રાજકાજઃ પેટ્રોલના ભાવો – કર્ણાટકનું ભાવિ….

પેટ્રોલ-ડીઝલના ભાવ પર અંકુશ માટે વેરાના દર ઘટાડો

રાજકાજ

પેટ્રોલ-ડીઝલના ભાવ પર અંકુશ માટે વેરાના દર ઘટાડો
પેટ્રોલ-ડીઝલના રોજિંદા ભાવવધારાએ દેશના મધ્યમવર્ગની પરેશાની વધારી દીધી છે. સરકાર આ ભાવ વધારા માટે ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવવધારાને જવાબદાર ગણાવીને હાથ ખંખેરી નાંખે છે. સરકાર કહે છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ ઓઇલ કંપનીઓ ક્રૂડના ભાવની રોજિંદી વધઘટના આધારે નક્કી કરે છે. સરકાર તેમાં દખલ કરતી નથી. આ વાત અર્ધસત્ય છે. ભાજપને કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં લોકોના મતની જરૃર હતી એટલે લગભગ એક મહિના સુધી ભાવની રોજિંદી વધઘટ સ્થગિત કરી દેવામાં આવી હતી. હવે ચૂંટણી પૂરી થઈ એ પછી તેમાં રોજ ભાવવધારો થઈ રહ્યો છે. સરકાર ધારે તો તેમાં રાહત આપી શકે તેમ છે, પરંતુ સરકાર પણ ઇંધણના ભાવવધારાના પગલે તેના પર લેવામાં આવતા ઊંચા દરના વેરાથી તિજોરી ભરવાનું વલણ રાખે છે. દેશમાં ડૉલર સામે રૃપિયાનું મૂલ્ય ઘટી રહ્યું છે તેને કારણે ક્રૂડ સહિતની તમામ જણસોની આયાત મોંઘી પડી રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનું એ પણ એક કારણ છે. રૃપિયાને ગગડતો અટકાવવા માટે સરકાર અને રિઝર્વ બેન્ક પગલાં લેવામાં વિલંબ કેમ કરે છે એ પણ લોકો સમજી શકતા નથી. નાણાપ્રધાન અરુણ જેટલી બીમાર છે અને નાણા ખાતાનો હવાલો પીયૂષ ગોયલને સોંપવામાં આવ્યો છે, પરંતુ તેઓ પણ આ બાબતને ગંભીરતાથી લેતા ન હોવાનું જણાય છે, પરંતુ પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો સમગ્રપણે દેશના અર્થતંત્રને હાનિ પહોંચાડી રહ્યો છે. હવે તો આર્થિક નિષ્ણાતો પણ એ વિશે બોલવા લાગ્યા છે. સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાના ઇકો રેપ રિપોર્ટ અનુસાર આ ભાવવધારો એ વાતની પ્રતીતિ કરાવે છે કે હવે ઓઇલોનોમિક્સને સમજવાનો સમય પાકી ગયો છે. આ અહેવાલ અનુસાર પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો ચાલુ રહેશે તો ચાલુ ખાતાની ખાધમાં ૨.૫ ટકા સુધીનો વધારો થશે. મતલબ દેશના જીડીપીમાં ૧૬ બેસીસ પોઇન્ટનો ઘટાડો થઈ શકે છે. સરકાર સ્થિતિ પર નજર રાખી રહી છે. એવા નિવેદનોનો કોઈ મતલબ રહેતો નથી. સરકારને ઘણા વખતથી એવું સૂચન કરવામાં આવે છે કે પેટ્રોલ-ડીઝલ પર લેવામાં આવતા વેરાના દરમાં ઘટાડો કરવો જોઈએ. સરકાર એ વિશે વિચારવા જ તૈયાર નથી. ડૉલર સામે રૃપિયાના મૂલ્ય ઘટાડાનું એક કારણ ક્રૂડના ભાવવધારાને ગણવામાં આવે છે તો બીજું કારણ વિદેશી રોકાણમાં થઈ રહેલા ઘટાડાનું પણ છે. વિદેશી રોકાણકારો તો જ્યાં વધુ વળતર મળે ત્યાં રોકાણ કરતા હોય છે. તાજેતરના દિવસોમાં તેમને અમેરિકી બોન્ડ્સમાં સારું વળતર મળવા લાગ્યું છે એટલે વિદેશી રોકાણકારો એ તરફ વળ્યા છે. તેને કારણે ડૉલરની માગ વધી છે અને રૃપિયાની સરખામણીમાં ડૉલર મોંઘો થયો છે. આ પ્રવાહને રોકવાનું સરકાર માટે મુશ્કેલ જણાય છે.

