પ્રદેશ વિશેષઃ જૂનાગઢની સંગીત કંપનીનો ડિજિટલ માર્કેટમાં વર્લ્ડ રેકોર્ડ !

વાર્તાનો સંગ્રહ 'મનોવ્યથા' વિમોચન સમારંભ લગ્નના દિવસે

પ્રદેશ વિશેષ

જૂનાગઢની સંગીત કંપનીનો ડિજિટલ માર્કેટમાં વર્લ્ડ રેકોર્ડ !
ઈન્ટરનેટના આગમન બાદ એમપીથ્રી, વીસીડી અને છેલ્લે ડીવીડીનું માર્કેટ ખતમ થઈ ગયું. દેશભરમાં અનેક મોટી સંગીત કંપનીઓને તાળાં લાગી ગયાં. જેમાં ગુજરાતની પણ અનેક મોટી કંપનીઓ સામેલ હતી. ઈન્ટરનેટ અને સ્માર્ટફોનના વધતા જતા વ્યાપે સ્થાનિક સંગીતની કમાણી ઝીરો કરી નાખી હતી. આવી કપરી પરિસ્થિતિ વચ્ચે જૂનાગઢની એક સંગીત કંપની નામે સ્ટુડિયો સરસ્વતીએ આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો. તેણે પોતાની યુ-ટ્યૂબ ચેનલ શરૃ કરી અને આજે આ કંપનીએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેનું એક ગીત ચાર બંગડીવાળી ગાડી..યુ-ટ્યૂબ પર સર્વાધિક ૧૧ કરોડ ૨૫ લાખથી વધુ વ્યૂઅર્સ મેળવનારું પ્રથમ ગુજરાતી ગીત બની ગયું છે. ડિજિટલ પ્લેટફોર્મ પર અત્યાર સુધીમાં કોઈ ગુજરાતી ગીતને આટલા વ્યૂઅર્સ મળ્યા નથી. આ સાથે જ કંપનીના યુ-ટ્યૂબ પેજ સબસ્ક્રાઈબર્સની સંખ્યા પણ ૧૨ લાખે પહોંચવા આવી છે. વૈશ્વિક એવી આ સફળતાની કંપની દ્વારા હાલમાં જ અમદાવાદ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિક્રમ ઠાકોર, કીર્તિદાન ગઢવી, જિજ્ઞેશ કવિરાજ, અરવિંદ વેગડા સહિતના જાણીતા કલાકારોએ હાજરી આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આજે માર્કેટમાં લોકપ્રિય ગુજરાતી ગીતોના લિસ્ટમાં સ્ટુડિયો સરસ્વતીનાં ગીતો સૌથી વધુ છે. જોકે, કંપનીના માલિક મનોજભાઈ જોબનપુત્રા પોતાની આ સફળતાનો શ્રેય ગુજરાતી ઓડિયન્સને આપે છે.
————————-.

