‘વિસામો’ વંચિત બાળકોનાં સ્વપ્નનું સરનામું

વિસામો કિડ્ઝ ફાઉન્ડેશનની સ્થાપના પાછળ ૨૦૦૧નો ભૂકંપ અને તેના પુનર્વસનની કામગીરી જોડાયેલી છે

કવર સ્ટોરી – નરેશ મકવાણા

શાળાઓમાં નવું સત્ર શરૃ થઈ ચૂક્યું છે. એ સાથે જ ગરીબનાં બાળકો સરકારી શાળાઓમાં અને પૈસાદારનાં બાળકો મોંઘી ખાનગી સ્કૂલોમાં જવા માંડ્યાં છે. આજે સરકારી ભણતરનું સ્તર દિવસ ને દિવસે ગબડતું જઈ રહ્યું છે જ્યારે ખાનગી સ્કૂલોની તગડી ફી અને આરટીઆઈના કાયદાની અવગણનાને કારણે ગરીબોનાં હોશિયાર બાળકો પણ શિક્ષણના બંધારણીય અધિકારીથી વંચિત રહેવા માંડ્યાં છે. ત્યારે એક સંસ્થા આ બંને વચ્ચે પુલ બનીને કેવું ઉત્તમ કામ કરી રહી છે તેની આ વાત છે…

એક મિનિટ માટે કલ્પના કરો કે, તમે એક કૉલેજ સ્ટુડન્ટ છો અને કોઈ જાણીતી હીરોઇનના મોટા ચાહક છો. તેની એક પણ ફિલ્મ જોવાનું તમે ચૂકતા નથી. તમારા રૃમની દીવાલો તેના મોટી સાઇઝના પોસ્ટરોથી ભરી છે. તમે તો ત્યાં સુધી ઇચ્છો છો કે તમારી ગર્લફ્રેન્ડ પણ તેના જેવી હોય. અચાનક, એક દિવસ તે હીરોઇન તમારી કૉલેજમાં આવીને બધાની હાજરીમાં તમારી સામે પ્રેમનો પ્રસ્તાવ રાખી દે છે!!! બોલો, આવું થાય તો તમારી મનોસ્થિતિ કેવી હોય? કંઈક આવું જ, પણ પ્રેમ નહીં, પણ ભણતરના મામલે અહીં જેમની વાત આપણે માંડી છે તે વિદ્યાર્થીઓ સાથે બન્યું છે.

ઊર્મિલા મકવાણા. આણંદ જિલ્લાના અંતરિયાળ ઈન્દ્રણજ ગામના ખેતમજૂર પરિવારની સૌથી નાની દીકરી. ભણવામાં ખૂબ હોશિયાર, પણ ગરીબી આંટો લઈ ગયેલી એટલે ભાઈબહેન સાથે એ પણ પ્રાથમિક શાળામાં જ ભણવું પડશે તેને લઈને ચિંતિત હતી. દરમિયાન એક દિવસ ગામમાં કોઈ સ્વૈચ્છિક સંસ્થાના કાર્યકરો આવ્યા. તેમણે કેટલાક બાળકોની પરીક્ષા લીધી. પાંચ વર્ષની ઊર્મિલાએ પણ તે ટેસ્ટ આપી અને પાસ થઈ ગઈ. એ સાથે જ તેની લાઈફ સમૂળગી બદલાઈ ગઈ. સંસ્થાએ તેને અમદાવાદની પ્રખ્યાત ઝાયડસ સ્કૂલમાં પહેલા ધોરણમાં ભણવા મૂકી. જેનો તમામ ખર્ચ તેમણે ઉપાડ્યો. સંસ્થાની મહેનત ત્યારે રંગ લાવી જ્યારે ૨૦૧૮માં જાહેર થયેલ ધોરણ ૧૦ સાયન્સ સીબીએસસી બોર્ડનાં પરિણામોમાં ઊર્મિલા ૯૨ ટકા માર્ક્સ સાથે સ્કૂલમાં ટોપ ટેનમાં આવી. હવે આગળ જઈને તે ડૉક્ટર બનવા માગે છે.

