વિશ્વવૃત્ત- ફિલિપાઇન્સના દરિયાકાંઠે તણાઈ આવેલા વિચિત્ર જીવનું રહસ્ય

આપમેળે વિઘટન પામતી પાણીની બોટલની શોધ

વિશ્વવૃત્ત

ફિલિપાઇન્સના દરિયાકાંઠે તણાઈ આવેલા વિચિત્ર જીવનું રહસ્ય
ફિલિપાઇન્સના દરિયાકાંઠે રહસ્યમયી, વિચિત્ર આકાર ધરાવતું અને દુર્ગંધ મારતું પ્રાણી મૃત અવસ્થામાં તણાઈ આવતાં આસપાસમાં રહેતા ગ્રામજનોમાં ભય સાથે આશ્ચર્યનું મોજું ફરી વળ્યું હતું. આવો મહાકાય વિચિત્ર જીવ તણાઈ આવવો એ ભવિષ્યની કોઈ મોટી દુર્ઘટનાનો સંકેત તો નથી ને તેવા સવાલો ગ્રામજનોમાં ઊઠી રહ્યા છે. આવા વિચિત્ર જીવોના પૌરાણિક કથાઓમાં ઉલ્લેખ પણ જોવા મળે છે. સ્થાનિક ગ્રામજનોએ તેને ‘ગ્લોબસ્ટર’ નામ પણ આપ્યું છે. તેમના કહેવા પ્રમાણે કોઈ કુદરતી ઘટના બનવાની હોય ત્યારે દરિયામાંથી આવા ક્યારેય ન જોવા મળેલા જીવ તણાઈ આવતા હોય છે. ફિલિપાઇન્સના ઓરિએન્ટલ મિન્ડોરો પ્રાંતના દરિયાકાંઠે મળેલો આ જીવ ૨૦ ફૂટ લંબાઈ ધરાવે છે. આ ઘટના બાદ ગ્રામજનોમાં કોઈ કુદરતી અણધારી આપત્તિ ઝળૂંબી રહી હોવાનો ખોફ ફેલાઈ ગયો છે. આ બનાવથી ભયભીત સ્થાનિક ગ્રામવાસી તામ મલિંગે કહ્યું કે, ‘અમારા પ્રાંત પર ભૂકંપનો ખતરો તોળાઈ રહ્યો છે. આવા વિચિત્ર પ્રાણીનું તણાઈ આવવું તે અમંગળના એંધાણ જ છે. મહેરબાની કરીને તમે બધા અમારા માટે ઈશ્વરને પ્રાર્થના કરો.’ વિન્સેન્ટ ડેલા નામના અન્ય એક રહીશે આનો તર્ક સમજાવતા જણાવ્યું કે, ‘દરિયાના પેટાળમાં ખૂબ જ ઊંડાઈએ વસતા જીવો જ્યારે આ રીતે બહાર તણાઈ આવે ત્યારે સમજવું કે નીચે મોટી હલચલ મચેલી છે.’ ફિશરિઝ વિભાગે હાલ તો આ દુર્લભ જીવના સેમ્પલ લઈ તેને ચકાસણી અર્થે લેબમાં મોકલી આપ્યા છે.
——————————.

