કેસો નોંધાયા હતા. જે આંકડો વર્ષ ૨૦૧૬માં વધીને ૧,૯૦૩ સુધી પહોંચી ગયો હતો. અહીં એ યાદ રાખવાની જરૃર છે કે આ તો માત્ર પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા કેસોની વિગતો છે. બાકી સૌ જાણે છે કે આબરૃ જવાની બીકે આપણે ત્યાં કેટલાય બનાવો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા જ નથી.

અન્ય એક સરવે  પણ રસપ્રદ છે. રાષ્ટ્રીય બાળ અપરાધ એજન્સી અને ઓનલાઇન સુરક્ષા કેન્દ્રના આંકડાઓ પ્રમાણે વર્ષ ૨૦૧૨માં ૧૨થી ૧૫ વર્ષની ઉંમરના ૬૨ ટકા બાળકો પાસે મોબાઇલ ફોન હતા. એના પરથી અંદાજ લગાવી શકાય છે કે આજે આ આંકડો ક્યાં સુધી પહોંચી ગયો હશે. બાળકો માટે ૧૦૯૮ હેલ્પલાઇન ચલાવતી સંસ્થા ચાઇલ્ડલાઇન ઇન્ડિયાના ૨૦૧૪ના એક રિપોર્ટ મુજબ દેશમાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરનાં ૬૫ ટકા બાળકો કોઈ ને કોઈ વ્યસન કરતાં હતાં. અહીં બાળકોમાં વધતાં વ્યસનના આંકડાઓનો ઉલ્લેખ કરવાનું એટલા માટે જરૃરી છે, કારણ કે તેનું અપરાધ સાથે ક્યાંક ને ક્યાંક અનુસંધાન જોવા મળતું હોય છે. નિષ્ણાતોના મતે ખોટી સંગત, આધુનિક જીવનશૈલી, સંચાર માધ્યમોનો વધતો જતો વ્યાપ, સોશિયલ મીડિયા, શિક્ષણનો અભાવ વગેરે કિશોરોમાં વધતી જતી યૌનહિંસા માટે જવાબદાર કારણો છે.

વધી રહેલાં બાળ અપરાધનાં કારણો શું?
થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક શાળાના બાથરૃમમાં કેટલાક છોકરાઓ ભેગા મળી એક છોકરાના ગાલ પર વારાફરતી થપ્પડો મારી રહ્યા હતા. આખો મામલો બહાર આવ્યો ત્યારે ખબર પડી કે તેમની વચ્ચે શરત લાગી હતી કે તેમનામાંથી કોણ સૌથી વધુ જોરથી થપ્પડ મારી શકે છે. અહીં સવાલ એ થાય કે રમવા-કૂદવાની ઉંમરમાં બાળકોને આટલો બધો ગુસ્સો કેમ અને શું કામ આવી રહ્યો છે? એવું તે શું તેના દિમાગમાં ચાલી રહ્યું હશે કે તે ચપ્પુ જેવું ઘાતક હથિયાર લઈને પોતાના જ મિત્ર અથવા અન્ય બાળકને મારી નાખવા પર ઉતરી આવતું હોય છે?