સરકાર ડૉલરની માગ અને પુરવઠા વચ્ચે સંતુલન જાળવી રાખવા સરકારી બેન્કોના માધ્યમથી ડૉલરની ખરીદી કરી હોવાનું કહેવાય છે, પરંતુ તેને સત્તાવાર સમર્થન મળતું નથી. મુદ્દાની વાત એ છે કે આવાં પગલાં લેવાઈ રહ્યાં હોય તો પણ એ અપૂરતા સાબિત થઈ રહ્યા છે. ૨૦૧૭-૨૦૧૮ના નાણાકીય વર્ષમાં ક્રૂડની આયાતનું બિલ સાડા સાત લાખ કરોડથી વધુનું થઈ ગયું છે. તેને કારણે રૃપિયો નબળો પડ્યો છે. મામલો પેચીદો બનતો જાય છે. લોકોની મુશ્કેલી વધતી જાય છે. આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમ પર કોઈનો અંકુશ ચાલતો નથી. અમેરિકાએ ઇરાન સાથેના અણુકરાર રદ કરતાં મામલો બિચક્યો છે. તેને પગલે જ ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવા લાગ્યો છે. નિષ્ણાતો કહી રહ્યા છે કે ક્રૂડ ઓઇલ એક બેરલના એંસી ડૉલરથી ઉપર જાય એવી સંભાવના છે. એવું થાય તો ભારતના આયાત બિલમાં જંગી વધારો થવા સાથે મુશ્કેલી પણ વધે અને જ્યારે પરિસ્થિતિ આ પ્રકારે નિરંકુશ બનવા તરફ ગતિ કરી રહી હોય ત્યારે સરકારે લોકોને રાહત આપવા કરવેરાના દરોમાં ઘટાડો કરીને આવક જતી કરવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. સરકાર પણ માત્ર નફાખોરીની રીતે વિચારી શકે નહીં. ક્રૂડ ઓઇલના ભાવ એકદમ નીચા હતા ત્યારે પણ સરકારે પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝના દરમાં વધારો કરીને ભાવ બહુ નીચા જવા દીધા ન હતા, પરંતુ હવે જ્યારે ભાવવધારો કાબૂ બહાર જઈ રહ્યો છે ત્યારે સરકારે લોકોને રાહત આપવા વેરાના દર ઘટાડવા જ જોઈએ. તેને માટે કોઈ ચૂંટણીની રાહ ન જોવાય.
——————————.

