ડભોઈમાં નૅરોગેજ ટ્રેનોનો  ભૂંસાતો ઇતિહાસ

'બાપુ ગાડી' ૨૪મી મેના રોજ બંધ

વારસો – નરેશ મકવાણા

છેક ૧૮૬૨માં ડભોઈમાં વડોદરા સ્ટેટ દ્વારા બિછાવાયેલી એશિયાની પહેલી નૅરોગેજ લાઇન હવે ઇતિહાસ બનવા જઈ રહી છે. હાલ રેલવે દ્વારા ડભોઈ-ચાંદોદ વચ્ચે ગેજ પરિવર્તનનું કામ હાથ ધરવામાં આવ્યું હોવાથી આ રૃટ પર દોડતી નૅરોગેજ ટ્રેન ઉર્ફે બાપુ ગાડી૨૪મી મેના રોજ બંધ કરી દેવામાં આવી છે. એ સાથે જ ડભોઈની ઐતિહાસિક નૅરોગેજ ટ્રેનોના ઇતિહાસમાં વધુ એક પાનું ઉમેરાઈ ગયું છે…

સવારના સાડા દસ થવા આવ્યા હતા. અમદાવાદથી અહીં સુધીમાં સવાસો કિ.મી. કરતાં વધુની મુસાફરી કરી હોવા છતાં એનો કોઈ ભાર શરીર પર વર્તાતો નહોતો અને તેનું એકમાત્ર કારણ હતી. ડભોઈ બસ સ્ટેન્ડથી ઑટોરિક્ષામાં બેસીને રેલવે સ્ટેશન પહોંચ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે હજુ તો તેને સ્ટેશન પર આવવાને વીસેક મિનિટની વાર છે. એટલે થોડો હાશકારો તો થયો, છતાં એટલો સમય તેની રાહ જોવાનું કઠતું હતું. એક તરફ પોતાની પ્રેયસીની રાહ જોતાં કોઈ યુવાન જેવી અમારી સ્થિતિ હતી, તો બીજી તરફ તેના દેખાવને લઈને અમારી કલ્પનાઓ કોઈ લગ્નવાંચ્છુક યુવકનાં સપનાંઓથી જરાય ઊતરતી નહોતી. કેવી હશે એ, દૂરથી કેવી લાગતી હશે એ બાબતે અમે મનોમન કલ્પનાઓના અનેક મિનારાઓ ચણ્યે જતા હતા. લગ્નવાંચ્છુક યુવક જેટલો કન્યાને જોવા તલપાપડ હોય છે એવી જ મનોસ્થિતિ ત્યારે અમારી હતી. ઉત્સુકતાભરી એ સ્થિતિ વચ્ચે દસેક મિનિટ વીતી હશે ત્યાં આસપાસમાં લોકોની ચહલપહલ વધી ગઈ.

કેટલાક લોકો સામાન લઈને અમારી પાસેના બાંકડા પર બેસી ગયા. એમની પાસે ભજિયા, ગોટા, સમોસા અને ચાવાળા પણ તૈયાર થઈને ઊભા રહી ગયા. બે માલધારીઓ ખાલી કેન સાથે આવી ઊભા. તો કાંગસીવાળી, કાપડની ફેરીવાળા, ફળોના વેપારીઓ, ખેડૂતો, મજૂરો, ઘાસની પૂળીઓ વેચનારા એમ જાતભાતના લોકો તેમાં ભળ્યા. બદલાતા એ માહોલ વચ્ચે બીજી પાંચેક મિનિટ વીતી હશે ત્યાં દૂરથી વ્હિસલ સંભળાઈ ! બસ, હવે તૈયારીમાં..

અમારા ભોમિયાએ ટાપસી પુરી, પણ અમારી નજર તો એ ફાટક તરફ હતી જ્યાંથી તેના પગરવના એંધાણ અમને મળી ચૂક્યા હતા. એટલે જેવી ફાટક બંધ થઈ અને જેમ-જેમ પેલી વ્હિસલ નજીક આવતી ગઈ તેમ-તેમ અમારા હૃદયના ધબકારા અને રોમાંચ વધતાં ચાલ્યા… નજર ફાટક તરફના એ ખૂણા પર ક્યારની સ્થિર થઈ ગઈ હતી જ્યાંથી તે પ્રવેશવાની હતી. વધુ બે મિનિટ થડકતે હૈયે રાહ જોઈ ત્યારે આખરે સર્પાકારે વળાંક લેતા સાંકડા પાટા પર તે કોઈ સીટી મારતી અલ્લડ છોકરી જેવી નજરે પડી. અમે દૂરથી જ તેના ફોટા પાડવાનું ચાલુ કરી દીધું છે એ જાણે સમજી ચૂકી હોય તેમ એણે કેટલાક સરસ પોઝ પણ આપ્યા. આમ ને આમ તે સ્ટેશન પર આવી ઊભી. તેના ચાર ડબ્બામાંથી પચાસ જેટલા મુસાફરો, ગાર્ડ, ડ્રાઇવર અને તેના મદદનીશો સહિતના લોકો ઊતર્યા. ગાર્ડ અને ડ્રાઇવરના ચહેરા પર છેલ્લી ટ્રિપનો વિષાદ સ્પષ્ટપણે જોઈ શકાતો હતો. તેમની સાથે રહેલા રેલવે વિભાગના ફોટોગ્રાફરે ટ્રેન સાથે તેમની કેટલીક તસવીરો ખેંચી અને એ સાથે જ ડભોઈ નૅરોગેજ ટ્રેનોની યાદીમાંથી વધુ એકની બાદબાકી થઈ ગઈ.