અમદાવાદમાં કાયદા સાથે સંઘર્ષમાં આવતા સેંકડો બાળકોનું સાઇકો એનાલિસિસ કરી ચૂકેલા જાણીતા ચાઇલ્ડ સાઇકોલોજિસ્ટ મૂળજીભાઈ સોનારા કહે છે, ‘મેં અત્યાર સુધીમાં જેટલા પણ કાયદા સાથે સંઘર્ષમાં આવતા બાળકોનું માનસિક વિશ્લેષણ કર્યું છે તેમાં કેટલીક બાબતો કોમન જોવા મળી છે. જેમ કે, તે બાળકોને જિંદગી સામે કોઈ ને કોઈ ફરિયાદ રહેતી હોય છે. આ જ કારણે તેમને જિંદગી જીવવામાં રસ નથી હોતો. આ પ્રકારની માનસિકતા ધરાવતાં બહુમતી બાળકોનો જીવનમાં કોઈ ધ્યેય નથી હોતો. આમાનાં મોટાભાગનાં બાળકો શાળા છોડી ગયેલાં હોય છે અથવા તો અયોગ્ય મિત્રની સોબતે ચડી ગયેલા હોય છે. અત્યાર સુધીના મારા અનુભવો કહે છે કે, બાળકોમાં વધી રહેલી ગુનાખોરી પાછળ જે કેટલાંક કારણો જવાબદાર છે તેમાં કુટુંબ, શિક્ષકો અને તેનું મિત્રવર્તુળ મુખ્ય છે. આજે વિભક્ત કુટુંબમાં પતિ-પત્ની બંને નોકરી કરતાં હોય છે અને બાળક ઘેર એકલું હોય છે. આ પરિસ્થિતિમાં તે આસાનાથી ટી.વી., સ્માર્ટફોન અને ઇન્ટરનેટ જેવા સંચાર માધ્યમોના સંપર્કમાં આવી જાય છે. અગાઉ દાદા-દાદી બાળકો પણ નજર રાખતાં પણ આજે તેને રોકનાર કોઈ નથી.

આ પરિસ્થિતિ લાંબો સમય ચાલુ રહે તો ધીમે-ધીમે તે પરિવારથી દૂર થતું જાય છે અને પછીનું કામ, હિંસક ગેમો, પોર્ન સાઇટ્સ, વાઇરલ વીડિયો, મિત્રોની સોબત વગેરે પૂરું કરે છે. ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે તેનું મિત્રવર્તુળ પણ આ બધાંમાં રસ ધરાવતાં બાળકોનું જ હોય છે. કેટલાક બાળકોના કિસ્સામાં માતાપિતા વચ્ચેના સંબંધો પણ જવાબદાર હોય છે. પિતા વ્યસની હોય, માતા સાથે મારઝૂડ કરતાં હોય અથવા માતા કજિયાખોર હોય અને સતત તેને ટોક્યા કરતી હોય તો તેની અસર પણ બાળકમાં થતી હોય છે. ક્યારેક માતાપિતાની વધારે પડતી છૂટ અને લાડકોડને કારણે બાળક સ્વછંદી બની જતું હોય છે જે કોઈ પણ બાબતમાં નકાર સાંભળવા તૈયાર નથી હોતું. આવું બાળક તેનું ધાર્યું કરવા માટે ગુનાખોરીની દુનિયામાં ડગ માંડતા પણ ખચકાતું નથી. આ બધા સિવાય બાળક ક્યાં રહે છે તે પણ મહત્ત્વનું છે.

જો આસપાસમાં ગીચ વસ્તી, દારૃના અડ્ડા, ગંદકી, ગરીબી, જુગારીઓ હાજર હોય તો બાળક પર તેની નકારાત્મક અસર પડે છે. પોતાની સોસાયટીનાં કામો તરફ સરકારી તંત્રની બેદરકારી વગેરે તેનામાં અન્યાય થઈ રહ્યાનો ભાવ પેદા કરે છે. જે લાંબાગાળે તેને કાયદો હાથમાં લઈને જાતે ન્યાય તોળવા તરફ દોરી જાય છે. વડોદરાના કેસમાં શિક્ષકને પાઠ ભણાવવા માટે જ આરોપીએ દેવનું ખૂન કર્યું હતું. શિક્ષક પ્રત્યેના ગુસ્સાને અભિવ્યક્ત કરવા તેણે કાયદો હાથમાં લઈ લીધો. તેણે પોતાને શા માટે માર પડ્યો હતો તેનું વિશ્લેષણ ન કર્યું. પોતાનો વાંક હતો તે પણ ગણકાર્યું નહીં. હું જ સાચો, હું જે વિચારું છું એ જ સાચું, બીજા બધા ખોટા. બધા મારા દુશ્મન છે. બધા ખોટા છે, તમારા કારણે હું હેરાન થાઉં છું. તમે મને હેરાન કરો છો તો હું તમને હેરાન કરીશ. – આ પ્રકારના વિચારો તેના દિમાગમાં ચાલતા હતા. જેને તેણે અમલમાં મૂક્યા હતા.’

