ઓનલાઇન પ્રવૃત્તિ દ્વારા માતૃભાષાનો વારસો જાળવી રહી છે પ્રતિલિપિ…

પ્રતિલિપિનો ઉપયોગ એકદમ સરળ છે

સાહિત્ય – પરીક્ષિત જોશી

પ્રતિલિપિ લાખો લોકોને એમની પોતાની, માતૃભાષાથી જોડતું ઓનલાઇન સેલ્ફ-પબ્લિશિંગ પ્લેટફોર્મ છે. છેલ્લાં વર્ષોમાં પ્રતિલિપિ નવોદિત લેખકો માટે, એમનું સાહિત્ય લાખો લોકો સુધી વિનામૂલ્યે, એક પણ પૈસાના ખર્ચ વિના, આપમેળે પહાંેચાડતા એક ઉત્તમ પ્લેટફોર્મ તરીકે સાબિત થયું છે. હાલમાં, પ્રતિલિપિની વેબસાઇટ તથા એન્ડ્રોઇડ એપ્લિકેશન ઉપલબ્ધ છે. એક બાજુ, અંગ્રેજીના અજ્ઞાન અને ટૅક્નોલોજીના જ્ઞાનથી દૂર રહેલાં લોકો પોતાના વિકાસથી વંચિત રહી જાય છે. તો બીજી બાજુ, ઇન્ટરનેટના જોરદાર ફેલાવા સાથે હકીકત એ હતી કે ફક્ત ભારતીય ભાષાઓ જ સમજતા નવાસવા ઇન્ટરનેટ યુઝર્સ માટે, એ પોતાની માતૃભાષામાં વાંચી શકે એવું  કન્ટેન્ટ, ઓનલાઇન ઉપલબ્ધ જ ન હતું. આ બે અંતિમોને ભેગા કરવાનું કામ પ્રતિલિપિ દ્વારા એના સીઇઓ રણજિતપ્રતાપ સિંહ અને એમના અન્ય ચાર મિત્રો રાહુલ રંજન, પ્રશાંત ગુપ્તા, શંકરનારાયણ દેવરાજન અને સહ્યાદ્રી મોદીએ કર્યું અને ૨૦૧૪માં શરૃ થઈ પ્રતિલિપિ. ત્યારે પ્રતિલિપિ માત્ર બે ભાષામાં વાંચન પૂરું પાડતી હતી, એ બે ભાષા હતી, હિન્દી અને યસ, અફકોર્સ, ગુજરાતી. પછીથી અન્ય ભારતીય ભાષાઓ ઉમેરાઈ.

હાલમાં પ્રતિલિપિ ભારતીય ભાષાઓમાં કાર્યરત ભારતનું સહુથી મોટું ઓનલાઇન સેલ્ફ-પબ્લિશિંગ પ્લેટફોર્મ છે. જ્યાં ૨૬,૦૦૦ જેટલાં લેખકો પોતાની માતૃભાષામાં વાર્તાઓ અને લેખો લખીને મહિનાના ૧૨,૦૦,૦૦૦થી વધુ વાચકો સુધી પહોંચી રહ્યા છે. અત્યારે પ્રતિલિપિ હિન્દી, ગુજરાતી, બંગાળી, મરાઠી, તામિલ, મલયાલમ, તેલુગુ અને કન્નડ ભાષાઓના વાચકો માટે પોતાની સેવા પૂરી પાડી રહ્યું છે. આ આઠ ભાષાઓમાં થઈને કુલ ૧,૭૦,૦૦૦ જેટલી વાર્તાઓ, લેખો અને પુસ્તકો આ લેખકો દ્વારા સેલ્ફ – પબ્લિશ થયેલા છે અને આ આંકડાઓમાં સતત તીવ્રગતિએ વધારો થઈ રહ્યો છે.