આપમેળે વિઘટન પામતી પાણીની બોટલની શોધ
એક બ્રિટિશ વૈજ્ઞાનિકે ત્રણ સપ્તાહમાં આપમેળે સંપૂર્ણ રીતે વિઘટિત થઈ જાય તેવી પાણી ભરવાની બોટલની શોધ કરી હોવાનો દાવો કર્યાે છે. આ બોટલ પ્લાસ્ટિક ફ્રી હશે અને તેનો સિંગલ યુઝ થઈ શક્શે. એકવાર તેનો વપરાશ કર્યા બાદ ત્રણ સપ્તાહમાં તે જમીનમાં કુદરતી રીતે જ ભળી જશે તેવો દાવો પણ તેમણે કર્યાે છે. જેમ્સ લોન્ગક્રોફ્ટ નામના બ્રિટિશ વૈજ્ઞાનિકનો હેતુ બાયોડિગ્રેડેબલ વોટર બોટલની શોધ થકી દુનિયાના સમુદ્રોને પ્લાસ્ટિક વેસ્ટથી મુક્ત કરવાનો છે. તેમની આ શોધ પ્લાસ્ટિક બોટલનો શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. આ બોટલનું બહારનું પડ રિસાઇકલ્ડ પેપરમાંથી બનાવાયું છે જ્યારે અંદરનું વોટરપ્રૂફ પડ કમ્પોઝિટ મટીરિયલમાંથી બનાવવામાં આવ્યું છે, જે લોન્ગક્રોફ્ટે જાતે બનાવ્યું છે. આ બોટલ બનાવવામાં વપરાયેલા તમામ ઘટકો ત્રણ સપ્તાહમાં આપમેળે વિઘટિત થઈ જાય તેવા છે. વપરાશ કર્યા બાદ તેને જમીન પર ફેંકી દો કે દરિયામાં નાંખી દો, કોઈ જ ચિંતા નહીં. જળચર જીવો આ બોટલ ખાઈ જાય તો પણ તેમને કોઈ નુક્સાન નહીં પહોંચે તેવો દાવો થઈ રહ્યો છે. બોટલનું સ્ટીલનું ઢાંકણ પણ એક વર્ષમાં સંપૂર્ણ વિઘટન પામી જમીનમાં ભળી જાય તેવું બનાવાયું છે. સામાન્ય રીતે હજારો વર્ષાે બાદ પણ પ્લાસ્ટિક એમનું એમ પડ્યું રહે છે. સ્કોટલેન્ડમાં રહેતા વિજ્ઞાની લોન્ગક્રોફ્ટ હાલ તો આ બોટલની પેટન્ટ્સ માટે રાહ જોઈ રહ્યા છે. આ વર્ષના અંત સુધીમાં બોટલ સ્ટોર્સમાં ઉપલબ્ધ થાય તેવી તેમને આશા છે.
——————————.

શું આફ્રિકાની ધરતી પર આઠમો ખંડ આકાર લઈ રહ્યો છે?
આપણી પૃથ્વી પર સાત ખંડ અસ્તિત્વ ધરાવે છે. નાનું બાળક પણ આ સવાલનો જવાબ આપી શકે છે, પરંતુ હંમેશ માટે આવું રહેવાની શક્યતા ખરેખર કેટલી છે? કેમ કે ઉત્તર-પશ્ચિમી આફ્રિકા ખંડની ધરતી બે ભાગમાં વહેંચાઈ રહી છે. હમણાં થોડા દિવસો પહેલાં અચાનક જ નાઇરોબી-નારોક હાઈ-વેને ચીરતી વિશાળ અને ઊંડી ખાઈ પડી ગઈ હતી. તસવીરો જોતાં એવું લાગતું હતું કે જાણે પૃથ્વીનો અંત હવે નજીક આવી ગયો છે. આ ખાઈ ૫૦ ફૂટ ઊંડી અને ૫૦ ફૂટ કરતાં પણ પહોળી હતી. આ ભૌગોલિક ઘટનાએ સૌનંુ ધ્યાન ખેંચ્યું છે. આફ્રિકાની ધરતીના પેટાળમાં એવું તે શું થઈ રહ્યું છે કે તે બે ભાગમાં વહેંચાઈ રહ્યો છે તેવી ચર્ચાઓ થઈ રહી છે. વૈજ્ઞાનિકોના મતે, ટેક્ટોનિક પ્લેટ્સ સક્રિય થતાં આફ્રિકા ખંડનું ભૌગોલિક વિભાજન થઈ રહ્યું છે. આ પ્લેટ્સ ખૂબ જ ધીમે-ધીમે એકબીજા તરફ સરકતી હોય છે. બે પ્લેટ્સ સામસામે અથડાય ત્યારે પ્રચંડ ઊર્જાશક્તિના કારણે એક પ્લેટ ઉપરની તરફ વળી જાય છે. પરિણામે ખૂબ જ મોટી માત્રામાં ઊર્જા મુક્ત થાય છે. જે ધરતી મારફતે જ બહાર નીકળે છે અને વિશાળ ખાઈનું નિર્માણ થાય છે. હાલ આફ્રિકાની ધરતીમાં આ જ ઘટના આકાર લઈ રહી છે. ન્યુબીઅન અને સોમાલિયન ટેક્ટોનિક પ્લેટ્સની વચ્ચે આફ્રિકન પ્લેટ જાતે જ બે ભાગમાં વહેંચાઈ રહી છે. ૨૫ મિલિયન વર્ષ અગાઉ ઉત્તર-પશ્ચિમી આફ્રિકાની ધરતી પર ફોલ્ટલાઇન પડવાની શરૃઆત થઈ હતી. આ ખાઈ પડવાનો દર પ્રતિ વર્ષ મિ.મી.માં હોય છે. આ દરથી જોતાં આગામી ૫૦ મિલિયન વર્ષાે બાદ આફ્રિકા ખંડનું સંપૂર્ણ વિભાજન થશે. માટે હાલમાં આપણે કોઈએ ચિંતા કરવાની જરૃર નથી.
——————————.

