કદમ્બના સ્પર્શનો કૅફ ઓસરતો નથી

કોળેલું કદમ્બ જોયા-સૂંઘ્યા-સ્પર્શ્યા-ચાખ્યાનો કેફ ઓસરતો નથી

– મણિલાલ હ. પટેલ

કદમ્બ રાધા અને કૃષ્ણના મિલનનું સાક્ષી રહ્યું છે. શ્રીકૃષ્ણનું સાંનિધ્ય અને વાંસળીના સૂરોનો વૈભવ કદમ્બ વૃક્ષે સૌથી વધુ માણ્યો છે. શ્રીકૃષ્ણ-લીલાના આ વૃક્ષના સાક્ષાત્કાર માટે વૃંદાવન જવાની જરૃર નથી, મહાનગરમાં પણ તેનો ભેટો થઈ જાય.

કોળેલું કદમ્બ જોયા-સૂંઘ્યા-સ્પર્શ્યા-ચાખ્યાનો કેફ ઓસરતો નથી. પવનમાં ઝૂલતી ડાળીઓ પર હિંડાળાતાં નાનાં દડૂલા જેવાં કદમ્બ ફૂલોનો અરવ રવ હજી સંભળાયા કરે છે. ઉનાળો આવી સવારે સફળ થઈ જાય છે. મેના પાછલા દિવસોની આછી શીતળ અને લીલીપીળી સવારે મારો આમ અચાનક કદમ્બ સાથે સાક્ષાત્કાર થયો એ ઘટના મારે મન સર્જનાત્મકતાથી જુદી નથી. આ વિરલ ઘડીને વંદન કરું છું.

કદમ્બ મેં કાલિન્દીને કાંઠે તો આજ દિન સુધી જોયું નથી. વગડો કે વસતિમાં ફરતાં ‘ચંદનનાં ઝાડ’ જોયાં છે ને ઊભો રહી ગયો છું, પણ કદમ્બ આમ, મારી જ વાટ જોતું હોય એમ માર્ગ માથે મળ્યું નથી. જાણીતી વાટે એ જડ્યું નથી અને અજાણ્યા રસ્તે મળી જશે એવી ધારણા નહોતી, પણ મળ્યું ત્યારે કેવું તો ખિલ ખિલ મલકતું, ઝૂમતું મળ્યું! મેમનગર (અમદાવાદ)ના મુખ્ય માર્ગે દર્પણ પાંચ રસ્તાના ફૂટપાથ પર ચાલતો-ચાલતો હું વિજય ચાર રસ્તા તરફ જતો હતો-પહોંચવાનું હતું ભાષાભવન પર. ગુજરાત યુનિવર્સિટીના વૃક્ષખચિત કેમ્પસમાં ઉનાળાની સવારોમાં અમે મિત્રો પરીક્ષણ કાર્ય કરતાં કરતાં, લૂ-તડકા ખાતાં ખાતાં, તરુવરોની નીરવ છાયાઓનો સંગ પણ કરીએ છીએ. નર્મમર્મવાળી નુકતેચીનીઓ સાથે મુક્ત મને હસવાથી વીત્યા વર્ષનો થાક વિસારે પડે છે.

દર્પણ પાંચ રસ્તાથી જતો હતો, વિજય ચાર રસ્તા તરફ સવારના પવનની લહેરો આજે જરા ઉતાવળી હતી. ગુજરાત તરફ ફૂંકાનારા વાવાઝોડાની હવામાં એંધાણીઓ હતી. આકાશમાં તરુણ હરિણીઓ જેવી વાદળીઓ નીકળી પડેલી. તડકો ચોખ્ખો ને આકાશ પણ થોડું વધારે વાદળી લાગતું હતું. અમદાવાદનાં ઊંચા મકાનોની ઊંચી ગેલેરીઓ-બારીઓ-અટારીઓ હજી ભૂકંપના ભયમાંથી મુક્ત નહોતી. રસ્તો જતાંય મને પેલાં ‘હાઈરાઈઝ’ હમણા ડોલી કે ડગમગી ઊઠશે એવી દહેશત લાગતી હતી…. પવન ધૂળને રમણે ચઢાવતો ઊભી સડકો ઓળંગતો જાણે કે તોફાને ચઢવાની તૈયારી કરતો ના હોય!

સવારનું ટહેલવા નીકળેલા વૃદ્ધો અને સ્વાસ્થ્ય લાભ માટે ચાલવા ગયેલા મેદસ્વી દંપતીઓ હજી પાછાં વળતાં હતાં. કાબરો ફૂટપાથ ફંફોસવા માંડી હતી, ને બુલબુલ યુગલ રાતા શિરીષની ડાળે બેસીને બોલતું હતું. કૂંડા-માટલાં-માટી પાત્રોનો ઢગ ખડકીને વેપાર કરતું પ્રજાપતિ કુટુંબ જાગી ગયું હતું. શહરને જરાય નહીં જપવા દેનારી રિક્ષાઓ પાછી દોડવા લાગી છે…

કાલિન્દી તો અહીં નથી વ્હેતી, પણ આ કાળી કાળી ડામરિયા સડકો મળતી અને છૂટી પડતી, દોડતી અને રાતાંપીળાં અજવાળાં પાસે ઘડીક ઊભી રહી જતી હોય છે. રાતદિવસની અહીં આજ તો છે ગતિ! સવારની આ સડક વળાંક લેતી જાણે કાલિન્દી સમી વહી રહી છે-એમાં સરતી મારુતી ગાડી જાણે નાનકડી નૌકાની જેમ વહી જતી જોઉં છું! સામો ફૂટપાથ વીંધતી આવે છે મજૂરીએ નીકળેલી થોડી ગ્રામકન્યાઓ… ગામડેથી નિર્વાસિત થયેલી જાણે ગોપકન્યાઓ.. એમના ગાલોમાં માથે ઊઘડેલા ગુલમોર જેવું હાસ્ય છે. ડાળે-ડાળે સેરરૃપે લચી પડેલી અમલતાશ નીચેથી હસતી-હસતી પસાર થઈ જાય છે એ સીમવછોઈ કમનસીબ યુવતીઓ… એમને તો આ વૃક્ષો જોવાય ક્યાં નવરાશ છે વળી? નહીંતર- કોઈ ગોળુક શા ગામડેથી આવેલી એ ગોપાંગનાઓ મારી જેમ જરૃર અટકી ગઈ હોત.

