રાજકાજ: એલજી હાઉસમાં કેજરીવાલના ધરણા, પણ ઉકેલ શું?

કોંગ્રેસનો એક મુદ્દાનો વ્યૂહ કોઈ પણ ભોગે મોદીને હરાવો

રાજકાજ

એલજી હાઉસમાં કેજરીવાલના ધરણા, પણ ઉકેલ શું?
પાટનગર દિલ્હીમાં આમ આદમી પાર્ટીની રાજ્ય સરકાર અને દિલ્હીના લૅફ્ટેનન્ટ ગવર્નર (એલજી)  વચ્ચેનો વિવાદ અને સંઘર્ષ પરાકાષ્ટાએ પહોંચ્યો છે. રાજ્યના મુખ્યપ્રધાન અને તેમના ત્રણ સાથી પ્રધાનો એલજી હાઉસમાં ધરણાં પર બેઠા છે. તેમનું કહેવાનું એવું છે કે લૅફ્ટેનન્ટ ગવર્નર અનિલ બૈજલ રાજ્ય સરકારને કામ કરવા દેતા નથી. તેઓ લૅફ્ટેનન્ટ ગવર્નરના અધિકારો પર કાપ મૂકવાની અને મુખ્યપ્રધાનને વધુ અધિકાર આપવાની માગણી કરી રહ્યા છે. ટૅક્નિકલી એ શક્ય બને તેમ નથી. કેમ કે તેને માટે બંધારણમાં સુધારો કરવો પડે, જે વર્તમાન સ્થિતિમાં શક્ય બને તેમ નથી. મહત્ત્વની વાત એ છે કે દિલ્હી કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને તેને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાયો નથી. આ સ્થિતિ આજકાલની નથી. દિલ્હીને રાજ્યનો દરજ્જો મળ્યો ત્યારથી છે. અગાઉ ભાજપ અને કોંગ્રેસની રાજ્ય સરકારો આ માળખામાં રહીને સારી કામગીરી કરી ચૂકી છે.

અરવિંદ કેજરીવાલ મુખ્યપ્રધાન બન્યા ત્યારથી જ તેમણે લૅફ્ટેનન્ટ ગવર્નર અને રાજ્યના આઇએએસ અધિકારીઓ સાથે સંઘર્ષનો માર્ગ ગ્રહણ કર્યો છે. અગાઉના રાજ્યપાલ નજીબ જંગ સાથે પણ તેઓ ઉગ્ર ઘર્ષણમાં ઊતર્યા હતા. તેઓ રાજ્યપાલને કોરાણે મુકીને મનસ્વી નિર્ણયોને અમલમાં લાવવા ઇચ્છે છે, જે શક્ય નથી. દિલ્હીના માળખામાં રાજ્ય સરકારે લૅફ્ટેનન્ટ ગવર્નર સાથે મળીને કામ કરવાનું હોય છે. તેમની ઉપરવટ મુખ્યપ્રધાન જઈ શકે નહીં. આ સ્થિતિને કેજરીવાલ સ્વીકારી શક્તા નથી. ઉપરાજ્યપાલની મંજૂરી વિના કોઈ નિર્ણયનો અમલ શક્ય નથી. એ સ્થિતિમાં ઉપરાજ્યપાલને વિશ્વાસમાં લઈને નિર્ણયની પ્રક્રિયામાં આગળ વધવાની કાર્યશૈલી કેજરીવાલ ઇરાદાપૂર્વક અપનાવતા નથી. ‘નાચવું નહીં અને આંગણુ વાંકુ’ હોવાના બહાના જેવું કામ કેજરીવાલનું છે. આ પહેલાં કોંગ્રેસની શીલા દીક્ષિતની સરકાર ત્રણ ટર્મ સુધી ઉત્તમ કામગીરી કરી ચૂકી છે.

