માર્કેટ રિસર્ચ એનાલિસ્ટઃ ઉત્તમ કારકિર્દી

માર્કેટ રિસર્ચનું કામ ઘણુ મહત્ત્વનું છે.

બજારનું પોતાનું અલગ અર્થતંત્ર છે તેને જાણ્યા સમજ્યા વિના કોઈ પણ વ્યવસાયને માર્કેટમાં લાવવો તે એક ભૂલ સાબિત થશે. કોઈ પણ ઉત્પાદનને વધારતાં પહેલાં અને નવી વસ્તુને માર્કેટમાં લાવતાં પહેલાં અનેક આયામો જોવા પડે છે. માર્કેટમાં નવો ટ્રેન્ડ શું છે તેની સાથે લોકોની માગ શું છે તેના વિશેની જાણકારી મેળવવી દરેક કંપની માટે મહત્ત્વની છે, પરંતુ કોઈ પણ પ્રોડક્ટને માર્કેટમાં સફળતા અપાવવા માટે થઈને ખાસ વ્યક્તિઓની મહેનત લાગેલી હોય છે. જે રોજબરોજ બજારમાં લોકો સાથે મળે છે તેમની પસંદ ના પસંદ જાણે છે નવી ડિઝાઇન નવી ટેકનિકને ઓળખે છે. ત્યાર પછી પોતાનો અભિપ્રાય જે-તે કંપની સમક્ષ રજૂ કરે છે અને કંપની આ સલાહના આધારે પોતાની પ્રોડક્ટને માર્કેટમાં લોન્ચ કરે છે. પ્રોફેશનલ ભાષામાં આ ચેનને ‘માર્કેટ રિસર્ચ એનાલિસ્ટ’ કહેવામાં આવે છે. હાલના તબક્કે મોટી સંખ્યામાં યુવાનો આ ક્ષેત્રે પગ જમાવવા તૈયાર થયા છે. બદલાતા સમય સાથે કારકિર્દી બનાવવાનો આ એક ઉત્તમ વૅ છે.

મહત્ત્વની કામગીરી
માર્કેટ રિસર્ચનું કામ ઘણુ મહત્ત્વનું છે. આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માર્કેટ ટ્રેન્ડ અને સેલ્સના કામ પર સતત મોનિટરિંગ રાખે જ છે. ઉપરાંત ડેટા એકત્રિત કરવા, ગ્રાહકો સાથે વાતચીત કરવી, બજારની સ્થિતિ પારખી સરવે કરવાની કામગીરી પણ કરે છે. ભૂતકાળમાં રજૂ કરાયેલા રિપોર્ટને વાંચીને વર્તમાન સમયમાં થયેલા બદલાવનો રિપોર્ટ તૈયાર કરવાની જવાબદારી પણ આ પ્રોફેશનલ્સની જ હોય છે. સરવેના આધારે તૈયાર કરાયેલો રિપોર્ટ કંપનીને આપવામાં આવે છે. કંપની પણ આ રિપોર્ટના આધારે જ બજારમાં પોતાની પ્રોડક્ટ મુકે છે.

ક્યારે કરવો આ કોર્સ
જે યુવાન સ્નાતક હોય તેમની માટે આ કોર્સના દ્વાર ખુલ્લા છે. જો વિદ્યાર્થી ગણિત, વિજ્ઞાન કે કમ્પ્યુટર વિષય સાથે સ્નાતક હોય તો તેને વધુ લાભ મળે છે. બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશન, સોશિયલ સાયન્સ અથવા તો કમ્યુનિકેશન જેવા કોર્સ કર્યા હોય તેવા વિદ્યાર્થીઓ આ કોર્સના માસ્ટર કોર્સ માટે અરજી કરી શકે છે. કેટલાક માર્કેટ રિસર્ચ એનાલિસ્ટની જોબ માટે એમબીએ ઇન માર્કેટિંગની માગ રહે છે. જેમાં અનેક પ્રકારનાં સર્ટિફિકેટ, ડિપ્લોમા અને પીજી ડિપ્લોમા કોર્સ પણ કરાવવામાં આવે છે.

