વ્યંગરંગ – ફરી આવ્યાં?

'ઍરપોર્ટથી? તમે તો કશે ફરવા જવાના હતા ને?'

વ્યંગરંગ – કલ્પના દેસાઈ

પ્રવાસીઓ કેટલી જાતના હોઈ શકે તે કોઈ પણ વૅકેશનમાં જાણવા મળી જાય. પોતાનો દેશ છોડીને થોડા સમય માટે સ્થળાંતર કરતાં પક્ષીઓની જેમ અમુક પ્રવાસીઓ પણ ચાર, આઠ કે પંદર દિવસ માટે કોઈ ખાસ જાણીતાં સ્થળે જ સ્થળાંતર કરે છે. એમાંથી ઉનાળુ પ્રવાસીઓ તો જાણે ભયંકર તાપમાં શેકાતા લોકોનો જીવ બાળીને ભડથું કરવા માટે જ ખાસ પ્રવાસ કરતા હોય એવું લાગે. પાછા યાદ રાખીને બળતામાં ઘી છાંટતા હોય એમ આપણને ફોન કરીને ખાસ જણાવે! આવા પ્રવાસીઓમાં મોટે ભાગે ગરમીથી રાહત મેળવવાની હોંશ રાખનારા અને દૂરથી બરફ જોઈને પણ ઠંડક અનુભવનારા હોય છે. એમની પસંદગીની જગ્યાઓમાં બર્ફીલા પહાડો કે ગીચ જંગલોમાં ખળખળ વહેતી નદીઓ અથવા તો નાયગરાની યાદ અપાવે એવા ધોધ જ હોય. પરિવારની ખુશીમાં સૌની ખુશી સમાયેલી હોવાથી એમના પ્રવાસની બધી તૈયારી દરેક સભ્યની મરજીથી જ થાય. જ્યારે એક ખાસ વર્ગના પ્રવાસીઓમાં ફક્ત કુટુંબ માટે જ ફરજ બજાવતા પતિઓ આવી શકે. પ્રવાસના આયોજનમાં બજેટ-ટિકિટથી માંડીને બજેટ-શોપિંગનું તેઓ ચુસ્તપણે ધ્યાન રાખે છે. ક્યાંય એક રૃપિયોય આઘોપાછો ના થવો જોઈએ. ગઈ કાલે આવા એક બજેટ ફેમિલીનો ભેટો થઈ ગયો. હવે આ સિઝનમાં ને વૅકેશન પતવાના ગણેલા દિવસોમાં બીજું તો શું પૂછાય? આપણે તો વહેવાર કરી લીધો.

‘ફરી આવ્યાં?’

એક જ સવાલ પર આખી ટૂરનો અહેવાલ આપવા થનગની રહેલા એમના ચહેરાના હાવભાવ ઝળાંહળાં થઈ ગયા.

‘હો…ફરી આવ્યા ને! બસ, કાલે રાતે જ બાર વાગ્યે ઍરપોર્ટથી પાછા ફર્યાં.’

‘ઍરપોર્ટથી? તમે તો કશે ફરવા જવાના હતા ને?’

‘તે ફરવા જ ગયેલા ને? તમે શું સમજ્યા? ઓહ! અમે તો ગોવા ગયેલા. તે રાતે બાર વાગ્યે ઍરપોર્ટની બહાર નીકળેલા એમ.’

‘આ સિઝનમાં ગોવા? ત્યાં તો ભયંકર તાપ હશે. ગોવા જવાની મજા તો શિયાળામાં ને ખાસ તો ક્રિસમસ ટાઇમે આવે.’

‘તે શું મને નહીં ખબર હોય? પણ મારો તો નિયમ છે કે ઓફ સિઝનમાં જ ટૂર પર જવું.’

‘હેં? કેમ? એવું કોઈ ખાસ કારણ છે?’

‘એક નહીં, અનેક કારણો છે. જુઓ, સૌથી પહેલાં તો આપણને મનગમતી હોટેલમાં અડધા ભાવે રહેવા મળે.’