આવો જ બીજો કિસ્સો છે સુરતની કાજલ સોનાવણેનો. ૨૦૦૨માં પાંચ વર્ષની કાજલ પરિવાર છોડીને અમદાવાદ સ્થિત સંસ્થામાં આવેલી. તેનાં મમ્મી ઘરકામ કરીને પરિવારનું ભરણપોષણ કરતાં હતાં. છતાં પપ્પા દારૃ પીને મમ્મીને મારતા રહેતા. એક બહેનની માનસિક સ્થિતિ સારી નહોતી જ્યારે ભાઈ પોલિયોગ્રસ્ત હતો. આવી કપરી પરિસ્થિતિ વચ્ચે કાજલે સંસ્થાની મદદથી ડીપીએસ સ્કૂલ બોપલમાં ભણવાનું ચાલ્યું રાખ્યું. ૨૦૧૫માં તેણે ધોરણ બાર પાસ કરીને સંસ્થા છોડી. આજે તે વિખ્યાત ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સર્વિસમાં પસંદગી પામી છે.

પીનલ કટારા, દાહોદની. કારમી ગરીબી વચ્ચે જીવતા પરિવાર માટે હોશિયાર પીનલ એકમાત્ર સહારો. દાહોદમાં અમદાવાદ જેવી ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા હોય નહીં, પણ તેનું નસીબ જોર કરતું હતું કે સંસ્થાની પરીક્ષા તેને આપવા મળી અને સિલેક્ટ થઈ. બારમાં ધોરણ સુધી ડીપીએસ સ્કૂલમાં ભણી અને આગળ જતાં સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં તેને એડ્મિશન મળ્યું. આજે પીનલ કટારા અંગ્રેજીની તેજતર્રાર શિક્ષિકા તરીકે એક જાણીતી શાળામાં નોકરી કરે છે.

આવો જ એક કિસ્સો છે રાજકોટ પાસેના જસદણના અગરિયાના દીકરા આશિષ ભદાણિયાનો. તેનો પરિવાર કચ્છના રણમાં મીઠું પકવતો હતો. સંસ્થાએ તેને અમદાવાદ લાવીને ભણાવ્યો. ધોરણ બાર બાદ તેણે ભાવનગરની શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કૉલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી. હાલ તે બેંગાલુરુની જેએમસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર સેવા આપી રહ્યો છે. હવે તો તે પરિવારને પણ પોતાની સાથે બેંગાલુરુ લઈ ગયો છે.

રાજુ સાપરા ધ્રાંગધ્રા પાસેના કુંપરડી ગામનો. સાત બેનો વચ્ચેના એકના એક ભાઈને પાંચ વર્ષે અમદાવાદ મોકલતા પરિવારનો જીવ નહોતો ચાલતો, પણ તેમણે વેઠેલી જુદાઈ હવે રંગ લાવી છે. અગરિયા પરિવારનો રાજુ નેશનલ લેવલનો બાસ્કેટ બોલ ખેલાડી બની ગયો છે અને હવે અમદાવાદની જાણીતી ડીપીએસ સ્કૂલમાં બાસ્કેટ બોલના કોચ તરીકે ભવિષ્યના પ્લેયરો તૈયાર કરે છે.