આમ તો દરેક બાળકની પોતાની આગવી વિચારસરણી હોય છે. એટલે કાયદા સાથે સંઘર્ષમાં આવતાં બાળકનું સંપૂર્ણ કાઉન્સેલિંગ ન કરીએ ત્યાં સુધી તેના ગુનાને લઈને કોઈ ધારણા બાંધી શકાય નહીં, પણ આ કેટલાંક એવાં તથ્યો છે જે મોટા ભાગે બાળકોના ગુનાઓના કેસોમાં જોવા મળતા હોય છે. જાણકારોના મતે બાળકોમાં વધતી ગુનાખોરી પર નિયંત્રણ મેળવવા માટે તેના પરિવાર, શાળા, મિત્રવર્તુળ અને સરકારી શિક્ષણનીતિ પર ફોકસ કરવું પડે. કેમ કે આ ચાર એવી બાબતો છે જેની સીધી અસર તેના વર્તન પર થતી હોય છે. જો માતાપિતા કે શિક્ષકને બાળકનું વર્તન અસાધારણ માલૂમ પડતું હોય તો તુરંત તેની સાથે વાતચીત કરી તેની પાછળનું કારણ જાણવા પ્રયત્ન કરવો જોઈએ. જરૃર જણાય તો સાઇકોલોજિસ્ટની મદદ પણ લઈ શકાય. માબાપે બાળક રાત્રે મોડે સુધી જાગતું રહે, બાથરૃમમાં લાંબો સમય નહાય, મોબાઇલમાં મથ્યા કરે, શાળા છૂટ્યા બાદ મોડે-મોડે ઘેર આવે તો તરત તપાસ કરવી જોઈએ. શિક્ષકોએ ખાસ તો નબળા વિદ્યાર્થીઓની સરખામણી હોશિયાર વિદ્યાર્થીઓ સાથે ન કરવી જોઈએ. આવું કરવાથી બાળકમાં નકારાત્મક ભાવ પેદા થવાની શક્યતા રહે છે. જે આગળ જતાં તેને ગુનાખોરી તરફ વાળી પણ દે.

જોકે એમ.એસ. યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને જાણીતા સમાજશાસ્ત્રી ડૉ. વિદ્યુત જોષી બાળ અપરાધ બહુ વધ્યા છે તેવું નથી માનતા. તેમના મતે, ‘સોસાયટી જેમ જેમ ઓપન થતી જાય તેમ તેમ આ બધું બહાર આવતું જાય છે, જે પહેલાં દબાઈ જતું હતું. ગામડાંની એક પણ મહિલા એવી નહીં હોય જેને સહેજ પણ અત્યાચારનો અનુભવ ન થયો હોય. એમ બાળકો દ્વારા નાનકડી ચોરીઓ, જાતીય સતામણી વગેરે અગાઉ પણ થતું હતું, પણ સમાજની બીકે આવા કિસ્સા બહાર આવતા નહીં. જ્યારે હવે સમાજનું ખુલ્લાપણુ વધ્યું છે જેના કારણે બાળકોની ફ્રીડમ પણ વધી છે. બાળક કુટુંબની બહાર જતું થયું છે, મિત્રોને મળતું થયું છે. આથી આ પ્રકારના કિસ્સાઓ બહાર આવવા લાગ્યા છે. આપણે ત્યાં સમાજશાસ્ત્રમાં ‘બાળ અપરાધવૃત્તિ’નો એક વિષય ભણાવાય છે જે આ તમામ બાબતો પર ફોકસ કરે છે. સામાન્ય રીતે બાળકોમાં અપરાધવૃત્તિ મોટા ભાગે ૧૨ વર્ષ પછી જોવા મળતી હોય છે, કારણ કે આ સમયે તે કુટુંબની પકડમાંથી બહાર નીકળી ગયું હોય છે.

