ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે અઢળક તકો ઉપલબ્ધ

સામાન્ય સ્નાતક માટે આ ક્ષેત્રમાં અનેક તક રહેલી છે

 – હેતલ રાવ

પહેલાંના સમયમાં કારકિર્દી બનાવવા માટે યુવાનોને જરૃરી અવકાશ મળતો નહોતો, પરંતુ આજે એવા અનેક ક્ષેત્ર છે જેમાં યુવાનો પગભર બની શકે છે. જેમાં એક ક્ષેત્ર છે ફૂડ પ્રોસેસિંગ. હવે આ ક્ષેત્રમાં પણ યુવાનો આગળ વધી શકે છે. તાજેતરમાં ભારત સરકાર દ્વારા આયોજિત કરવામાં આવેલી ઇન્વેસ્ટર સમિતિમાં આ સેક્ટરની ગણના વિકસિત ક્ષેત્રોમાં કરવામાં આવી છે. આ ફિલ્મમાં બિઝનેસ અને નોકરીની અનેક તક રહેલી છે.

ખોરાક ઉત્પાદન એટલે કે ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં ગ્રામીણ અને શહેરી યુવાનો માટે કારકિર્દી બનાવવાના અનેક વિકલ્પો રહેલા છે. આ ક્ષેત્રમાં ખાદ્ય પદાર્થોને સ્વાસ્થ્ય માટે અનુકૂળ બનાવીને નવું સ્વરૃપ આપવામાં આવે છે. ભારતીય ખાદ્ય ઉત્પાદનના બજારમાં અનેક વિવિધતા રહેલી છે. જ્યારે કાચા દૂધનું પણ એક વિશાળ માર્કેટ છે જેનું જોડાણ સીધું જ ગામડાંઓ સાથે છે. અન્ય દેશોની સરખામણીમાં ભારત સૌથી વધુ પ્રાણીઓ પાળેે છે. ડેરીના ઉદ્યોગે ઇન્ડસ્ટ્રીઝનું સ્વરૃપ લીધું છે જ્યારે શહેરમાં અનેક કંપનીઓ લોકોની જરૃરિયાતોને સમજીને સોયાબીન, સી ફૂડ, ફળો જેવી અનેક ચીજવસ્તુઓને  ડાયરેક ગ્રહણ કરી શકાય તેવી રીતે બજારમાં લાવી રહી છે. જેના કારણે આ ફિલ્ડમાં યુવાનોને હાથ અજમાવવાનો એક નવો જ અનુભવ મળશે.

ટેક્નિકલ જાણકારો માટે બેસ્ટ વે ઃ પેકેટબંધ ખાદ્ય ઉત્પાદન માટે ફૂડ સાયન્ટિસ્ટ, એન્જિનિયર અને આગળના કામકાજ માટે ફૂડ કેમિસ્ટ અને માઇક્રોબાયોલોજિસ્ટની જરૃર પડે છે. જેમાં વેટરનરી સાયન્સ અને ફૂડ સાયન્સમાં એન્જિનિયર થયેલા યુવાનો માટે પણ વિકલ્પો રહેલા છે. આ ઉપરાંત બી ફાર્મ, બાયોટેક, કેમિસ્ટ લાઇફ સાયન્સ એટલે કે જીવવિજ્ઞાન સાથે ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ માટે પણ પસંદગી રહેલી છે. આ વિશેના તજજ્ઞોનું કહેવું છે કે, દર વર્ષે ફૂડ અને ડેરી ટૅક્નોલોજી સાથે જોડાયેલી સંસ્થાઓના વિદ્યાર્થીઓને સો ટકા પ્લેસમેન્ટ મળે છે. કેટલીક સંસ્થાઓ ડિપ્લોમા અને માસ્ટર ડિગ્રીના નવા કોર્સ પણ કરાવે છે. ડેરી ટૅક્નોલોજીમાં ચાર વર્ષનો બીટેક અથવા બીએસી કોર્સ સાથે ઇન્ડિયન ડેરી ડિપ્લોમા અને નેશનલ ડેરી ડિપ્લોમા બે વર્ષનો પાઠ્યક્રમ પહેલેથી જ ચાલેે છે.

