મિશનરીઝ કે બેબી સેલ એક્સપર્ટ?

નવજાતોને વેચવાનું આ ષડ્યંત્ર

કવર સ્ટોરી – હિંમત કાતરિયા

ઝારખંડના રાંચીની સંસ્થા નિર્મલ હૃદય સગીર કુંવારી માતાઓનાં નવજાત શિશુઓને વેચવાનો કારોબાર કરતા પકડાઈ છે. આ કારોબારમાં પકડાયેલી રાંચીની સંસ્થાઓ નિર્મલ હૃદય અને શિશુ નિકેતનનું સંચાલન મધર ટેરેસા દ્વારા સ્થાપિત મિશનરીઝ ઓફ ચેરિટી સંસ્થા કરે છે. આ સંસ્થાને મળેલા ૯૨૭ કરોડના વિદેશી ફંડનો બાળકોના વેપારમાં ઉપયોગ થયો છે કે કેમ તેની પણ તપાસ થઈ રહી છે.

સેવામૂર્તિ મધર ટેરેસાએ સ્થાપેલી સંસ્થા મિશનરીઝ ઓફ ચેરિટીના ઝારખંડના રાંચી શહેરમાં આવેલા ચેરિટી હોમ નિર્મલ હૃદયમાં નવજાતોને વેચવાના કેસમાં સિસ્ટર કોનસિલિયા અને સિસ્ટરને જેલમાં પૂરવામાં આવ્યાં છે. સંસ્થાની કર્મચારી અને નવજાતોના સોદામાં સિસ્ટર સાથે સંકળાયેલી અનિમા ઇંદવારે કબૂલ્યું છે કે તેણે અને સિસ્ટર કોનસીલિયાએ ૬ બાળકોનો સોદો કર્યો હતો. આ બાળકો દેશના વિભિન્ન વિસ્તારોમાં વેચવામાં આવ્યાં છે, પણ તેના ખરીદનારાઓનો કોઈ રેકોર્ડ નથી.

નવજાતોને વેચવાનું આ ષડ્યંત્ર કેવી રીતે બહાર આવ્યું તે ટૂંકમાં જોઈએ તો, રાંચીની સંસ્થા ચેરિટી હોમમાં એક અવિવાહિત ગર્ભવતી યુવતી રહેતી હતી. તેણે રાંચી સદર હૉસ્પિટલમાં ૧ મેના રોજ પુત્રને જન્મ આપ્યો હતો. સંસ્થાની કર્મચારી અનિમાએ ચાર દિવસ બાદ બાળકને યુપીના સોનભદ્રના ઓબરા ગામના અગ્રવાલ દંપતીને આપી દીધું અને હૉસ્પિટલ ખર્ચના નામે ૧.૨૦ લાખ રૃપિયા લઈ લીધા. ૩૦ જૂને સંસ્થામાં ઓચિંતંુ સીડબલ્યુસીનું ચેકિંગ આવ્યું. ડરીને અનિમાએ ૧ જુલાઈએ દંપતીને રાંચી બોલાવ્યું અને બાળકને કોર્ટમાં રજૂ કરવાનું છે કહીને તેમની પાસેથી બાળક લઈ લીધું. ૩ જુલાઈએ અગ્રવાલ દંપતી મિશનરીઝ ઓફ ચેરિટીની હિનુ શાખાએ ગયું, પણ બાળકની જાણકારી ન મળી. એટલે ફરિયાદ ચાઇલ્ડ વેલ્ફેર કમિટી(સીડબલ્યુસી)ને કરી. સીડબલ્યુસીએ પોલીસ ફરિયાદ કરી અને અનિમાની પોલીસ તપાસમાં નવજાતોને વેચવાનું આખું કૌભાંડ ખૂલ્યું. નિર્મલ હૃદયમાં અવિવાહિત સગર્ભાઓને આશ્રય આપવામાં આવતો હતો. તપાસ વખતે નિર્મલ હૃદયમાં ૧૩ સગર્ભા કિશોરીઓ રહેતી હતી. આ ૧૩ સગર્ભા કિશોરીઓ અને ૨૨ બાળકોને અન્યત્ર ખસેડવામાં આવ્યાં છે. આમ, અનિમાએ એક નવજાત બાળક દંપતીને વેચીને પાછું લઈ લીધું, જેના પગલે અરેરાટી ઉપજાવે તેવું નવજાત શિશુના વેચાણનું આખંુ ષડ્યંત્ર બહાર આવ્યું હતું.