લગ્ન પહેલાં પુસ્તક વિમોચન અને લગ્ન પછી પરીક્ષા
કચ્છના માંડવીની એક યુવતી સામે વિકટ પરિસ્થિતિ આવીને ઊભી રહી હતી, પરંતુ તેના નસીબ બીજી યુવતીઓ કરતાં વધુ સારા હતાં. તેનાં સાસરિયાંઓએ તેને લગ્નની વિધિને વધુ મહત્ત્વ આપવાના બદલે પરીક્ષાને મહત્ત્વ આપવા સમજાવ્યું અને તેઓ નવવધૂ બનનારી યુવતીને લગ્ન પછી પોતાની સાથે લઈ જવાના બદલે પરીક્ષા આપવા પિયર જ રાખી, પરીક્ષા પતી ગયા પછી એટલે લગ્નના લગભગ દસ દિવસે તેને સાસરે તેડી ગયાં. બેચલર ઓફ ફાર્મસીના બીજા વર્ષની (ચોથા સેમેસ્ટરની) પરીક્ષા લગ્નના બીજા દિવસે આપનારી રીટા રમેશભાઈ જોષી (લગ્ન પછી રીટા અક્ષય દાદલ) આ અંગે કહે છે, ‘મારા સાહિત્યકાર પિતા અને માતા મને હંમેશાં ભણવા માટે પ્રોત્સાહન આપતાં હતાં. મારે ડ્રગ ઇન્સ્પેકટર બનવું છે એટલે મેં બી.ફાર્મ.નો કોર્સ લીધો. મન દઈને ભણતી હતી, તેવામાં મારા લગ્ન નક્કી થઈ ગયાં. અમદાવાદમાં રહેતાં મારાં સાસરિયાંએ મને ભણવાનું ચાલુ રાખવાની અને લગ્ન પછી સાસરે જઈને અભ્યાસ પૂરો કરવાની છૂટ આપી હતી. હું ખૂબ ઉત્સાહમાં ભણતી હતી. બીજા વર્ષની – ચોથા સેમેસ્ટરની પરીક્ષા નજીક આવી હતી અને ત્યાં મારાં લગ્નની તારીખ નક્કી થઈ. પરીક્ષાની સંભવિત તારીખો પણ આવી ગઈ હતી. લગ્ન અને પરીક્ષા વચ્ચે પૂરતો ગાળો હતો, તેથી ચિંતા ન હતી, પરંતુ લગ્નના ૫-૬ દિવસ પહેલાં જ પરીક્ષાની સાચી તારીખ આવી. જે મુજબ પરીક્ષા લગ્નના બીજા દિવસે સવારથી જ ચાલુ થતી હતી. હવે શું કરવું બધા મૂંઝાઈ ગયા. મારાં લગ્ન સમૂહ લગ્નોત્સવમાં થવાના હતાં. લગ્ન લખાઈ પણ ગયા હતા. આમ છતાં મારાં સાસરિયાંઓએ મને કહ્યું, તું ચિંતા ન કર. આપણે લગ્નની તારીખ ફેરવી નાખીએ, પરંતુ બધી જ તૈયારી થઈ ગઈ હતી. તારીખ ફેરવવી મુશ્કેલ હતી. મારી બહેનપણીઓએ તો મને ડ્રોપ લેવાનું સૂચવ્યું. જોકે મારી વર્ષ દરમિયાન પૂરી તૈયારી થઈ ગઈ હતી. મારી તૈયારી હતી લગ્નના પછીના દિવસે જ પરીક્ષા આપવાની, પરંતુ એક પેપરનો સવાલ ન હતો. પરીક્ષા દસ દિવસ ચાલવાની હતી. છતાં મારાં સાસરિયાંઓએ મને કહ્યું, ચિંતા ન કર. તારી પરીક્ષા પતે પછી જ તને અમદાવાદ લઈ જઈશું. તું લગ્નની કોઈ જાતની ચિંતા ન કરતી. આવી જ હિંમત તેમણે મારાં માતા-પિતાને પણ આપી.

આ દરમિયાન જ રીટાએ લખેલી વિવિધ વાર્તાનો સંગ્રહ મનોવ્યથાપણ તૈયાર થઈ ગયો હતો. તેના વિમોચન સમારંભની તારીખ લગ્નના આગલા દિવસની નક્કી થઈ હતી. આથી આ કાર્યક્રમ પણ પાર પાડવાનો હતો. અનેક અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સુપેરે પાર પડ્યો અને આવ્યો લગ્નનો દિવસ. વિધિ માટે બહુ ઓછો સમય લઈને રીટાને ભણવા માટેનો સમય અપાયો હતો. લગ્ન રંગેચંગે પતી ગયાં.

ત્યાર પછીની બાકીની વિધિ ઝટપટ પતાવીને બપોરે ૪ વાગે તો તે રૃમ બંધ કરીને પરીક્ષાનું વાંચવા પણ બેસી ગઈ હતી. લગ્ન પછીના દિવસે સવારે ૮ વાગે પ્રેક્ટિકલની પરીક્ષા હતી. તેણે નવવધૂના શણગાર ઉતાર્યાં અને પરીક્ષા માટે સજ્જ બની. સવારે હિંમતથી તેણે પરીક્ષા આપી. દસ દિવસ સુધી પરીક્ષા આપ્યાં પછી માતા-પિતાએ તેને સાસરે વળાવી.
————–.

(માહિતીઃ સુચિતા બોઘાણી કનર -ભુજ, નરેશ મકવાણા -અમદાવાદ)

નરેશ મકવાણાપ્રદેશ વિશેષસુચિતા બોઘાણી કનર
Comments (0)
Add Comment