આ કેટેગરીની ડિમાન્ડ વધુ ડેરી કેમિસ્ટ-ફ્લેવર કેમિસ્ટ ઃ આ કેટેગરી માટે સ્વાદની પરખ હોય તેવા યુવાનોની પસંદગી કરવામાં આવે છે. ફૂડ અને ફ્લેવર કેમિસ્ટના ડિગ્રી અને ડિપ્લોમામાં અનેક કોર્સ ઉપલબ્ધ છે. જેમાં શરૃઆતના તબક્કે ૨૦ હજાર જ્યારે અનુભવી વ્યક્તિને ૫૦ હજાર જેટલું માસિક વેતન મળે છે.

સેલ્સ એક્ઝિક્યુટિવ ઃ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં સેલ્સ સાથે જોડાયેલી વ્યક્તિ માટે અઢળક તક રહેલી છે. ખાસ કરીને એમબીએ થયેલા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી બનાવવાનું આ એક મોકળું મેદાન છે. જેમાં માર્કેટિંગ સ્કિલ ખૂબ જરૃરી છે. સાથે જ સારી ઇન્સ્ટિટ્યૂટમાંથી પ્રાપ્ત કરેલી ડિગ્રી અથવા ડિપ્લોમા  તમારી પ્રોફાઇલ ચાર ચાંદ લગાવે છે.

પ્રોડક્શન એન્જિનિયર ઃ કોઈ પણ ફૂડ પ્રોસેસિંગ કંપનીમાં પ્રોડક્શન એન્જિનિયર બનવા માટે પ્રોડક્શન એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ સાથે મેન્ટેનન્સમાં ડિગ્રી હોવી જરૃરી છે. આ સેક્શનમાં નોકરીની તક મળતા શરૃઆત ૨૫ હજાર પગાર પ્રતિમાસ મળે છે.

માઇક્રોબાયોલોજિસ્ટ ઃ  ફૂડ અને ડેરી પ્રોસેસિંગ યુનિટમાં માઇક્રોબાયોલોજીમાં માસ્ટર અથવા ડિપ્લોમા કર્યા પછી અરજી કરી શકાય છે. માઇક્રોબાયોલોજિસ્ટમાં શરૃઆતના સમયે ૩૦થી ૩૫ હજાર પ્રતિ મહિને કમાવવાની તક મળે છે.

એગ્રીકલ્ચર ઓફિસર ઃ  એગ્રીકલ્ચરમાં બીએસસી, માસ્ટર ડિગ્રી અને ટૅક્નોલોજી સાથે જોડાયેલા ડિગ્રી અને મૅનેજમૅન્ટનો કોર્સ કરી રહેલા યુવાનો આ બિઝનેસમાં ઝંપલાવી મહીને ૨૫ હજાર રૃપિયાની આવક કરી શકે.

ક્વૉલિટી કંટ્રોલ ઓફિસર ઃ ખાદ્ય ઉત્પાદનની ગુણવત્તા જાળવી રાખવાની જવાબદારી આ ઓફિસરોની હોય છે. જેઓની સેલેરી પ્રતિ મહિને ૫૦ હજાર હોય છે.

ફિલ્ડ સુપરવાઇઝર ઃ સામાન્ય સ્નાતક માટે આ ક્ષેત્રમાં અનેક તક રહેલી છે. જેમાં પગાર દર ૧૬ હજારથી શરૃ થાય છે. આ ઉપરાંત યુવાનોને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં બેક્ટીરિયોલોજિસ્ટ, ટોક્સિકોલોજિસ્ટ, ફૂડ ટેકનોલોજિસ્ટ, ફૂડ બૈચમેકર્સ, બેકર્સ, ફૂડ કૂકિંગ અને મશીન ઓપરેટર માટે પણ નોકરી મળી રહે છે.