આ મ્હેક ઊઠેલા… મ્હોરી ઊઠેલા અને સવારને માદકતાથી ભરી દેતા ઝગમગતા કદમ્બની પાસે! હું તો કદમ્બને ભારે વિસ્મયપૂર્વક જોઈ રહ્યો છું. ડાળે ડાળે ફૂલો-આછા બદામી, જરા પીળાશ પડતાં! કેટલાંક કળીરૃપે લીલાં, પણ એ લીલો જરા નોખો લીલો. કળીઓય દડૂલા જેવી.. ઝીણી, નાની અને જરાક મોટી થઈ મ્હોરી ઊઠતી! લીલા, ક્રીમ બદામી, પીળા તથા આછા હળદરિયા રંગોની લીલા સાથે ડોલતું-બલકે મંદમંદ મલકાતું કદમ્બ! હું તો ત્યાં જ ખોડાઈ ગયો. મધ્યસમરની ઊંચાઈ, ચોતરફ ગોળાઈએ બિલકેલું ફૂલડૂલે અને નવાં પાંદડે સોહામણુ આ કદમ સાવ નિઃસંગ હતું! સામેના ઘરનો ઝાંપો બંધ છે- અરે! આ અમદાવાદીને એટલીય ખબર નથી કે એના ઘર સામે કદમ્બ મ્હોર્યું છે. આખું ગોકુળ યમુના સાથે હાજર થયું છે. કદમ્બરની ડાળે ડાળે ગોપીઓનાં વસ્ત્રો ઝૂલે છે ને માથે આભ થઈ ઝૂકેલો કાનજી ઘડીક પવન પામરી થઈને રમી લે છે… બાવરી હવા એ સ્તો છે ગોપિકા! ‘આ લહરી જતી તે રાધા રે…’

સાઇકલ પર સવાર થઈને કૃષ્ણના સખા સુદામા સરખા એક દુબેજી કે ચુબેજી પીતાંબર અને કફની ધારણ કરીને આવી લાગ્યા. સાઈકલ પર ઊંચા થઈને ફૂલ ચૂંટવા લાગ્યા. મેં કહ્યું, ‘કદમ્બનાં ફૂલો’ એમનો વાક્પ્રવાહ શરૃ થઈ ગયો. ‘હાજી! એ તો કૃષ્ણ કનૈયા કા પ્રિય વૃક્ષ હૈ!’ યહાં તો ઈસે કોઈ પહેચાનતા તક નહીં! અરે, હમે ફૂલ ભી નહીં તોડને દેંગે એ લોગ તો? મને ફૂલો ઉપરાંત કળી તથા ફૂલો ભરી એક ડાળી તોડી આપી! હું તો જાણે માલામાલ થઈ ગયો. આટલી સમૃદ્ધિ મારી પાસે કદી આવી છે ખરી? મારું મન પ્રેમથી ભરાઈ આવ્યું.

જરાક કણજીને મળતાં પાંદડાં. પાંદડામાં રેખાઓ ચોખ્ખીને પલાશપાન જેવી. પાંદડાં સંપુટમાં હતાં. કૂણાં પાંદડાંના સંપુટ વચાળેથી કળી નીકળે છે- ટચલી આંગળીના નખ જેવી, જરાક વધે એટલે લાગે ચરકટનો એક્કો જાણે! પણ રંગ આછો મલાઈ જેવો. કળીને સમાવતી પાંદડીઓ ખૂલે. એમાંથી ત્રણ કળીઓ નીકળે. વચલી જરા જલદી વધે… પછી બાજુવાળી બેઉ સ્પર્ધા કરે. કળીઓ ધીમે-ધીમે દડૂલીઓ જેવી થાય. એના અંગે ગોળ-ગોળ ભાલાઓ ઊગે… કળી કન્યાના અંગૂઠા જેવડી દડૂલો થાય… પછી પેલા ભાલાઓ (જે કળીઓ રૃપે જ હોય છે.) ઊઘડે છે- સૂક્ષ્મ બુંદોરૃપે…. સેંકડો બુન્દોનો ગુચ્છ-ગોળ દડો… શરૃમાં પોપટી, પછી બદામી પીળો છેવટે આછો હળદરીયો થાય. આ ફૂલ દડૂલીઓ ઉપર પણ પુંકેસરાદિના ભાલાઓ પાછા ઉઘડી આવેલા હોય છે. કુદરતની કેવી અનૂઠી રચના! હું કળીઓમાં પુષ્પ પ્રગટવાના પ્રથમ પ્રહરને વિલોકતો રહ્યો… મેં કદમ્બનાં ફૂલોને ચાખ્યાં-સૂંઘ્યા-સ્પર્શ્યા-જોયાં અને સાંભળ્યાં… હું ભાવવિભોર થઈ ગયો.
——————–

કદમ્બકાલિંન્દીમણિલાલ હ. પટેલરીધા-કૃષ્ણ
Comments (0)
Add Comment