કુમારસ્વામીની સરકારનું ભાવિ શું?
કર્ણાટકમાં જેડી-(એસ)-કોંગ્રેસના ગઠબંધનની સરકાર કેટલું ચાલશે એવો સવાલ જ્યારે રાજકીય પંડિતોની ચર્ચાનો વિષય બને ત્યારે તેમાં ભાજપ જેવો પક્ષીય રાજકીય દૃષ્ટિકોણ ન રહેતાં કેટલાંક તથ્યો પણ તેની પાશ્વભૂમાં હોય છે. આ ગઠબંધન સારી એવી બહુમતી ધરાવે છે એથી રાજ્યને સ્થિર સરકાર આપવામાં મુશ્કેલી ન પડવી જોઈએ, પરંતુ પક્ષીય સ્વાર્થ અને વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાના ટકરાવની સ્થિતિમાં બાકીનું બધું ગૌણ બની જાય છે. જેડી (એસ)ના નેતા કુમારસ્વામી એકલા જ મુખ્યપ્રધાનપદના શપથ લઈ રહ્યા હોય એવી સ્થિતિમાં કોંગ્રેસ-જેડી (એસ) ગઠબંધનમાં જેવું માનવામાં આવે છે તેવું સામંજસ્ય લાગતું નથી. નાયબ મુખ્યપ્રધાન બાબતે પણ ભારે ખેંચતાણ પ્રવર્તતી હોય એ સ્થિતિમાં બે નાયબ મુખ્યપ્રધાન રાખવા સુધીની વિચારણાના અહેવાલ સંકટના એંધાણ આપે છે. પૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધરામૈયા અત્યારે ખામોશ ભલે હોય, પણ સૌથી મોટા પક્ષના નેતા તરીકે તેઓ કુમારસ્વામીને મુખ્યપ્રધાન તરીકે લાંબો સમય સહન કરી શકશે કે કેમ એ સવાલ છે. ચર્ચા એવી છે કે કોંગ્રેસે કુમારસ્વામી સમક્ષ બંને પક્ષો અઢી-અઢી વર્ષ મુખ્યપ્રધાનપદ સંભાળે એવી ફોર્મ્યુલા રજૂ કરી હતી. કુમારસ્વામીએ તેને નકારી કાઢી હતી. આ ઘટનાએ જ કુમારસ્વામીની સરકારનું અલ્પાયુ નક્કી કરી નાંખ્યું છે. કોંગ્રેસ કરતાં લગભગ અડધી બેઠકો ધરાવતાં જનતાદળ (એસ)ને મુખ્યપ્રધાનપદ સોંપી દેવાનો પક્ષના મોવડીમંડળનો નિર્ણય કર્ણાટક કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યોને જરા પણ ગમ્યો ન હતો, પરંતુ રાહુલ ગાંધીના સ્તરે તત્કાલ નિર્ણય લેવાયો હોઈ બધાને મૌન કરી દેવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ આ નિર્ણય અન્ય વિપક્ષી નેતાઓના કહેવાથી બાજી હાથમાંથી સરકી જાય એ પહેલાં એકપક્ષીય રીતે લીધો હતો. એટલે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ કુમારસ્વામીને ક્યાં સુધી સહન કરશે એ સવાલ રહે છે.

બીજો મુદ્દો દેવેગૌડાના પરિવારમાં આ બાબતે પ્રવર્તતા મતભેદોનો છે. કહે છે કે ચૂંટણીનાં પરિણામો પછી તુરત જ ભાજપે જનતાદળ (એસ)ને નાયબ મુખ્યપ્રધાનપદની ઑફર કરી હતી ત્યારે એ ઑફરને સ્વીકારી લેવાને બદલે કોંગ્રેસની ઑફરની રાહ જોવાનું કુમારસ્વામીના પિતા પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવેગૌડાએ સૂચવ્યું. એ દરમિયાન કુમારસ્વામીના નાના ભાઈ એચ.ડી. રેવન્નાએ પિતા સમક્ષ એવી વાત મુકી કે કુમારસ્વામી અગાઉ મુખ્યપ્રધાન બની ચૂક્યા છે. આ વખતે મુખ્યપ્રધાન કે નાયબ મુખ્યપ્રધાન બનવાનો મારો વારો છે. રેવન્નાના ટેકેદારો ભાજપની ઑફર સ્વીકારી લેવાના મૂડમાં હતા. એવે જ વખતે કોંગ્રેસે કુમારસ્વામીને મુખ્યપ્રધાનપદની ઑફર કરીને કરાર પર તત્કાલ હસ્તાક્ષર કરવા જણાવ્યું. કુમારસ્વામીએ વિચાર્યું કે પિતાજીને પૂછવા જતાં નાના ભાઈની માગણી સામે આવશે અને નિર્ણયમાં વિલંબ થશે તો તક ચાલી જશે. એટલે તેમણે કોંગ્રેસ સાથે કરાર કરી નાખ્યા. રેવન્નાની દુભાયેલી લાગણીને પ્રધાનમંડળની રચના વખતે કેવી રીતે શાંત કરવામાં આવે છે એ પણ જોવાનું રહેશે. મતલબ કોંગ્રેસ અને જનતા દળ (એસ) બંને પક્ષમાં આંતરિક સ્તરે અસંતોષના અંકુરો ફૂટેલા છે. એ ભવિષ્યમાં વિક્સે છે કે નહીં તેને કોઈ ખાતર-પાણી આપીને ઉછેરે છે કે કેમ એ જ જોવાનું રહેશે.
——————————.
 રાષ્ટ્રીયસ્તરે બનતી સાંપ્રત ઘટનાઓનું ત્વરિત, તટસ્થ વિશ્લેષણ વાંચવા ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો

રાજકાજ
Comments (0)
Add Comment