શહેરીકરણ, માતાપિતાનું ઘટતું નિયંત્રણ વગેરેના કારણે તેને વધુ આઝાદી મળતી થઈ છે. જેના કારણે ગુનાખોરી પણ વધતી જાય છે. એમાંય ખાસ કરીને જે બાળકો પાસે પૂરતાં પ્રમાણમાં નાણા હોય છે તેમનામાં આ પ્રમાણ વધુ જોવા મળે છે. તમે જુઓ, જાતીય સતામણીના મોટા ભાગના કેસો ૧૬થી ૧૮ વર્ષના છોકરાઓના છે. પહેલાં આ બધું નોંધાતું નહોતું જે હવે નોંધાતું પણ થયું છે. વધતાં જતાં બાળ અપરાધના આંકડાઓમાં આ બાબતનો પણ થોડો હિસ્સો છે. દા.ત. અગાઉ શાળામાં કામ કરવું સ્વાભાવિક ગણાતું, કેળવણીનો ભાગ ગણાતું. જ્યારે આજે તમે જો બાળકો પાસે કામ કરાવો તો એ ગુનો બને છે. પહેલાં શિક્ષક બાળકને મારે તે સામાન્ય બાબત ગણાતી. જ્યારે આજે તે ગુનો ગણાય છે. આમ વ્યાખ્યાઓ બદલાઈ તેના કારણે પણ બાળકોના ગુનાઓ વધ્યા છે અને હજુ થોડાં વર્ષો સુધી સોસાયટી જેમ-જેમ ખૂલતી જશે તેમ-તેમ આ બધું વધશે. જ્યાં સુધી સિટિઝનશિપ ઊભી નહીં થાય ત્યાં સુધી આ રહેવાનું.’

બાળકના વર્તનને અસરકર્તા પરિમાણો
ડૉ. વિદ્યુત જોષી વ્યક્તિ(અહીં સગીરો)ના વર્તનને અસર કરતાં ત્રણ પરિમાણો સૂચવે છે. જેમાં પહેલું છે પર્સનાલિટી ડાયમેન્શન ઓફ બિહેવિયર. એટલે કે વ્યક્તિત્વનો પ્રકાર. જેમાં તેનું ડીએનએ, આરએનએ સ્ટ્રક્ચર, જિનેટિક માળખું વગેરેના કારણે તેનું એક દૈહિક બંધારણ તૈયાર થયું હોય છે. તેના આધારે તે કેવું વર્તન કરશે તે નક્કી થાય છે. બીજું છે, ઇન્સ્ટિટ્યૂશનલ ડાયમેન્શનલ ઓફ બિહેવિયર. એટલે તમારા કુટુંબમાં તમારો સારો ઉછેર ન થયો, મિત્રો સારા ન મળ્યા, જીવનમાં ખરાબ અનુભવ થયો માટે તમે ગુનાખોરી તરફ વળ્યા. બીજા અર્થમાં કહી શકાય કે, સમાજ પાસે વ્યક્તિના વર્તનને યોગ્ય દિશા આપવાની, સંસ્થાકીય, કાયદાકીય,માળખાકીય સુવિધાઓ નથી માટે એ ગુનાઓ તરફ દોરાય છે.

આ બાબતને લગતું અંગ્રેજીમાં ‘સ્ટ્રીટ કોર્નર સોસાયટી’ નામનું એક પુસ્તક પણ લખાયું છે. શેરીના નાકે આવેલા પાનના ગલ્લાની તેમાં વાત છે. આપણે ત્યાં આવા ગલ્લે ઊભેલા કિશોરોની વાત તમે સાંભળશો તો ખ્યાલ આવશે કે ગુનાઓનો જન્મ ક્યાં થાય છે. તેમને પ્રોત્સાહક વાતાવરણ ક્યાંથી મળે છે. ત્રીજું છે કલ્ચરલ ડાયમેન્શન ઓફ બિહેવિયર. જેમાં આધ્યાત્મિકતા, માતાપિતાને માન આપવાની વાત, તમારી કુટુંબની ભાવના વગેરેનો સમાવેશ થાય છે. જે તમારા વર્તનને અસર કરતું હોય છે.