અહીં જે યુવક-યુવતીઓની સફળતાની વાત આપણે કરી તે તમામને એમની મંજિલ સુધી પહોંચાડવામાં એક સંસ્થા નામે ‘વિસામો કિડ્સ’નું તગડું યોગદાન રહેલું છે. કેવી રીતે ગરીબ પરિવારોના આ હોશિયાર વિદ્યાર્થીઓને સંસ્થાએ અહીં સુધી પહોંચવા સક્ષમ બનાવ્યાં તે રહસ્ય આપણે અહીં ખોળવાના છીએ. વિસામોનું કામ આજના જમાનામાં અનેક રીતે મહત્ત્વનું છે. એક તરફ હાલ ખાનગી સ્કૂલો તગડી ફી લઈને વાલીઓને રીતસરના લૂંટી રહી છે. બીજી તરફ તેઓ આરટીઈ (રાઈટ ટુ એજ્યુકેશન) હેઠળ ગરીબ બાળકોને પોતાની શાળામાં ઍડ્મિશન આપવામાં પણ ગલ્લાંતલ્લાં કરી રહી છે, ત્યારે વિસામો કિડ્ઝ ફાઉન્ડેશન ગુજરાતભરના ખૂણેખૂણેથી વંચિત બાળકોને શોધી લાવીને સ્કૂલો સાથે સમજાવટ કરીને આ વિદ્યાર્થીઓને ભણવા મૂકવામાં સફળતા મેળવે છે તે આશ્ચર્યજનક છે. જાણીને આશ્ચર્ય થશે કે અમદાવાદની ટોચની અંગ્રેજી સ્કૂલો, કે જ્યાંની ફીનું ધોરણ સાંભળીને વાલીઓને ચક્કર આવી જાય, એવી સ્કૂલોમાં વિસામો પોતાનાં બાળકોને સ્વખર્ચે ભણાવે છે. ૨૦૧૫ સુધી તેણે આ જ રીતે સેંકડો બાળકોને મુખ્યધારામાં લાવવામાં મદદ કરી છે. વિસામોમાં કેવાં કેવાં બાળકો આવે છે તેનું તાજું ઉદાહરણ આઠ વર્ષની અંજલિ છે.

તેનો પરિવાર આઈઆઈએમ પાસેની ફૂટપાથ પર રહેતો હતો. અંજલિ પોતે આઈઆઈએમ રોડ પર ભીખ માંગતી. તેના પિતા દારૃ પીતા હતા. એક સ્વૈચ્છિક સંસ્થા દ્વારા તે વિસામોમાં આવી ત્યારે તેનો એક હાથ ભાંગેલો અને પગ દાઝી ગયેલો હતો. જેની કોઈ સારવાર પણ કરાઈ નહોતી. સંસ્થાએ નવા વાતાવરણમાં સેટ થવા માટે અંજલિને થોડો સમય આપ્યો. અઠવાડિયા પછી તેણીએ પરીક્ષા આપી અને ૯૬માંથી ૭૫ માર્ક લાવી બતાવ્યાં. આજે તે અમદાવાદની પ્રખ્યાત આનંદનિકેતન સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણે છે. આવી ત્યારે તેના વાળ કેટલાય દિવસથી ધોયેલા નહોતા, નખ કપાયેલા નહીં. નહાવાનું પણ કેટલાય દિવસથી બાકી હતું. આજે એ જ અંજલિ આનંદનિકેતન કેમ્પસમાં ડ્રેસકોડમાં તમામ મેનર્સ જાળવતી ભણે છે.

કેવી રીતે શરૃઆત થઈ?

વિસામો કિડ્ઝ ફાઉન્ડેશનની સ્થાપના પાછળ ૨૦૦૧નો ભૂકંપ અને તેના પુનર્વસનની કામગીરી જોડાયેલી છે. ૨૦૦૧ના ભૂકંપ વખતે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં ભૂકંપપીડિતો માટે એક કૅમ્પ ચાલતો હતો. ત્રણ મહિના સુધી ચાલેલા એ કૅમ્પ બાદ સૌ કોઈ પોતપોતાના ઘેર જવા માંડ્યા. એ કૅમ્પનું નામ હતું વિસામો શેલ્ટર્સ. એ પછી તેની કોઈ જરૃરિયાત ન જણાતાં બંધ કરવામાં આવ્યો. અને જે પણ ગામોમાં શાળાઓ તૂટી પડી હતી તે બાંધવી શરૃ કરાઈ. એમાં સમજાયું કે અનેક ગરીબ પરિવારના હોશિયાર બાળકો ખરાબ આર્થિક પરિસ્થિતિના કારણે આગળ ભણી શકશે નહીં.