‘ત્યારે તો આવા તાપમાં તમે હોટેલમાં જ પડી રહ્યાં હશો.’

‘હા, એ તો છૂટકો જ નહોતો. એમ તો અમે રાતે ફરવા નીકળતાં, પણ અમારાથી ખાલી સિટીમાં જ ફરાયું, દરિયો તો રાતે દેખાય નહીં પાછો. શોપિંગમાંય ભારે ડિસ્કાઉન્ટ મળ્યું એટલે મિસીસને ને છોકરાંઓને તો મજા પડી ગઈ. મેં પણ ના પાડી જ નહીં. શોપિંગમાં જ ગોવા પતી જતું હોય તો શું ખોટું?’ (શોપિંગ માટે ખાસ ગોવા ગયા? કાજુ તો અહીં પણ મળી જાત.)

‘હેં તે એવું તે કેવું ડિસ્કાઉન્ટ મળ્યું?’

‘હવે ત્યાં અમારા જેવા લો બજેટવાળા રડ્યાખડ્યા ટૂરિસ્ટો આવતા હોય, પછી એમને તો જે વેચાયું તે ખરું. અમેય સસ્તામાં બે પાંચ કિલો કાજુ લઈ કાઢ્યા. મિસીસ ‘ને છોકરાં ખુશ એટલે આપણે ગંગા નાહ્યા.’ (જીવનનું એક જ લક્ષ્ય!)

‘તો પછી આખો દિવસ હોટેલમાં કોઈ બોર ના થયું?’

‘હવે સાસ-બહુની સિરિયલ હોય ને ગમે તે મેચ હોય ને બધાના હાથમાં મોબાઇલ હોય તો કોણ બોર થાય? પછી આ ગરમીમાં ગોવા જઈએ કે કચ્છ જઈએ શો ફરક પડે છે?’

‘તમે તો પાકા ગણતરીબાજ નીકળ્યા!’

‘શું છે કે આપણને ફરવાનો બિલકુલ શોખ નહીં. આ તો દર વરસે વૅકેશન પડે એટલે કશે લઈ જવાની બૂમો ઘરમાં માથું ફેરવી કાઢે તે પહેલાં જ હું તો બે મહિના પહેલેથી જ ઓફ સિઝનની એકાદ ટૂરનું પ્લાનિંગ કરી નાંખું. ઓનલાઇન બુક કરાવું એટલે ભારે ડિસ્કાઉન્ટ મળવાની પણ ગેરન્ટી.’

‘આમાં તો ફરવાની મજા ના આવે.’

‘અંઈ ફરવા કોણ જાય છે? વરસમાં બે વાર ફેમિલીને કશે ફેરવી લાવવાના એટલે બહુ થયું. હવે ડિસેમ્બર માટે હિમાચલ પ્રદેશનું બુકિંગ કરાવી લઈશ. ઘરનાં સૌ બહુ વખતથી બૂમો પાડે છે.’

આપણને એમનું પ્લાનિંગ પસંદ ન પડ્યું. આ તો પરિવારને ઉલ્લુ બનાવાના ધંધા! ખેર, એમની મરજી. આપણે શું? તોય એમના પત્નીને પૂછવાની ચળ ના રોકાઈ.

‘તમે તો કંઈ ગોવા ફરી આવ્યાં ને?’ (પૂછવાની આ જ સાચી રીત છે.)

‘હા બહેન, ફરી તો આવ્યાં, પણ આવીને ફરવાનું અવળું નીકળી ગયું. હવે આઠ દિવસ આ ધોબીઘાટ ચાલશે અને અધૂરામાં પૂરું અમારી કામવાળી આજે જ ફેમિલી સાથે ગોવા ફરવા ગઈ, લો બોલો!’

હું શું બોલું? મેં થોડી એને મોકલી છે?

———————————–.

કલ્પના દેસાઇવ્યંગરંગ
Comments (0)
Add Comment