દિલ્હીના લોકો પણ તેના સાક્ષી રહ્યા છે. એ  વખતે પણ  આ જ વહીવટી માળખું અને કાર્યશૈલી હતી. મહત્ત્વની વાત એ છે કે લેફ્ટનેન્ટ ગવર્નર અને વહીવટીતંત્ર સાથે સંકલન સાધીને દિલ્હીને સારો વહીવટ આપી શકાય તેમ છે. ખરી વાત એ છે કે આમ આદમી પાર્ટીના પ્રધાનો અને હોદ્દેદારોનો અધિકારીઓ પ્રત્યેનો વ્યવહાર ઘૃણા અને તિરસ્કારપૂર્ણ રહ્યો છે. અરવિંદ કેજરીવાલના નિવાસ પર ગત દિવસોમાં મોડી રાત્રે યોજાયેલી બેઠકમાં રાજ્યના સચિવ સાથે કરાયેલી મારપીટનો વિવાદ હજુ ઉકેલાયો નથી. એ ઘટના પછીથી અધિકારીઓ રાજ્ય સરકારની બેઠકમાં જતાં ડર અનુભવતા હોવાનું કહેવાય છે. કેજરીવાલની સરકાર પોતાના કામકાજ પર ઉપરાજ્યપાલના બંધારણ-પ્રદત્ત નિયંત્રણને સહન કરી શક્તી નથી. તે હંમેશ ઉપરાજ્યપાલ સાથે સંઘર્ષની મુદ્રામાં રહે છે. આ સ્થિતિ યોગ્ય નથી. તેનાથી સરવાળે દિલ્હીના લોકોને જ સહન કરવાનું આવે છે. અરવિંદ કેજરીવાલ ધરણાના તમાશા કરીને પોતાને લાચાર ગણાવી લોકોની સહાનુભૂતિ મેળવવા પ્રયાસ કરતા રહે છે. વચ્ચેના થોડાં વર્ષ આવા સ્ટન્ટ બંધ કર્યા પછી ફરી કેજરીવાલ તેમની જૂની રીતરસમ અપનાવી આગળ વધી રહ્યા છે.

દિલ્હીમાં આમ આદમી પાર્ટીના શાસન દરમિયાન તેમની વહીવટી ક્ષમતાની મર્યાદાઓ લોકો સમક્ષ ખુલ્લી પડી ગઈ છે. તેમ તેમણે ચૂંટણી દરમિયાન કરેલી જાહેરાતોમાં પણ સૈદ્ધાંતિક બાંધછોડ કરીને સત્તાનો ભોગવટા પ્રત્યે અનુરાગ દર્શાવ્યો છે એ લોકો જોઈ રહ્યા છે. પોતાની બિનકાર્યક્ષમતા છૂપાવવા કેન્દ્ર સરકારને ટાર્ગેટ બનાવવાનો આસાન રસ્તો અપનાવી વડાપ્રધાન પર આક્ષેપબાજી કરવામાં રાચતા રહેલા કેજરીવાલને તેમની ઇમેજ ખરાબ થતી જણાઈ એટલે આક્ષેપબાજી બંધ કરી દીધી હતી. હવે ફરી જૂના માર્ગે રાજનીતિ શરૃ કરી છે. દિલ્હીમાં એલજી હાઉસમાં ધરણાં સામે દિલ્હી હાઈકોર્ટે આકરી ટિપ્પણી કરી તેને લક્ષમાં લેવી જોઈએ. પોતે જે કરી રહ્યા છે તે બધું યોગ્ય છે એમ માનવું અને મનાવવું એ અહંકાર છે. કેજરીવાલને ચારેક રાજ્યોના મુખ્યપ્રધાનોએ સમર્થન આપ્યું અને કેન્દ્રને આ મામલો જલદી ઉકેલવા અનુરોધ કર્યો એ તો વિપક્ષી એકતા દર્શાવવાના પગલાં રૃપે હતું. વડાપ્રધાનના નિવાસને ઘેરાવ કરવાના કાર્યક્રમમાં હાંસિયામાં ધરેલાઈ ગયેલા ડાબેરી પક્ષોએ ઉમળકાભેર સહયોગ આપ્યો. દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસના ગઠબંધન અંગે સ્થિતિ સ્પષ્ટ ન હોવાથી કેજરીવાલનાં ધરણાં અંગે પણ કોંગ્રેસનું વલણ દ્વિધાયુક્ત રહ્યું. આ સમગ્ર સ્થિતિનો ઉકેલ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં રહેલો છે. એટલે કેજરીવાલે એ માગણી દોહરાવી છે, પરંતુ તમામ વ્યાવહારિક કારણોસર એ શક્ય બને તેમ લાગતું નથી. કમ સે કમ દિલ્હીના વહીવટ માટે કેજરીવાલે શાસનશૈલી સંજોગોને અનુકૂળ બનાવવી જોઈએ.
——————————-.