બસ, આમાંથી વિસામો કિડ્સનો જન્મ થયો. ભૂકંપ દરમિયાન જેમણે પોતાનું ઘર ગુમાવ્યું હતું તેવાં ૧૮ બાળકોને શિક્ષિત કરવાના હેતુથી વિસામો કિડ્સની શરૃઆત થઈ. આ બાળકો ધ્રાંગધ્રા, કચ્છ, મોરબી જેવા ભૂકંપગ્રસ્ત વિસ્તારોના એવા અંતરિયાળ ગામડાંઓમાંથી આવતા હતાં જ્યાં તેમનાં માતાપિતા ખેતમજૂરી કરીને, મીઠું પકવીને કે બીજી કોઈ ચીજવસ્તુઓની ફેરી મારીને માંડ બે ટંકનો રોટલા ભેગાં કરતાં હતાં. મંજુલા દેવી શ્રોફ જ્યારે આ બાળકોના માતાપિતાને મળ્યાં ત્યારે તેમને જાણવા મળ્યું કે, ગરીબ માબાપ પણ પોતાનું બાળક શ્રેષ્ઠ સ્કૂલમાં ભણે તેવી આશા રાખતાં હોય છે. શું મોંઘી સ્કૂલો અને શિક્ષણ માત્ર ઉચ્ચ સોસાયટીના બાળકો માટે જ હોય છે? – આ સવાલ તેમના મનમાં સતત ઘોળાતો રહ્યો. એ પછી તેમણે નક્કી કર્યું કે, આ બાળકોને અમદાવાદની શ્રેષ્ઠ શાળાઓમાં ભણવા મૂકવા અને તેમને દુનિયા સામે સ્વમાનભેર ઊભા રહી શકે તેટલાં કાબેલ બનાવવાં. આથી જ વિસામોનું દરેક બાળક અમદાવાદની ટોચની ખાનગી સ્કૂલો જેવી કે, ઝાયડસ, ડીપીએસ, આનંદનિકેતન, ઉદગમ, સંત કબીર, એકલવ્ય, તુલીપ ઇન્ટરનેશનલમાં ભણે છે.

લક્ષ્ય સામે પડકારો પણ ઓછા નથી
દરેક મોટા લક્ષ્યાંકો સામે પડકારો પણ એટલા મોટા હોવાના. વિસામો પણ આમાંથી બાકાત નથી, પણ તેની કાબેલ ટીમ એ પડકારોને પહોંચી વળે છે. વિસામોના પ્રોજેક્ટ ઍડ્મિનિસ્ટ્રેટર સુદેશના ભોજિયા કહે છે, ‘અહીં રહેતાં તમામ બાળકો અત્યંત ગરીબ પરિસ્થિતિમાંથી આવે છે. આદિવાસીપટ્ટાના બાળકો પણ ઘણા છે. જેમની રહેણીકરણી રાજ્યના અન્ય વિસ્તારોમાંથી આવતાં બાળકો કરતાં જુદી હોય છે. આથી વિસામો તેમના માટે એક હોસ્ટેલ બનીને ન રહી જાય તે માટે અમે તેમને એ દરેક સગવડો આપીએ છીએ જે એક મધ્યમવર્ગના પરિવારમાં હોય. ખાસ તો ટોચની સ્કૂલોમાં ભણતાં બાળકો વચ્ચે તે લઘુતાગ્રંથિ ન અનુભવે તે માટે એ દરેક ચીજવસ્તુ તેને પૂરી પાડીએ છીએ જે હાઈ સોસાયટીનાં બાળકો સ્કૂલમાં ઉપયોગ કરતાં હોય છે.