હવામાંથી પાણી મેળવતું ઓડિશાનું રેલવે સ્ટેશન
ઓડિશાના રેલવે સ્ટેશને હવામાંથી પીવાનું પાણી મેળવવાનો વિકલ્પ પ્રસ્તુત કરી શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રૌલી નામના રેલવે સ્ટેશનના અધિકારીઓ પાસે પીવાલાયક પાણીના મર્યાદિત વિકલ્પો હતા. પરિણામે તેમણે હવામાંથી પાણી મેળવવાનો નવતર પ્રયોગ કરી જોયો અને તે સફળ રહ્યો છે. ભારતની ટ્રેનોમાં અવારનવાર સફર કરનારાઓ હંમેશાં પીવાના પાણીની ફરિયાદ કરતા હોય છે. ઓડિશાના પાટનગર ભુવનેશ્વરથી ૪૬૦ કિ.મી. દૂર પર્વતીય પ્રદેશમાં આદિવાસીઓની વસ્તી ધરાવતા વિસ્તારમાં રૌલી રેલવે સ્ટેશન આવેલું છે. અહીંની બેહદ ઢોળાવવાળી પર્વતીય ભૂમિના કારણે શારડીથી છેદ કરી પીવાનું પાણી મેળવવું લગભગ અશક્ય છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા રૌલી રેલવે સ્ટેશનના સત્તાવાળાઓએ હવામાંથી પાણી મેળવવાનો વિકલ્પ અજમાવ્યો. પૂર્વી તટીય રેલવેઝના ચીફ પબ્લિક રિલેશન્સ ઓફિસર જે.પી. મિશ્રાએ જણાવ્યું કે, ‘આ સ્ટેશને અમે વાતાવરણમાંથી ભેજ ખેંચવાની ટેક્નોલોજી વિકસાવી છે, જેમાં હવામાંની બાષ્પને કન્ડેન્સર પરથી પસાર કરતાં તાપમાનમાં તફાવતથી ભેજનું પાણીમાં રૃપાંતર થાય છે. હવામાં ભેજનું પ્રમાણ ૫૦ ટકા હોય અને ૩૨-૩૫ ડિગ્રી સેલ્શિયસ તાપમાન હોય ત્યારે ઉપરોક્ત પ્રક્રિયા થકી મશીન દ્વારા દિવસમાં ૧૨૦ લિટર પીવાનું પાણી મેળવીએ છીએ. રૌલી રેલવે સ્ટેશને આ મશીન ફિટ કરી દેવામાં આવ્યું છે.’