કોંગ્રેસનો એક મુદ્દાનો વ્યૂહ કોઈ પણ ભોગે મોદીને હરાવો
ગાંધી પરિવાર એવું ઇચ્છે છે કે, આગામી ર૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં અંગત રીતે વડાપ્રધાનપદનો ભોગ આપીને પણ કોઈ પણ ભોગે નરેન્દ્ર મોદીને હરાવવા જોઈએ. કોંગ્રેસ વૉર રૃમે એ માટે વ્યૂહ રચના વિચારી છે કે ભાજપ વિરોધી મહાગઠબંધને પંદર રાજ્યોમાં ૪૦૩ બેઠકો પર સંયુક્ત ઉમેદવાર ઊભા રાખવા જોઈએ. કોંગ્રેસ પાસે અત્યારે બિહાર, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને ઝારખંડમાં સાથી પક્ષો છે. હવે રાહુલ ગાંધી નવા સાથી પક્ષો સુધી પહોંચવા પ્રયત્નશીલ છે. તેમણે છત્તીસગઢમાં અજિત જોગીનાં પત્નીને વ્યક્તિગત રીતે ફોન કરીને જોગીના ખબર-અંતર પૂછ્યા હતા. જોગીએ ક્યારની કોંગ્રેસ છોડી દીધી છે અને પોતાના પ્રાદેશિક પક્ષની સ્થાપના કરી છે. આસામમાં કોંગ્રેસ એઆઈયુડીએફ સાથે જોડાણ કરવા ઇચ્છે છે તો જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ સાથે જોડાણ માટે ઉત્સુક છે. કોંગ્રેસ ગુજરાતમાં પણ એનસીપી સાથે થોડી બેઠકો પર સમજૂતી કરવા તૈયાર છે. આંધ્ર, તેલંગણા, પ.બંગાળ, ઓરિસ્સા અને દિલ્હીમાં કોંગ્રેસના ગઠબંધનનું ચિત્ર સ્પષ્ટ નથી. એ જ રીતે ઉત્તર પ્રદેશ પણ તેને માટે કોયડા સમાન બની રહ્યું છે. અહેવાલ અનુસાર માયાવતીએ અખિલેશ યાદવ સાથે જોડાણ કર્યું છે. આ સમજૂતી પ્રમાણે બીએસપી-૪પ અને એસપી ૩પ બેઠકો પર ચૂંટણી લડશે. અખિલેશ એવું ઇચ્છે છે કે કોંગ્રેસ અને રાષ્ટ્રીય લોકદળ માટે થોડી બેઠકો ફાળવવી જોઈએ, પરંતુ માયાવતીએ સ્પષ્ટતા કરી છે કે આ પક્ષો માટે સમાજવાદી પાર્ટી પોતાના હિસ્સામાંથી તેમને બેઠકો ફાળવે. કોંગ્રેસ સાથે જોડાણ માટે માયાવતીની શરત એ છે કે માત્ર ઉત્તર પ્રદેશમાં નહીં, મધ્યપ્રદેશ, પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં કોંગ્રેસે તેની સાથે સમજૂતી કરવી જોઈએ. માયાવતી સંસદીય ચૂંટણીમાં કમ સે કમ પ૦ બેઠકો જીતી રાષ્ટ્રીય સ્તરે મહત્ત્વની ભૂમિકા માટે તત્પર છે.
——————————-.

કર્ણાટકના શાસક ગઠબંધનમાં તિરાડો દેખાવા લાગી છે
કર્ણાટકમાં જનતા દળ (એસ) – કોંગ્રેસ વચ્ચેના ગઠબંધનમાં અપેક્ષા કરતાં વહેલી તિરાડ દેખાવા લાગી છે. રાજ્યના ભૂતપૂર્વ પ્રધાનો એમ.બી. પાટિલ અને એચ.કે. પાટિલ તેમજ વરિષ્ઠ નેતાઓ ગણગણવા લાગ્યા છે કે જનતાદળ (એસ) દ્વારા મોટા ભાગનાં મહત્ત્વનાં ખાતાંઓ કબજે કરી લેવાયાં છે અને બાકી રહેલાં ખાતાંઓને કોંગ્રેસના જુનિયર નેતાઓને ફાળવાયાં છે. વિચિત્રતા એ છે કે, કોંગ્રેસના આ આંતરિક અસંતોષથી કોંગ્રેસના દિલ્હીના મોવડીમંડળ કરતાં વધુ ચિંતિત મુખ્યપ્રધાન કુમારસ્વામીના પિતા એચ.ડી. દેવગૌડા છે. દેવગૌડાએ નિવેદન કરીને એવું કહ્યું છે કે, કુમારસ્વામીને મુખ્યપ્રધાન બનાવવાનું તેમણે કહ્યું ન હતું. એમ.બી. પાટિલને શાંત પાડવા ગત સપ્તાહે કુમારસ્વામી તેમને મળ્યા હતા. જોકે ત્યાર પછી કુમારસ્વામીએ વિચિત્ર નિવેદન કરીને પરિસ્થિતિ વધુ ડહોળી નાખી હતી. તેમણે કહ્યું કે, અગાઉની સરકારમાં પ્રવર્તતા ભ્રષ્ટાચારને કારણે તેઓ મુખ્યપ્રધાનપદ સ્વીકારવા હિચકિચાટ અનુભવતા હતા, તેમણે એવી વાતો સાંભળી છે કે સચિવાલયમાં બદલી માટે વચેટિયાઓ રૃપિયા દસ કરોડની માગણી કરે છે. ભૂતપૂર્વ કોંગ્રેસી મુખ્યપ્રધાન સિધ્ધરામૈયાને એવું લાગે છે કે આ વાત તેમને ટાર્ગેટ બનાવીને કહેવાઈ છે.
——————————-.

રાજકાજ
Comments (0)
Add Comment