સ્કિલનો યુઝ
યોગ્યતાની સાથે આવડતનો પણ ઉપયોગ કરવો જરૃરી છે. મેથેમેટિક્સ, રિજનિંગ, પ્રોબ્લમ સોલ્વિંગ, એનાલિટિકલ જેવા ગુણોના ભંડાર હોવો આવશ્યક છે. કોઈ પણ ઘટનાની ઊંડાણથી તપાસ કરવી, કમ્યુનિકેશન સ્કિલ, કલાકો પરેસેવો પાડવાની તૈયારી, કોઈ પણ કામને જુદી રીતે જોવાનો નજરિયો, કામને નિયત સમયમાં પૂર્ણ કરવાની કુનેહ, શાંત સ્વભાવ જેવા અનેક ગુણો ડગલે ને પગલે જરૃર પડે છે. જે ખાસ જરૃરી છે તે છે ગ્રાહક અને કંપની વચ્ચે મધ્યસ્થી બનવું. તો વળી કોમ્પ્યુટરનું જ્ઞાન, સોફ્ટવેર જેવા એક્સેલ, પાવર પોઇન્ટ જેવા વિષયની જાણકારી હોવી પણ ઉપયોગી નિવડે છે.

રોજગારીની સંભાવના
આ કોર્સ કર્યા પછી પ્રોફેશનલ્સને નોકરી માટે ફરવું નથી પડતું. યુએસ બ્યૂરો ઓફ લોબર સ્ટેટિસ્ટિક્સના રિપોર્ટ પ્રમાણે માર્કેટ રિસર્ચ એનાલિસ્ટ ક્ષેત્રમાં નોકરીની તક દર વર્ષે ૨૩ ટકા જેટલી વધી રહી છે. ૨૦૨૬ સુધી આ વૃદ્ધિ દર રહેવાની આશા છે. ૨૦૧૭માં ૫,૯૫,૪૦૦ લોકો આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હતા. ૨૦૨૬માં આ સંખ્યા વધીને ૭,૩૧,૪૦૦ થશે. જેમાં સૌથી વધારે ઍર્ડ્વાટાઈઝ એજન્સી, મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી, કન્સલ્ટન્સી ફર્મ, કોર્પોરેશન સાથે કેટલીક સરકારી અને ખાનગી વિભાગોમાં પણ જોબ મળે છે. જ્યારે બીજી બાજુ ફાઇનાન્સ, માર્કેટિંગ, ઇન્સ્યોરન્સ, પબ્લિશિંગ અને મૅનેજમેન્ટ સાથે જોડાયેલી કંપનીઓ માર્કેટ રિસર્ચ એનાલિસ્ટ રાખે છે. પ્રોફેશનલ્સ જો કોઈ કંપની સાથે જોડાઈને કામ કરવા નથી માગતા તો સ્વતંત્ર રીતે પણ કામ કરી શકે છે.

કયા હોદ્દા પર મળશે નોકરી
જુનિયર રિસર્સ એક્ઝિક્યુટિવ, રિસર્ચ એક્ઝિક્યુટિવ, પ્રોજેક્ટ મેનેજર, ઓપરેશન સુપરવાઇઝર, રિસર્ચ મેનેજર, એસોસિએટેડ ડાયરેક્ટર, માર્કેટિંગ મેનેજર, બિઝનેસ ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવ, ડેટા પ્રોસેસિંગ અથવા એનાલિસિસ એક્ઝિક્યુટિવ, કસ્ટમર કૅર એક્ઝિક્યુટિવ જેવા ડેજિગ્નેશન સાથે સારી નોકરી મળી શકે.
———————————–.

માર્કેટ રિસર્ચ
Comments (0)
Add Comment