પીવાનું પાણી મેળવવાની આ ટકાઉ પદ્ધતિની સફળતા અંગે ચીફ પીઆરઓ જે.પી. મિશ્રા ઘણા જ આશાવાદી છે અને દેશનાં અન્ય રેલવે સ્ટેશનોએ પણ આવી ટૅક્નોલોજીના સ્થાપન માટે પ્રયત્નશીલ પણ છે. રેલવેને હવામાંથી પાણી મેળવતું એકમાત્ર મશીન બનાવવાનો ખર્ચ બે લાખ રૃપિયાની આસપાસ આવ્યો છે. જોકે, દેશભરના રેલવે સ્ટેશનોએ વાતાવરણના વૈવિધ્ય વચ્ચે પીવાનું પાણી મેળવવા માટે તાપમાન અને ભેજની અનુકૂળ પરિસ્થિતિઓની શક્યતાઓ તપાસવામાં આવી રહી છે. આ પછી જ નવી ટૅક્નોલોજી દેશભરનાં રેલવે સ્ટેશનોએ અમલી બનાવવી કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે. રૌલી સ્ટેશન અગાઉ એક ઝરણા પર નિર્ભર હતું, પરંતુ તેનું પાણી પીવાલાયક ન હોવાનું માલૂમ પડતાં આ મશીન વિકસાવાયું હતું. આ મશીન થકી દેશનાં અન્ય રેલવે સ્ટેશનોએ પીવાના પાણીની સમસ્યા ઉકેલાય તેવી આશા છે.

——————————.

જેલની રોટલી ખાવા હવે જેલમાં નહીં જવું પડે
અમદાવાદના મશહૂર જેલના ભજિયા માત્ર શહેર પૂરતાં જ નહીં, પણ પુરા દેશમાં જાણીતા છે. તેવી જ રીતે પંજાબની જેલની રોટલી ખાવા માટે લોકો પાંચસોથી પંદરસો રૃપિયા પણ ખર્ચી નાંખે છે. નવાઈ લાગીને કે જેલની રોટલી ખાવા આટલા બધા પૈસા, પણ પંજાબની જેલમાં બનતાં ભોજનનો સ્વાદ માણવા માટે ત્યાંના લોકો એટલા બધા ક્રેઝી છે કે ગમે તે કરવા તત્પર હોય છે. ત્યાં સુધી કે તેઓ લાગવગ લગાવીને પણ જેલની રોટલી મગાવતા હોય છે. આપણી હિન્દી ફિલ્મોમાં જોવા મળે છે તેવી કડક અને ના તૂટે તેવી રોટલી અહીં નથી મળતી. અહીં બનતી રોટલી પર તો આખું પંજાબ ફિદા છે. માટે જ પંજાબવાસીઓ માટે ખુશીના સમાચાર છે. હવે તેમને કોઈ લાગવગ કે વધારે પૈસાનો ખર્ચ નહીં કરવો પડે. પંજાબ સરકારના જેલ મંત્રીએ નિર્ણય કર્યો છે કે હવે જેલની બહાર કેન્ટીન શરૃ કરવામાં આવશે. જ્યાં લોકો આરામથી આવીને જેલની રોટલી ખાવાની મજા લઈ શકશે. જેલની રસોઈની મજા લેવા પાંચસો રૃપિયા નહીં, પણ માત્ર રૃ.૧૦૦થી ૨૦૦ રૃપિયા જ ખર્ચવા પડશે. આ કેન્ટીનમાં ફિક્સ થાળી આપવામાં આવશે. જેની લિજ્જત પંજાબીઓ મોજથી માણી શકશે. પંજાબની કઈ-કઈ જેલોની બહાર આવી કેન્ટીન ખોલવામાં આવશે તે હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી, પરંતુ એટલું ચોક્કસ છે કે પંજાબીઓ જેલની રોટલીની મજા હવે જેલની બહાર પણ લઈ શકશે.

——————————.

દૃષ્ટિકોણદેશવિદંશવિશ્વવૃત્ત
Comments (0)
Add Comment