એક ઘરમાં બાળકને મોટું કરવા માટે જે પણ ચીજવસ્તુઓની જરૃર પડે છે તે બધી અમે તેને પૂરી પાડીએ છીએ. જેમાં સારા કપડાં, જમવાનું, મનોરંજન, વીમો, સ્કૂલો સુધી જવા માટે ટ્રાન્સપોર્ટની સુવિધા સુધીની નાનામાં નાની બાબતો સામેલ છે. હવે તો શાળાઓ પણ તેમને સારો એવો સહકાર આપી રહી છે. વિસામોમાં અમે કોઈ બાળકને વચ્ચેના ધોરણથી કદી પ્રવેશ નથી આપતાં. સંસ્થામાં પ્રવેશ માટે અમે ૨૦૦ બાળકોની પરીક્ષા લઈએ છીએ જેમાંથી માત્ર ૧૦ની પસંદગી કરીએ છીએ.’

સામાન્ય રીતે બાળકોને એક જગ્યાએ સુમેળભર્યા રાખવા અઘરું કામ છે, પણ અહીંની ગૃહમાતાઓ આ કામ કુશળતાથી પાર પાડે છે. અલગ-અલગ વાતાવરણમાંથી બાળકો અહીં આવતાં હોય છે ત્યારે તેમના નવા વાતાવરણમાં રહેવા માટે કેવી રીતે તૈયાર કરો છો? તેનો જવાબ આપતાં ગૃહમાતાની ફરજ બજાવતાં મીનાબહેન ડામોર કહે છે, ‘એના માટે અમે સ્કૂલો શરૃ થાય એના પંદર દિવસ પહેલાં પસંદગી પામેલાં બાળકોને બોલાવી લઈએ છીએ. એ દરમિયાન અહીં આવેલી એક શાળાના પ્રિ સ્કૂલ પ્રોગ્રામમાં મોકલીએ છીએ, જ્યાં તેમને શાળાએ જવા માટે માનસિક રીતે તૈયાર કરીએ છીએ. આ પ્રક્રિયા પૂરી થયા બાદ અંતિમ પસંદગી માટે તેનાં માતાપિતાને સંસ્થામાં બોલાવવામાં આવે છે.

જેમાં જુદા-જુદા અનુભવો થાય છે. ઘણા વાલીઓ પોતાનાં હોશિયાર બાળકના ભવિષ્ય માટે ત્યાગ કરવા તૈયાર થઈ જાય છે તો કેટલાંક સંતાનને પોતાનાથી અલગ કરવા તૈયાર નથી થતાં. એવા પણ કિસ્સા છે જેમાં દીકરી હોશિયાર હોવા છતાં તે વધારે ભણી લેશે તો એને લાયક મુરતિયો નહીં મળે એમ માનીને વાલીઓ સાવ નાનપણથી જ દીકરીને અહીંથી પરત લઈ ગયા હોય. આ સમયે અમારી સાથે જોડાયેલી સ્વૈચ્છિક સંસ્થાઓનો રોલ બહુ મહત્ત્વનો બની રહે છે. સંસ્થાના કાર્યકરો દીકરીના ઘેર જઈ તેના માતાપિતાને સમજાવે છે. ૧૫ દિવસના આ ગાળા બાદ જ્યારે ફાઇનલ ઍડ્મિશન માટે વાલીઓ સંસ્થામાં આવે છે ત્યારે અમારી વધુ આકરી કસોટી થાય છે. કેમ કે બાળક માબાપ સાથે પરત ફરવા માંગતું હોય છે. ત્યારે અમે વાલીઓને સમજાવીએ છીએ કે શા માટે તેમણે પોતાના બાળકને વિસામોમાં રહેવા દેવું જોઈએ. જોકે, કેટલીક વાર આનાથી વિરુદ્ધની પરિસ્થિતિ પણ ઊભી થતી હોય છે. જેમાં બાળકને અહીં રહેવું હોય છે, પણ માબાપ રહેવા દેવા તૈયાર નથી હોતાં, પણ આવા કિસ્સાઓ અપવાદરૃપ હોય છે કેમ કે, મોટા ભાગના વાલીઓ ભણતરનું મહત્ત્વ સમજતા હોઈ મક્કમ હોય છે.’

————————–    વધુ વિગતો વાંચવા અભિયાન સબસ્ક્રાઇબ કરો ————————–

નરેશ મકવાણાવિસામો
Comments (0)
Add Comment