મિત્રો સાથે વાત કરવાનો નવો ટ્રેન્ડ

'દોસ્તી કા એક ઉસૂલ હૈ મેડમ નો સોરી, નો થેન્ક્સ

– હેતલ રાવ

ઘણી ફિલ્મો એવી છે જેના ડાયલોગને યુવાનોએ પોતાના રોજિંદા જીવનની વાતચીતમાં વણી લીધા છે. હવે યુવાનો પોતાના મિત્રો સાથે ફિલ્મી ડાયલોગમાં વાત કરતા થયા છે, યુવાનોમાં આ એક નવો જ ટ્રેન્ડ શરૃ થયો છે. ‘દોસ્તી કી હૈ તો નિભાની તો પડેગી.’ ‘મૈને પ્યાર કિયા’ ફિલ્મના આ ડાયલોગનો સૌથી વધુ ઉપયોગ આજના યુવાનો કરે છે.

‘જાઓ, પહેલે ઉસ આદમી કી સાઇન લે કે આઓ જીસને મેરે હાથો પર યે લીખ દિયા હૈ.’ ‘દીવાર’ ફિલ્મના આ ડાયલોગે છેક અત્યાર સુધી પોતાની પકડ જમાવી રાખી છે. જોકે આવા ઘણા ડાયલોગ છે જે લોકોમાં પ્રિય બન્યા હોય, પરંતુ તેનો ટ્રેન્ડ તો યુવાનોએ જ શરૃ કર્યો છે. કૉલેજ કેમ્પસ હોય,  ટ્યૂશન કલાસીસ કે પછી કૉલેજની કેન્ટીન, યુવાનો કોઈક વાર મજાકમાં તો કોઈક વાર પોતાના મિત્રોને ઇમ્પ્રેસ કરવા ફિલ્મી ડાયલોગનો યુઝ કરે છે. આજકાલ આ એક નવો અને અલગ જ ટ્રેન્ડ યુવાનોમાં જોવા મળે છે. જેમાં અનેક ફિલ્મ ડાયલોગનો ઉપયોગ યુવાનો કરે છે.

દરેક વ્યક્તિના જીવનમાં એક મિત્ર એવો હોય છે જે ફિલ્મી ડાયલોગના અંદાજમાં જ જવાબ આપે છે. બોલિવૂડની અનેક ફિલ્મો છે જેના ડાયલોગ હિટ રહ્યા છે, પરંતુ યુવાનો ખાસ ડાયલોગનો જ ઉપયોગ કરે છે. જેમાં  ‘દોસ્તી કા એક ઉસૂલ હૈ મેડમ નો સોરી, નો થેન્ક્સ’ આ ડાયલોગ યુવાનો વારંવાર બોલતા હોય છે. યુવતીઓ પણ આ ડાયલોગને થોડો બદલીને બોલે છે. રાઘવ પાંડવ કહે છે, ‘અમે જ્યારે પણ કૉલેજ કેન્ટીનમાં જઈએ એટલે મારો મિત્ર તુષાર મારા

ચાના કપમાંથી જ ચા પીતા બોલે છે,  ‘દો દોસ્ત એક પ્યાલે મેં ચાય પીતે હૈ તો ઇસ સે દોસ્તી બઢતી હૈ,’ તેના આ ડાયલોગ વિના મને ચા ગળેથી નીચે નથી ઊતરતી.’

જ્યારે વિશાલ બ્રહ્મભટ્ટ કહે છે, ‘મારાથી અભ્યાસમાં હંમેશાં પાછળ રહેનાર મારો દોસ્ત કિરણ રિજલ્ટ આવતા જ કહે છે,  ‘દોસ્ત ફેલ હો જાયે તો દુઃખ હોતા હૈ  લેકીન દોસ્ત ફર્સ્ટ આ જાએ તો જ્યાદા દુઃખ હોતા હૈ.’ કિરણ જ્યારે પણ આ ડાયલોગ બોલે છે ત્યારે હું ખૂબ જ હસું છું. પછી અમે એકબીજાને ભેટી પડીએ છીએ. કિરણ મારો ફિલ્મી ડાયલોગિયો ફ્રેન્ડ છે.’

હિતિક્ષા કુમારી કહે છે, ‘હું જ્યારે પણ કૉલેજમાંથી લેકચર બંક કરી મારા ફિયાન્સ સાથે જવાનો પ્લાન બનાવું એટલે મારા મિત્રો તરત જ બોલે છે, ‘જા સિમરન જા, જી લે અપની જિંદગી.’ પછી હું તેમને મારવા આખા કૉલેજ કેમ્પસમાં દોડું છું. મારા એન્ગેન્જમેન્ટ થયા છે ત્યારથી મિત્રો આ ડાયલોગ બોલીને મને ચીઢવે છે.’

‘એક બાર મૈંને કમિટમેન્ટ કર દી તો, ફીર મૈં અપને આપ કી ભી નહીં સૂનતા’ આ ડાયલોગ તો યુવાનોમાં એટલો બધો ટ્રેન્ડી બની ગયો છે કે માત્ર બહાર જ નહીં, ઘરમાં પણ બોલે છે. ‘વો મેરી સબસે અચ્છી દોસ્ત ના બન શકી તો મૈં ઉસસે કભી પ્યાર નહીં કર શકતા, સિંપલ પ્યાર દોસ્તી હૈ.’ આ ડાયલોગનો ટ્રેન્ડ યુવાનો ખાસ મિત્રોને ઇમ્પ્રેસ કરવા માટે કરે છે. આ ઉપરાંત પણ અનેક ડાયલોગનો ઉપયોગ કરી યુવાનોએ કોઈ પણ વાતનો જવાબ આપવાનો નવો જ ટ્રેન્ડ અપનાવ્યો છે.

————————————–

ફેમિલી ઝોનયુવાહેતલ રાવ.
Comments (0)
Add Comment