ડૉ. વિદ્યુત જોશી માને છે કે, બાળકોમાં ગુનાખોરીના પ્રમાણને આપણે આ ત્રણેય પરિમાણોના આધારે તપાસીએ તો તથ્ય વસ્તુ વધારે સ્પષ્ટ બને. મનોચિકિત્સકો સતત ઉછેરને જવાબદાર ગણાવે છે, પણ તે એક દૃષ્ટિકોણ થયો. આ સિવાય કલ્ચર અને પર્સનાલિટીની બાબતને પણ તપાસવી જરૃરી છે. હાલની પરિસ્થિતિ જોતાં લાગે છે કે, કલ્ચર બદલાઈ રહ્યું છે તેની આ અસર છે. કુટુંબનું માળખું, તેની વિભાવના વગેરે ઝડપથી બદલાઈ રહ્યા છે. કુટુંબના મોટા ભાગના કાર્યક્રમો હવે બહાર ચાલવા માંડ્યા છે. પહેલાં ડિલિવરી, બાળઉછેર, ઘરડાઓની દેખરેખ વગેરે ઘરમાં જ થતાં. હવે તે બહાર થવા લાગ્યું છે.

આજે ડિલિવરી હૉસ્પિટલમાં થાય છે, બાળઉછેર ડે કૅરમાં અને ઘરડાઓની દેખરેખ ઘરડાઘરમાં થઈ રહી છે. અગાઉ પરિવારમાં એક સ્ત્રી બેઠી હતી જે આ બધું સંભાળી લેતી હતી. હવે એ પણ સવારે ઘેરથી નીકળી જાય છે અને સાંજે પરત ફરે છે. આ બધી બાબતોની અસર બાળક પર પડે છે. તે બપોરે ઘેર આવે ત્યારે કોઈ હાજર હોતું નથી. તેણે ઘરનું તાળું જાતે ખોલવાનું. જમવાનું જાતે લઈને પછી સાંજ સુધી ટીવી જોવાનું. એકાંતનું એ વાતાવરણ તેના દિમાગને બગાડવાં પૂરતું છે. આવી સ્થિતિમાં કોઈ તેને છંછેડે ત્યારે તે ગુનો કરી બેસે છે. આમ જ્યાં સુધી નવા માપદંડો સ્થાપિત નહીં થાય ત્યાં સુધી આ અસમંજસ રહેવાની. એમાં પણ નવું કલ્ચર આપણે કેવું બનાવીએ છીએ તેના પર સઘળો આધાર છે.

બાળ અપરાધ અને કાયદો
ભારતીય કાયદા પ્રમાણે ૧૮ વર્ષથી નીચેનાં બાળકો જો કોઈ એવું કૃત્ય કરે છે જે સમાજ અને કાયદાની નજરમાં ગુનો છે તો એવા બાળકોને કાયદા સાથે સંઘર્ષમાં આવેલા બાળકો(બાળ અપરાધી)ગણવામાં આવે છે. કિશોરાવસ્થામાં વ્યક્તિત્વના નિર્માણ અને વ્યવહારના નિર્ધારણમાં આસપાસના વાતાવરણનો મોટો ફાળો હોય છે. આપણો કાયદો પણ સ્વીકારે છે કે, કિશોરો દ્વારા કરાયેલા અયોગ્ય વ્યવહાર માટે તે પોતે નહીં, પણ તેની પરિસ્થિતિ જવાબદાર હોય છે. એટલે જ ભારત સહિત અનેક દેશોમાં બાળ અપરાધ માટે અલગ કાયદા, કોર્ટ અને ન્યાયાધીશોની વરણી કરાય છે. બાળ અપરાધ સાથે કામ કરતાં જજો અને વકીલો બાળ મનોવિજ્ઞાનના જાણકાર હોય છે. બાળ અપરાધીઓને દંડ નહીં, પણ તેમના કેસનો ઇતિહાસ અને પરિસ્થિતિનો અભ્યાસ કરીને તેમને સુધાર ગૃહોમાં મોકલવામાં આવે છે. જ્યાં તેમની દૂષિત થઈ ચૂકેલી માનસિકતાને સુધારવાની સાથે તેના મનમાં પેદા થયેલી નકારાત્મક ભાવનાઓને પણ ખતમ કરવા પ્રયાસ કરાય છે. આ કામ માટે ગુજરાત સહિત દેશભરમાં સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી નામની સરકારી સંસ્થા કાર્યરત છે જે કેન્દ્ર સરકારની સંકલિત બાળ સુરક્ષા યોજના હેઠળ બાળ સુરક્ષા સંબંધિત કાયદાઓ અને યોજનાઓના અસરકારક અમલ તેમજ રાજ્ય સ્તરે સંચાલિત બાળ સુરક્ષા યોજનાઓ, કાર્યક્રમો અને રાજ્ય કક્ષાની સંસ્થાઓનું અમલીકરણ, નિરીક્ષણ અને દેખરેખ રાખે છે.