પ્રતિલિપિ પર દર મહિને વિવિધ વિષયો જેમ કે, ‘તસવીર બોલે છે’, ‘પત્રલેખન સ્પર્ધા’ ,’લઘુકથા સ્પર્ધા’, ‘માઇક્રો-ફિક્શન’ સ્પર્ધા, ‘વાર્તામેળો’, ‘કાવ્ય મહોત્સવ’, ‘યંગિસ્તાન’ ‘સંસ્મરણો’, ‘ટ્રાન્સલેશન ચેલેન્જ’, ‘ડાયરીનું એક પાનું’, ‘પથદર્શક’, ‘મિત્રતાના મણકા’ વગેરે વિષયે ઓનલાઇન સ્પર્ધાઓ યોજાતી રહે છે. વીડિયો ઇન્ટરવ્યૂ માધ્યમથી પ્રતિલિપિના કન્ટેન્ટ એક્સપર્ટ બ્રિન્દા ઠક્કર દ્વારા વિવિધ સાહિત્યિક વિષયો સંદર્ભે અત્યાર સુધીમાં સર્વશ્રી રઘુવીર ચૌધરી, ધ્રુવ ભટ્ટ, શાહબુદ્દીન રાઠોડ, સિતાંશુ યશશ્ચંદ્ર, વિનોદ ભટ્ટ, યશવંત મહેતા, રજનીકુમાર પંડ્યા, જલન માતરી, ખલિલ ધનતેજવી, જય વસાવડા, કાજલ ઓઝા વૈદ્ય, દીપક સોલિયા, સૌરભ શાહ,  મણિલાલ પટેલ, કુમારપાળ દેસાઈ, ડૉ. શરદ ઠાકર, હિમાંશી શેલત, વર્ષા અડાલજા, ગુણવંત શાહ જેવા સિદ્ધહસ્ત લેખકોની મુલાકાત લેવામાં આવી છે.

આ ઉપરાંત, વાંચનરસિકજનો માટે પ્રતિલિપિ પર હોરર વાર્તાઓ, રહસ્યમય અને રોમાંચક વાર્તાઓ, લઘુકથા, કાવ્યો, ફિલ્મ અને મ્યુઝિક, આરોગ્ય, બાળ સાહિત્ય, હાસ્ય કિલ્લોલ, નવલકથા, પ્રવાસ-યાત્રા, પૌરાણિક, રસથાળ, જીવન ચરિત્ર જેવા અનેક વિષયો પર રચનાઓ ઉપલબ્ધ છે. એ સિવાય, પ્રતિલિપિ પર ‘વાચા’, ‘સંકેત’, ‘યંગિસ્તાન’, ‘પંક્તિ’ જેવા મૅગેઝિન પણ ઉપલબ્ધ છે. એક નવા પ્રકલ્પ અંતર્ગત, પ્રતિલિપિ પર ‘સ્વરમય શબ્દસૃષ્ટિ’ અંતર્ગત વાચકોએ પોતાની મનપસંદ કૃતિઓને, પોતાના અવાજમાં રેકોર્ડ કરીને મોકલી હતી જેને યુ-ટ્યુબ પર સંગીત સાથે અપલોડ કરવામાં આવી છે.

બેંગલુરુ સ્થિત ૨૮ એન્જિનિયર યુવાઓની ઊર્જાસભર ટીમ પ્રતિલિપિ માટે દિવસ-રાત એક કરી રહી છે. પ્રતિલિપિનો ઉપયોગ એકદમ સરળ છે. પ્રતિલિપિ દ્વારા વાચકો અને લેખકો પરસ્પર જોડાઈ પણ શકે છે. વાચકો એમના મનપસંદ લેખકોને ફોલો કરી શકે છે અને એમના દ્વારા લખેલી વાર્તાઓ અને લેખોનો પ્રતિભાવ આપી લેખક સાથે સીધો વાર્તાલાપ પણ કરી શકે છે. આજના ઈ-યુગમાં પ્રતિલિપિ જેવી સંસ્થા સાહિત્યની ઓનલાઇન સેવા થકી વારસો જાળવી રહી છે, એનાથી વધુ આનંદ બીજો ક્યો? પ્રતિલિપિ અને એના સ્વપ્નદૃષ્ટાઓ સહિતની સમગ્ર ટીમને ખૂબ-ખૂબ અભિનંદન.
———————————–.

પરિક્ષિત જોષીપ્રતિલિપિસાહિત્ય
Comments (0)
Add Comment