શરૃઆત માટે યોગ્ય સમય ઃ સરકારે તાજેતરમાં જ ૬ હજાર કરોડની સબસિડી ડેરી ઉદ્યોગને આપી છે જેના કારણે આ બિઝનેસમાં તેજી આવી છે. આવનારા સમયમાં આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સારા લાભ મળવાની શક્યતાઓ વધી રહી છે. આ ઉપરાંત અનેક નોકરીની તક પણ રહેલી છે. ટૅક્નોલોજી, એમબીએ, ક્વૉલિટી કંટ્રોલની સાથે જોડાયેલા હોદ્દા માટે કંપનીઓ સારા લોકોની શોધ કરી રહ્યા છે. જ્યારે વિદેશમાં પણ ભારતીય ફૂડનું માર્કેટ મોટું છે.

આ ફિલ્ડમાં કારકિર્દી બનાવનાર વિદ્યાર્થીઓ અને યુવાનો માટે હાલમાં નોકરીની સારી તક છે તો વળી આવનારા સમયમાં પણ યુવાનો આ ક્ષેત્રે સહેલાઈથી ઉચ્ચ પગારની નોકરી મેળવી શકશે…
————–.

૧૨મા ધોરણમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી વિષયમાં ઉત્તીર્ણ થયા પછી ઘણી સંસ્થાઓ ફૂડ પ્રોસેસિંગ કોર્સ માટે પરીક્ષા લઈને પ્રવેશ આપે છે. જ્યારે આઇઆઇટીમાં પ્રવેશ મેળવવા માટે કેટની પરીક્ષા ફરજિયાત પાસ કરવી પડે છે. ઇગ્નુમાં બીટેક લેવલે કોર્સ ઉપલબ્ધ છે.

*       બીટેક ઇન ફૂડ એન્જિનિયરિંગ.

*       બીએસસી ફૂડ સાયન્સ એન્ડ ન્યૂટ્રિશન, ઉચ્ચ પદ માટે માસ્ટર કક્ષાના કોર્સ છે.

*       એમટેક ઇન ફૂડ પ્રોસેસિંગ એન્જિનિયરિંગ.

*       એમએસસી એન્ડ ફૂડ સાયન્સ.

*       પીએચડી ઇન ફૂડ સાયન્સ બેચલર ડિગ્રી પછી ડિપ્લોમા કોર્સ પણ ઉપલબ્ધ છે.

*       એડવાન્સ ડિપ્લોમા ઇન ફૂડ સાયન્સ એન્ડ ક્વૉલિટી કંટ્રોલ.

*       ડિપ્લોમા ઇન ફૂડ પ્રિઝર્વેશન.

*       સર્ટિફાઇડ કોર્સ ઇન ફૂડ એન્ડ બેવરેજીસ સાયન્સ.

*       સર્ટિફાઇડ કોર્સ ઇન ફૂડ પ્રોડક્શન.

*       ક્રાફ્ટ્સમેનશિપ કોર્સ ઇન ફૂડ સાયન્સ

૧૨મા ધોરણ પછી સર્ટિફાઇડ કોર્સ પણ કરી શકાય છે. ફૂડ પ્રોસેસિંગમાં સ્નાતક થયા પછી નોકરીની સાથે માસ્ટર પણ કરી શકાય છે જેનાથી પ્રોફાઇલ વધુ મજબૂત બને છે.

આઇઆઇટી ખડગપુર, જી.બી.પન્ત યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટૅક્નોલોજી પતંનગર, નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, બેંગલોર, સૈમ હિગિનબોટમ યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર ટૅક્નોલોજી એન્ડ સાયન્સ અલ્હાબાદ, આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ગુજરાત, સંજય ગાંધી યુનિવર્સિટી ઓફ ડેરી ટૅક્નોલોજી પટના, ચંદ્રશેખર આઝાદ યુનિ. ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટૅક્નોલોજી કાનપુર, આ તમામ સંસ્થાઓની સંપૂર્ણ માહિતી વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
———————

નવી ક્ષિફેમિલી ઝોનયુવાહેતલ રાવ.
Comments (0)
Add Comment