અમદાવાદ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દિલીપભાઈ મેર કાયદા સાથે સંઘર્ષમાં આવતાં બાળકો સાથેના પોતાના અનુભવો શેઅર કરતાં કહે છે, ‘મોટા ભાગના આવાં બાળકો દેખાદેખીમાં અજાણતા જ ગુનો કરી બેસતા હોય છે. પછી કાયદા સાથે પનારો પડતા તેમને પસ્તાવો થતો હોય છે. આ માટે જુવેનાઇલ જસ્ટિસ ઍક્ટ ૨૦૧૫ની કલમ ૪૭ હેઠળ તેમના કેસની તપાસ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ પૂરી ન થાય ત્યાં સુધી તેમને ઓબ્ઝર્વેશન હોમમાં રાખવામાં આવે છે. અહીં તેમનું કાઉન્સેલિંગ કરી તેમનાથી કેવા સંજોગોમાં, કેવી પરિસ્થિતિમાં ખોટું થઈ ગયું છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. તેની સાથે પરામર્શ કરી તેનું સમાજના મુખ્ય પ્રવાહમાં પુનઃસ્થાપન માટે પ્રયાસ થાય છે. હાલ રાજ્યમાં આવા કુલ પાંચ ઓબ્ઝર્વેશન હોમ આવેલાં છે. મારા અનુભવની વાત કરું તો આ પ્રકારનાં બાળકો ક્રાઇમ શૉ, ખૂનખરાબાવાળા કાર્યક્રમો જોતાં હોવાનું મેં અનુભવ્યું છે. આવી સ્થિતિમાં જ્યારે તેને કોઈ બાબતે અન્યાય થયાની લાગણી થાય છે ત્યારે તે જાતે જ ન્યાય તોળવા બેસી જાય છે અને અજાણતા જ કાયદો હાથમાં લઈ લે છે. આવું ન થાય તે માટે માબાપે તેને સમય આપવો જરૃરી બની જાય છે.’

બાળ અપરાધોના વધતા જતા આંકડાઓ ભવિષ્ય માટે ખતરાનો સંકેત છે. બાળકો ભવિષ્યની ધરોહર છે, પરંતુ સામાજિક નબળાઈઓ અને સરકારની ઢીલા વલણને કારણે આપણી આ ધરોહર સતત પતનને માર્ગે આગળ વધી રહી છે. બાળ અપરાધનો વધતો જતો ગ્રાફ આપણા સમાજ માટે કલંક છે જેનો જેટલો ઝડપથી ઉકેલ આવે તેટલો આપણા હિતમાં છે. આ માટે સામાજિક સ્તર પર પણ અલગથી પગલાં લેવાની જરૃર છે. માતાપિતાઓને પણ તેમની જવાબદારીઓની યાદ અપાવવાની જરૃર છે. નહીંતર દેશનું ભવિષ્ય ખરાબ થતું રહેશે.
——————————.

 

કવર સ્ટોરી - નરેશ મકવાણા
Comments (0)
Add Comment