ફરી બીસીસીઆઈ RTIની ફિરકીમાં

બીસીસીઆઈને સરકાર તરફથી મળતા પરોક્ષ લાભો...

સ્પોર્ટ્સ 

જસ્ટિસ લોઢા સમિતિના રિપોર્ટ પછી ફરી બીસીસીઆઈ આરટીઆઈની ફિરકીમાં ફસાઈ છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ હેઠળ કાયદા પંચે દાખલ કરેલા રિપોર્ટમાં દુનિયાના સૌથી ધનિક ખેલ સંગઠન બીસીસીઆઈને રાઈટ ટુ ઈન્ફોર્મેશન હેઠળ લાવવા માટેની ભલામણ કરી છે. તો પણ કદાવર નેતાઓના આશીર્વાદ તળે બીસીસીઆઈ આરટીઆઈની બહાર રહેવાની કોશિશ કરી રહ્યું છે.

કાયદા પંચે કાનૂન મંત્રાલયને આપેલાં ૧૨૨ પાનાંના રિપોર્ટમાં ભલામણ કરી છે કે બીસીસીઆઈ અને તેના રાજ્યના એકમો બંધારણની કલમ ૧૨ હેઠળ આરટીઆઈના ક્ષેત્રમાં આવે છે. પંચની ભલામણ પર બીસીસીઆઈએ ચુપકીદી સાધી છે, પરંતુ પંચે રિપોર્ટ તૈયાર કરવા માટે આરટીઆઈને લઈને રાખેલી ચર્ચામાં બીસીસીઆઈ હાજર નહોતું રહ્યું. સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ અને કાયદા પંચના અધ્યક્ષ બી.એસ. ચૌહાણે રિપોર્ટમાં કહ્યું છે કે નોટિસ અને રિમાઇન્ડરો મોકલવા છતાં બીસીસીઆઈ બેઠકમાં હાજર નહોતું રહ્યું અને નોટિસનો જવાબ પણ નથી આપ્યો. સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈમાં સુધારા માટે જસ્ટિસ લોઢા સમિતિ નીમી હતી. આ સમિતિની ભલામણોના આધારે કોર્ટે કાયદા પંચ પાસેથી રિપોર્ટ માંગ્યો છે.

દેશને ખબર પડવી જોઈએ કે બીસીસીઆઈમાં શું થઈ રહ્યું છે. પૂર્વ રમત ગમત મંત્રી અજય માકનનું કહેવું છે કે સ્વાર્થી લોકો બીસીસીઆઈને પારદર્શી બનાવવા દેતા નથી. કેમ કે તેઓ પૈસાની બાબતમાં ઘણી ઘાલમેલ કરી રહ્યા છે. માકને જાન્યુઆરી ૨૦૧૧થી ઑક્ટોબર ૨૦૧૨ સુધી બીસીસીઆઈને જવાબદાર બનાવવાના ઘણા પ્રયત્નો કર્યા. એવું માનવામાં આવે છે કે આ બાબત પર વધુ ભાર આપવાના કારણે જ માકનને પોતાનું મંત્રીપદ ગુમાવવું પડ્યું હતું.

દરેક રાજ્યોમાં દેશના દરેક પક્ષોના નેતાઓનું બીસીસીઆઈ ઉપર વર્ચસ્વ છે. માકન મથામણ કરતા હતા ત્યારે તેમના જ પક્ષના જ્યોતિરાદિત્ય સિંધિયા, રાજીવ શુક્લા જેવા લોકો બીસીસીઆઈમાં હતા. ખાનગી બોડી હોવાના કારણે બીસીસીઆઈ સરકાર પાસે નાણાકીય મદદ નથી માંગતું, પરંતુ બીસીસીઆઈ સરકાર તરફથી મળતા પરોક્ષ લાભોનો કદી ઉલ્લેખ કરતું નથી. જેમ કે તેમના રાજ્યના એકમોએ બનાવેલા સ્ટેડિયમ માટે સરકાર પાસેથી લીઝ પર પાણીના ભાવે જમીન મેળવી છે, સરકાર તેમને ઇન્કમટેક્સ અને મર્યાદા ફીમાં રાહત આપે છે, બધી મેચો દરમિયાન મફતમાં પોલીસ સુરક્ષા પુરી પાડે છે, નેશનલ ટીમોને વિદેશ યાત્રામાં સરકારી સગવડતાઓ મળે છે. સિનિયર ઍડવોકેટ રાહુલ મેહરા અને શાંતનું શર્માએ ૨૦૦૦ની સાલમાં દિલ્હી હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી હતી. જેમાં બીસીસીઆઈને બંધારણની કલમ-૨૨૬(હાઈકોર્ટને કેટલાક મુદ્દે રિટ કરવાનો અધિકાર) હેઠક ન્યાયિક તપાસ હેઠળ લાવવાની માગણી કરી હતી. આરટીઆઈ એક્ટિવિસ્ટોનું માનવું છે કે નજીકના ભવિષ્યમાં તેને લાગુ પાડવાની કોઈ આશા નથી. સરકાર કહેશે કે રિપોર્ટનો અભ્યાસ કરવા અને ચર્ચા-વિચારણા માટે સમય જોઈશે. વાસ્તવમાં તો, લોઢા સમિતિએ આ મુદ્દે અભ્યાસ કર્યો, સુપ્રીમ કોર્ટે પણ અભ્યાસ કર્યો અને કાયદા પંચે પણ અભ્યાસ કર્યો. સરકાર હજુ કેટલો અભ્યાસ કરશે? આરટીઆઈ એક્ટિવિસ્ટ સુભાષચંદ્ર અગ્રવાલે અરજી દાખલ કરી તેની સામે આરટીઆઈમાંથી બચવા માટે બીસીસીઆઈએ જુલાઈ ૨૦૧૩માં મદ્રાસ હાઈકોર્ટમાંથી સ્ટે મેળવી લીધો હતો. જે અત્યારે પણ ચાલુ છે.

  •  -હિંમત કાતરિયા

——————————.

વધુ વિગતો વાંચવા અભિયાન સબસ્ક્રાઇબ કરો.

સ્પોર્ટ્સહિંમત કાતરિયા
Comments (0)
Add Comment