હા, ઉપરની કલ્પના કોઈ સ્વરૃપવાન યુવતી માટે નહીં, પણ એક ટ્રેન માટે હતી. ડભોઈ-ચાંદોદ નૅરોગેજ ટ્રેન, જેની એ છેલ્લી ટ્રિપ માટે અભિયાનખાસ ડભોઈ પહોંચ્યું હતું. છેલ્લી એટલા માટે કેમ કે, ૨૪મી મે, ૨૦૧૮ને ગુરુવાર બાદ તે કાયમ માટે કાળની ગર્તામાં ધકેલાઈ ગઈ છે. દેશમાં ૧૮૫૩માં પ્રથમ ટ્રેન શરૃ થઈ તેના માત્ર ૯ જ વર્ષ પછી વડોદરાના પ્રગતિશીલ ગાયકવાડી રાજવીઓએ તેને શરૃ કરી હતી. ૧૩૯ વર્ષ સુધી ડભોઈ અને તેની આસપાસનાં ગામડાંઓ માટે મુસાફરીનું એકમાત્ર નિયમિત સાધન તે આ ચાર ડબ્બાની ટ્રેન ગણાતી. સમય સાથે તાલ મિલાવવા હવે તેને બ્રોડગેજ લાઇનમાં પરિવર્તિત કરવાનો રેલવે વિભાગે નિર્ણય કર્યો હોઈ ડભોઈથી ચાંદોદ તરફ દોડતી એ ટ્રેન અને તેનો નૅરોગેજ ટ્રેક બંને ભૂતકાળ બની જવાના હતા. એટલે જ અહીં આપણે તેની વાત માંડી છે.

ઇતિહાસના આયનામાં ડભોઈ
એશિયામાં નૅરોગેજ રેલવે લાઇનની જ્યાંથી શરૃઆત થઈ હતી તે ડભોઈનો પોતાનો ઇતિહાસ પણ રસપ્રદ છે. છઠ્ઠી સદીમાં ચાલુક્ય વંશના રાજવીઓ દ્વારા સ્થપાયેલું ડભોઈ તેના કલાત્મક દરવાજાઓને કારણે જાણીતું છે. અહીં મુખ્ય ચાર દિશામાં ચાર દરવાજાઓ આવેલા છે. પૂર્વ દિશામાં શિલ્પી હીરાધરના નામ પરથી હીરા ભાગોળ આવેલી છે. જેનો દરવાજો તેની કલાત્મક કોતરણીના કારણે જાણીતો છે. આ સિવાય પશ્ચિમમાં વડોદરા ભાગોળ, ઉત્તરમાં ચાંપાનેર પ્રવેશદ્વાર અને દક્ષિણમાં નાંદેડ પ્રવેશદ્વાર આવેલું છે. એ સમયે અહીં દર્ભ નામનું ઉચ્ચ પ્રકારનું ઘાસ થતું હોવાથી તેનું પ્રાચીનકાળમાં નામ દર્ભાવતી નગર પડ્યું હતું.

ડભોઈ માત્ર દુનિયાના સૌથી મોટા નૅરોગેજ રેલવે નેટવર્કના કારણે જ નહીં, પરંતુ જાહેર વીજળી ઘર બનાવવા મામલે પણ ભારતીય ઉપખંડમાં પ્રથમ શહેર હતું. ગાયકવાડી શાસનમાં ડભોઈ સાફા, પિત્તળ, ચાંદીના ઝાંઝર, કડાં અને લાકડાંની મૂર્તિઓના વ્યાપારને કારણે વિકસિત થયું હતું. ઓગણીસમી સદીના અંત ભાગમાં તેની મહેસૂલી આવકનો ૬૬ ટકા હિસ્સો માત્ર કપાસના વાવેતરમાંથી પ્રાપ્ત થતો હતો. આજે પણ અહીં બહુમતી લોકો ગ્રામીણ ખેતપેદાશો પરના વ્યવસાય પર નભે છે. આ સિવાય તે કપડાં, કાપડ, જંતુનાશક દવાઓનું પણ મોટું બજાર છે. આ તમામની હેરફેરને ધ્યાનમાં રાખીને જ અહીં ગાયકવાડી રાજવીઓએ નૅરોગેજ રેલવે લાઇન સ્થાપી હતી.
—————–.

ભારતીય રેલવેના અતીતના ઇતિહાસમાં ગુજરાતની નૅરોગેજ ટ્રેનોનોની રોચક વિગતો વાંચવા ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો.

——————————.

ડભાઇ રેલનરેશ મકવાણાનેરોગેજ
Comments (0)
Add Comment