આ મિશનરી સંસ્થાએ કેટલાંક બાળકોને પચાસ હજાર રૃપિયામાં વેચ્યા હતા, તો કેટલાક ૧.૨૦ લાખ રૃપિયામાં વેચાયા હતા. આપણે જાણતા નથી કે અત્યાર સુધીમાં દેશભરમાં ખ્રિસ્તી મિશનરી સંસ્થાઓએ કુલ કેટલાં બાળકો વેચ્યાં, ક્યાં-ક્યાં વેચ્યાં. કેટલાક જર્મનીમાં વેચ્યાં છે તો કેટલાક દુનિયાના બીજા દેશોમાં. માનવજાત માટે કલંકરૃપ એવા આ પ્રકરણની ઊંડી તપાસ કરીને ઝીણામાં ઝીણી વિગતો બહાર લાવવી રહી. આ માટે સખાવતી મિશનરી સંસ્થાના વડાઓને ઝબ્બે કરવા રહ્યા. રાંચીનું પ્રકરણ બહાર આવ્યા પછી દેશભરમાં ખ્રિસ્તી મિશનરી સંસ્થાઓ આવાં કામો સાથે સંકળાયેલી હોવાથી શંકાના દાયરામાં આવી ગઈ છે. જે-જે સંસ્થાને લઈને લોકો આવી શંકાઓ સેવી રહ્યા છે તે સંસ્થાની ઊંડી તપાસ થવી જોઈએ. રાંચીના બહાર આવેલા કિસ્સાઓમાં સાધ્વીએ ચાર નવજાત શિશુને વેચ્યાની કબૂલાત કરી છે. તપાસમાં પણ ઘણી અનિયમિતતાઓ સામે આવી છે. જેમ કે આ સંસ્થામાં છેલ્લાં બે વર્ષમાં નવજાત ૧૨૧ બાળકોની નોંધણી થઈ હતી, તેમાંથી ૨૪ બાળકો રેકોર્ડમાંથી ગાયબ છે.

ચેરિટી ઓફ મિશનરીની નવજાત શિશુઓને વેચવાની આખી સાંકળ કામ કરતી હશે? નવજાત શિશુઓનું હોલસેલ વેચાણ થતું હશે? બાળકો અપરાધીઓને વેચવામાં આવ્યાં હશે કે બાળ મજૂરી કરાવનારાઓને? દેશમાં વેચવામાં આવ્યાં છે કે વિદેશમાં? નવજાત શિશુઓના વેપારને પાદરીઓ અને સાધ્વીઓ ધાર્મિક કાર્ય ગણતા હશે? ભારતનાં નવજાત બાળકોને એક લાખ રૃપિયામાં વેચવા માટે પોપ મંજૂરી આપતા હશે? રાંચીની મિશનરી ચેરિટી સંસ્થાના ચોંપડે નોંધાયેલાં ૨૪ નવજાતો ક્યાં છે? કુંવારી માતાની કૂખેથી જન્મેલાં મોટા ભાગનાં નવજાત બાળકો એવી અપેક્ષાથી મિશનરી સંસ્થાઓને સોંપવામાં આવે છે કે સંસ્થા તેનું યોગ્ય લાલનપાલન કરીને ઉછેરશે. આવા ઉદ્દેશથી દેશભરની મિશનરી સંસ્થાઓમાં હજારો બાળકો આપવામાં આવે છે. ઝારખંડના જ ટોચના પોલીસ અધિકારીઓનું કહેવું છે કે મિશનરી સંસ્થા દ્વારા છેલ્લાં થોડાં વર્ષોમાં સેંકડો નવજાત બાળકોને વેચવામાં આવ્યાં છે. કેટલાંક ૫૦ હજારમાં, કેટલાંક ૭૫ હજારમાં તો કેટલાંક સવા લાખ રૃપિયામાં. આટલું મોટું પ્રકરણ બહાર આવે છે છતાં એક પણ પાદરી તરફથી માફીનામું બહાર આવતું નથી. કોઈ વિશેષ ચર્ચાની શ્રેણીઓ, પ્રદર્શનોનાં આયોજનો કેમ થતા નથી?

જ્હોન મથાઈ કહે છે કે ખ્રિસ્તી સાધ્વીઓએ બાળકો નથી વેચ્યાં, સ્ટાફે વેચ્યાં છે. એવી પણ દલીલ થઈ શકે કે નવજાત બાળકોને વેચવા સામે વિરોધ કેમ ન ઊઠ્યો? તેનું કારણ એ છે કે એ માટે આ નવજાત બાળકોની માતાઓને તેમની ઓળખ છતી કરી દેવાની ધમકીઓ મળી હોઈ શકે અને સમાજમાં કલંકિત થઈ જવાની બીકે એ અભાગણી માતાઓએ ચૂપ રહેવાનું વાજબી ગણ્યું હોય. અનિચ્છાએ કુંવારી ગર્ભવતી બનેલી યુવતીઓ મિશનરી સંસ્થામાં રોકાય છે અને ડિલિવરી બાદ બાળકને સંસ્થાને સોંપીને જતી રહી છે. ૬ અઠવાડિયાં જેટલા સમયગાળા માટે મિશનરી સંસ્થા નવજાત બાળકની સંભાળ લે છે. ૬ અઠવાડિયાં પછી તે બાળકનું શું થાય છે એવો સવાલ મિશનરી સંસ્થાને પૂછતા કોઈ સ્પષ્ટ જવાબ મળતો નથી. સ્વાભાવિક છે કે સંસ્થામાં બાળકને તરછોડી ગયેલી તેની માતા તેની સંભાળ માટે ક્યારેય પૃચ્છા કરવાની નથી કે નથી નવજાત શિશુ ફરિયાદ કરી શકતું. આમ, મિશનરી સંસ્થામાં નવજાતને વેચવાનો કારોબાર ખીલ્યો છે અને સેંકડો બર્થ રેકોર્ડ ગાયબ છે. ઝારખંડનું રાંચી બાળ વેચાણનું કેન્દ્ર છે. યુપીએ સરકારના શાસનકાળમાં રાંચીમાં ચાઇલ્ડ ટ્રાફિકિંગને લઈને વ્હીસલ બ્લોઅરોએ આ મુદ્દો ઉઠાવ્યો હતો, પણ કોઈ પગલાં લેવાયાં નથી. ચાઇલ્ડ ટ્રાફિકિંગના અભ્યાસુઓનું કહેવું છે કે રાંચી ભારતનું કેન્દ્ર છે અને તેનું ચાઇલ્ડ ટ્રાફિકિંગનું ઇન્ટરનેશનલ નેટવર્ક છે. ધર્મના અંચળા હેઠળ વર્લ્ડ કેથોલિક સેન્ટર રાંચીમાં ખોલવામાં આવ્યંુ છે. ૨૮૦ બાળકો ગાયબ છે, તે કયા છે?

મિશનરીઝ ઓફ ચેરિટી સંસ્થા વાસ્તવમાં મલ્ટિ-મિલિયન ડૉલર કંપની જેવી છે, તે ૯૨૭ કરોડ રૃપિયાનું અનુદાન મેળવે છે. વિદેશી અનુદાનથી ચાલતી આ સંસ્થા ભારતની એક સૌથી મોટી સંસ્થા છે અને તે પશ્ચિમ બંગાળથી લઈને મહારાષ્ટ્રથી લઈને તામિલનાડુના ૧૪ વિભિન્ન શહેરોમાં સક્રિયપણે કામ કરે છે. જાણકારો એવી આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે મિશનરી સંસ્થા બાળકોના બદલામાં આટલું મહાકાય ભંડોળ મેળવી રહી છે. આપણે અહીં બે-ચાર બાળકોના વેચાણની વાત નથી કરતા, મોટી સંખ્યામાં બાળકોનો હિસાબ ગાયબ છે અને તેની પછવાડે વિદેશી તાકાતો કામ કરતી હોય એવું જાણકારો કહી રહ્યા છે.

એવું નથી કે મિશનરીઝમાં આ પહેલીવાર નવજાતોને વેચવાનો કિસ્સો બહાર આવ્યો છે, કોલકાતામાં ૧૯૭૦માં મિશનરીઝમાં બાળકોને વેચવાનું મોટું ષડ્યંત્ર બહાર આવ્યું હતું. વાસ્તવમાં એડોપ્શન કાનૂન બદલાયા પછી બાળકોને દત્તક આપવાનો એક બિઝનેસ ચાલુ થયો છે. ચેરિટીના કામના નામે બાળકોને કોમોડિટી બનાવી દેવી, વસ્તુઓની જેમ બાળકોની ૨૦ હજારથી લઈને ૧.૨ લાખ સુધી પ્રાઇસ ટેગ રાખવી અને પછી કહેવું કે અમે બાળકોને દત્તક આપીએ છીએ?
————————————————–.

Comments (0)
Add Comment